‘સરકારે ભ્રષ્ટાચારમુક્ત ભારતનું વચન આપ્યું હતું’

    • લેેખક, મયૂરેશ કોણ્ણૂર
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 2011માં યુપીએની કેન્દ્ર સરકારને પોતાના આંદોલનથી ધ્રુજાવી દેનારા અણ્ણા હજારેએ હવે એનડીએની કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી છે.

અણ્ણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

જેમાં તેમણે કેન્દ્ર સરકારે વચનો ન પાળ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે.

પત્રમાં નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી એકવાર આંદોલન કરવાની ચીમકી આપી છે.

બીબીસીએ રાલેગાંવ સિદ્ધિમાં અણ્ણા હજારેની મુલાકાત કરી. તેમણે વર્તમાન કેન્દ્ર સરકારની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો.

મોદીએ લોકપાલ માટે કંઈ ન કર્યું

અણ્ણા હજારેએ કહ્યું કે લોકોને અપેક્ષા હતી અને આ સરકારે વચન પણ આપ્યું હતું કે તેઓ અમને ભ્રષ્ટાચારમુક્ત ભારત આપશે, પણ હવે ત્રણ વર્ષ થઇ ગયાં કશું થયું નથી.

તેમણે કહ્યું, “અગાઉની કોંગ્રેસ સરકારે અમને શક્તિવિહોણો કાયદો આપ્યો હતો. હવે ત્રણ વર્ષ પછી નરેન્દ્ર મોદી સરકારે પણ એ લોકપાલને કોઇ સત્તા આપી નથી.”

જ્યારે અણ્ણાને પૂછવામાં આવ્યું કે, 2011માં તેમણે લોકપાલ માટે રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરી, ત્યારબાદ સંસદે ખરડો પસાર ન કર્યો. પરંતુ વર્તમાન સરકારને ત્રણ વર્ષ થઈ ગયાં છે. છતાં એ હજી સુધી ચૂપ કેમ છે?

આ પ્રશ્નનાં જવાબમાં અણ્ણાએ કહ્યું, “તેનું એક કારણ છે. અમે નવી સરકારને ઠરીઠામ થવા માટે સમય આપવા ઇચ્છતા હતા. કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું હતું. તેથી અમે ચળવળ સતત ચાલુ રાખી હતી.”

તેમણે વધુમાં કહ્યું, “પણ આ લોકો (ભાજપ) સત્તામાં નવા હતા. તેમને સમય આપવો જરૂરી હતો. નવી સરકારે સોગંદ લીધા કે તરત જ અમે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોત તો લોકોએ એવું કહ્યું હોત કે એ યોગ્ય નથી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આથી મેં ત્રણ વર્ષ સુધી રાહ જોઈ હતી. હું સરકારને આ બાબતે સતત પત્રો લખતો રહ્યો હતો. હવે ત્રણ વર્ષ પછી મને સમજાયું છે કે આ સરકારને કંઈ કામ કરવામાં રસ નથી ત્યારે મેં ચળવળ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.”

‘મોદી કરતા ફડણવીસ એક ડગલું આગળ રહેશે’

ગૌમાંસ પર પ્રતિબંધ અને ત્યારબાદ દેશના કેટલાક ભાગોમાં થયેલી હિંસક ઘટનાઓ બની. ટોળાંઓએ હુમલા કર્યા હતા. કેટલાક લોકોનાં મોત પણ થયાં હતાં. વડાપ્રધાને ખુદ દરમિયાનગીરી કરીને એ ઘટનાઓને વખોડી કાઢી હતી. આ મુદ્દે અણ્ણાનો પ્રતિભાવ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, “વડાપ્રધાન ખરેખર એવું માનતા હોય તો તેમણે આ સંબંધે કોઇ પગલાં કેમ લીધાં નહીં? તે દેશના વડાપ્રધાન છે અને તમે એ હિંસા આચરનારા તમામ લોકો તમારા છે એટલે તમે તેમની સામે પગલાં લીધાં નહોતા.”

અણ્ણાએ 2015માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કામને નરેન્દ્ર મોદીના કામ કરતાં વધુ સારૂં હોવાનું જણાવ્યું હતું.

આ વિશે તેમણે કહ્યું, “હું કોઈ રાજકીય પક્ષના સંદર્ભમાં નહીં, પણ વ્યક્તિત્વને જોઉં છું. મારા માટે દેવેન્દ્ર ફડણવીસનું કામ નરેન્દ્ર મોદી કરતાં હંમેશા એક ડગલું આગળ હશે. કારણ કે દેવેન્દ્ર ફડણવીસ ભ્રષ્ટ નથી.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો