You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અર્શદીપસિંહે ટી20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, બુમરાહ, હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલ પણ તેનાથી પાછળ
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે મંગળવારે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટી20 મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને સાત વિકેટે પરાજય આપ્યો છે.
ભારતે ટોસ જીતીને ઇંગ્લૅન્ડને પ્રથમ બેટિંગ આપ્યા પછી ઇંગ્લૅન્ડની ટીમ 132 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 12.5 ઓવરમાં માત્ર ત્રણ વિકેટના ભોગે આ જીત માટે જરૂરી લક્ષ્યાંક મેળવી લીધું હતુંં.
જોકે, આ મૅચના કારણે મીડિયમ પેસ બૉલર અર્શદીપસિંહ એકદમ ચમકી ગયા છે, કારણ કે ટી20 ક્રિકેટમાં હવે તેઓ ભારત તરફથી સૌથી વધારે વિકેટો ઝડપનાર બૉલર બની ગયા છે.
અર્શદીપે માત્ર 61 મૅચમાં 97 વિકેટ ઝડપી છે. તેમણે યુજવેન્દ્ર ચહલના 96 વિકેટના રેકૉર્ડને તોડ્યો છે. ચહલે 80 મૅચમાં આટલી વિકેટો ખેરવી હતી. સાથે સાથે તેમણે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને પણ પાછળ રાખી દીધા છે.
અર્શદીપસિંહે ઇંગ્લૅન્ડ સામે જ વર્ષ 2022થી ટી20 ક્રિકેટની શરૂઆત કરી હતી અને આટલા ટૂંકા ગાળામાં આ ફૉર્મેટમાં ભારતના સૌથી ઉપયોગી બોલર તરીકેનું સ્થાન જમાવી દીધું છે.
લૅફ્ટ -આર્મ ફાસ્ટ પેસ બૉલર તરીકે અર્શદીપે ઇંગ્લૅન્ડના ઓપનર્સ ફિલ સૉલ્ટ અને બૅન ડકેટને આઉટ કરીને પોતાની 61મી ટી20માં આ સફળતા મેળવી છે.
ટી20માં ભારતના ટૉપ બૉલર્સ
ભારત વતી અર્શદીપસિંહ અને ચહલ પછી ત્રીજા નંબર પર હાર્દિક પંડ્યા છે જેમણે 110 મૅચમાં 91 વિકેટો લીધી છે.
ચોથા નંબર પર ભુવનેશ્વરકુમાર છે જેમણે 87 મૅચમાં 90 વિકેટ ઝડપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસપ્રીત બુમરાહ પાંચમા ક્રમે છે જેમને 70 ટી20 મૅચમાં 89 વિકેટ મળી છે.
ટૉપના અન્ય બૉલર્સમાં રવિચંદ્રન અશ્વિન પણ સામેલ છે જેમણે તાજેતરમાં ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિકેટ ઝડપવામાં અશ્વિન છઠ્ઠા નંબરે છે અને તેમણે 65 મૅચમાં 72 વિકેટો મેળવી છે, ત્યાર પછી સાતમા ક્રમે કુલદીપ યાદવ છે જેમને 40 મૅચની અંદર 69 વિકેટો મળી છે.
આ લિસ્ટમાં આઠમા નંબરે અક્ષર પટેલનું નામ પણ સામેલ છે. અક્ષર પટેલે 67 ટી20 મૅચમાં 67 વિકેટો ઝડપી છે અને ભારત માટે બહુ ઉપયોગી બોલર સાબિત થયા છે. ત્યાર બાદ નવમા નંબર પર રવિ બિશ્નોઈ છે જેમણે 38 મૅચમાં 56 વિકેટો મેળવી છે અને પોતાની ટીમ માટે અસરકારક સાબિત થયા છે.
મૂળ ગુજરાતના રવિન્દ્ર જાડેજા પણ ભારતના ટૉપ 10 બૉલરોમાં 10મા નંબર પર છે. લૅફ્ટ-આર્મ સ્પિનર તરીકે જાડેજાએ 74 મૅચમાં 54 વિકેટો મેળવી છે.
ઇંગ્લૅન્ટ સામેની મૅચમાં મંગળવારે ભારતીય ઑપનર અભિષેક શર્માએ 34 રનમાં 79 રન બનાવીને મજબૂત પાયો નાખ્યો હતો.
તેમણે પોતાની ઇનિંગમાં 8 સિક્સર ફટકારી હતી અને પાંચ ચોગ્ગા પણ માર્યા હતા. આ સિરીઝમાં ભારત હાલમાં 1-0થી આગળ છે. હવે 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં બીજી ટી20 મૅચ રમાશે.
કોણ છે અર્શદીપસિંહ?
અર્શદીપસિંહનો જન્મ 5 ફેબ્રુઆરી 1999ના રોજ મધ્ય પ્રદેશના ગુણા ખાતે થયો છે. ટૂંક સમયમાં તેમનો 26મો જન્મદિવસ આવવાનો છે. તેઓ ડાબોડી બૅટ્સમૅન અને લૅફ્ટ આર્મ મિડિયમ ફાસ્ટ બૉલર છે. ભારત માટે અંડર 19 અને અંડર 23માં પણ રમી ચૂક્યા છે.
અર્શદીપને મૅચની અંતિમ ઓવરો ફેંકવા માટે સ્પેશિયાલિસ્ટ ગણવામાં આવે છે જેને 'ડેથ ઓવર્સ' પણ કહેવામાં આવે છે કારણ કે, તેઓ પોતાના વેધર યૉર્કર બૉલ માટે વિખ્યાત છે.
ઇંગ્લૅન્ડ સામે ટી20થી રમવાનું શરૂ કર્યા પછી વેસ્ટ ઇન્ડિઝમાં તેમણે પાંચ મૅચમાં સાત વિકેટ ઝડપી હતી અને 2022ના ટી20 એશિયા કપમાં પણ અર્શદીપનો સમાવેશ કરાયો હતો.
2018માં અંડર-19 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમમાં અર્શદીપસિંહ પણ સામેલ હતા. 2019માં તેમનો સમાવેશ પંજાબ કિંગ્સની આઈપીએલ ટીમમાં થયો હતો.
ટી-20 ફૉર્મેટના ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ લીધી છે. તેમણે કુલ 164 વિકેટ ઝડપી છે તેમજ અફઘાનિસ્તાનના રાશિદ ખાને 161 વિકેટ અને ત્રીજા નંબરે બાંગ્લાદેશના શાકિબ અલ હસને 149 વિકેટ લીધી છે.
ટી-20ના સૌથી વધુ વિકેટ લેનારા બૉલરોના લિસ્ટમાં ટૉપ 10 બૉલરોમાં ભારતનો એક પણ બૉલર સામેલ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન