સુરત : ભાજપના સાંસદને હાઇકોર્ટનો સમન્સ મળ્યા બાદ શું ફરીથી ચૂંટણી યોજાશે?

મુકેશ દલાલ અને સી.આર.પાટીલ

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT

ઇમેજ કૅપ્શન, મુકેશ દલાલ અને સી.આર.પાટીલ
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરત લોકસભા બેઠકના ભાજપ સાંસદ મુકેશ દલાલની બિનહરીફ ચૂંટણીનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. કૉંગ્રેસે મુકેશ દલાલની જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી છે, જેમાં હાઇકોર્ટે સંસદસભ્યને નોટીસ આપી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલાં જ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજયી જાહેર કરી દેવામાં આવ્યા હતા. તેમની આ જીત પાછળનું સૌથી મોટું કારણ કૉંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ થવાનું હતું.

નિલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી. જે બાદ ચૂંટણીઅધિકારીએ તેમનું ફૉર્મ રદ કર્યું હતું. એ બાદ અન્ય પક્ષના તથા અપક્ષ ઉમેદવાર ખસી ગયા હતા, જેના કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ એ જ દિવસે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

કૉંગ્રેસે અરજીમાં શું કહ્યું?

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને (ડાબે) વિજયનું સર્ટિફિકેટ આપી રહેલા કલેક્ટર ડૉ. સૌરભ પારઘી

ઇમેજ સ્રોત, RUPESH SONWANE

ઇમેજ કૅપ્શન, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને (ડાબે) વિજયનું સર્ટિફિકેટ આપી રહેલા કલેક્ટર ડૉ. સૌરભ પારઘી

કૉંગ્રેસ પાર્ટીએ ગુજરાત હાઇકોર્ટમાં બે અરજી દાખલ કરી છે. એક અરજી કૉંગ્રેસના હોદ્દેદારો કલ્પેશ બારોટ, ફિરોઝ મલેક તથા અશોક પીંપરે દ્વારા કરવામાં આવી છે. જ્યારે બીજી અરજી હિતેશ સોસા દ્વારા કરવામાં આવી છે.

આ અરજીઓમાં કૉંગ્રેસે માગ કરી છે કે મુકેશ દલાલનો વિજય રદ કરવામાં આવે અને સુરત લોકસભા બેઠકની ચૂંટણી માટેનો હુકમ કરવામાં આવે. સાથે-સાથે કૉંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોનાં ફૉર્મ કયાં કારણોસર રદ કરાયાં હતાં એની પણ તપાસ કરવામાં આવે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલના સભ્ય ઍડ્વૉકેટ ઝમીર શેખ કહે છે, "નિલેશ કુંભાણીના ટેકેદારોએ ડેપ્યુટી કલેક્ટર પાસે જઈને સુરત લોકસભા વિસ્તારના મતદાતા હોવાનું અને ટેકેદાર બનવા માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું."

"ત્યાર બાદ એ જ ટેકેદારો પોતાની સહી ન હોવાનું કહ્યું હતું. રિટર્નિંગ ઑફિસરે પણ સહીની ખરાઈ કર્યા વગર અને ફૉરેન્સિક પુરાવા વગર જાતે જ નક્કી કરી દીધું હતું કે સહીઓ ખોટી છે અને નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરી નાખ્યું હતું. આ બાબતો સાથે ચૂંટણીઅધિકારી, ભાજપના સાંસદ મુકેશ દલાલ અને ટેકેદારો સામે અરજી દાખલ કરાઈ છે."

અરજી કરનારા કૉંગ્રેસ કાર્યકર કલ્પેશ બારોટ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "સામ અને દામનો ઉપયોગ કરીને ભાજપએ સુરત બેઠક જીતી છે. કાવતરું કરીને ભાજપે ચૂંટણીમાં લાખો મતદારોને મતદાનથી વંચિત રાખ્યા હતા. જેથી અમે ભાજપના નેતાઓની સામે કાયદાકીય લડત ઉપાડી છે. અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર અમારા હિતમાં નિર્ણય લઈ ચુકાદો આપશે."

તો આ મામલે રાજકિય વિશ્લેષક નરેશ વરિયા કહે છે, "આખા દેશમાં લગભગ સાતેક રાજ્યમાં ચૂંટણીપરિણામોને મામલે હાઇકોર્ટમાં અરજીઓ દાખલ થઈ છે. હું માનું ત્યાં સુધી આ પહેલો એવો મામલો છે કે બિનહરીફ ચૂંટાયા બાદ ચૂંટણી રદ થઈ હોય અને કોઈ વ્યક્તિએ તેને હાઇકોર્ટમાં પડકાર્યો હોય. હાઇકોર્ટ હવે આમાં તથ્યો ચકાસીને બંધારણના નિયમોને આધીન નિર્ણય લઈ શકે છે."

હાઇકોર્ટમાં શું દલીલ થઈ?

ઍડ્વૉકેટ ઝમીર શેખ કહે છે,"અરજીની સુનાવણી દરમિયાન નામદાર જજે અરજી કરનાર વ્યક્તિને ત્રાહિત પક્ષ ગણાવી અરજી કરવાનું કારણ પૂછ્યું હતું. અમે કોર્ટને જણાવ્યું કે અરજી કરનાર સુરત લોકસભા બેઠકના મતદારો છે અને એટલે તેઓ અરજી કરી રહ્યા છે. કોર્ટે અમારી દલીલ ગ્રાહ્ય રાખીને અરજીને સ્વીકારી છે અને મુકેશ દલાલને સમન્સ પાઠવ્યો છે."

હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીની બેન્ચએ ભાજપના સાંસદ મુકેશ દલાલને 9 ઑગસ્ટના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. મુકેશ દલાલ વતી તેમના વકીલ હવે કોર્ટમાં જવાબ આપશે અને ત્યાર બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

તો સુરતમાં ફરીથી ચૂંટણી યોજાશે?

નીલેશ કુંભાણી

ઇમેજ સ્રોત, BBC/ SHEETAL PATEL

ઇમેજ કૅપ્શન, નીલેશ કુંભાણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફોર્મ્સ' (એડીઆર)ના સ્થાપક સભ્ય પ્રોફેસર જગદીપ છોકર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "સુરત લોકસભા બેઠકમાં ચૂંટણી થઈ શકે કે નહીં તેનો સમગ્ર મદાર અરજીકર્તા પર છે, જે આ કેસમાં કૉંગ્રેસ પાર્ટી છે."

"સુનાવણી દરમિયાન જો કૉંગ્રેસ પાર્ટી મજબૂત રીતે દલીલ કરે અને બધી વિગતો રજૂ કરે તો કોર્ટ આ મામલે કોઈ નિર્ણય લઈ શકે છે. ચુકાદો આપતા પહેલાં કોર્ટ વિવિધ પાસાંનું અવલોકન કરશે અને જો કોર્ટને લાગે કે પ્રક્રિયામાં ચૂક હતી તો કોર્ટ પુનઃ ચૂંટણી માટેનો હુકમ કરી શકે છે."

સુરત લોકસભા બેઠકમાં બિનહરીફ જાહેર થયા બાદ કૉંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ભાજપે લોકોના મતદાનનો અધિકાર છીનવી લીધો છે. પાર્ટીના નેતાઓ કહે છે કે કોઈ ઉમેદવાર ન હોય તો પણ વહીવટી તંત્રને નોટા સાથે ચૂંટણી યોજવી જોઈતી હતી.

વકીલ તરીકે પ્રૅક્ટિસ કરતા અને કૉંગ્રેસ લીગલ સેલમાં કાર્યરત યોગેશ રવાણી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "ચૂંટણી થવી જરૂરી છે, જેથી લોકોનો લોકશાહીમાં ભરોસો જળવાઈ રહે."

"રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટ પ્રમાણે કોર્ટ સમગ્ર કેસનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. ઇતિહાસમાં દાખલો છે જ્યારે અલાહાબાદ હાઈકોર્ટે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની ચૂંટણી રદ કરી દીધી હતી."

નિષ્ણાતો અનુસાર ચૂંટણી બાબતે રિર્ટર્નિંગ ઑફિસર પાસે કેટલીક સત્તાઓ છે, જેને તેઓ અમલમાં મૂકી શકે છે.

જગદીપ છોકર કહે છે કે, "ચૂંટણીપંચના કાયદા પ્રમાણે જો ચૂંટણીમાં એક જ ઉમેદવાર હોય તો રિટર્નિંગ ઑફિસર બેઠકને બિનહરીફ જાહેર કરી શકે છે. અધિકારી એવું કહી શકે છે કે બેઠકમાં ચૂંટણીની જરૂર નથી."

"કાયદા પ્રમાણે ચૂંટણીમાં જો નોટા અને એક જ ઉમેદવાર વચ્ચે ચૂંટણી થાય છે અને નોટામાં 99.99 ટકા મતદાન થાય તો પણ ઉમેદવારને જ વિજેતા જાહેર કરવામાં આવશે. સુરતની બેઠકમાં એક જ ઉમેદવાર હતા અને એટલે રિટર્નિંગ ઑફિસરે કાયદા પ્રમાણે નિર્ણય કર્યો છે, પરંતુ કૉંગ્રેસ તેને કોર્ટમાં પડકારી શકે છે."

કૉંગ્રેસની તરફેણમાં ચૂકાદો આવે તો...

ગુજરાત હાઇકોર્ટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

નિષ્ણાતો પ્રમાણે આ કેસમાં કૉંગ્રેસ એ સાબિત કરવામાં સફળ રહે કે એના ઉમેદવાર સાથે ખોટું થયું છે તો કોર્ટ તેની તરફેણમાં ચુકાદો આપી શકે છે.

રાજકીય વિશ્લેષક નરેશ વરિયા જણાવે છે, "આ પ્રક્રિયા બહુ લાંબી છે. હાઇકોર્ટે મુકેશ દલાલને સમન્સ આપ્યો તો એમણે હાજર થવું પડશે. હવે જોવાનું છે કે આગળ કોર્ટ શું નિર્ણય કરે છે. જો કૉંગ્રેસ એવું સાબિત કરે કે પાર્ટીના ઉમેદવાર સાથે ખોટું કરવામાં આવ્યું છે તો કલેક્ટરને પણ નોટિસ મળી શકે છે."

તેઓ પોતાની વાત આગળ વધારતાં ઉમેરે છે, "કૉંગ્રેસે જે અરજી દાખલ કરી, તેના આધારે આ સમન્સ પાઠવવામાં આવ્યા. પરંતુ આ કેસમાં જો ઉમેદવાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હોત તો વધુ યોગ્ય હોત પરંતુ બધા જ ઉમેદવારો ખસી ગયા છે."

અમદાવાદમાં વકીલાત કરતા ઍડ્વોકેટ રાજેન્દ્ર શુક્લ પણ માને છે કે સુરતના મતદારો સાથે અન્યાય થયો છે અને કોર્ટ ચૂંટણી માટેનો આદેશ આપી શકે છે. તેમના મતે કૉંગ્રેસે પુરવાર કરવાનું છે કે બિનહરીફ જાહેર કરતી વખતે નિયમોનું યોગ્ય રીતે થયું નહોતું.

બીબીસી સંવવાદાતા જય શુક્લ સાથે વાત કરતાં સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ અગાઉ જણાવ્યું હતું, "ભારતીય ચૂંટણીપંચની જે માર્ગદર્શિકા છે તે પ્રમાણે જો એક જ ઉમેદવાર હોય તો ચૂંટણી યોજવાની જરૂર રહેતી નથી અને તેને બિનહરીફ જાહેર કરી શકાય છે."

મુકેશ દલાલ અને નિલશે કુંભાણીનું શું કહેવું છે?

મુકેશ દલાલને સમન્સ પાઠવાયા બાદ તેમણે બીબીસીને જણાવ્યું હતું, "હજી સુધી મને કોઈ સમન્સ મળ્યો જ નથી. મીડિયાવાળા મને ફોન કરીને કહી રહ્યા છે પરંતુ મને સમન્સ મળ્યો જ ન હોય તો હું શું જવાબ આપું."

જોકે, તેમણે એવું પણ જણાવ્યું હતું, "જોકે, સમન્સ આવે તો પણ કોઈ મોટી વાત પણ નથી. અમે જવાબ આપવા તૈયાર છીએ. પાર્ટી જેમ માર્ગદર્શન આપશે તેમ ઍડ્વોકેટ રોકીને કાયદાકીય રીતે આગળ વધીશું."

આ સમગ્ર મામલે નિલેશ કુંભાણીએ બીબીસીને જણાવ્યું હતું, "આ વિશે મને કોઈ વાતની જાણ જ નથી તો મારે શું જવાબ આપવો? જે દિવસે મારા નામનો સમન્સ મળશે એ દિવસે હું જવાબ આપીશ. હાલ તો હું સમાજસેવા કરી રહ્યો છું. કૉંગ્રેસ પાર્ટીએ મને સસ્પેન્ડ કર્યો છે પરંતુ હું હજી પણ પાર્ટી સાથે જ છું અને રહીશ."

આ સમગ્ર મામલો શું છે?

ચૂંટણી બાબતે રિર્ટનિંગ ઑફિસર પાસે અમુક સત્તાઓ છે, જેનો તેઓ અમલમાં મૂકી શકે છે

ઇમેજ સ્રોત, BBC/RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, ચૂંટણી બાબતે રિર્ટનિંગ ઑફિસર પાસે અમુક સત્તાઓ છે, જેનો તેઓ અમલમાં મૂકી શકે છે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરી દેવાયું હતું અને ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારીપત્રક અંગે ભાજપે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે નીલેશ કુંભાણીના ટેકેદારોની સહી યોગ્ય નથી. વિવાદ બાદ કૉંગ્રેસના ઉમેદવારના ટેકેદારો હાજર ન થતાં આ ફૉર્મ રદ થયું હતું.

આ મામલે રિટર્નિંગ ઑફિસર સમક્ષ બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી અને પછી ચુકાદો આપવામાં આવ્યો હતો.

નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી. આથી, કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો.

એ બાદ નીલેશ કુંભાણીએ એવો દાવો કર્યો હતો કે તેમના ટેકેદારો હાજર થશે. જોકે, તેમના ટેકેદારો હાજર થયા ન હતા.

ફૉર્મ રદ થઈ જતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને નાના પક્ષોના આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થાય એવાં સંજોગો ઊભા થયા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં બધા આઠ ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લેતાં મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.