You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
16 વર્ષની સગીરાએ આપઘાત કર્યો એ મોટા સુરકા ગામમાં કેવો છે માહોલ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ભાવનગર જિલ્લાનાં મોટા સુરકા ગામે પહેલાં ક્યારેય ન જોઈ હોય એટલી મોટરકાર એક પછી એક ગામમાં પ્રવેશતી જોવા મળી હતી. નાનકડા એવા મોટા સુરકા ગામમાં લાઇનબંધ મોટરકાર આવતી જોવા મળી હતી.
સુરતથી ઘણી કાર આવવાની છે તેવી અહીંના લોકોને જાણ તો હતી, પરંતુ તેની સંખ્યા આટલી વધારે હશે તેનો અંદાજ નહોતો.
સુરત, મુંબઈ અને ગુજરાતના અન્ય વિસ્તારોથી અનેક લોકો આ ગામમાં પોતાની કાર હંકારી ગયા હતા. તેમાંથી મોટા ભાગના લોકો સુરતમાં હીરાના વેપારીઓ છે અને કેટલાક મૂળ આ ગામ અને સુરતમાં જઈને વસેલા છે.
ગામ પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્રબિંંદુ હતું
શિહોર તાલુકાનું મોટા સુરકા ગામ એક સમયે પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્રબિંદુ હતું. ગામમાં મોટાં ભાગનાં ઘરોનાં દરવાજા પર તાળાં લટકે છે, કારણ કે આ પરિવારો સુરતમાં હીરાઉદ્યોગમાં કામ કરી રહ્યા છે.
સામાન્ય રીતે દિવાળીના વૅકેશનમાં ગામમાં આવતા લોકોને કારણે માત્ર દિવાળીના દિવસો પૂરતી ગામમાં રોનક જોવા મળે છે. પરંતુ ગામની એક દીકરીના આપઘાતના સમાચાર મળતાં તેમના પરિવારને સાંત્વના અને હિંમત આપવા માટે આ લોકો ગામમાં પહોંચ્યા હતા.
ગામમાં વધુ પડતી હલચલને પગલે આ નાનકડા ગામમાં પોલીસની પણ મોટી હાજરી હતી.
ઘટનાનું કારણ ગામની સગીરાએ કરેલો આપઘાત છે. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તેમની દિકરીની ગામના જ ત્રણ લોકો છેડતી કરતા હતા, જેના કારણે તેણે પોતાનો જીવ આપ્યો હતો.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયાના ત્રણ દિવસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. પરિવારજનો પોલીસ તપાસથી સંતુષ્ટ છે અને કહે છે કે તેમને ન્યાય પ્રક્રિયા અને પોલીસ કાર્યવાહી પર ભરોસો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીએ સામાવાળા પક્ષને મળવાનો અને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના ઘરે કોઈ હાજર ન હોવાથી કોઈની સાથે વાત થઈ શકી ન હતી.
મોટા સુરકા ગ્રામ પંચાયતનો કાર્યકાળ પુરો થઈ ગયો હોવાથી આ ગામમાં કોઈ સરપંચ નથી અને વહીવટદાર પંચાયત સંભાળી રહ્યા છે.
કન્યા શાળાઓમાં તપાસ
સુરતથી આ ગામમાં આવેલા વેપારી અને સમાજઅગ્રણી મીતેષ જસાણી બીબીસી સાથે વાત કરતાં કહે છે, “અમારા આવવાથી પરિવારને હિંમત મળી છે અને અમારા પરિવારની દીકરીએ છેલ્લું પગલુ ભરવું પડ્યું છે, તેવું પગલું ફરી બીજી કોઈ દિકરીને ન ભરવું પડે તે માટેનો અમારો આ પ્રયાસ છે.”
સમાજના લોકોને મોટા સુરકા ગામમાં આવવાનું આહ્વાન કરતાં સમાજના અગ્રણી વિજય માંગુકિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “અમે પોલીસને મળવા ગયા. પોલીસે અમને હિંમત આપી અને યોગ્ય તપાસ કરવાનો સધિયારો આપ્યો. ત્યારબાદ અમે દીકરીના પરિવારને મળીને તેમને ફરિયાદ કરવા માટે મનાવી લીધા. આ અંગે અમે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆતો કરી છે અને અમને આશા છે કે પોલીસ કાર્યવાહીથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ રોકી શકાશે.”
આ અંગે ભાવનગર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ડૉ. રવીન્દ્ર પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ કેસમાં તપાસ હાથ ધરાઈ છે અને ત્રણ લોકોની ધરપકડ થઈ ચુકી છે. આ પ્રકારની છેડતીની ઘટના અન્ય દીકરીઓ સાથે થઈ છે કે કેમ તેની અમે કન્યા શાળામાં જઈને તપાસ કરી રહ્યા છીએ.
પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ કામગીરીની તીવ્રતા વધારી દીધી છે અને વધુમાં વધુ શાળાઓ તેમજ છોકરીઓને મળીને સંબંધિત બાબતો અંગે પ્રોત્સાહિત કરી રહી છે.
જોકે, ઘણા લોકો એવું પણ માને છે કે જો પોલીસે આ કામગીરી થોડા દિવસો પહેલાં કરી હોત તો કદાચ આ ઘટના ન બની હોત, જેમાં એક 16 વર્ષની કિશોરીએ જીવ ગુમાવવો પડ્યો છે. ગામવાસીઓ પૈકીના મોટાભાગના ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
આ ગામથી શિહોર જતા રોડ પર ત્રણ કન્યા શાળાઓ અને એક કૉલેજ આવેલી છે, સાંજ પડે છોકરીઓનો સમુહ શાળાએથી છૂટીને ઘરે પરત ફરતો જોવા મળે છે.
મૃતક કિશોરીના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ છોકરી શાળાએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે કથિત આરોપીઓ તેમનો પીછો કરતા અને અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા. છોકરી ટ્યુશનમાં પણ જતી હતી અને ત્યાં પણ આ છોકરાઓ તેમને પરેશાન કરતા હતા.
મૃતક કિશોરીના પિતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “મારી દીકરી ભણવામાં ખુબ હોશિયાર હતી અને ભણીને તે પરિવારની પ્રથમ સ્નાતક બનવા માંગતી હતી. તે મને કહેતી કે તેનો ભાઈ ન ભણ્યો તો કંઈ નહીં પરંતુ તે ભણશે અને પરિવારનું નામ રોશન કરશે. પણ અમને ખબર નહોતી કે તેને આટલી હદે કોઈ પરેશાન કરી રહ્યું છે.”
ગામજનો પૈકી મોટા ભાગના લોકો વાતનો સૂર એવો છે કે, “સામાન્ય રીતે આ પ્રકારની ઘટનામાં છોકરીઓ નથી બોલતી કારણ કે તેમને બીક હોય છે કે જો પરિવારમાં કહેશે તો પરિવારજનો તેમનું ભણવાનું બંધ કરાવી દેશે. એટલા માટે કદાચ આ છોકરીએ પણ પોતાની આપવીતી પોતાના પરિવારને નહીં કહી હોય.”