ખેડા : પુત્રીનો અશ્લીલ વીડિયો વાઇરલ કરનાર યુવકને ઠપકો આપવા ગયા, BSF જવાન પિતાની હત્યા

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાની એક યુવક સાથે દોસ્તી થઈ હતી
  • વીડિયો વાઇરલ કરનાર યુવક શૈલેષ ઉર્ફે સુનિલ જાદવ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે
  • વીડિયો વાઇરલ કરનાર યુવકની ગેરહાજરીમાં તેના પરિવારજનોએ સગીરાના પરિવાર ઉપર હુમલો કર્યો હતો
  • તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે

"હું ધોરણ-10માં અભ્યાસ કરું છુ. હું સારા પરિણામ માટે ખૂબ જ મહેનત કરતી હતી. મારે નર્સ બનવું હતું પરંતુ હવે મને ભણવામાં કોઈ રસ રહ્યો નથી. કદાચ, હું આગળ નહીં ભણી શકું. મેં તો માત્ર મિત્રતા કરી હતી. જેના કારણે મારે મારા પિતા ગુમાવવા પડયા છે. જે હું જિંદગીભર ભૂલી નહીં શકું."

બીબીસી સમક્ષ આ શબ્દો સગીર વયની એક પીડિતાએ રડતાંરડતાં કહ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આ સગીરાની એક યુવક સાથે દોસ્તી થઈ હતી. યુવકે કથિત રીતે વીડિયો વાઇરલ કર્યો. યુવકને સમજાવવા ગયેલા પિતાએ જીવ ગુમાવ્યો છે અને હાલ સગીરાનો ભાઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઘટના ખેડા જિલ્લાના એક ગામની છે.

સગીરા માટે પ્રાણઘાતક એવા આ અનુભવે તેમને માનસિક રીતે તોડી નાંખી છે. એ પોતાની જાતને સવાલ પૂછી રહી છે, "મેં તો માત્ર દોસ્તી કરી હતી, તેમાં મારો શું વાંક હતો કે મારે પિતા ગુમાવવા પડ્યા, આવું મારી સાથે કેમ થયું? "

ઘટનાક્રમ

હુમલાની ઘટના ગત 24 ડિસેમ્બરની રાતે 10 વાગ્યાના અરસાની અને અમદાવાદ શહેરને અડીને આવેલાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાસી ગામની છે.

ઘટનાક્રમ જોઈએ તો 28 વર્ષથી બીએસએફમાં ફરજ બજાવતા મેલાજી વાઘેલાની રાજસ્થાનના બાડમેરમાં બદલી થઈ હતી તેઓ 15 દિવસની રજા લઈને પોતાના ગામ આવ્યા હતા.

દરમિયાન તેમના ધ્યાને આવ્યું કે ધોરણ 10માં ભણતી તેમની દીકરીનો અશ્લીલ વીડિયો વાઇરલ થયો છે. તેઓ સપરિવાર આ વીડિયો વાઇરલ કરનાર યુવકના ઘરે ઠપકો આપવા ગયા હતા.

અશ્લીલ વીડિયો વાઇરલ કરનાર યુવકની ગેરહાજરીમાં તેમના પરિવારજનોએ રજૂઆત સાંભળતાં જ સગીરાના આખા પરિવાર ઉપર કથિત રીતે હુમલો કરી દીધો હતો જેમાં બીએસએફના જવાન મેલાજી વાઘેલાનું મૃત્યું થયું અને તેમનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે હાલમાં હૉસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે.

આ ગંભીર ઘટનાના ગુજરાતમાં જ નહીં પણ દિલ્હી સુધી પડઘા પડ્યા છે. 25 ડિસેમ્બરે મૃતકનાં પત્ની 42 વર્ષીય મંજુલાબહેન વાઘેલાએ ચકલાસી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ અનુસાર, તેઓ તેમના પતિ મેલાજી વાઘેલા, તેમના બે દીકરા નવદીપ, હનુમંતા અને ભત્રીજા ચિરાગ સાથે નડિયાદના વનીપુરા ગામે રહેતા દિનેશ જાદવના ઘરે તેમના પુત્ર શૈલેષ ઉર્ફે સુનિલને ઘરે ઠપકો આપવા પહોંચ્યાં હતાં.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર દિનેશ જાદવ અને તેમના પરિવારજનોએ હુમલો કર્યો હતો. ફરિયાદ અનુસાર, દિનેશ જાદવે મેલાજીના માથે લાકડી મારી અને ભાવેશ જાદવે નવદીપના માથે ધારિયાથી હુમલો કર્યો હતો.

અન્યોએ પાવડા, દસ્તા સહિતનાં હથિયારો વડે કથિત હુમલો કર્યો હતો. આ હુમલામાં મેલાજી વાઘેલાનું મૃત્યુ થયું છે જ્યારે ગંભીર રીતે ઘાયલ નવદીપ હૉસ્પિટલમાં સારવાર હેછળ છે.

આ પ્રકરણમાં પોલીસે વનીપુરના દિનેશ જાદવ, અરવિંદ જાદવ, દિનેશના પિતા છબાભાઈ જાદવ, સચીન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાસબહેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબહેન ચીમનભાઈ જાદવ સહિતના 7 સામે આઇપીસી કલમ 302, 307, 323, 504, 143, 147, 148 હેઠળ ફરિયાદ નોંધી છે.

તમામની ધરપકડ કર્યા બાદ તેઓને કોર્ટ સમક્ષ રજુ કરતાં તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ ઘટનામાં વીડિયો વાઇરલ કરનારા યુવક શૈલેષ ઉર્ફે સુનિલ જાદવ સામે અલગથી પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

સગીરાનાં માતા શું કહે છે?

મૃતક મેલાજી વાઘેલાનાં પત્ની અને સગીરાનાં માતા મંજુલાબહેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, " મારી દીકરી દસમાં ધોરણમાં ભણે છે. મારો દીકરો અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં નોકરી કરે છે. મારી દીકરીનો વીડિયો વનીપુરના શૈલેષ જાદવ નામના યુવકે વાઇરલ કર્યો હતો. કોઈ અજાણી વ્યક્તિએ શનિવારે મારા દીકરાના મોબાઇલમાં આ વાઇરલ વીડીયો મોકલ્યો હતો. મારા દીકરાએ અમને જાણ કરી.”

તેઓ ઉમેરે છે, “અમે તપાસ કરી અને અમે વનીપુર શૈલેષ જાદવના ઘરે તેમને સમજાવવાં ગયાં હતાં. જેથી અમારી દીકરીની જિંદગી બરબાદ ન થાય. શા માટે વીડિયો વાઇરલ કર્યો તે જાણવા અને તેમને વીડિયો ડિલીટ કરવાનું સમજાવવા ગયા હતા."

હુમલા અંગે વાત કરતાં મંજુલાબહેન કહે છે, "હું, મારા બે દીકરા, મારા પતિ અને મારો ભત્રીજો અમે સાથે મળીને શૈલેષ જાદવના ઘરે ગયા હતા. તેઓએ અમારી રજૂઆતને સાંભળતા જ અમારા ઉપર હુમલો કરી દીધો. મારા પતિ ઉપર ધારિયાથી હુમલો કર્યો હતો અને અમને મારવા લાગ્યાં હતાં. મારથી હું બેભાન થઇ ગઈ હતી. થોડીવારે ભાનમાં આવતાં મેં મારા પરિવારના લોકોને ફોન કર્યો. તેઓએ 108 ઍમ્બ્યુલન્સ બોલાવી અને અમને હૉસ્પિટલ ખસેડ્યાં. જ્યાં સારવાર દરમિયાન મારા પતિને મૃત જાહેર કર્યા હતા. મારી તો દુનિયા જ લૂંટાઈ ગઈ."

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, " મારા પતિ મહેસાણા બીએસએફમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ તેઓની બદલી રાજસ્થાનના બાડમેરમાં થઈ હતી. જેથી તેઓ હાલ પંદર દિવસ રજા ઉપર આવ્યા હતા. આ રજાના સમયગાળા દરમિયાન આ હિંસક હુમાલામાં અમારા ઘરના મોભીને અમે ગુમાવ્યા છે. મારો દીકરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અમારા પરિવારની પણ ખુબ બદનામી થઈ છે. આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઇએ."

જેમનો કથિત વીડિયો વાઇરલ થયો હતો તે કિશોરી રડમસ અવાજે બીબીસી સાથે વાત કરતાં કહે છે, “આ યુવકને હું સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખતી હતી. તેણે મારી સાથે મિત્રતા કેળવી હતી. તેણે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ લઈ લીધો હતો અને મારા એકાઉન્ટ ઉપરથી જ ખુદને મેસેજ કરતો હતો અને ખૂદ જ જવાબ આપતો હતો.”

“બાદમાં તે બ્લૅકમેઇલ કરવા લાગ્યો કે જો તું મને મળવા નહીં આવે તો તારી ચૅટ વાઇરલ કરી દઈશ. હું ગભરાઈ ગઈ હતી. તેને મળવા ગઈ હતી. લગભગ એક મહિના પહેલા હું તેને મળવા ગઈ હતી. તે સમયે તેણે બળજબરીપૂર્વક મારા ફોટો પાડ્યા અને મારો વીડીયો બનાવ્યો હતો. આ વીડિયો વાઇરલ કરી દીધો હતો.”

પોલીસ શું કહે છે?

આ ઘટના અંગે નડિયાદના ડીસીપી વી.આર. બાજપાઈએ મીડિયાને જણાવ્યું હતું :

"શૈલેષ જાદવે વીડિયો વાઇરલ કર્યો હતો. આ બાબતે દીકરીનાં માતા, પિતા તેમજ બે ભાઈઓ આરોપીના ઘરે ઠપકો આપવાં ગયાં હતાં. આ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે આરોપી શૈલેષના પિતા દિનેશભાઈ તેમજ છબાભાઈ, અરવિંદભાઈ, ભાવેશ વગેરેએ ધારિયા, લાકડી અને પાવડા વડે હુમલો કર્યો હતો.”

“જેમાં દીકરીના પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તેમજ દીકરીના ભાઈ નવદીપને ગંભીર ઈજા થતાં તેને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. આઇપીસી કલમ 302, 307, 323, 504, 143, 147, 148 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ચકલાસી પીએસઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે એફએસએલ ફિંગરપ્રિન્ટ વિશેષજ્ઞની મદદ લઈ પુરાવા એકત્રિત કરી તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે."

દિલ્હી મહિલા આયોગનાં વડા સ્વાતિ માલીવાલે આ ઘટના અંગે ટ્વીટ કરતા લખ્યું હતું :

“ગુજરાતમાં એક છોકરાએ બીએસએફ જવાનની દીકરીનો અશ્લીલ વીડિયો બનાવીને તેને વાઇરલ કર્યો. બીએસએફ જવાન એ છોકરાના ઘરે ગયા તો જવાનની હત્યા કરી દેવામાં આવી. આ સમાચારની કોઈ ચર્ચા નથી. ધોળા દિવસે એક સૈનિકની હત્યા આપણા બધાના ગાલે તમાચો છે. ગુંડાઓની હિંમત કેટલી વધી ગઈ છે!”

ચકલાસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તપાસ અધિકારી જિતેન્દ્રસિંહ ચંપાવતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું :

“તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપીઓના ત્રણ દિવસની રિમાન્ડની અમે માંગણી કરી હતી પરંતુ તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે તેમજ તમામ હથિયાર પણ જપ્ત કરાયાં છે. વીડિયો વાઇરલ કરનાર યુવક પુખ્ત વયનો છે.”