ફ્રાન્સ : 90 વર્ષના સૌથી ભયાનક વાવાઝોડાએ મેયટમાં કેવી તબાહી મચાવી?

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સના પ્રદેશ મેયટમાં છેલ્લાં 90 વર્ષોનું સૌથી ભયંકર વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડા ચિડોના કારણે 225 કિમી પ્રતિકલાકના પ્રચંડ વેગથી પવન ફૂંકાયો હતો, જેમાં સમુદ્રમાં આઠ મીટર સુધી મોજાં ઊછળ્યાં હતા. આ વાવાઝોડાએ સેંકડો લોકોના જીવ લીધા હોવાનું અનુમાન છે.
અત્યારે અહીં વીજળીની લાઇનો તૂટી ગઈ છે, રસ્તા ધોવાઈ ગયા છે અને ઘણી ઇમારતો નાશ પામી છે. પાણી અને સંદેશાવ્યવહારની સુવિધા ખોરવાઈ ગઈ છે અને હૉસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે.
અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં લોકોને શોધવાનું અભિયાન ઝડપથી કરવામાં આવશે. તેથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
મેયટ ક્યાં આવેલું છે?

ઇમેજ સ્રોત, Reuters
મેયટ એ હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ સમૂહ છે જ્યાં મુખ્યત્વે બે ટાપુ- ગ્રાન્ડે ટેરે અને પેટિટ-ટેરે આવેલા છે.
આ જગ્યા મેડાગાસ્કર અને મોઝામ્બિકની વચ્ચે દક્ષિણ-પૂર્વ આફ્રિકાના કિનારે મોઝામ્બિક ચેનલની ઉત્તરમાં આવેલી છે.
તેની રાજધાની મામોદઝો છે અને તેની વસતી ત્રણ લાખની છે, જેમાં મોટા ભાગના મુસ્લિમો છે.
આ સ્થળ ફ્રાન્સથી 7000 કિમીના અંતરે આવેલો વિદેશી પ્રદેશ છે, પરંતુ તેને ફ્રાન્સનો હિસ્સો જ ગણવામાં આવે છે. તે સૌથી ગરીબ પ્રદેશ પૈકી એક ગણવામાં આવે છે અને મોટા ભાગના લોકો ઝૂંપડીઓમાં રહે છે.
મેયટના લગભગ 75 ટકા લોકો ફ્રાન્સની ગરીબી રેખા નીચે રહે છે અને દર ત્રણમાંથી એક વ્યક્તિ બેરોજગાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેયટ ફ્રાન્સનો હિસ્સો શા માટે છે?
ફ્રાન્સે 1841માં મેયટને પોતાની કૉલોની બનાવી હતી. 20મી સદીના અંત સુધીમાં કોમોરોસ દ્વીપસમૂહનું નિર્માણ કરતા ત્રણ મુખ્ય ટાપુને ફ્રાન્સે પોતાના વિદેશી ક્ષેત્રોમાં સામેલ કરી લીધા હતા.
1974માં આ ટાપુ સમૂહના ત્રણ મુખ્ય ટાપુએ સ્વતંત્રતા માટે મતદાન કર્યું, પરંતુ મેયટે ફ્રાન્સનો ભાગ બની રહેવાનો નિર્ણય લીધો.
આ ટાપુના લોકો ફ્રાન્સની નાણાકીય સહાય પર મોટા ભાગે નિર્ભર છે અને લાંબા સમયથી ગરીબી, બેરોજગારી અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, AFP
સામાન્ય રીતે આ પ્રદેશ પર વાવાઝોડા નથી આવતા, ત્યારે આ વખતે વાવાઝોડું કેમ ત્રાટક્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયામાં સેન્ટ્રલ ક્વિન્સલૅન્ડ યુનિવર્સિટીમાં પર્યાવરણીય જ્યૉગ્રાફી સ્કૂલના પ્રોફેસર સ્ટીફન ટર્ટન ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને જળવાયુ પરિવર્તનની અસર પર સંશોધન કરે છે.
તેઓ કહે છે કે દુનિયાના આ ભાગમાં આવી તીવ્ર હવામાનની ઘટનાઓ ઘણી અસામાન્ય છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, "તમે કોમોરોસ દ્વીપ સમૂહને જુઓ તો તે એક અલગ દેશ છે. અને તમે મેયટને જુઓ છો જે એક ફ્રેન્ચ વિભાગ છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત આ ટાપુઓ માટે બહુ દુર્લભ છે, કારણ કે મેડાગાસ્કર સામાન્ય રીતે તેનું રક્ષણ કરે છે જે પૂર્વમાં છે અને તે મેડાગાસ્કરને પાર કરીને નબળું પડી જાય છે."
"તે મેડાગાસ્કરની ઉત્તર તરફ વળ્યું, તે બહુ નાનકડું, કૉમ્પેક્ટ વાવાઝોડું હતું, પરંતુ બહુ ભયંકર હતું. તેથી મને લાગે છે કે તેઓ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભલે પછી પૂર્વાનુમાન હતું કે આ વાવાઝોડું આવવાનું હતું અને ટાપુ પર નજર રાખવી જરૂરી હતી."
ચિડો વાવાઝોડાની શક્તિ માટે આબોહવાના પરિવર્તનને કેટલી હદે જવાબદાર ગણાવી શકાય, હવામાનની કોઈ ખાસ ઘટના માટે તેનો અંદાજ મેળવવો ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી તેનું યોગ્ય વૈજ્ઞાનિક સંશોધન ન થઈ જાય.
પરંતુ પ્રોફેસર ટર્ટન કહે છે, "આપણે વૈશ્વિક સ્તરે શું જાણી રહ્યા છીએ. આપણે કેરેબિયન એટલાન્ટિક બેસિનમાં છેલ્લા ઉત્તરીય ઉનાળા પર નજર નાખીએ તો ઓછામાં ઓછા બે ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની બહુ તેજ તીવ્રતા જોવા મળે છે. તાજેતરમાં જ મિલ્ટન વાવાઝોડામાં ઝડપી તીવ્રતા જોવા મળી હતી. કેરેબિયન બેસિનના હુંફાળા પાણીના કારણે તે પ્રેરિત હતું. આ વખતે મોઝામ્બિક ચેનલમાં સમુદ્રનું તાપમાન સરેરાશ કરતા વધુ છે અને તેના કારણે વાવાઝોડાને ઊર્જા મળી હશે."
તેઓ કહે છે કે, "માણસ જે જીવાશ્મ ઈંધણ છોડે છે તેના કારણે પૃથ્વી પર ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે જે આના માટે જવાબદાર છે. આ થવાનું જ છે. આપણે દુનિયાભરમાં આવી ઘટનાઓ જોઈ રહ્યા છીએ. કમનસીબે નબળા લોકોને તેની વધારે અસર થાય છે જે આ વખતના વાવાઝોડામાં આપણે જોયું છે."
ફ્રાન્સ કઈ રીતે મદદ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Reuters
વાવાઝોડાથી થયેલા નુકસાનનું આકલન કરવા અને હવે શું કરવું તે નક્કી કરવા માટે ફ્રાન્સના ત્રણ મંત્રીઓ શનિવારે મેયોટ આવી પહોંચ્યા છે.
ફ્રાન્સથી રાહત સામગ્રી લઈને પહેલું વિમાન રવિવારે રાતે મેયટ પહોંચ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પેરિસમાં એક ઇમરજન્સી બેઠક યોજવાના છે. કેટલાક વિસ્તારોમાં ભોજન, પાણી અને રહેઠાણની ગંભીર તંગી પેદા થઈ છે.
અત્યાર સુધીમાં ફ્રાન્સે 120 સૈનિક ગોઠવ્યા છે અને વધુ 160 સૈનિકો આવે તેવી શક્યતા છે.
ગ્રાઉન્ડ પર હાજર ફ્રાન્સના આંતરિક બાબતોના મંત્રી બ્રૂનો રિટેલેઉએ જણાવ્યું કે મૃતકોનો ચોક્કસ આંકડો જાણવામાં 'ઘણા દિવસો' લાગી જશે.
તેના માટે આંશિક રીતે દ્વીપ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં આવેલા ગેરકાયદે માઇગ્રન્ટને જવાબદાર ગણવામાં આવે છે જેની સંખ્યા લગભગ એક લાખ કરતાં વધુ છે. ઘણા લોકો કોરોમોસથી આવે છે અને મધ્ય આફ્રિકાના ગ્રેટ લેક્સ ક્ષેત્રમાંથી શરણ માગનારા લોકોની સંખ્યા વધી રહી છે.
આ માઇગ્રન્ટ્સ શરણ માગવા માટે આ ટાપુઓ પર આવી જાય છે. તેમના રહેઠાણની અનિશ્ચિત પ્રકૃતિના કારણે તેમને વધારે ફટકો પડે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












