ગોપાલ ઇટાલિયાએ છોકરીઓને 'ભાગીને લગ્ન કરતી રોકવા' લગ્નની ઉંમર 21 વર્ષ કરવાની માગણી મુખ્ય મંત્રીને કેમ કરી?

    • લેેખક, લક્ષ્મી પટેેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વીસાવદરથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ છોકરીઓ 'ભાગી જઈને લગ્ન' કરે છે માટે તેમની લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે માગ કરી હતી. મંગળવારના રોજ મુખ્ય મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી કે લગ્નની નોંધણી છોકરીના વતનમાં જ થવી જોઈએ.

નોંધનીય છે કે દેશમાં છોકરીઓની લગ્ન કરવાની લઘુતમ ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે લઘુતમ ઉંમર 21 વર્ષ છે.

ગોપાલ ઇટાલિયાની રજૂઆત છે કે 'છોકરીઓને પ્રલોભન આપીને કે ફોસલાવીને તેમને ભગાડી જવામાં આવે છે.18 વર્ષે છોકરીઓ ભાગીને લગ્ન કરે તો તેમનું ભણતર બગડે છે. જો 21 વર્ષ ઉંમર કરવામાં આવશે તો છોકરીઓનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જશે.'

જો કે આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં 15મી ઑગસ્ટના ભાષણમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા અંગે વિચાર કરી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જયા જેટલી કમિટીની રચના પણ કરી હતી.

હિમાચલ પ્રદેશમાં છોકરીઓની લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા અંગે વિધાનસભામાં વર્ષ 2024માં બિલ પસાર કરવામાં આવ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે લગ્ન કરવા એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. મહિલાઓનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવી યોગ્ય બાબત છે. પરંતુ મહિલા પોતાની મરજીથી લગ્ન કરે છે તે માટે લગ્નની ઉંમર વધારવી એ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ છે.

ગોપાલ ઇટાલિયાએ પત્રમાં શું લખ્યું છે?

ગોપાલ ઇટાલિયાએ દીકરીઓનાં લગ્નની ઉંમર 21 વર્ષ કરવા તેમજ કોઈ પણ લગ્નની નોંધણી કન્યાના કાયમી નિવાસસ્થાન ખાતે જ કરવાની લેખિતમાં માંગ કરી છે.

તેમણે પત્રમાં લખ્યું છે સમાજમાં દીકરીઓનાં લગ્ન 21થી 22 વર્ષે કરવામાં આવે છે.

ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે 'છોકરીઓ 12મા ધોરણમાં કે કૉલેજમાં ભણતી હોય ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને તેની ઉંમર 18 વર્ષની થાય તેની રાહ જોવામાં આવે છે. છોકરીઓની ઉંમર 18 વર્ષ થાય ત્યાર બાદ બીજા, પાંચમા કે પંદરમા દિવસે ભાગી કે ભગાડી જવામાં આવે છે.'

ભાગી જનાર છોકરા-છોકરીઓનાં આયોજનબદ્ધ લગ્ન કરાવવાનું ષડયંત્ર ચાલતું હોવાના પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 'ભાગીને લગ્ન કરનાર યુગલ દૂરના જિલ્લામાં કોઈ અંતરિયાળ ગામોમાં કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ વગર પૈસા લઈને કરી આપવામાં આવે છે. એમને પંચમહાલ, આણંદ અને અમરેલી જિલ્લાઓમાં અંતરિયાળ વિસ્તારોનાં કેટલાંક ગામોમાં ભાગી જનાર યુગલોનાં લગ્ન કરાવી આપતા છે.'

ગોપાલ ઇટાલિયાની રજૂઆત છે કે ભાગીને કે ભગાડીને લગ્ન કરવામાં આવે છે તે કિસ્સામાં દીકરીઓને હાથો બનાવીને તેમના પિતાની મિલ્કતમાંથી ભાગ માટે કેસ કરે છે. અપરિપક્વતા અને કાચી સમજણને કારણે ભાગીને લગ્ન કરેલાં યુવક-યુવતીઓના છૂટાછેડાના પ્રશ્નો જટિલ બને છે. યુવતી ક્યારેક પોતાનાં માતાપિતા સામે તો ક્યારેક છોકરાનાં માતાપિતા સામે પોલિસ ફરિયાદ કરે છે. જેમાં પરિવારના લોકોએ હેરાન થવું પડે છે.

છોકરીઓનાં લગ્નની ઉંમર વધારવા અંગે યુવાનોએ શું કહ્યું?

શ્રેયા ગુજરાત યુનિવર્સિટીના સાયકોલૉજી વિભાગમાં માસ્ટર્સ કરી રહ્યાં છે. શ્રેયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હજુ પણ કેટલાક એવા પરિવારો છે જેમાં યુવતીઓની ઉંમર 18 વર્ષની થાય તો તેમનાં લગ્ન કરાવી દેવામાં આવે છે. તેમને ભણાવવામાં આવતી નથી. યુવતીઓ ભાગીને લગ્ન કરે છે તે માટે લગ્નની ઉંમર ન વધારવી જોઈએ."

"પરંતુ કેટલાક પરિવારોમાં યુવતીઓને ભણવા દેવાને બદલે જબરદસ્તી લગ્ન કરાવી દેવામાં આવે છે. તે માટે લગ્નની ઉંમર વધારવી જોઈએ."

"જેથી કેટલાક સમાજમાં છોકરીઆનાં 18 વર્ષે જબદરસ્તી તેમની મરજી જાણ્યા વગર જ લગ્ન કરાવી દેવામાં આવે છે. તેથી જો 21 વર્ષની ઉંમરે કરવામાં આવશે તો તેમને કાયદાનું રક્ષણ મળશે."

શ્રેયાએ વધુમાં જણાવ્યું કે, "યુવક-યુવતીઓ ભાગીને લગ્ન કરે છે તે અંગે નહીં પરંતુ ભાગીને કેમ લગ્ન કરવા પડે છે તેનાં કારણો અંગે ચર્ચા થવી જોઈએ. આંતરજ્ઞાતિય લગ્ન કરવામાં આવશે તો જ જ્ઞાતિવાદ ખતમ કરી શકાશે."

હિંદી વિભાગમાં માસ્ટર્સનો અભ્યાસ કરતાં કૃણાલ મિશ્રાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ગોપાલ ઇટાલિયાએ કરેલી રજૂઆત અંગે મારો સવાલ છે કે જો છોકરીઓએ ભાગી લગ્ન કરવા હશે તો તે 18 વર્ષે પણ કરશે, 21 વર્ષે કે પછી 50 વર્ષે પણ ભાગીને લગ્ન કરશે. આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા જ હોય છે."

કૃણાલે વધુમાં જણાવ્યું કે, "છોકરીઓ ભાગીને લગ્ન કરે છે માટે ભણવાનું બંધ થઈ જાય છે આ અંગે કોઈ સંશોધન કે ડેટા હોવા જોઈએ. મહિલાઓની વાત છે તો અનુભવી મહિલાઓ સાથે પણ આ અંગે મત જાણવા જોઈએ. હિંદુ ધર્મમાં સૌથી પહેલાં પ્રેમલગ્ન શિવ અને પાર્વતીનાં થયાં છે."

સૈયદ સાયમા જેઓ અમદાવાદમાં હિન્દી વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

સાયમાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ભાગીને લગ્ન કરવાએ છોકરીઓની પહેલી પસંદ હોતી નથી. તે પહેલાં પરિવારને જ મનાવવાના પ્રયત્નો કરે છે. પરિવાર માની જાય તો તે ભાગશે નહીં. કેટલાક કિસ્સામાં પરિવાર પ્રેમ નથી આપતો એટલે છોકરીઓને કોઈ પ્રેમ આપે તો તેને સારું લાગે છે.

"તો કેટલાક કિસ્સામાં છોકરામાં કોઈ ખામી હોય તો પરિવાર માનતો નથી. આ માટે દરેક કિસ્સામાં અલગ-અલગ સમસ્યા હોય છે. પરંતુ છોકરીઓની ઉંમર વધારવાથી સમસ્યાનું સમાધાન આવશે નહીં. લગ્ન કરવા કે ન કરવા કે ક્યારે કરવા તે અંગે યુવતીની ચૉઇસ હોવી જોઈએ."

એલએલબીનો અભ્યાસ ઉર્વીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "યુવતીઓ 18 વર્ષે પરિપક્વ હોતી નથી. તે પોતાનું સારું કે ખોટું સમજી શકતી નથી."

આવો જ મત એલએલબીનો અભ્યાસ કરતાં મૈત્રી પટેલનો પણ છે. તેમનું માનવું છે કે, "છોકરી પગભર થાય બાદમાં જ લગ્ન કરાવવા જોઈએ તો તે પોતાનું સારું ખરાબ સમજી શકે છે."

ત્યારે રાજ રાવ નામના વિદ્યાર્થી કહે છે કે, "આ ઉંમરે છોકરીઓ કૉલેજના પહેલા વર્ષમાં હોય. લગ્ન થઈ જાય તો તેના પર ઘરની જવાબદારી આવી જાય તો તેનું ભણવાનું અધૂરું રહી જતું હોય છે. છોકરીઓને અભ્યાસ બાદ લગ્ન કરાવવામાં આવશે તો તે પગભર બની શકશે. તો ભવિષ્યમાં કદાચ છૂટાછેડા પણ થાય તે ભરણપોષણ કરી શકશે."

નિષ્ણાતોનું શું કહેવું છે?

યુવતીઓનાં લગ્નની ઉંમર વિશે નિષ્ણાતો તેમની પસંદગીનો પણ સવાલ ઉઠાવે છે.

સમાજ વિજ્ઞાનના પ્રોફેસર ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "દેશમાં બાળલગ્ન પ્રતિબંધિત કાયદો છે તેમ છતાં નૅશનલ ફૅમિલી હેલ્થના સર્વે અનુસાર આજે પણ દેશમાં 25 ટકા છોકરીઓનાં લગ્ન તેની ઉંમર 18 વર્ષ થાય તે પહેલાં જ કરી દેવામાં આવે છે."

ગૌરાંગ જાનીએ કહ્યું કે, "છોકરીઓ ભાગી જાય છે તે અંગે વાત કરવામાં આવે છે પરંતુ શું છોકરીઓ એકલી ભાગે છે? પિતૃસત્તાક સમાજમાં છોકરીઓ સામે જ સવાલ ઊભા કરવામાં આવે છે. છોકરીઓ તેમની પસંદથી લગ્ન કરવા તે તેમનો બંધારણીય અધિકાર છે જેને ભાગી જવું કહીને તેમને અપમાનિત કરાય છે."

તેઓ આગળ કહે છે કે,"છોકરીઓ કેમ ભાગીને લગ્ન કરે છે તે માટેનાં કારણો અંગે પણ વાત થવી જોઈએ. પરિવાર સહમતી નથી આપતો કે વધારે પડતાં નિયંત્રણો રાખવામાં આવે છે કે તેમને નોકરી કરવા દેવામાં નથી આવતી તેવાં પણ કારણો જોવાં મળતાં હોય છે."

ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારિતા વિભાગનાં હેડ પ્રોફેસર ડૉ.સોનલ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "રાજ્યમાં જેટલાં લગ્ન થાય છે તેમાંથી કેટલાં લગ્ન ભાગીને થાય છે? તેમાંથી કેટલા છૂટાછેડા થાય છે?"

"ભાગીને કરેલાં લગ્નોમાં કેટલાં લગ્નોમાં છૂટાછેડા થાય છે તે અંગે ડેટા હોવો જોઈએ. ભાવનાત્મક નહીં પરંતુ તથ્યો આધારિત વાત કરવી જોઈએ."

તેમનું કહેવું છે કે પરંતુ વાસ્તિવક ડેટા નો અભ્યાસ કરીને આવી વાત થવી જોઈએ.

"પરંપરાગત રીતે થતા અરેન્જ મેરેજમાં મહિલાઓ પર દહેજ કે શારીરિક માનસિક અત્યાચાર થાય છે. પરંતુ ત્યારે આપડે ક્યારે રજૂઆત કરતા નથી."

"લગ્ન જેવા મહત્ત્વના નિર્ણય માટે ઘરોમાં, શાળાઓમાં તેમજ સમાજનાં વિવિધ સ્થળોએ તેનું કાઉન્સિલીંગ કરવું ખૂબ જ જરૂરી છે. ફોન અને ટેકનૉલૉજીને આમાં બ્લેમ કરી શકાય નહીં. તાજેતરમાં જે મધ્ય પ્રદેશમાં જે કિસ્સો બન્યો તે રાજા રઘુવંશી કેસમાં જ્ઞાતિમાં અને પરિવારની સર્વ સહમતિથી લગ્ન થયાં હતાં પરંતુ તેમાં ખતરનાક અંત આવ્યો છે."

ડૉ.સોનલ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે "મહિલાઓ પિતાની મિલ્કતમાં ભાગ માંગે છે તે મહિલાનો વિશેષાધિકાર નથી પરંતુ કાયદા તરફથી મળેલો સંતાન તરીકેનો સમાન અધિકાર છે."

સામાજિક કાર્યકર ઝકિયા સોમને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "છોકરીઓ ભાગીને લગ્ન કરે તે તેમની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો તેમનો હક છે. સરકારનું કામ છે તે જોવાનું કે દરેક વ્યકિતને સમાન ભણતરની અને પગભર થવાનો અવસર મળે જે તેમને બંધારણે આપેલો હક છે."

ગોપાલ ઇટાલિયાએ સમગ્ર મામલે શું કહ્યું?

ત્યારે યુવતીઓનાં લગ્નની ઉંમર 21 વર્ષ કરવાની માંગ કરનારા ગોપાલ ઇટાલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "હાલ લગ્નનો કાયદો છે જે 1956નો છે. સમય અનુસાર તેમાં સુધારાની જરૂર છે."

"સમાજમાં હવે યુવતીઓનાં લગ્ન 21 -22 વર્ષે કરવામાં આવે છે. અમારા ધ્યાનમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં છોકરીઓ 18 વર્ષની થાય અને તેના થોડાક દિવસમાં ભાગીને લગ્ન કરી લે છે. 18 વર્ષની દીકરી કૉલેજના પહેલા વર્ષમાં હોય છે."

"તે લગ્ન કરી લેવાને કારણે તેમનું ભણતર પૂરું કરી શકતી નથી. ભણતર પૂરું કરશે તો તેમનું સારું ખોટું સમજી શકશે. ભણી રહ્યા પછી તેમને જે કરવું હોય તે કરે."

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, "યુવક-યુવતીઓ નાની ઉંમરે કાચી સમજમાં ફૂલગુલાબી ચિત્ર જોઈને લગ્ન કરી લે છે. પરંતુ જ્યારે તે લગ્ન કરીને જીવનની વાસ્તવિકતાનો સામનો કરે છે ત્યારે પ્રશ્નો શરૂ થાય છે અને પછી એક વર્ષ પણ નથી થતું ને છૂટાછેડાની સમસ્યા ઊભી થાય છે."

યુવતીઓ પિતાની મિલ્કતમાં હિસ્સો માગે છે તે તેમનો સંતાન તરીકેનો અધિકાર છે તે સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, "સમાજમાં બધું બંધારણ મુજબ ચાલતું નથી. સમાજ વ્યાવહારિક્તા પર ચાલે છે. વ્યાવહારિક્તામાં પુત્રને પિતાની મિલ્કતમાં ભાગ મળે છે અને મહિલાઓને તેમનાં સાસરીયામાં મિલ્કતમાં ભાગ મળે છે."

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, "મારી સરકારને રજૂઆત છે કે દરેક સમાજનો આ પ્રશ્ન છે. સમાજે મને રજૂઆત કરી છે એટલે અમે સરકાર સમક્ષ આ પ્રશ્ન મૂક્યો છે. સરકારે આ અંગે ચર્ચા વિચારણા કરવી જોઈએ. સરકારે આ અંગે સર્વે કરાવવો જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન