85 કરોડ રૂપિયાની કિંમતના આ પર્સમાં એવું શું ખાસ છે કે તેણે ફૅશનના ઇતિહાસના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇયાન યંગ્સ
- પદ, સંસ્કૃતિ સંવાદદાતા
ફૅશનના ઇતિહાસમાં જેને સૌથી પ્રતિષ્ઠિત ઍક્સેસરી પૈકી એક ગણવામાં આવે છે, તે ઓરિજિનલ બર્કિન બૅગ 86 લાખ યુરો અથવા 1.01 કરોડ ડૉલરમાં વેચાઈ છે. આ સાથે જ તે અત્યાર સુધીમાં કોઈ પણ હરાજીમાં સૌથી ઊંચા ભાવે વેચાયેલી હૅન્ડબૅગ બની ગઈ છે.
કાળા ચામડામાંથી બનેલી આ હૅન્ડબૅગ 1985માં ગાયિકા જેન બર્કિન માટે બનાવવામાં આવી હતી. એક ફ્લાઇટ દરમિયાન લક્ઝરી ફૅશન હાઉસ હર્મિસના માલિકની બાજુમાં બેઠેલાં જેનનો સામાન વિખેરાઈ ગયો, ત્યાર પછી આ બૅગ બનાવાઈ હતી.
જેને સવાલ કર્યો હતો કે તેઓ મોટી બૅગ શા માટે નથી બનાવતા, ત્યારે તેમણે વિમાનની સિક બૅગ પર જ એક નવી, પ્રેક્ટિકલ પરંતુ અત્યંત આકર્ષક બૅગની ડિઝાઇન તૈયાર કરી હતી.
તેમણે જે પ્રોટોટાઇપ બનાવ્યું તે પેરિસના સોથબી ખાતે જાપાનના એક ખાનગી સંગ્રહકર્તાને વેચવામાં આવ્યું હતું. અગાઉના વેચાણના રેકૉર્ડ ભાવ 5.13 લાખ ડૉલરની તુલનામાં આ વખતે તેની ઘણી વધારે કિંમત ઉપજી હતી.
ફૅશન જગતમાં સ્ટેટસ સિમ્બોલ ગણાતી બૅગ

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્શન હાઉસે જણાવ્યું કે, "નવ દૃઢનિશ્ચયી સંગ્રહકારો વચ્ચે 10 મિનિટ સુધી રોમાંચક બોલીની પ્રક્રિયા ચાલતી રહી હતી."
સોથબીની હૅન્ડબૅગ અને ફૅશનના ગ્લોબલ હેડ મૉર્ગન હાલીમીએ કહ્યું કે "આ ભાવ એક દંતકથાની શક્તિ અને અસાધારણ ચીજવસ્તુઓની શોધ કરતા સંગ્રાહકોમાં ઝનૂન જગાડવાની ક્ષમતાનું પ્રદર્શન છે, જેથી તેઓ અસલી ચીજના માલિક બની શકે."
તેમણે જણાવ્યું કે "બર્કિનનો પ્રોટોટાઇપ બિલકુલ એક અસાધારણ કહાણીની શરૂઆત જેવો છે જેણે આપણને એક આધુનિક પ્રતીક, બર્કિન બૅગ, દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત હૅન્ડબૅગ આપી છે."
આ બૅગની 8,582,500 યુરોની કિંમતમાં કમિશન અને ફી પણ સામેલ છે. સોથબીએ હરાજી અગાઉ અંદાજિત ભાવ જાહેર કર્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍંગ્લો ઇન્ડિયન ગાયિકા અને ઍક્ટ્રેસ માટે બૅગ બનાવ્યા પછી હર્મીસે આ બૅગનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું હતું. ફૅશનજગતમાં તે સૌથી વિશિષ્ટ સ્ટેટસ સિમ્બોલ પૈકી એક ગણાય છે.
કેટલીક સ્ટાઇલની કિંમત હજારો ડૉલર સુધી હોઈ શકે છે અને તેના માટે કેટલાંય વર્ષો સુધી રાહ જોવી પડે છે. આવી બૅગનાં માલિકોમાં કેટ મૉસ, વિક્ટોરિયા બૅકહમ અને જેનિફર લોપેઝ જેવી હસ્તિઓ સામેલ છે.
1994માં ચૅરિટી માટે બૅગ પહેલી વખત દાનમાં અપાઈ

ઇમેજ સ્રોત, Rex/Mike Daines
તેની મૂળ ડિઝાઇનમાં કેટલીક ખાસ વિશેષતાઓ છે. જેમ કે આગળના ફ્લૅપ પર બર્કિનના પ્રથમાક્ષરો, દૂર ન કરી શકાય તેવો એક શોલ્ડર સ્ટ્રેપ, પટ્ટા સાથે જોડાયેલું એક નેઇલ ક્લિપર, આ ઉપરાંત બૅગ પર એવી જગ્યા હોય છે, જ્યાં તેઓ જેને ટેકો આપતા હોય તેના સ્ટીકર લગાવી શકે છે. જેમ કે મેડિસિન્સ ડૂ મોન્ડો અને યુનિસેફ.
2023માં 76 વર્ષની વયે બર્કિનનું અવસાન થયું હતું. તેઓ એક દાયકા સુધી આ ઓરિજિનલ બૅગના માલિક રહ્યાં અને 1994માં તેમણે બૅગ એઇડ્સ ચૅરિટી માટે ફંડ એકઠું કરવા એક હરાજીમાં દાન કરી દીધી.
ત્યાર બાદ કૅથરિન બેનિયરે બૅગ ખરીદી જેઓ પેરિસમાં એક લક્ઝરી બૂટિક ધરાવે છે. ગુરુવારે આ બૅગ વેચતાં પહેલાં તેઓ 25 વર્ષ સુધી આ બૅગનાં માલિક રહ્યાં હતાં.
સોથબીએ જણાવ્યું કે આ હૅન્ડબૅગની અગાઉની રેકૉર્ડ કિંમત 2021માં વ્હાઇટ હિમાલયા નિલોટિક્સ ક્રોકોડાઇલ ડાયમંડ રિટર્ન કેલી 28 એ નક્કી કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












