બજેટમાં ઇન્કમ ટૅક્સમાં મોટી રાહત છતાં શૅરબજાર કેમ તૂટી રહ્યું છે? હજી વધારે તૂટશે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ પછી બજેટના દિવસે શૅરબજાર સપાટ રહ્યું હતું.

પરંતુ નવા સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ વખતના બજેટમાં 12 લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણ ટૅક્સ-ફ્રી કરવામાં આવી છે, જે બહુ મોટી જાહેરાત ગણવામાં આવે છે.

આ ઉપરાંત પગારદાર વર્ગ અને પેન્શનરો 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મેળવી શકે છે. તેથી તેમણે વાર્ષિક 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ભરવો નહીં પડે.

દેશમાં કન્ઝમ્પશન એટલે કે વપરાશને વેગ આપવા માટે આ બહુ મોટી જાહેરાત હતી છતાં શૅરબજારમાં તેની અસર હજુ સુધી જોવા નથી મળી.

આ ઉપરાંત માર્કેટ સતત ઘટતું જાય છે અને ડૉલર સામે રૂપિયાએ સોમવારે પહેલી વખત 87ની સપાટી પણ તોડી છે.

બજારમાં કઈ વાતનો ગભરાટ છે?

શૅરબજાર અને રૂપિયાની આવી હાલત શા માટે છે તે જાણવા માટે બીબીસીએ શૅરબજારના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

બજારના તમામ નિષ્ણાતો એક વાતે સહમત છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિધિવત ટ્રેડ વૉરની શરૂઆત કરી દીધી છે. ચીન, મૅક્સિકો અને કૅનેડા જેવા દેશો પર ટ્રમ્પે ઊંચા ટેરિફ ઝીંકવાની વાત કરી છે જેના કારણે અમેરિકન બજારો પણ ઘટ્યા છે અને એશિયાની તમામ કરન્સીની વેલ્યૂ ધોવાઈ છે.

સોમવારે રૂપિયો પહેલી વખત 87 પ્રતિ ડૉલરની નીચે ગયો હતો. દુનિયાના છ મુખ્ય ચલણની સામે ડૉલરની મજબૂતીનું માપ આપતો ડૉલર ઇન્ડેક્સ વધીને 109.8 થયો હતો.

ચાઇનીઝ ચલણ યુઆન અડધા ટકા ઘટીને 7.35 પ્રતિ ડૉલર થયો હતો.

આ બધાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ નીતિને ગણાવવામાં આવે છે.

આ સપ્તાહના અંતે ટ્રમ્પે મૅક્સિકો અને મોટા ભાગની કૅનેડિયન આયાત પર 25 ટકા ટેરિફ ઝીંક્યો છે. મંગળવારથી ચીનથી આયાત થતા માલ પર 10 ટકા ટેરિફ લાગશે. મૅક્સિકો અને કૅનેડા એ અમેરિકાના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર છે અને તેઓ પણ વળતી કાર્યવાહી તરીકે અમેરિકન માલ પર ટેરિફ નાખશે, જે અમેરિકન બજારો ઘટવાનું એક કારણ છે.

ચીને અમેરિકા સામે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ)માં જવાની ચેતવણી આપી છે.

બજેટથી બજારમાં કેમ ઉત્સાહ નથી?

કેન્દ્રીય બજેટ 2025 અંગે શૅરબજારના નિષ્ણાતોમાં અલગ-અલગ મત પ્રવર્તે છે.

અમદાવાદસ્થિત સ્ટૉક બ્રોકિંગ કંપની ઇન્વેસ્ટએલાઇનના ડાયરેક્ટર ગુંજન ચોકસીએ જણાવ્યું કે, "સોમવારે માર્કેટમાં જે ઘટાડો થયો તે સંપૂર્ણપણે ટ્રેડ વૉરના કારણે છે. ટ્રમ્પ આ મુજબ નિર્ણયો લેતા રહેશે ત્યાં સુધી બજાર ઘટવાનું ચાલુ રહેશે."

તેમનું કહેવું છે કે, "બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને ટૅક્સમાંથી મુક્ત કરવામાં આવી, પરંતુ તેની સામે મૂડીખર્ચ બહુ ઓછો રાખ્યો છે. સરકારે મૂડીખર્ચ (કેપિટલ ઍક્સપેન્ડિચર) વધાર્યો હોત અને તેના દ્વારા બજારમાં નાણાં ઠાલવ્યા હોત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને વેગ આપ્યો હોત તો બજાર વધુ ઊંચકાયું હોત."

ગુંજન ચોકસીના માનવા પ્રમાણે આ બજેટ એક ચૂકી જવાયેલી તક છે.

બીજી તરફ મૉનાર્ક નેટવર્થના સ્થાપક વૈભવ શાહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ વખતનું બજેટ ઘણું સારું છે અને શૅરબજારમાં જે ઘટાડો થયો તેનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્રેડ વૉર છે."

તેઓ કહે છે કે, "આ વખતે સરકારે સ્માર્ટ રીતે વિચાર્યું છે. તેથી મૂડીખર્ચ (કેપેક્સ)ની જગ્યાએ કન્ઝમ્પશન પર ફોકસ રાખ્યું છે. સરકારે લોકોના હાથમાં રૂપિયા રહેવા દીધા છે અને હવે પ્રાઇવેટ સેક્ટરની જવાબદારી છે કે તેઓ પોતાના તરફથી મૂડીખર્ચ કરે અને વિસ્તરણ કરે જેથી વધતા કન્ઝમ્પશનનો ફાયદો લઈ શકાય."

આ વખતે મૂડીખર્ચ ઉપર સરકારે કેમ ધ્યાન ન આપ્યું તેવા સવાલના જવાબમાં વૈભવ શાહ કહે છે કે, "કૅપેક્સનો ગયા વર્ષનો ટાર્ગેટ જ પૂરો નથી થયો તેથી આ વખતે વાસ્તવવાદી બનીને સરકારો લોકોના હાથમાં રૂપિયા રાખ્યા છે."

બજેટના દિવસે શૅરબજારે કેમ બજેટને ઉત્સાહથી વધાવી ન લીધું તેવા સવાલ અંગે વૈભવ શાહનું માનવું છે કે, "શનિવારે માર્કેટમાં એફઆઈઆઈ સક્રિય ન હોવાથી બજાર વધ્યું ન હતું. ત્યાર પછી સોમવારે અમેરિકાની ઘટનાએ દબાણ પેદા કર્યું છે. પરંતુ આ લાંબો સમય નહીં ટકે, અહીંથી બજાર ચોક્કસ ઉપર વધી શકે તેમ છે."

આવકવેરામાં રાહત ન મળી હોત તો આંચકો લાગ્યો હોત

એક મત એવો પણ છે કે આ વખતે 12 લાખ રૂપિયા સુધીની આવકને ટૅક્સ ફ્રી કરી ન હોત અને મૂડીખર્ચ પણ વધાર્યો ન હોત તો બજારને ધક્કો લાગ્યો હોત.

સ્ટૉક બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર ગુંજન ચોકસીએ કહ્યું કે, "આ વખતે સ્ટીલ ઉદ્યોગની માંગ હતી કે ચીનના ડમ્પિંગ સામે તેમને રક્ષણ આપવામાં આવે અને ચાઇનીઝ આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવે."

"તેના બદલે બજેટમાં સ્ટીલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટી છે. તેથી ભારતીય મેટલ કંપનીઓના શૅર ઘટ્યા છે જ્યારે ઑટોમોબાઇલ કંપનીઓના શૅર વધ્યા છે કારણ કે તેમને સસ્તામાં મેટલ મળશે."

ગુંજન ચોકસીના મતે "આ બજેટને નેગેટિવ કે પૉઝિટિવ કહી ન શકાય. 10 વર્ષમાં પહેલી વખત મૂડીખર્ચ નહીં વધે. તેનું કારણ એ પણ છે કે ગયા વર્ષનો મૂડીખર્ચ પણ વાપરવાનો હજુ બાકી છે."

તેઓ કહે છે કે "12.75 લાખની આવકને ઇન્કમટૅક્સ ફ્રી કરવામાં આવી ન હોત તો બજારમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા હતી."

તેમના માનવા પ્રમાણે "મહારાષ્ટ્રમાં ભાજપ ચૂંટણી જીતી ગયો છે ત્યારે આ વખતે લેબર ઍક્ટ સુધારવામાં આવે, ગ્રોથ લક્ષી બજેટ આપવામાં આવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ મૂડી ફાળવાય તેવી અપેક્ષા હતી, પરંતુ એવું થયું નથી."

શૅરબજારના નાના રોકાણકારોએ શું કરવું?

નાના રોકાણકારોએ શું કરવું તે વિશે મોનાર્ક નેટવર્થના સ્થાપક વૈભવ શાહે કહ્યું કે, "કન્ઝમ્પશન સેક્ટરના શૅરોમાં ખરીદી કરવા વિચારી શકાય. લોકોના હાથમાં રૂપિયા રહેશે તો તેઓ શૅર કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી વધારશે, બીજા મકાન માટે રાહત મળી તેથી રિયલ એસ્ટેટ સેક્ટરનો ફાયદો મળશે."

"પ્રવાસનને વેગ આપવા માટે 50 નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપ કરવાના છે જેનાથી હોટેલ ઉદ્યોગનો વિકાસ થશે અને રોજગારી પેદા થશે."

તેઓ કહે છે કે "લોકો હવે ટીવી, મોબાઇલ, કાર, મકાનની ખરીદી તરફ વળશે તેની સાથે સાથે લોનની માંગ પણ વધશે. છેલ્લા કેટલાક સમયથી લોકો દેવું ઓછું કરવાનું વલણ ધરાવતા હતા. તેના બદલે તેઓ લોન લેવાનું શરૂ કરશે."

તેના કારણે બૅન્કોને વધારે બિઝનેસ મળશે જે એક પોઝિટિવ વાત છે.

ટ્રમ્પના ટ્રેડ વૉર વિશે વૈભવ શાહ કહે છે કે, "હજુ સુધી ટ્રમ્પે ભારતનું નામ નથી લીધું. ભારતે હાર્લી ડેવિડ્સન જેવી મોટી ઇમ્પોર્ટેડ અમેરિકન બાઇક્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી છે. "

"ચીન, મૅક્સિકો, કૅનેડા સહિત બધા દેશો પર ટેરિફ વધાર્યા પછી અમેરિકા પણ બધું ઉત્પાદન જાતે નહીં કરી શકે. તેથી ભારતીય કંપનીઓને ઘણા ઑર્ડર મળી શકે છે," એવું વૈભવ શાહનું માનવું છે.

કેન્દ્રીય બજેટ આવી ગયું છે ત્યારે હવે સૌની નજર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની નાણાકીય નીતિની બેઠક પર રહેશે જે આ અઠવાડિયે મળવાની છે. નિષ્ણાતો માને છે કે આરબીઆઈ આ વખતે વ્યાજના દરમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.