બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

કેપ્પાડોસિયાની વિખ્યાત ચીમનીઓની 85થી વધુ મિટર નીચે એક વિશાળ ભૂગર્ભ શહેર આવેલું છે

ઇમેજ સ્રોત, DANM/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કેપ્પાડોસિયાની વિખ્યાત ચીમનીઓની 85થી વધુ મિટર નીચે એક વિશાળ ભૂગર્ભ શહેર આવેલું છે
બીબીસી ગુજરાતી

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

બીબીસી ગુજરાતી

કેપ્પાડોસિયાની વિખ્યાત ચીમનીઓની 85 મીટરથી પણ વધુ નીચે એક વિશાળ ભૂગર્ભ શહેર આવેલું છે. આ શહેર વર્ષોથી લગભગ સતત ઉપયોગમાં લેવાતું રહ્યું છે.

કેપ્પાડોસિયાની ક્ષીણ થતી સપાટી નીચે એટલી જ વિશાળ અજાયબી છુપાયેલી છે. તે એક ભૂગર્ભ શહેર છે, જે 20 હજાર લોકોને એક મહિના સુધી સંતાડી રાખવાની ક્ષમતા ધરાવે છે.

એલેંગુબૂ નામના પ્રાચીન શહેરને આજે ડેરિનકુયૂ નામે ઓળખવામાં આવે છે. તે પૃથ્વીની સપાટીથી લગભગ 85થી વધુ મીટર નીચે છે અને તેમાં 18 લેવલની ટનલ છે.

જમીન ખોદીને બનાવવામાં આવેલા વિશ્વના આ સૌથી મોટા શહેરનો બાયઝાન્ટિન યુગમાં ફ્રિજિયનથી માંડીને ફારસીઓ અને ખિસ્તીઓ દ્વારા વર્ષો સુધી નિરંતર ઉપયોગ થતો રહ્યો હતો.

આખરે 1920ના દાયકામાં ગ્રીકો-તુર્કી યુદ્ધ દરમિયાન પરાજય થયા બાદ કેપ્પાડોસિયન યુનાનીઓએ તેનો કબજો છોડવો પડ્યો હતો અને તેઓ ગ્રીસ ભાગી ગયા હતા.

આ શહેરમાં ગુફા જેવા સેકંડો ઓરડાઓ માઇલો સુધી ફેલાયેલા છે એટલું જ નહીં, પરંતુ આ ક્ષેત્રમાંથી શોધી કાઢવામાં આવેલાં 200થી વધુ નાનાં, અલગ ભૂગર્ભ શહેરો સાથે અહીંની ટનલો જોડાયેલી હોવાની શક્યતા પણ છે.

ભૂગર્ભ શહેરમાં 20 હજાર લોકો કેવી રીતે રહેતા હતા? તે વાંચવા માટે અહીં ક્લિક કરો.

GW 513 વેરાયટી પ્રતિ હેક્ટરે 77.4 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે
ઇમેજ કૅપ્શન, GW 513 વેરાયટી પ્રતિ હેક્ટરે 77.4 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે

ગુજરાતના ખેડૂતો ઘઉંનો મબલક પાક લઈ શકે એવી શોધ વીજાપુરસ્થિત ઘઉં સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. વર્ષોના સંશોધન બાદ કેન્દ્ર દ્વારા ઘંઉની નવી જાત GW 513 વેરાયટી વિકસાવવામાં આવી છે, જે પ્રતિ હેક્ટરે 77.4 ક્વિન્ટલ ઉત્પાદન આપે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આઇસીએઆર (ICAR)ની નેશનલ બ્યુરો ઑફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ (એનબીપીજીઆર) દ્વારા વીજાપુર કેન્દ્રના શોધને માન્યતા પણ આપવામાં આવી છે.

હવે કેન્દ્ર દ્વારા ટૂંક સમયમાં GW513ના બિયારણ બજારમાં રજૂ કરશે, જેથી ગુજરાતના ખેડૂતોને લાભ થઈ શકે.

આ શોધ એટલા માટે પણ મહત્ત્વની કે હાલમાં ગુજરાતમાં ઘંઉનું વાવેતર થાય છે તેમાં સરેરાશ ઉત્પાદન 34થી 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થાય છે.

સંશોધકો મુજબ જો વાતારવણ અનુકૂળ હોય અને સિંચાઈની સુવિધા સારી હોય તો ખેડૂતો GW 513થી પ્રતિ હેક્ટરે 77.4 ક્વિન્ટલથી પણ વધુ ઉત્પાદન મેળવી શકે છે.

ઘઉંની આ નવીન જાત વિશે અને તેના સંશોધનનાં તારણો શું છે? તે વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

વિશ્વના બ્લુ ઝોન વિસ્તારના લોકો સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ આયુષ્ય જીવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વના બ્લુ ઝોન વિસ્તારના લોકો સારા સ્વાસ્થ્ય સાથે લાંબુ આયુષ્ય જીવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આજના યુગમાં માણસનું સરેરાશ આયુષ્ય 73.4 વર્ષનું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે કે આ સદીના મધ્ય સુધીમાં માણસની સરેરાશ વય વધીને 77 વર્ષ થઈ શકે છે.

ફ્રાંસનાં ખ્રિસ્તી સાધ્વી લુસિલ સિસ્ટર આંદ્રેએ જાન્યુઆરીમાં આખરી શ્વાસ લીધા એ વખતે તેમની વય 118 વર્ષ હતી.

હાલ દુનિયામાં પાંચ વર્ષથી ઓછી વયનાં જેટલાં બાળકો છે તેના કરતાં અનેકગણી વધારે વસ્તી 65 વર્ષથી વધુ વયના લોકોની છે.

મોનાકોમાં માણસનું સરેરાશ આયુષ્ય 87 વર્ષનું છે, જ્યારે આફ્રિકાના ગરીબ દેશ રિપબ્લિક ઓફ ચાડમાં તે પ્રમાણ માત્ર 53 વર્ષનું છે.

સરેરાશ વધુ આયુષ્યના સંદર્ભમાં જે દેશો ટોચના સ્થાને છે તેમાં વધુ આવક એક સર્વસામાન્ય બાબત છે. બીજી સર્વસામાન્ય બાબત એ દેશોનો આકાર છે.

મોનાકોમાં માણસનું સરેરાશ આયુષ્ય 87 વર્ષનું છે, જ્યારે આફ્રિકાના ગરીબ દેશ રિપબ્લિક ઓફ ચાડમાં તે પ્રમાણ માત્ર 53 વર્ષનું છે.

મોનાકો પછી ચીન પ્રશાસિત હોંગકોંગનો નંબર આવે છે. ત્રીજા નંબરે મકાઉ અને ચોથા ક્રમે જાપાન છે. વિશ્વમાં જાપાનમાં લોકોની સરેરાશ વયનું સૌથી વધારે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, માણસનું સરેરાશ આયુષ્ય લાંબું હોય તેવા અન્ય દેશોમાં લિક્ટનસ્ટાઈન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપુર, ઇટાલી, દક્ષિણ કોરિયા અને સ્પેનનો સમાવેશ થાય છે.

દુનિયાના આ દેશમાં લોકો લાંબું કેમ જીવે છે? તે વાંચવા માટે અહીં ક્લિક કરો.

સ્વામી નહીં એવા સ્વામી આનંદ

ઇમેજ સ્રોત, JAGAN MEHTA

ઇમેજ કૅપ્શન, સ્વામી નહીં એવા સ્વામી આનંદ

સૌરાષ્ટ્રના શિયાણી ગામે જન્મેલા સ્વામીનાં એક ભવમાં ત્રણ નામ થયાં: જન્મનું નામ હિંમતલાલ દવે, રામકૃષ્ણ મિશનમાં સંન્યાસ લીધા પછીનું નામ સ્વામી આનંદાનંદ અને ગાંધીજીની મંડળીમાં ભળ્યા પછીનું નામ સ્વામી આનંદ.

દસ વર્ષની ઉંમરે ઘરેથી 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એવું કહેનાર એક સાધુ સાથે તે ચાલી નીકળ્યા. ઘાટઘાટનાં પાણી પીધાં. અસલીનકલી, સાત્વિકતામસી એમ અનેક પ્રકારના સાધુસંતોની સોબત સાધી. ટિળકના રંગે એવા રંગાયેલા કે પહેલાં 'તરુણ હિંદ' નામે મરાઠી અખબાર શરૂ કર્યું અને પછી ટિળકના અનુયાયીઓ દ્વારા ચાલતા 'રાષ્ટ્રમત' અખબાર સાથે સંકળાયા. ત્યાં તેમનો પરિચય કાકાસાહેબ કાલેલકર સાથે થયો.

ગુજરાતી-મરાઠી-બંગાળી-અંગ્રેજી જેવા સાહિત્યનો તેમનો અભ્યાસ તો ચાલુ જ હતો. થોડો સમય તે હિમાલયમાં જઈને રહ્યા, તપસાધના કર્યાં, 'હિમાલયના ચમત્કારીક સિદ્ધ મહાત્માઓ'ના નામે ચાલતા ગપગોળા નકાર્યા. પાછા આવીને તેમણે રાષ્ટ્રસેવામાં જીવનની સાર્થકતા જોઈ અને તે માટે સાધુવેશ છોડવાનું આવશ્યક ગણ્યું.

જટાદાઢી કઢાવ્યાં, ભગવાં ઉતાર્યાં અને સામાન્ય ગૃહસ્થનો પોશાક ધારણ કર્યો. લોકમાન્ય ટિળકના 'ગીતા રહસ્ય'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો.

ગુજરાતી સાહિત્યના આ 'ગદ્યસ્વામી' વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

રાજેન્દ્ર ચવ્હાણ
ઇમેજ કૅપ્શન, રાજેન્દ્ર ચવ્હાણ

મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર સોલાપુરના ખેડૂત રાજેન્દ્ર ચવ્હાણની ચર્ચા થઈ રહી છે.

ચર્ચાનું કારણ એ છે કે માર્કેટ યાર્ડમાં 512 કિલો ડુંગળી વેચતા તેમને માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો અને તેને કૅશ કરાવવા માટે તેમણે થોડા દિવસો પછી યાર્ડમાં જવું પડશે.

રાજેન્દ્રને એક રૂપિયો પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. વાહનભાડું, હમાલી અને તોળાઈનો ખર્ચ કાપીને બે રૂપિયાનો ચેક તેમને આપવામાં આવ્યો હતો.

ડુંગળીની વાવણીનો ખર્ચ, નિંદામણનો ખર્ચ, ખાતરપાણીનો ખર્ચ, ડુંગળી કાઢવાનો ખર્ચ મળીને કુલ ખર્ચ 60-70 હજાર રૂપિયા સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં લગભગ ચાર મહિના લાગે છે.

મહારાષ્ટ્રના બજેટ સત્રની પૂર્વ સંધ્યાએ આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં વિપક્ષના નેતા અજિત પવારે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ બીજા રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજેન્દ્ર ચવ્હાણને બે રૂપિયાનો ચેક આપનાર સૂર્યા ટ્રેડર્સનું લાઇસન્સ રદ કરી નાખવામાં આવ્યું છે.

રાજેન્દ્ર ચવ્હાણનો આખો પરિવાર ખેતી કરે છે. તેમના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્રો છે. ચવ્હાણે કહ્યું કે આ ઘટનાથી તેમનો આખો પરિવાર બહુ દુખી છે. આ કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.

રેડ લાઇન
રેડ લાઇન