નવજાત બાળકને 'ચાલુ બસમાંથી બહાર ફેંકી દીધું', દંપતીએ કેમ આવું કર્યું હશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયંકા જગતાપ
- પદ, બીબીસી મરાઠી માટે
સ્થાનિક પોલીસે પુણેથી પરભણી તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલની બસમાં મુસાફરી દરમિયાન નવજાત શિશુને રસ્તા પર ફેંકી દેવાના આરોપમાં ગુનો નોંધ્યો છે.
પથરી-સેલુ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 15 જુલાઈની સવારે દેવનન્દ્ર શિવારા ખાતે આ ઘટના બની હતી. ફરિયાદમાં પોલીસે લખ્યું છે કે શિશુનાં માતાપિતાએ જ ચાલુ બસમાંથી નવજાતને ફેંકી દીધું હતું.
પોલીસે દંપતી સામે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. દંપતીએ પોલીસને જણાવ્યું છે કે તેઓ પતિપત્ની છે.
ખરેખર શું થયું? નવજાત શિશુને કેમ ફેંકી દેવાયું? ચાલો જાણીએ.
ચાલતી બસમાં ખરેખર શું થયું?

15 જુલાઈની સવારે હંમેશાંની માફક પોલીસ અધિકારી આમોલ જયસ્વાલ પથરી પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ પર હતા. દરમિયાન જ તેમને તનવીર શેખનો ફોન આવ્યો.
બીજા છેડેથી બોલી રહેલી વ્યક્તિએ ઉતાવળમાં કહ્યું, "કોઈએ ચાલુ ટ્રાવેલ બસમાંથી સેલુ રોડ પર કૅનાલની પાસે આવેલા રસ્તા પાસે થોડી વર પહેલાં નવજાત શિશુને ફેંકી દીધું છે."
આટલું સાંભળતાં આમોલ જયસ્વાલ તાત્કાલિક એ વ્યક્તિએ જણાવેલા ઠેકાણા પર પહોંચ્યા.
તનવીર શેખે પોલીસને કહ્યું, "અમે રસ્તાની બીજી તરફ કસરત કરી રહ્યા હતા ત્યારે અમે ચાલુ બસમાંથી કંઈક ફેંકાતું જોયું. એ બાદ બસ 100 ફૂટ જેટલી દૂર જતી રહી, બે ત્રણ મિનિટ માટે ઊભી રહ્યા બાદ એ આગળ નીકળી ગઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ ફરિયાદ પ્રમાણે, "એ બાદ જ્યારે હું શું ફેંકાયું છે એ જોવા બીજી તરફ ગયો તો, તેમાં મને કાળા-વાદળી કલરના કપડામાં પડેલું શિશુ મળી આવ્યું."
તેમણે આમોલ જયસ્વાલને એ સમયે બસમાં રહેલી વ્યક્તિનું નામ પણ કહ્યું.
આમોલ જયસ્વાલે તાત્કાલિક આ વાતની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ લેંડગેને આપી અને ઍમ્બુલન્સ પણ બોલાવી. એ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ લેંડેગ, કૉન્સ્ટેબલ વિષ્ણુ વાઘ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી.
શિશુને ફેંકનાર વ્યક્તિ કેવી રીતે મળી આવી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મહેશ લેંડગેની ટીમે બસને શોધવા માટે ઑપરેશન શરૂ કર્યું. આના માટે તેમણે બસના માલિક સુયોગ અંબિલવાડેને ફોન કર્યો અને તેમને આખી ઘટનાની માહિતી આપી. તેમણે જ્યાં હોય ત્યાં એ બસને ઊભી રાખવાનું પણ કહ્યું.
બીબીસીએ આ ઘટના સંદર્ભે સુયોગ આંબિલવાડેનો પણ સંપર્ક સાધ્યો.
તેમણે કહ્યું, "15 જુલાઈએ સાડા સાત વાગ્યે, મને મહેશ લેંડગેસાહેબનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે તારી બસમાંથી કોઈએ શિશુને ફેંકી દીધું છે. તેથી જ્યાં હોય ત્યાં બસને રોકી અને અમારા આવવા સુધી કોઈને બહાર ન નીકળવા દો."
સુયોગ આંબિલવાડે બસ જ્યાં ઊભી હતી ત્યાં પહોંચ્યા, તરત જ પોલીસ પણ ત્યાં પહોંચી. સુયોગે આપેલી માહિતી પ્રમામે પોલીસે તેમની બસમાં શોધખોળ કરી અને નવજાત બાળકને ફેંકનારની અટક કરી.
પોલીસે બાળકનાં માતાને પરભણીની સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યાં અને પિતાની અટક કરી. પોલીસ બસના અન્ય મુસાફરોની પણ પૂછપરછ કરી. તેઓ આરોપીને પથરી પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં બસનું પંચનામું કરાયું. બધી કાર્યવાહી કરાયા બાદ તેમણે બસને છોડી દીધી.
બીબીસીને સુયોગ આંબિલવાડે કહ્યું કે, "જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો પોલીસે અમને કહ્યું કે મહિલાએ ચાલુ બસમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ બસમાં આના વિશે કોઈને ખબર નહોતી. કોઈ અવાજ નહોતો થયો."
તેમણે કહ્યું કે પોલીસે બસમાંથી પંચનામ દરમિયાન બધા પુરાવા એકત્રિત કરી લીધા હોઈ અમને બસમાં કંઈ નહોતું મળ્યું.
ચાલુ બસે બાળકને કેમ ફેંકી દેવાયું?

પોલીસ પ્રમાણે 19 વર્ષીય મહિલા અને 21 વર્ષીય પુરુષ બંને પુણેના શિખરપુરથી પરભણી જઈ રહ્યાં હતાં. બંને પરભણીનાં રહેવાસી છે. આ મુસાફરી દરમિયાન સ્ત્રીને પ્રસવપીડા ઊપડી.
આમોલ જયસ્વાલ દ્વારા નોંધાયેલી ફરિયાદ પ્રમાણે યુવાને કહ્યું કે, "અમે નવજાતને એટલા માટે ફેંકી દીધું, કારણ કે અમે તેને નહોતાં ઇચ્છતાં."
ફરિયાદ અનુસાર, "તેઓ બાળકની સંભાળ લઈ શકે એમ નહોતાં. તેથી તેમણે ઘેરા વાદળી રંગના કાપડમાં નવજાતને લપેટીને ચાલુ બસમાંથી કોઈનું ધ્યાન ન પડે એમ બહાર ફેંકી દીધું."
મહેશ લેંડગે કહે છે કે બાળક જન્મ સમયે મૃત અવસ્થામાં હતું કે ફેંક્યા બાદ તેનું મૃત્યુ થયું એ વાતનો ખુલાસો રિપોર્ટ આવ્યા બાદ થશે.
આ મામલામાં સંડોવાયેલાં દંપતીને જામીન પર છોડી મુકાયાં છે. જોકે, તેમને રિપોર્ટ આવ્યા બાદ પરત બોલાવાશે.
પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 94, 3 (5) (સગીર બાળકના મૃતદેહને ગુનાહિત ઇરાદા સાથે તરછોડી દેવો) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.
બીબીસીએ આ મામલામાં આરોપી યુવકનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
તેમનો જવાબ આવતાં જ અમે આ અહેવાલ અપડેટ કરીશું.
(આ અહેવાલ માટે વધારાનું રિપોર્ટિંગ આમોલ લાંગરે કર્યું છે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












