હાર્દિક પંડ્યાએ બનાવી 'અનોખી સદી', આવો રેકૉર્ડ બનાવનારા તેઓ ચોથા ભારતીય બૅટ્સમૅન

ભારતે ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની મદદથી સાઉથ આફ્રિકાને કટકમાં ટી20 સિરીઝમાં શાનદાર વિજય અપાવીને 1-0થી બઢત મેળવી લીધી છે.

હાર્દિક પંડ્યાએ ફટકાબાજી કરી ન હોત તો ભારત માટે મૅચમાં વાપસી કરવી મુશ્કેલ હતી, કારણ કે એક સમયે ભારતે 78 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી હાર્દિકે માત્ર 28 દડામાં 59 રન બનાવ્યા હતા જેના કારણે ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 175નો સ્કોર બનાવ્યો હતો.

હાર્દિકે માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ બૉલિંગમાં પણ સફળતા મેળવી હતી અને ડૅવિડ મિલર જેવા મહત્ત્વના બૅટ્સમૅનની જેવી મહત્ત્વની વિકેટ લીધી હતી.

અહીં યાદ રાખવું જરૂરી છે કે તાજેતરમાં ઈજાના કારણે હાર્દિક ટેસ્ટ કે વન-ડે સિરીઝ રમી શક્યા ન હતા અને હવે ત્રણ મહિના પછી પહેલી ટી20 મૅચ રમ્યા છે.

હાર્દિકે આ મૅચમાં કેટલાર રેકૉર્ડ તોડ્યા છે અને તેઓ નવા કેટલાક રેકૉર્ડ બનાવવાની નજીક છે.

ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રને હરાવ્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી20 સિરીઝની પહેલી મૅચમાં ભારતની ટીમે દક્ષિણ આફ્રિકા પર 101 રને જીત પ્રાપ્ત કરી છે.

ઓડિશાના કટકમાં રમાયેલી આ મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલી બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતના 176 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 74 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી. પહેલી વિકેટ શુભમન ગિલની પડી હતી. તેઓ માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ પણ વધારે રન નહોતા બનાવી શક્યા અને 12 રન બનાવીને આઉટ થઈ ગયા.

અભિષેક શર્મા 17 રન બનાવીને આઉટ થયા તો ચોથી વિકેટ તિલક વર્માની પણ પડી. તેમણે 26 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 23 રન બનાવ્યા હતા.

હાર્દિક એક છેડો સાચવીને બેઠા હતા. શિવમ દુબે પણ 11 રન પર આઉટ થઈ ગયા.

સૌથી વધારે રન હાર્દિક પંડ્યાએ બનાવ્યા. તેઓ 59 રન પર નોટઆઉટ રહ્યા. જિતેશ શર્માએ 11 રન બનાવ્યા હતા અને તેઓ પણ નોટઆઉટ રહ્યા.

176 રનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ સારી નહોતી. પહેલી જ ઓવરમાં અર્શદીપસિંહે ક્વિંટન ડિકૉકને સ્લીપ પર અભિષેક શર્માના હાથે કૅચ આઉટ કર્યા. ત્યાર પછી તેની સતત વિકેટ પડતી ગઈ.

આઠ ઓવરમાં આફ્રિકાની અડધી ટીમ આઉટ થઈ ચૂકી હતી. અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટો ઝડપી જ્યારે કે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ ઝડપી હતી. જિતેશ શર્માએ વિકેટની પાછળ ચાર કૅચ ઝડપ્યા હતા.

હાર્દિકનો ટી20માં 100 સિક્સરનો રેકૉર્ડ

હાર્દિક પંડ્યા માટે કટક ખાતેની ટી20 એટલા માટે પણ યાદગાર રહેશે કારણ કે તેમણે સિક્સર ફટકારવામાં રેકૉર્ડ બનાવ્યો છે.

સાઉથ આફ્રિકા સામે તેમણે એક કે બે નહીં પણ ચાર સિક્સર ફટકારી હતી.

હવે તેઓ ટી20 ઇન્ટરનૅશનલમાં 100 છગ્ગા ફટકારનારા ચોથા ભારતીય બન્યા છે. અત્યાર સુધીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે આ સફળતા મેળવી છે.

આ લિસ્ટમાં રોહિત શર્મા સૌથી ટૉપ પર છે જેમના નામે 205 સિક્સ નોંધાયેલી છે. તેઓ એકમાત્ર બૅટ્સમૅન છે જેમણે ટી20 ઇન્ટરનૅશનલમાં 200થી વધુ સિક્સર ફટકારી હોય.

સૂર્યકુમાર યાદવે 96 મૅચમાં 155 સિક્સર મારી છે. વિરાટ કોહલીના નામે 124 સિક્સર છે.

હાર્દિક નવા રેકૉર્ડ બનાવવાની નજીક

હાર્દિક પંડ્યા હવે તે બહુ મહત્ત્વના રેકૉર્ડની નજીક છે. ટી20 ઇન્ટરનૅશનલમાં તે 2,000 રન બનાવવાની તૈયારીમાં છે અને 100 વિકેટમાં માત્ર એક વિકેટ ખૂટે છે. હાર્દિકે અત્યાર સુધીમાં 99 વિકેટ ઝડપી છે અને 1,919 રન બનાવ્યા છે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ દરમિયાન તેને ઈજા થઈ હતી. તેના કારણે તેઓ પાકિસ્તાન સામે ફાઇનલ મૅચ રમી શક્યા ન હતા. ત્યાર પછી તેઓ ઑસ્ટ્રેલિયાની ટૂર પણ ચૂકી ગયા હતા.

હાર્દિકે ઈજામાંથી રિકવરી કરીને નોંધપાત્ર દેખાવ કર્યો છે. તેમણે તાજેતરમાં જ વડોદરા વતી રમતા સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં પંજાબ સામે માત્ર 42 બૉલમાં 77 રન ફટકાર્યા હતા અને પોતે એકદમ ફીટ છે તેની સાબિતી આપી હતી.

મૅચ પછી હાર્દિકે શું કહ્યું?

સાઉથ આફ્રિકા સામે ટી20માં 'પ્લૅયર ઑફ ધ મૅચ' જાહેર થયા પછી હાર્દિકે કહ્યું કે છેલ્લા છથી સાત મહિના મારી ફિટનેસને લઈને બહુ મહત્ત્વના હતા. છેલ્લા 50 દિવસમાં મેં એનસીએ ખાતે ઘણો સમય વીતાવ્યો હતો. હવે જે પરિણામ મળ્યું તે સંતોષજનક છે.

તેમણે કહ્યું કે "મારી આખી ક્રિકેટ કારકિર્દી દરમિયાન મેં હંમેશાં મારી ટીમ અને દેશને સૌથી આગળ રાખ્યા છે અને આ મારું સૌથી મોટું યુએસપી છે જેણે મને હંમેશા મદદ કરી છે."

ત્રણેય ફૉર્મેટમાં બુમરાહની 100 વિકેટો

સાઉથ આફ્રિકા સામેની ટી20માં જસપ્રીત બુમરાહે પણ કેટલીક મોટી સફળતા મેળવી છે. આ ફૉર્મેટમાં બુમરાહે હવે 100 વિકેટ લીધી છે. આ સાથે જ ટૅસ્ટ, વન ડે અને ટી20 એમ ત્રણેય ફૉર્મેટમાં 100 વિકેટ લેનારા પ્રથમ બૉલર બન્યા છે. આ સફળતા કપિલ દેવ, મોહમ્મદ શામી કે ઝહીર ખાનને પણ નથી મળી. જોકે, કપિલ દેવના જમાનામાં ટી20 નહોતી.

વન ડે સિરીઝમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. હવે ટી 20 ઇન્ટરનૅશનલમાં 100 વિકેટ ખેરવવામાં તેઓ અર્શદીપસિંહ પછી પ્રથમ બૉલર બન્યા છે. તેમણે ડેવેલ્ડ બ્રેવિસને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ત્યાર પછી તે જ ઓવરમાં તેમણે કેશવ મહારાજને પણ આઉટ કર્યા હતા.

81 ટી20 ઇન્ટરનૅશનલમાં બુમરાહ હવે 101 વિકેટ લઈ ચૂક્યા છે. તેમણે વન-ડેમાં 149 વિકેટ અને ટૅસ્ટમાં 234 વિકેટો લીધી છે.

હવે 11 ડિસેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 ઇન્ટરનૅશનલ રમાશે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન