આઇપીએલ ફાઇનલ 2023 : અમદાવાદમાં વરસાદ, ગુજરાત-ચેન્નાઈ વચ્ચે મૅચ ન થઈ તો શું થશે?

ઇમેજ સ્રોત, ANI
મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઇપીએલ 2023ની ફાઇનલ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે પરંતુ ત્યાં વરસાદના કારણે હજુ સુધી ટૉસ પણ નથી થઈ શક્યો.
સતત થઈ રહેલા વરસાદના કારણે ફાઇનલ મૅચ હજુ સુધી શરૂ નથી થઈ શકી. લગભગ નવ વાગ્યાની આસપાસ વરસાદ રોકાયો. મેદાન સૂકવી દેવાયું અને જ્યારે અમ્પાયર અને ખેલાડી મેદાનના નિરીક્ષણ માટે પહોંચ્યા તો વરસાદ ફરી શરૂ થયો.

મૅચ માટે કટ ઑફ ટાઇમ શું છે?
- જો મૅચ રાત્રે 9.35 વાગ્યા સુધી શરૂ થઈ ગઈ હોત તો તેની ઓવરોમાં ઘટાડો ન કરાયો હોત. તેથી હવે જો મૅચ શરૂ થાય તો પણ બંને ટીમો વચ્ચે 20-20 ઓવરની મૅચ નહીં રમાય.
- અને જો રાત્રે 12.06 વાગ્યા સુધી પણ મૅચની શરૂઆત ન થઈ તો 20ના સ્થાને પાંચ-પાંચ ઓવરની મૅચ રમાઈ શકે છે. તે બાદ સુપર ઓવર થઈ શકે છે પરંતુ જો એ પણ ન થઈ શક્યું તો મૅચ 29 મે સુધી ટાળી દેવાશે.
- આમ, જો ફાઇનલ રવિવારે ન રમાઈ તો સોમવારે રમાશે. સોમવારે એટલે કે 29 મેના રોજ આના માટે રિઝર્વ દિવસ ફાળવાયો છે.

નિયમો શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
આઇપીએલના નિયમો પ્રમાણે આ ટુર્નામેન્ટમાં લીગ મૅચો અને પ્લે ઑફ માટે કોઈ રિઝર્વ દિવસ નહોતા રખાયા.
વરસાદના કારણે જ ચેન્નાઈ સુપરકિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે એક મૅચ નહોતી યોજાઈ શકી અને બંને ટીમોને એક-એક પૉઇન્ટ મળ્યું હતું.
જોકે ફાઇનલ માટે રિઝર્વ દિવસ હોવાના કારણે જો રવિવારે મૅચનું આયોજન નહીં કરાય તો સોમવારે તેનું આયોજન કરાશે.
તેમજ જો મૅચ સોમવારે પણ ન રમાઈ તો નિર્ણય લીગ મૅચોમાં પ્રદર્શનના આધારે કરાશે. તેથી ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ બનશે કારણ કે તે 14 લીગ મૅચોમાંથી દસમાં જીતી છે. તેમજ ચેન્નાઈએ આટલી જ મૅચોમાંથી આઠમાં જીત હાંસલ કરી છે.
નિયમ પ્રમાણે, “નિયમ આઠ અને નવ અનુસાર જો સુપર ઓવર રમવાનું પણ શક્ય ન બને તો જે ટીમ લીગ મૅચો દરમિયાન પૉઇન્ટ ટેબલમાં ટોચે છે તેને પ્લેઑફ કે ફાઇનલની વિજેતા ટીમ જાહેર કરાશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે કે જો ફાઇનલમાં એક પણ ઓવર ન નાખી શકાય તો ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત આ ટ્રૉફી જીતી જશે.

ધોની અને હાર્દિકની ટીમોનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ધોની અને હાર્દિકની ટીમો વચ્ચે પ્રથમ ક્વૉલિફાયર મૅચ રમાઈ હતી જે 15 રને જીતીને ચેન્નાઈ સુપરકિંગ્સ ફાઇનલમાં પહોંચી હતી.
તેમજ ગુજરાત ટાઇટન્સે બીજી ક્વૉલિફાયર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને 62 રનના અંતરે માત આપીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ગુજરાત માટે શુભમન ગિલ સતત બેટિંગમાં નવા રેકૉર્ડ બનાવી રહ્યા છે અને આ સિઝનમાં સૌથી વધુ રન (851 રન) પણ તેમના નામે જ છે તેથી ઑરેન્જ કૅપ પણ તેમના શીરે જ સજવાની છે.
બીજી તરફ મોહમ્મદ શમી (28 વિકેટ) અને રાશિદ ખાન (27 વિકેટ) બૉલિંગમાં કમાલ કરી રહ્યા છે અને પર્પલ કૅપની રેસમાં બંને ટોચના બૉલર છે.
તેમજ ચેન્નાઈ માટે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની પ્લસ પૉઇન્ટ તરીકે જળવાઈ રહી છે તો બીજી તરફ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવન કૉનવે ખૂબ સારા ફૉર્મમાં છે. બૉલરમાં રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેની આગેવાનીમાં બૉલરો પણ કમાલ કરી રહ્યા છે.
બંને ટીમો વચ્ચે આઇપીએલમાં અત્યાર સુધી ચાર મૅચ રમાયા છે. તેમાંથી ત્રણમાં હાર્દિકની ટીમ જીતી છે તો પાંચ દિવસ પહેલાં બંને ટીમો વચ્ચે યોજાયેલી મૅચમાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ જીતી હતી.
ચેન્નાઈ સુપરકિંગ્સ ચાર વખત આઇપીએલ ચૅમ્પિયન બની ચૂકી છે તેમજ ગુજરાત ટાઇટન્સ વર્તમાન ચૅમ્પિયન છે. જો ગુજરાતની ટીમ ફરી ટ્રૉફી હાંસલ કરી લે તો એ સતત બે વર્ષ આઇપીએલ ચૅમ્પિયન બનનારી પ્રથમ ટીમ બનશે.














