You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે અમિતાભ બચ્ચને તબસ્સુમનો અસલી જિંદગીમાં જીવ બચાવ્યો
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી હિંદી માટે
- બોલીવૂડ અભિનેત્રી તબસ્સુમનું શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું
- તબસ્સુમે બાળકલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી
- દૂરદર્શનના લોકપ્રિય ટૉક શોમાં 21 વર્ષ સુધી ફિલ્મી સિતારાના ઇન્ટરવ્યૂ કર્યા
- એક વખત તબસ્સુમે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને એક કાર્યક્રમ દરમિયાન તેમનો જીવ બચાવ્યો હતો
વરિષ્ઠ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું શુક્રવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું. તબસ્સુમ ગોવિલે બોલીવૂડમાં લાંબા સમય સુધી કામ કર્યું હતું.
તેઓ બાળપણથી જ ફિલ્મો સાથે જોડાઈ ગયાં હતાં. 1947માં બાળકલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી અને અત્યંત લોકપ્રિય પણ થયાં.
ફિલ્મોમાં પદાર્પણ કરતાં જ દર્શકોએ તેમને બેબી તબસ્સુમ નામ આપી દીધું. ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કરતાં કરતાં તેમને ફિલ્મો પ્રત્યે વધુ ને વધુ લાગણી બંધાતી ગઈ. તેમણે અભિનેત્રી તરીકે પણ પોતાનું નસીબ અજમાવ્યું અને અમુક ફિલ્મો પણ કરી.
તેમની સામે જમાના બદલાયા અને જમાના સાથે તેમણે પોતાની જાતમાં પણ બદલાવ લાવ્યો. અભિનય છોડી તેમણે 1972થી 1993 સુધી દૂરદર્શન માટે સેલેબ્રિટી ટૉક શો ‘ફૂલ ખીલે હૈ ગુલશન-ગુલશન’ હોસ્ટ કર્યો.
સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાં જન્મ્યાં તબસ્સુમ
9 જુલાઈ, 1944ના રોજ જન્મેલાં તબસ્સુમ મૂળે અયોધ્યાથી હતાં. તબસ્સુમનો પરિવાર સ્વાતંત્ર્ય સેનાની રહ્યો. તેમના પિતા અયોધ્યાનાથ સચદેવ અને મા અસગરી બેગમ સ્વાતંત્ર્ય સેનાની હતાં.
તબસ્સુમે મુંબઈથી ભણતર પૂરું કર્યું. તેમણે ત્રણ વર્ષની ઉંમરમાં જ બાળકલાકાર તરીકે કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે વર્ષ 1947માં બાળકલાકાર તરીકે અભિનેત્રી નરગિસ સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મ હતી ‘દીદાર’, જેમાં તેમણે નરગિસનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું.
એ બાદ 1947માં જ ફિલ્મ ‘મેરા સુહાગ’ અને ‘બડી બહન’ પણ રિલીઝ થઈ. તેમણે ‘બૈજૂ બાવરા’ (1952)માં મીનાકુમારીના બાળપણનું પાત્ર પણ ભજવ્યું હતું.
વર્ષ 1952માં આવેલ ફિલ્મ ‘દીદાર’નું એ ગીત જેના શબ્દો છે ‘બચપન કે દિન ભૂલા ના દેના...’ અત્યંત લોકપ્રિય થયું હતું, એ ગીત બેબી તબસ્સુમ પર ફિલ્માવાયું હતું. તેને લતા મંગેશકર અને શમશાદ બેગમે ગાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તબસ્સુમ મોટાં થયાં તો તેમને ઘણી મોટી-મોટી ફિલ્મોમાં કૅરેક્ટર ઍક્ટ્રેસ તરીકે કામ કરવાની તક મળી. તબસ્સુમ એ અભિનેત્રીઓ પૈકી એક છે જેમણે અભિનેતા દિલીપકુમાર, રાજ કપૂર, નરગિસ, મીનાકુમારી, અશોકકુમાર, દેવાનંદ, શશિ કપૂર જેવાં ઘણાં કલાકારો સાથે કૅરેક્ટર ઍક્ટ્રેસ તરીકે કામ કર્યું.
ફિલ્મ કરતાં વધુ લોકપ્રિયતા ટીવીએ અપાવી
તબસ્સુમે ફિલ્મી દુનિયામાં તો સારું એવું નામ કમાવ્યું, ફિલ્માંમાં ઘણાં નાનાં નાનાં પાત્રો ભજવ્યા બાદ પણ તેમને ધારી લોકપ્રિયતા હાંસલ ન થઈ. પરંતુ તેઓ જેનાં હકદાર હતાં એવી લોકપ્રિયતા તેમને નાના પડદે દૂરદર્શને અપાવી.
તેમણે પ્રથમ ભારતીય ટેલિવિઝન ટૉક શો ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ની શરૂઆત કરી.
આ શોમાં તેઓ સિનેમાજગત સાથે જોડાયેલા કલાકારો, નિર્દેશકોથી માંડીને દરેક નામચીન લોકો સાથે વાતચીત કરતાં. શોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો અને આ કારણે તબસ્સુમનો આ શો દૂરદર્શન પર ત્રણ કે ચાર વર્ષ નહીં પરંતુ પૂરાં 21 વર્ષ સુધી પ્રસારિત થયો.
આ શોની શરૂઆત વર્ષ 1972માં થઈ હતી અને તે છેક 1993 સુધી ચાલ્યો. તબસ્સુમની સફર અહીં જ ખતમ ન થઈ. તે બાદ પણ તેમણે હિંદી પત્રિકામાં એડિટર તરીકે 15 વર્ષ સુધી કામ કર્યું.
રામાયણના રામ સાથે હતો ખાસ સંબંધ
તબસ્સુમની ફિલ્મી કારકિર્દી જેટલી રસપ્રદ રહી એટલી જ રસપ્રદ તેમની અંગત જિંદગી પણ રહી.
તેમનાં લગ્ન વિજય ગોવિલ સાથે થયાં. વિજય ગોવિલ પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’ના રામ એટલે કે અરુણ ગોવિલના ભાઈ છે. તબસ્સુમ અને વિજય ગોવિલને એક પુત્ર છે, જેનું નામ હોશાંગ છે.
મુખ્ય ભૂમિકા મળી પરંતુ સફળતા દૂર રહી
જાણીતા ફિલ્મ સમીક્ષક અને વરિષ્ઠ પત્રકાર રામચંદ્રન શ્રીનિવાસ તબસ્સુમને યાદ કરતાં કહે છે કે, "તબસ્સુમ એ અભિનેત્રીઓ પૈકી એક હતાં, જેમણે બાળપણથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતં. તેમનો જે આત્મવિશ્વાસ હતો, તેમનામાં વાત કરવાની જે ક્ષમતા હતી, તેમનો વાત કરવાનો અંદાજ અત્યંત પ્રશંસાજનક હતો."
"તેઓ બાળપણથી જ ઇન્ડસ્ટ્રીમાં હતાં અને અવારનવાર એવું જોવા મળ્યું કે જે બાળકલાકાર બાળપણમાં પ્યારા દેખાતા, મોટાં થાય ત્યારે તેમને દર્શક અભિનેત્રી તરીકે નહોતા જોઈ શકતા. તબસ્સુમ સાથે પણ કંઈક આવું જ બન્યું."
"મોટાં થયાં બાદ તેમને ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી. પરંતુ તેઓ એટલાં કામયાબ ન થઈ શક્યાં જેટલી આશા હતી. પરંતુ એ સફળતા તેમને ટેલિવિઝન પર મળી. તેઓ લોકોનાં મનપસંદ હોસ્ટ બની ગયાં."
"દર્શકોને તેમની વાતો સાંભળવાનું ગમતું, જે અંદાજમાં તેઓ કલાકારોને પૂછતાં એ બધાને સારું લાગતું, કલાકાર પણ તેમની સામે પોતાનાં બધાં રહસ્યો ખોલી દેતાં. કંઈક આવું વ્યક્તિત્વ હતું તબસ્સુમનું."
જ્યારે અમિતાભ બચ્ચને બચાવ્યો જીવ
તબસ્સુમ સાથે જોડાયેલો એક કિસ્સો યાદ કરતાં રામચંદ્રન શ્રીનિવાસન કહે છે કે, "તેમના શો 'ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન'માં દરેક મોટો કલાકાર સામેલ થવા માગતો, કારણ કે શો ખૂબ લોકપ્રિય હતો. આ શોમાં તેઓ કલાકારનો પરિચય જે સુંદરતાથી આપતાં, એ અંદાજ કલાકારોને ગમતો."
લોકો આ શો એટલા માટે જોતાં કે કલાકાર અહીં એ તમામ વાતો કહી શકતા જે તેઓ ક્યાંય નહોતા કહી શકતા. તેથી તેમના શો માટે લાંબી લાઇન લાગતી. દરેક કલાકાર પોતાનો ઇન્ટરવ્યૂ કરવાની વાત કરતો.
"એ જમાનામાં તબસ્સુમ અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ કરવા માટે તત્પર હતાં. તેમણે ઘણા પ્રયાસ કર્યા પરંતુ અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ ન થઈ શક્યો. પરંતુ એક શો દરમિયાન તબસ્સુમે જાતે એ વાતનો ઉલ્લેખ કર્યો જેમાં એક ઇવેન્ટ દરમિયાન નાસભાગ મચી ગઈ. એ ઇવેન્ટમાં તેઓ વ્હીલચૅર પર શો કરવા આવ્યાં હતાં."
"અચાનક મચેલી નાસભાગના કારણે તેઓ ખૂબ ગભરાઈ ગયાં. તેઓ બૂમો પાડતાં રહ્યાં જેથી તેમને કોઈ બચાવી લે. એ સમયે તેઓ મૃત્યુ પામી શક્યાં હોત. પરંતુ એ જ સમયે હાજર મહેમાન કલાકાર અમિતાભ બચ્ચને ફિલ્મી હીરોની જેમ, તેમનો જીવ બચાવી લીધો."
"તેમને તેઓ એ આગ અને નાસભાગથી બચાવી લાવ્યાં. આ ઘટનાના અમુક મહિના બાદ તેમની મુલાકાત અમિતાભ બચ્ચન સાથે તેમના જ શોમાં થઈ."