હરિયાણામાં ભાજપ, જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી, કોની જીત થઈ, કોણ હાર્યું?

ઇમેજ સ્રોત, ANI
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનાં મંગળવારે પરિણામ આવ્યાં હતાં. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજી વખત સત્તા પર આવી છે. કૉંગ્રેસ પાર્ટીની સત્તા પર આવવાની મહેચ્છા અધૂરી રહી ગઈ છે.
મંગળવારે સાંજે મતગણતરી પૂર્ણ થઈ હતી, જેમાં હરિયાણામાં ભાજપને 48 બેઠકોમાં જીત મળી છે. કૉંગ્રેસ પાર્ટીને 36 બેઠકો મળી છે. હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 46 બેઠકની જરૂર હોય છે.
હરિયાણા સાથે-સાથે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. અહીં નૅશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી મળી ગઈ છે.
નૅશનલ કોન્ફરન્સને 42 બેઠક પર જીત મળી છે અને કૉંગ્રેસના ખાતામાં છ બેઠક આવી છે. તો ભાજપને 29 બેઠક મળી છે. પીડીપીને માત્ર ત્રણ બેઠક મળી છે.
આ સિવાય માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ), જમ્મુ-કાશ્મીર પીપુલ કોન્ફરન્સ (જેપીસી) અને આમ આદમી પાર્ટીને એક-એક બેઠક મળી છે. જ્યારે સાત બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 બેઠક છે અને બહુમત માટે 46 બેઠક જોઈએ. નૅશનલ કોન્ફરન્સ-કૉંગ્રેસ ગઠબંધને 48 બેઠક જીતી છે.
જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી થઈ છે. છેલ્લે ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી હતી. એ સમયે મહેબૂબા મુફ્તી મુખ્ય મંત્રી બન્યાં હતાં. જોકે ભાજપ-પીડીપીના ગઠબંધનવાળી સરકાર પાંચ વર્ષ પૂરાં કરી નહોતી શકી.
'આ જનાદેશના પડઘા દૂર દૂર સુધી જશે' - નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને લઈને દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું, "આ જનાદેશના પડઘા દૂર દૂર સુધી જશે... હરિયાણાના ખેડૂતોએ કૉંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે."
ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, જ્યાં દૂધ અને દહીંનું ભોજન, તેવું જ છે હરિયાણા.
વડા પ્રધાન મોદીએ કહ્યું, "આ વખતે જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણી ઐતિહાસિક હતી. આ પહેલી ચૂંટણી હતી જ્યારે ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું હતું. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ જમ્મુ-કાશ્મીરમાં ઘણા લોકો મતદાન કરી શક્યા ન હતા. પરંતુ આ વખતે તે સમયે એવું નહોતું."
આ દરમિયાન વડા પ્રધાને કૉંગ્રેસને પણ ઘેરી હતી અને કહ્યું હતું કે, "મોટાં ભાગનાં રાજ્યોના લોકોએ કૉંગ્રેસ માટે નો ઍન્ટ્રી બોર્ડ લગાવી દીધાં છે. કૉંગ્રેસ જ્યાંથી જઈ રહી છે ત્યાંથી પાછી આવી શકી નથી. ગુજરાત અને મધ્યપ્રદેશના લોકોએ બે દાયકાથી વધુ સમયથી તેમના આશીર્વાદ જાળવી રાખ્યા છે. "
"પહેલાં કૉંગ્રેસ વિચારતી હતી કે તે ચાલે કે ન ચાલે, લોકો તેને મત આપશે. પરંતુ હવે કૉંગ્રેસનું રહસ્ય ખુલ્લું પડી ગયું છે."
પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું, "છેલ્લા કેટલાક સમયથી ભારત વિરુદ્ધ વિવિધ પ્રકારનાં ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે. ભારતની લોકશાહી, અર્થવ્યવસ્થા અને સામાજિક માળખાને નબળું પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ષડયંત્રો થઈ રહ્યાં છે. કૉંગ્રેસ અને તેના સાથીદારો તેમાં સામેલ છે. રમતમાં અને હરિયાણાએ આવાં ષડયંત્રનો જડબાતોડ જવાબ આપ્યો છે.''
પીએમ મોદીએ કહ્યું, "કૉંગ્રેસના આ રાજવી પરિવારે બેફામ કહી દીધું છે કે તેઓ અનામત ખતમ કરી દેશે. કૉંગ્રેસ દલિતો અને પછાતવર્ગોની અનામત છીનવીને તેને પોતાની વોટબૅન્ક આપવા માગતી હતી."
કયો મોટા નેતાઓ હાર્યાં
- ઇલ્તિજા મુફ્તી: પીડીપી, શ્રીગુફવારા-બિજબેહારા બેઠકથી
- રવીન્દ્ર રૈના: ભાજપ, નૌશેરા બેઠકથી 10493 મતે પાછળ
- સજ્જાદ ગની લોન: પીપલ્સ કોન્ફરન્સ, કુપવાડા બેઠકથી
- હરિયાણાના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા ઉચાના કલાં બેઠકથી
- આઈએનએલડીના અભય ચૌટાલા ઍલેનાબાદ બેઠકથી
મોટી જીત
- ઓમર અબ્દુલ્લાહ: નૅશનલ કોન્ફરન્સ, બડગામ અને ગાંદરબલથી બેઠકથી
- વીનેશ ફોગાટ જુલાના બેઠકથી
- સાવિત્રી જિંદાલ હિસાર બેઠકથી
- આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકની ડોડા વિધાનસભા બેઠકથી
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં પરિણામો પર કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ ચૂંટણીપરિણામો અંગે મીડિયાને પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું હતું કે, "સૌથી પહેલાં હું હરિયાણાના 2.80 કરોડ લોકોને દિલથી પ્રણામ કરું છું, તેમને અભિનંદન આપું છું. હરિયાણાની જનતાએ નરેન્દ્ર મોદીજીની નીતિઓમાં ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો છે."
"આ જીત હરિયાણાના ખેડૂતોની છે, આ જીત હરિયાણાના ગરીબો અને યુવાનોની છે. તેમણે મોદીજીની નીતિઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોએ ત્રીજી વાર ડબલ એન્જિનની સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે."
તેમણે કહ્યું હતું કે, "આ જીત પછી હું વડા પ્રધાન મોદીજીનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું અને લાખો ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું. "

તો દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં વલણો અને પરિણામો પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "આ ચૂંટણીથી સૌથી મોટી શીખ એ મળી છે કે ક્યારેય અતિ આત્મવિશ્વાસમાં ન રહેવું જોઈએ."
અરવિંદ કેજરીવાલે કહ્યું, "જેટલું ભગવાને આપ્યું છે તેટલામાં દેશની સેવા કરો. કોઈ ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ. આજની ચૂંટણીથી સૌથી મોટી શીખ એ છે ક્યારેય અતિ આત્મવિશ્વાસી ન થવું જોઈએ."
"દરેક ચૂંટણીમાં દરેક બેઠક મુશ્કેલ જ હોય છે. મહેનત કરો. ક્યારેય અંદરખાને લડાઈ ન થવી જોઈએ. દરેક લોકોએ મહેનત કરવી જોઈએ."
હરિયાણા કૉંગ્રેસના અધ્ચક્ષની હાર, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભાજપના અધ્યક્ષ હાર્યા

ઇમેજ સ્રોત, ANI/GETTY
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણીપરિણામોમાં અનેક મોટા ઊલટફેર જોવા મળી રહ્યા છે.
હરિયાણાની હોડલ બેઠક પરથી હરિયાણા કૉંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનનો પરાજય થયો છે. ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, હોડલ બેઠક પર તમામ 15 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.
તમામ 15 રાઉન્ડની ગણતરી પછી ઉદયભાન 2595 મતોથી પાછળ હતા.
તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના નૌશેરાથી ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાની 7819 મતોથી હાર થઈ છે.
નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર સુરેન્દ્રકુમાર ચૌધરીએ તેમને હરાવ્યા છે. રવીન્દ્ર રૈનાને 27250 મત મળ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠકો જીતવામાં સફળતા મળી છે.
અબજોપતિ ઉદ્યોગપતિ સાવિત્રી જિંદાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યાં

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપંચના સત્તાવાર આંકડા અનુસાર આ બેઠક પર હાલમાં તમામ 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર કૉંગ્રેસના રામનિવાસ બીજા ક્રમે રહ્યા છે. સાવિત્રી જિંદાલ બિઝનેસવુમન છે અને સજ્જન તથા નવીન જિંદાલનાં માતા છે.
તેઓ હરિયાણા સરકારમાં કૅબિનેટ મંત્રી પણ રહી ચૂક્યાં છે. 2024ની ચૂંટણી અગાઉ તેઓ ભાજપમાં જોડાયાં હતાં.
12 ડિસેમ્બર 2023ના રોજ ફૉર્બ્સની ભારતનાં ટોચનાં 10 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સાવિત્રી જિંદાલનું નામ ટોચ પર હતું. રિપોર્ટ પ્રમાણે સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 29 બિલિયન ડૉલર છે.
વીનેશ ફોગાટની જુલાના બેઠકથી 6 હજાર મતોથી જીત

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ ઉમેદવાર કુસ્તીબાજ વીનેશ ફોગાટે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાના બેઠક પરથી જીત મેળવી છે. કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલાં વીનેશે 6015 મતોથી જીત મેળવી છે. તેમને કુલ 65080 મતો મળ્યા હતા.
બીજા ક્રમે ભાજપના યોગેશકુમાર રહ્યા હતા જેમને 59065 મતો મળ્યા હતા.
વીનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં જ કૉંગ્રેસમાં સામેલ થયાં હતાં. તેમની સાથે કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ કૉંગ્રેસમાં જોડાયા હતા.
હરિયાણામાં શરૂઆતની મતગણતરીમાં કૉંગ્રેસ પક્ષ આગળ હતો, પરંતુ ત્યારબાદ ભાજપે સતત સરસાઈ જાળવી રાખી છે.
કૉંગ્રેસનો આરોપ, ચૂંટણીપંચનો જવાબ

ઇમેજ સ્રોત, ANI
હરિયાણામાં મતગણતરી વચ્ચે કૉંગ્રેસે કહ્યું છે કે ચૂંટણીપરિણામોને ચૂંટણીપંચની વેબસાઇટ પર ધીમે ધીમે અપડેટ કરવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસે આ મામલે ચૂંટણીપંચને નિવેદન પણ આપ્યું છે.
પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે, "લોકસભાના પરિણામોની જેમ, હરિયાણામાં પણ ચૂંટણીનાં વલણો ઇરાદાપૂર્વક ચૂંટણીપંચની વેબસાઇટ પર ધીમે ધીમે જાહેર કરવામાં આવી રહ્યાં છે. શું ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે?”
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જયરામ રમેશે કહ્યું હતું કે, "અમને આશા છે કે ચૂંટણીપંચ અમારી ફરિયાદનો જવાબ આપશે. અત્યાર સુધી 10-12 રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે પરંતુ માત્ર ત્રણ-ચાર રાઉન્ડના પરિણામો જ અપડેટ કરવામાં આવ્યા છે."
ચૂંટણીપંચે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન પણ 4 જૂન, 2024ના રોજ પણ આવો મામલો કૉંગ્રેસ તરફથી ઉઠાવવામાં આવ્યો હતો, જેને ચૂંટણીપંચે ફગાવી દીધો હતો.
ચૂંટણીપંચે કહ્યું, "અમે કહ્યું હતું કે મતદાનમથકો પર ચૂંટણીના નિયમો અનુસાર જ મતગણતરી કરવામાં આવે છે. તમારી (કૉંગ્રેસ) ફરિયાદ પર અમે કહેવા માગીએ છીએ કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ઉમેદવારોની હાજરીમાં જ મતદાનમથકો પર મતગણતરી કરવામાં આવી રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












