કૅનેડાની પોલીસને મહેસાણાના પરિવારના મૃતદેહો કેવી રીતે મળ્યા?

ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામોમાંથી વાયા કૅનેડા થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાનો રસ્તો ગુજરાતીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હજી લોકોના માનસપટ પર ડીંગુચાના પટેલ પરિવારના કૅનેડાની સરહદે થીજી જવાથી થયેલા મોતની ઘટના તાજી છે, ત્યાં ફરી એકવાર મહેસાણાના ચૌધરી પરિવારનું કૅનેડા અમેરિકાની સરહદે ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટના સામે આવી છે.

અલબત્ત, કૅનેડાની પોલીસ કે ગુજરાતના પોલીસ વિભાગ દ્વારા મૃતકોની ઓળખની અધિકૃત રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, મહેસાણા જિલ્લાના માણેકપુર ગામના ચૌધરી પરિવારને આશંકા છે કે આ મૃતદેહો તેમના પરિવારજનોના છે, જે ફરવા માટે કૅનેડા ગયા બાદ 15 દિવસથી સંપર્કવિહોણા છે.

આ ઘટનામાં કથિત ચૌધરી પરિવારના ચાર સભ્યોના મૃતદેહો ઉપરાંત રોમાનિયા ચાર લોકોના મૃતદેહો મળ્યા હોવાનું મૅનિટોબા રાજ્યની મોહૉક કાઉન્સિલ ઍક્વેસાસ્ન પોલીસ વિભાગે જણાવ્યું છે.

આ સમગ્ર મામલામાં નોંધપાત્ર બાબત એ છે ઍક્વેસાસ્નમાંથી 30 માર્ચે કૅસી ઑકસ નામની એક વ્યક્તિ ગુમ થઈ અને એને શોધવામાં આ મૃતદેહો મળી આવ્યા.

કોણ છે કૅસી ઑકસ?

ઍક્વેસાસ્ન પોલીસ વિભાગ (ઍક્વેસાસ્ન મોહૉક પોલીસ સર્વિસ- એએમપીએસ) જાહેર કરેલી વિગતો અનુસાર 30 વર્ષની ઉંમર ધરાવતા કૅસી ઑકસ છેલ્લે 29 માર્ચ, બુધવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે કૉર્નવૉલ આઇલૅન્ડના પૂર્વ છેડેથી એક વાદળી રંગની બોટમાં બેસીને નદીમાં જતા જોવા મળ્યા હતા.

કૅસી ઑકસના ખોવાઈ જવાની જાણ થતાં જ પોલીસે તેમની શોધખોળ આરંભી હતી અને આ કસ્બાની આસપાસમાં ફેલાયેલા વિશાળ જળપ્લાવિત વિસ્તારમાં તપાસ આરંભી હતી.

બીજી એપ્રિલના રોજ એએમપીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આઠ કિલોમિટર જેટલા જળમાર્ગમાં હજી તપાસ કરવાની બાકી છે.

કૅસી ઑકસની તપાસમાં વિવિધ એજન્સીઓ જોડાઈ હતી જેમાં એએમપીએસનું મરીન યુનિટ, રૉયલ કૅનેડિયન માઉન્ટેન પોલીસ (ઘોડેસવાર પોલીસ), મરીન યુનિટ, ઓન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ ઍર સપોર્ટ, સુરેટે ડ્યુ ક્યૂબૅકના મરજીવા અને હૉગન્સબર્ગ ઍક્વેસાસ્ન પોલીસ વોલન્ટીઅર ફાયર ડિપાર્ટમૅન્ટ સામેલ હતાં.

કૅસી ઑકસની શોધમાં આઠ મૃતદેહ કેવી રીતે મળ્યા?

કૅસી ઑકસની શોધમાં લાગેલી એજન્સીઓને 30 માર્ચની સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ ઍક્વસાસ્નના જળપ્લાવિત વિસ્તારમાં છ મૃતદેહો મળી આવ્યા હતા.

આ મૃતદેહોની નજીકમાં જ કૅસી ઑકસ જે બોટ ચલાવતા હતા તેના વર્ણનને મળતી આવતી એક બોટ મળી આવી હતી. એએમપીએસએ આ બોટને વધુ તપાસ માટે કબજે કરી લીધી છે.

જેમાંથી એક પરિવાર રોમાનિયા અને એક પરિવાર ભારતીય હોવાનું એએપીએસએ પોતાના મીડિયા નિવેદનમાં કહ્યું હતું. આ છ મૃતદેહોમાંથી પાંચ પુખ્ત વયની વ્યક્તિઓ હતી જ્યારે એક લગભગ ત્રણ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકનો મૃતદેહ હતો.

આ મૃતદેહો ઉપરાંત કૅસી ઑકસનાં કપડાં અને અન્ય વસ્તુઓ પણ પોલીસને મળી આવી હોવાની વિગતો એએમપીએસએ આપી હતી.

કૅનેડાના સીબીસી સમાચારે ભારતીય પોલીસ સૂત્રોને ટાંકીને મૃતકોની ઓળખ – 24 વર્ષીય વિધિબહેન પ્રવિણકુમાર ચૌધરી અને 50 વર્ષીય પ્રવિણભાઈ વેલજીભાઈ ચૌધરી અને 20 વર્ષીય મિતકુમાર પ્રવિણભાઈ ચૌધરી તરીકે કરી હતી.

રોમાનિયાનો પરિવાર કોણ છે?

એક અન્ય પરિવાર જેમના પણ મૃતદેહ મળી આવ્યા તે રોમાનિયાનો છે. શનિવારે પોલીસને જે બે મૃતદેહો મળ્યા હતા તેમની ઓળખ 28 વર્ષીય ફ્લોરીન લૉર્ડશે અને 28 વર્ષીય ક્રિસ્ટિના (મોનાલિસા) ઝૈનેદા લૉર્ડશે તરીકે થઈ હતી.

પોલીસે વધુમાં એમ પણ કહ્યું કે, ફ્લોરિન પાસે બે કૅનેડિયન પાસપોર્ટ મળી આવ્યા હતા. એક તેમનું 2 વર્ષનું બાળક છે અને બીજું એક વર્ષનું નવજાત. તેમના મૃતદેહો પણ મળી આવ્યા હતા.

સીબીસી ન્યૂઝ સૂચવે છે કે ફ્લોરીન લૉર્ડશેની શરણું માગતી અરજી કૅનેડાએ ખારીજ કરી દીધી હતી અને તેમને તેમના દેશ પરત મોકલવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી.

કેટલાક જાહેર દસ્તાવેજોમાં જાણવા મળે છે કે તેમણે તેમને પરત ન મોકલી દેવાય એટલે પ્રિ-રિમૂવલ રિસ્ક ઍસેસમૅન્ટ માટે અરજી કરી હતી અને તેના માટે પણ ઇન્કાર કરી દેવાયો હતો.

સીબીસી ન્યૂઝ સાથે રોમાનિયાના પરિવારના સંબંધીએ વાતચીતમાં કહ્યું કે, તેમણે એક અઠવાડિયાથી તેમની સાથે વાત નથી કરી. તેઓ અમેરિકાના ઑર્લાન્ડોમાં રહેતા પરિવાર પાસે આવવાના હતા.

હવે પરિવાર મૃતદેહોને રોમાનિયા મોકલવામાં આવે એવું ઇચ્છે છે જેથી ત્યાં તેમની વિધિસર અંતિમવિધિ થઈ શકે.