'દિલ કા હાલ સુને દિલવાલા, છોટી સી બાત ન મિર્ચ મસાલા', શૈલેન્દ્રનાં એ ગીતો જેમાં જીવનના દર્શનનું હાર્દ છુપાયેલું હતું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બોલીવૂડ, શૈલેન્દ્ર, ગીત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, shailendra family

ઇમેજ કૅપ્શન, રાજ કપૂરે શૈલેન્દ્રને ફિલ્મોમાં તક આપી હતી
    • લેેખક, જયસિંહ
    • પદ, બીબીસી માટે

એક સામાન્ય વ્યક્તિ જ્યારે દુઃખદર્દ સામે હારી જાય છે, તેને કોઈ રસ્તો નથી સૂઝતો, ત્યારે તે એક એવા પ્રકાશ તરફ જુએ છે, એક એવો રસ્તો શોધે છે, જે તેના જીવનને વ્યથા-વેદનામાંથી બહાર કાઢે.

શૈલેન્દ્રનાં ગીત આ જ કામ કરે છે. તેમનાં ગીત અંધકારની ફક્ત વાત નથી કરતાં, ઉજાશ તરફ જવાનો માર્ગ પણ બતાવે છે. તેમનાં ગીતોમાં માત્ર દુઃખ-દર્દનાં વખાણ જ નથી, તેમાંથી બહાર નીકળવાની શક્તિ પણ છે, ભરોસો છે અને માર્ગ પણ.

તેમનું પોતાનું જીવન વ્યથાઓથી ભરેલું હતું. ભૂખ, ગરીબી, લાચારી, સામાજિક ભેદભાવ – શું શું નથી સહન કર્યું તેમણે! પરંતુ, તેઓ ભાંગી ન પડ્યા. જે હિંમત અને આશા સાથે તેઓ તેમાંથી પસાર થઈ જાય છે એ જ વસ્તુઓ તેમણે પોતાનાં ગીતો દ્વારા લાખો-કરોડો લોકોને આપી.

તેમનાં ગીતોમાં વિવિધતા છે, તો એક વિરોધાભાસ પણ છે. ક્યારેક તડકોછાંયડો, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, ક્યારેક પ્રેમ ક્યારેક વિયોગ, ક્યારેક જીવન તો ક્યારેક મૃત્યુ.

શૈલેન્દ્રનાં ગીતોની યાદી લાંબી છે. સેંકડો ગીત, દરેક ગીત એક હીરો, દરેક ગીત આપણા જીવન સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું.

આવાં જ ગીતોના સાગરમાંથી થોડાંક મોતી શોધીને આ વિરોધાભાસને તપાસીએ, જે શૈલેન્દ્રએ ગીતોના માધ્યમથી આ દુનિયાને આપ્યો છે.

'આવારા' અને 'શ્રી 420'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બોલીવૂડ, શૈલેન્દ્ર, ગીત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, RK Films

આવારા શબ્દ સાંભળતાં જ આપણા મનમાં એક નકારાત્મક છબિ દેખાવા લાગે છે.

આવારા એટલે બેકાર, બેઘર, સમાજની નજરમાં તિરસ્કૃત. પરંતુ, શૈલેન્દ્રના શબ્દમાં એ ખૂબી છે જે આવારાને પણ સૌનો પ્રિય બનાવી દે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'આવારા' ફિલ્મનું શીર્ષકગીત– આવારા હૂં, આવારા હૂં યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં…

ને આ અંતરાને જુઓ–

ઘર બાર નહીં, સંસાર નહીં, મુજસે કિસી કો પ્યાર નહીં

ઉસ પાર કિસી સે મિલને કા ઇકરાર નહીં, મુજસે કિસી કો પ્યાર નહીં

સુનસાન નગર અનજાન ડગર કા પ્યારા હૂં…

આ જે આવારા છે, સંકટથી ઘેરાયેલો છે, પરંતુ તે પોતાને આકાશનો તારો સમજે છે. આ જ પંક્તિથી એ આવારા પ્રત્યે સહાનુભૂતિ થવા લાગે છે.

આ એક આવારાના શબ્દ નથી. આ દેશ-દુનિયામાં લાખો-કરોડો આવારા છે, જે બેઘર છે, નિરાધાર છે, જે મુસીબતમાં છે, જેને કોઈ ચાહતું નથી, પરંતુ છે તો તેઓ તારા, ભલે ને સંકટમાં હોય. એક અંતરામાં જીવન અને સમાજના આટલા બધા વિરોધાભાસ!

શ્રી 420નું ગીત

દિલ કા હાલ સુને દિલ વાલા/ સીધી સી બાત ન મિર્ચ મસાલા,

કહ કે રહેગા કહને વાલા, દિલ કા હાલ સુને દિલ વાલા…

પછીનો અંતરો જુઓ–

છોટે સે ઘર મેં ગરીબ કા બેટા/ મૈં ભી હૂં માં કે નસીબ કા બેટા,

રંજ-ઓ-ગમ બચપન કે સાથી/ આંધિયોં મેં જલી જીવન બાતી,

ધૂપ ને હૈ બડે પ્યાર સે પાલા, દિલ કા હાલ સુને દિલ વાલા.

સામાજિક ચલણ અનુસાર નસીબદાર તો એ હોય છે જે અમીરના ઘરે જન્મે છે. ગરીબના ઘરમાં જન્મનાર કઈ રીતે નસીબનો પુત્ર થઈ ગયો! દુઃખ-દર્દ જેના બાળપણના સાથીદાર હોય, તડકાએ જેનો ઉછેર કર્યો હોય. તડકા અને ગરીબીમાં ઊછરેલા નાનકડા ઘરનો પુત્ર ભલે કોઈના માટે કશું ન હોય, પરંતુ એક માતા માટે તો તે નસીબનો પુત્ર જ છે.

શૈલેન્દ્ર અહીં કશુંક કહી રહ્યા છે. તડકો, ગરીબી, નાનકડું ઘર, આંધીઓમાં ઊછરનારનો જુસ્સો કેટલો બુલંદ છે! તે દુનિયા નથી જાણતી. તેને મામૂલી ન સમજો.

જીવનદર્શનનાં ગીત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બોલીવૂડ, શૈલેન્દ્ર, ગીત, ઇતિહાસ
ઇમેજ કૅપ્શન, 'સીમા' ફિલ્મમાં નૂતન મુખ્ય ભૂમિકામાં હતાં

'સીમા' ફિલ્મનાં તો બધાં ગીતોમાં જીવનદર્શન સમાયેલું છે. દરેક ગીતમાં પાત્રોના બહાને શૈલેન્દ્ર એ વિરોધાભાસને સામે લાવે છે, જેને માત્ર અનુભવી શકાય છે.

ઘાયલ મન કા પાગલ પંછી ઉડને કો બેકરાર,

પંખે હૈ કોમલ આંખે હૈ ધુંધલી જાના હૈ સાગર પાર,

અબ તૂ હી ઇસે સમજા રાહ ભૂલે થે કહાં સે હમ,

તૂ પ્યાર કા સાગર હૈ તેરી ઇક બૂંદ કે પ્યાસે હમ…

ધૂંધળી આંખો, નાજુક પાંખવાળું ઘાયલ મન, પરંતુ ઊડવા માટે તલપાપડ પાગલ પંખીને પેલે પાર જવું છે. અત્યારે આ પંખીના પક્ષમાં કંઈ પણ નથી. બસ એક જોશ છે ઊડવાનો. શૈલેન્દ્ર જે પારની વાત કરી રહ્યા છે, તે વ્યક્તિનાં દુઃખ, લાચારી, મજબૂરીમાંથી બહાર નીકળી જવાની વાત કરી રહ્યા છે! આ ગીતનો બીજો એક અંતરો જુઓ–

ઇધર ઝૂમ કે ગાએ જિંદગી ઉધર હૈ મૌત ખડી,

કોઈ ક્યા જાને કહાં હૈ સીમા ઉલઝન આન પડી,

કાનોં મેં જરા કહે દે કે આયેં કૌન દિશા સે હમ,

તૂ પ્યાર કા સાગર હૈ તેરી એક બૂંદ કે પ્યાસે હમ,

લૌટા જો દિયા તૂને ચલે જાએંગે જહાં સે હમ

એક ગીતમાં જીવનનાં જુદાં જુદાં પાસાંને શૈલેન્દ્રએ એવી ખૂબીથી સાંકળી લીધાં છે કે આખું ગીત સાંભળતાં સાંભળતાં વ્યક્તિની હિંમત ફરી મક્કમ થવા લાગે છે. તે ફરીથી ઊભી થઈ જાય છે પેલે પાર જવા માટે. આ પાર તો બધાં દુઃખ-દર્દ જ છે!

દરેક છોકરીનાં સપનાં અને આઝાદીનું પ્રતીક-ગીત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બોલીવૂડ, શૈલેન્દ્ર, ગીત, ઇતિહાસ
ઇમેજ કૅપ્શન, 'ગાઇડ' ફિલ્મનું કથાનક સમજવા અને સ્વીકારવામાં ભારતીય જનમાનસને સમય લાગ્યો હતો

'ગાઇડ' ફિલ્મનું તો કથાનક જ એવું છે, જેને ભારતીય જનમાનસને સમજવા અને સ્વીકારવામાં સમય લાગ્યો. હા, શૈલેન્દ્રનાં ગીત 'ગાઇડ' અને તેની નાયિકા વચ્ચે રહેલા વિરોધાભાસને એટલી ખૂબીથી વ્યક્ત કરે છે કે તે આજ સુધી અગણિત લોકોનાં મનની અભિવ્યક્તિ બની રહ્યાં છે.

કાંટો સે ખીંચ કે યહ આંચલ તોડ કે બંધન બાંધી પાયલ,

કોઈ ન રોકો દિલ કી ઉડાન કો દિલ વહ ચલા…,

આજ ફિર જીને કી તમન્ના હૈ આજ ફિર મરને કા ઇરાદા હૈ,

અપને હી બસ મેં નહીં મૈં દિલ હૈ કહીં તો હૂં કહીં મૈં.

જાને ક્યા પાકે મેરી જિંદગી ને હંસકર કહા,

મૈં હૂં ગુબાર યા તૂફાન હૂં કોઈ બતાએ મૈં કહાં હૂં…

લોકલાજ અને તમામ સામાજિક બંધનોને છોડીને, કાંટા ભરેલા જીવનથી પોતાની આઝાદીનો છેડો ખેંચી લઈને નાયિકા એટલી ખુશ છે કે તે જીવવા અને મરવા વચ્ચેનો ભેદ પણ ભૂલી ગઈ છે. એક પળને જીવવા ઇચ્છે છે, તો બીજી પળે મરવાથી હવે તેને કશો ફરક નથી પડવાનો.

આવું શૈલેન્દ્ર જ લખી શકે છે. દરેક છોકરીનાં સપનાં અને આઝાદીનું પ્રતીક બની ગયું છે આ ગીત. આ જ ફિલ્મના આ ગીતમાં તેઓ બીજા એક જીવનદર્શનની વાત કરે છે–

કોઈ ભી તેરી રાહ ન દેખે નૈન બિછાએ ન કોઈ,

દર્દ સે તેરે કોઈ ન તડપા આંખ કિસી કી ન રોઈ,

કહે કિસી કો તૂ મેરા મુસાફિર જાએગા કહાં,

દમ લે લે ઘડી ભર યહ ઠિયાં પાએગા કહાં.

'બંદિની' ફિલ્મનું આ ગીત આખી ફિલ્મનો સંદેશો માત્ર થોડીક જ પંક્તિમાં કહી દે છે. આ ગીત એક પાત્રની અભિવ્યક્તિથી પર થઈને આપણને બધાને એક સંદેશો પણ આપે છે.

ઓ રે માઝી! ઓ રે માઝી! ઓ ઓ મેરે માઝી!

મેરે સાજન હૈ ઉસ પાર, મૈં મનમાર, હૂં ઇસ પાર,

ઓ મેરે માઝી, અબકી બાર, લે ચલ પાર, લે ચલ પાર

મેરે સાજન હૈ ઉસ પાર…

મત ખેલ જલ જાએગી કહતી હૈ આગ મેરે મન કી,

મૈં બંદિની પિયા કી મૈં સંગિની હૂં સાજન કી,

મેરા ખીંચતી હૈ આંચલ મનમીત તેરી હર પુકાર.

ગીતોમાં એક દર્શન છૂપું હોય છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બોલીવૂડ, શૈલેન્દ્ર, ગીત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Shailendra Family

ઇમેજ કૅપ્શન, શૈલેન્દ્રનાં ગીતોમાં જીવનનો વિરોધાભાસ જોવા મળે છે

જીવન ઘણું અટપટું છે. ખાલી શબ્દોના અર્થ સમજવાથી સમજાય નહીં. કોઈને થોડુંઘણું સમજાશે, તો કોઈને બિલકુલ નહીં સમજાય. દુનિયા પણ આવી જ છે; કોઈના માટે ખરાબ, તો કોઈના માટે સારી. જીવનની જેમ કોઈના માટે વરદાન તો કોઈના માટે અભિશાપ.

સૂરજ જરા આ પાસ આ, આજ સપનોં કી રોટી પકાએંગે હમ,

એ આસમાં તૂ બડા મેહરબાન આજ તુજકો ભી દાવત ખિલાએંગે હમ,

ચૂલ્હા હૈ ઠંડા પડા ઔર પેટ મેં આગ હૈ, ગરમા ગરમ રોટિયાં કિતના હંસી ખ્વાબ હૈ,

આલૂ ટમાટર કા સાગ, ઇમલી કી ચટની બને, રોટી કરારી સિકે ઉસ પર ઘી અસલી લગે.

ઉપરના આ એક અંતરામાં જ એટલો વિરોધાભાસ છે કે મૂંઝાઈ જવાય છે કે કયું પહેલાં સમજીએ!

આકાશને 'દાવત' ખવડાવવાની હિંમત કે ઠરી ગયેલા ચૂલા અને પેટની આગને? ગરમાગરમ રોટલીના સપનાને કે બટાટા–ટામેટાંના શાક અને કડક રોટલી પર લાગેલા ઘીની કામનાને. ચટણી–શાક અને રોટલીથી દૂર રહેનાર આકાશ અને સૂરજને નિમંત્રણ અપાવવું. આવા વિરોધાભાસ શૈલેન્દ્ર જ સર્જી શકે છે.

તેમનાં ગીતોમાં ફિલ્મનાં પાત્ર તો બોલે જ છે, એક દર્શન પણ છુપાયેલું હોય છે. એવું દર્શન જેને સમજવા માટે કોઈ વિદ્વાનની જરૂર નથી. સામાન્ય શબ્દોમાં અસામાન્ય વાત કહી દેવી તેમના માટે ખૂબ સહજ છે. 'તીસરી કસમ'નું આ ગીત તો કાળજયી બની ચૂક્યું છે. આટલા સરળ શબ્દોમાં જીવનસાર સમજાવી દેવો, કબીરની યાદ અપાવી દે છે.

સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ

ના હાથી હૈ ન ઘોડા હૈ વહાં પૈદલ હી જાના હૈ

તુમ્હારે મહલ ચૌબારે યહીં રહ જાએંગે સારેં

અકડ કિસ બાત કી પ્યારે યે સર ફિર ભી ઝુકાના હૈ

ભલા કીજે ભલા હોગા બડા કીજે બૂરા હોગા બહી લિખ લિખ કે ક્યા હોગા

યહીં સબ કુછ ચુકાના હૈ, સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ.

જીવન એક સફર છે અને આ દુનિયા એક મુસાફરખાનું. બધાએ જવાનું તો ખુદા પાસે જ છે. એ પણ ખાલી હાથે. ન હાથી હશે, ન ઘોડા હશે. બસ, ચાલીને જ જવાનું છે.

શૈલેન્દ્ર પણ પોતાના જીવનના સૌથી મોટા સપના એટલે કે 'તીસરી કસમ'ની નિષ્ફળતાથી એટલા હતાશ થઈ ગયા કે સૌને ચોંકાવતા 14 ડિસેમ્બર 1966એ આ દુનિયામાંથી કસમયે જ જતા રહ્યા અને આપણા માટે પોતાનાં ગીતોનો એવો ખજાનો છોડી ગયા, જે જીવનના બે આત્યંતિક છેડાનો આપણને પરિચય કરાવે છે.

(જયસિંહ ફિલ્મ-સમીક્ષક અને કૉલમિસ્ટ છે. શૈલેન્દ્ર પરનું તેમનું એક પુસ્તક 'સજનવા બૈરી હો ગયે હમાર' પ્રકાશિત થઈ ચૂક્યું છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન