મોરોક્કો ભૂકંપમાં 2000થી વધુનાં મૃત્યુ, જ્યાં ભૂકંપની શક્યતા ઓછી છે ત્યાં આટલો વિનાશકારી ભૂકંપ કેમ આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ
- પદ, .
ઉત્તરી આફ્રિકાના મધ્ય મોરોક્કોમાં 6.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તારાજી સર્જી છે. મૃત્યુઆંક સતત વધતો રહે છે અને તે હવે 2000થી પણ વધી ગયો છે.
મોરોક્કોના આંતરિક મંત્રાલયે જણાવ્યું છે કે હજુ પણ 1400થી વધારે લોકોને ગંભીર ઈજાઓ થયેલી છે. એટલે મૃત્યુઆંક હજુ પણ વધશે.
કિંગ મોહમ્મદ-ચતુર્થએ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે અને તેમણે બચી ગયેલા લોકો માટે આશ્રય, ભોજન અને અન્ય મદદનો આદેશ આપ્યો છે.
ઘણા લોકો બીજી રાત પણ ખુલ્લામાં જ કોઈપણ પ્રકારનાં આશ્રય વગર વિતાવી રહ્યા છે.
યુ.એસ. જીયોલૉજિકલ સરવેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 71 કિમી (44 માઇલ) અને 18.5 કિમીની ઊંડાઈએ હતું. આ ઍપિસેન્ટરવાળો વિસ્તાર હાઈ ઍટલાસ માઉન્ટેઈન્સ કહેવાય છે.

ક્યાં કેટલી તારાજી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
તારીખ આઠ સપ્ટેમ્બરે રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ મરાકેશ અને આસપાસનાં શહેરોમાં આવ્યો હતો. દૂરના પહાડી વિસ્તારોમાં તો આખેઆખાં ગામો નાશ થઈ ગયાં હોવાના અહેવાલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે મરાકેશને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણ મનાય છે.
ધરતીકંપનું કેન્દ્ર મરાકેશ નજીક હતું પરંતુ ભૂકંપની ધ્રુજારીઓ 350 કિલોમિટર દૂર આવેલા શહેર રબાત અને કાસાબ્લાન્કા, અગાદિર અને ઇસૌરા સુધી અનુભવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંતરિક મંત્રાલયનું કહેવું છે કે અલ હૌઝ પ્રાંતમાં સૌથી વધુ મૃત્યુઆંક છે, ત્યારબાદ તરાઉડન્ટ પ્રાંત આવે છે. યુનેસ્કો સંરક્ષિત જૂના શહેરને નોંધપાત્ર નુકસાન થયું હોવા છતાં મરાકેશમાં ઘણાં ઓછાં મૃત્યુ થયાં છે.
એવું માનવામાં આવે છે કે પર્વતીય ગામોમાં માટીની ઈંટો, પથ્થર અને લાકડાનાં ઘણાં સાદાં ઘરો ધરાશાયી થઈ ગયાં હશે. પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં થયેલા વિનાશનું મૂલ્યાંકન કરવામાં હજુ થોડો સમય લાગશે.
આવા જ એક ગામમાં જ્યારે બીબીસી રિપોર્ટર નિક બીક પહોંચ્યા હતા. તેઓ કહે છે કે, એક વૃદ્ધ મહિલા રડી રહી હતી કારણ કે તે એક જ જગ્યાએથી 18 મૃતદેહો મળી આવ્યા હતા.
ત્યાં ઘણા લોકો રાત્રિ માટે બહાર જ પડાવ નાખી રહ્યા છે. કારણ કે તેમને આફ્ટરશૉક્સનો ડર છે. તેઓ કહે છે કે અહીં ખોરાક અને પાણીની સખત તંગી છે. પરંતુ આવા સ્થળોએ પહોંચવું પણ મુશ્કેલ છે. પર્વતીય રસ્તાઓ ખડકો અને અન્ય કાટમાળથી પથરાયેલા છે જે કટોકટીની સેવાઓ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બનાવે છે.

કેટલો શક્તિશાળી હતો આ ભૂકંપ?

ઇમેજ સ્રોત, Getty Images
રૉયલ પૅલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી દેશની તમામ જાહેર ઇમારતો પર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
કિંગ મોહમ્મદે સશસ્ત્ર દળોને બચાવ ટીમોને મદદ કરવા આદેશ આપ્યો છે અને મોરોક્કન લોકો પીડિતોને મદદ કરવાના રાષ્ટ્રીય પ્રયાસના ભાગ રૂપે રક્તદાન પણ કરી રહ્યા છે.
1960માં 6.7ની તીવ્રતાના ભૂકંપથી અગાદિર તબાહ થયું ત્યારપછી આવેલો મોરોક્કોનો આ સૌથી ભયંકર ભૂકંપ છે. એ ભૂકંપમાં 12,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
શુક્રવારે આવેલો આ ભૂકંપ તો મોરોક્કોમાં છેલ્લી એક સદીમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તે મોરોક્કોની સરકારને તેની બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તૈયાર છે. સ્પેન, ફ્રાન્સ અને ઇઝરાયેલ સહિતના ઘણા દેશોએ પણ આવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મદદની તૈયારી દર્શાવી છે.
પાડોશી દેશ અલ્જેરિયાના તાજેતરનાં વર્ષોમાં મોરોક્કો સાથે પ્રતિકૂળ સંબંધો રહ્યા છે. પરંતુ હવે તે પણ મોરોક્કો માટે માનવતાવાદી અભિગમ દાખવીને મદદ માટે આવતી ફ્લાઇટ્સ માટે તેનું એરસ્પેસ ખોલી રહ્યું છે.

આખેઆખા પરિવારો જ ન બચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
રાત્રે ભૂકંપના આંચકા આવતા અનેક પરિવારો ફસાઈ ગયા હતા અને તેઓ હજુ પણ ફસાયેલા છે.
ભૂકંપના કેન્દ્રની નજીક અસ્નીના પહાડી ગામમાં રહેતા મૉન્ટાસિર ઇત્રીએ રૉઇટર્સને કહ્યું હતું કે "અમારા પડોશીઓ કાટમાળ હેઠળ દબાયેલા છે અને લોકો ગામમાં ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને તેમને બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે."
હૌદા આઉટઅસફ મરાકેશમાં ‘જેમા અલ-ફના’ સ્ક્વેરની આસપાસ ફરી રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે જમીન ધ્રૂજવા લાગી છે.
તેમણે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "મારા પરિવારના ઓછામાં ઓછા 10 સભ્યો છે જેઓ મૃત્યુ પામ્યા છે. હું હજુ પણ આ વાત પર વિશ્વાસ કરી શકતો નથી કારણ કે હું બે દિવસ પહેલા તો હજી તેમની સાથે જ હતો."
આ ભૂકંપમાં અલ-ફના સ્ક્વેરમાં એક મસ્જિદનો મિનાર તૂટી પડ્યો હતો અને શહેરના ઑલ્ડ મદિનામાં ઘણી સાંકડી શેરીઓ કાટમાળથી જ ઢંકાઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ભૂકંપનું કારણ ચોંકાવનારૂં

ઇમેજ સ્રોત, REUTERS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના વિજ્ઞાન વિષયક સંવાદદાતા જૉનાથન ઍમોસે આ ભૂકંપ પાછળનાં ચોંકાવનારાં કારણોની ચર્ચા કરી છે.
તેઓ જણાવે છે કે, “6.8ની તીવ્રતાનો ધરતીકંપ એ ખરેખર મોટો ભૂકંપ ગણાય. પૃથ્વી પર આ પ્રકારનાં ભૂકંપ ખૂબ ઓછા જોવા મળે છે. વધુમાં એ વાત પણ છે કે ભૌગોલિક રીતે મોરોક્કો એવી જગ્યા પણ નથી કે જ્યાં આવો ભૂકંપ આવવાની શક્યતા હોય.”
તેઓ આગળ સમજાવતાં કહે છે કે, “જમીન નીચે રહેલી પ્લેટો કે જેના પર યુરોપિયન અને આફ્રિકન દેશો વસેલા છે તેના અથડાવાને કારણે આ ભૂકંપ આવ્યો હતો. એટલે કે આ અથડામણ એ ટૅક્ટોનિક ડ્રાઇવર હતી.
આ ધીમી (4mm/વર્ષ) જીઓલોજિકલ "કાર ક્રેશ" તરીકે ઓળખાતી ઘટનાથી જે ધરતીકંપ થાય છે એ ઘટના મોટેભાગે ભૂમધ્ય સમુદ્રમાં પૂર્વમાં ઇટાલી, ગ્રીસની આસપાસ અને તુર્કી તરફ થાય છે.”
તેમનું માનવું છે કે આ ભૂકંપને ઍટલાસ પર્વતોને સતત ધક્કો મારતા થ્રસ્ટિંગ અને ફૉલ્ટિંગ સાથે જોડવામાં આવશે.
ઇતિહાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઍપિસેન્ટરનાં 500 કિલોમીટર (300 માઈલ)ની અંદરના વિસ્તારમાં આવો ભૂકંપ વર્ષ 1900 પહેલાં આવ્યો નથી કે જેની તીવ્રતા પણ 6.0 થી વધુ હોય.
જૉનાથન ઍમોસની દ્રષ્ટિએ કદાચ આ ભૂકંપની એક પ્રકારે કોઈ અપેક્ષા નહોતી.
તેઓ કહે છે કે, “એ સ્પષ્ટ વાત દેખાઈ રહી છે કે અહીં વસતા લોકોને બહુ ઓછી વખત ભૂકંપનો અનુભવ થયો છે અને એટલે જ સ્વાભાવિક રીતે તેમની તૈયારી ઓછી હોય. બીજું કારણ એ છે કે ધરતીકંપ રાત્રે આવ્યો હતો જેના કારણે મૃત્યુઆંક વધી જાય છે. રાત્રિને કારણે એ શોધવામાં પણ મુશ્કેલી પડે છે કે કેટલી જગ્યાએ કેટલા લોકો કાટમાળમાં ફસાયેલા છે.”
આ ધરતીકંપ રાત્રે અગિયાર વાગ્યે અને અગિયાર મિનિટે આવ્યો હતો જેને કારણે મોટાભાગના લોકો ઊંઘી ગયા હતા.
યુએસ જીયોલૉજિકલ સરવે એક મૉડેલ ચલાવે છે જે જાનહાનિ અને આર્થિક નુકસાનના સંભવિત સ્કેલનો અંદાજ લગાવે છે. તે આ ધરતીકંપ માટે સૂચવે છે કે મૃત્યુઆંક સેંકડોથી હજારોમાં પણ જઈ શકે છે.
જૉનાથન કહે છે, “આંકડો ચોક્ક્સ વધશે અને એ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. આપણે આફ્ટરશૉક્સ માટે પણ તૈયાર રહેવું જોઈએ. આપણે મુખ્ય આંચકા કરતાં લગભગ એક જેટલી તીવ્રતા ઓછી હોય તેવા આફ્ટરશૉક્સ માટે તૈયાર રહેવું જોઈએ. પરંતુ તેનાથી નાના આંચકા આવશે તો પણ પહેલાંથી ક્ષતિગ્રસ્ત ઇમારતો પડી જાય તેવું જોખમ ધરાવે છે. જેના કારણે હજુ વધુ નુકસાન થશે.”














