ગાય સહિત અનેક પ્રાણીઓ પર આ દેશ આવો પ્રયોગ કેમ કરી રહ્યો છે?

ન્યૂઝીલેન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઍલન રેકર્સ
    • પદ, બીબીસી ફ્યુચર

ન્યૂઝીલૅન્ડમાં એક કરોડ ગાય અને 2.6 કરોડ ઘેટાં છે. આ વિશાળ પશુપાલનને કારણે મિથેનનું મોટા પાયે ઉત્સર્જન થાય છે તેને કાબૂમાં રાખવો જરૂરી બની ગયો છે, કેમ કે તો જ ક્લાઇમેટ નિયંત્રણના લક્ષ્યાંક પાર પાડી શકાય. તે માટે ન્યૂઝીલૅન્ડ માટે વિજ્ઞાન અને નીતિવિષયક નિર્ણયોને આધારે પગલાં લેવાં જરૂરી બન્યાં છે.

બળદની સામે ગ્રીન પ્લાસ્ટિકનું હૂડ જેવું બનાવેલું છે. તેની અંદર માથું નાખીને અંદર રહેલું સૂકું ઘાસ ખાય છે, તેને વાગોળે છે, કાનને આમળે છે અને પછી ઉચ્છવાસ છોડે છે. મોબાઇલ પિત્ઝાની વાન હોય તેવી રીતે પૈડાં પર આ હૂડ બનાવેલું છે અને હાઇટેક સાધન જેવું લાગે છે.

આ હૂડમાં જોકે માત્ર કેટલો મિથેન પશુએ વાગોળતા વાગોળતા છોડ્યો તેનું માપ જ લેવામાં આવે છે. મિથેન બહુ નુકસાનકારક ગૅસ છે અને છેલ્લાં 20 વર્ષમાં કાર્બન ડાયૉક્સાઇડ કરતાંય 84 ગણી વધારે અસર વૈશ્વિક તાપમાનને ઊંચું લઈ જવામાં મિથેન ગૅસની રહી છે.

બળદ શ્વાસ છોડે તેમાં પેટમાં પાચન થયા પછી ઉત્પન્ન થયેલો ગૅસ પણ બહાર નીકળે છે. તેના કારણે હૂડમાં રાખેલો પંખો સેકન્ડના 40 લીટરની ક્ષમતાએ ફરે છે. પશુઆહાર આપવા માટેની આ સમગ્ર સિસ્ટમને ગ્રીનફીડ સિસ્ટમ કહેવામાં આવે છે.

થોડી મિનિટોના આહાર પછી, પાચનક્રિયા વખતે પશુ કેટલો મિથેન શ્વાસથી અને ઉત્સર્જન માર્ગથી છોડે છે તેનું માપ આ મશીન લે છે. પશુપાલનની સહકારી સંસ્થા લાઇવસ્ટોક ઇમ્પ્રૂવમેન્ટ કૉર્પોરેશન (એલ.આઈ.સી.)ના સિનિયર વિજ્ઞાની લોર્ના મેકનોટન મશીનમાંથી આંકડાં મળે તેને કમ્પ્યુટર મૉનિટર પર જોઈને ચકાસે છે. કેટલાક બળદ વધારે મિથેન પેદા કરે છે, કેટલાક ઓછો.

મેકનોટન કહે છે, છથી પંદર મહિનાનો વાછરડો હોય તે "છોકરાની જેમ તોફાની હોય". તેમને સારું ખાવાનું દેખાડીને ગ્રીનફીડ મશીનના હૂડમાં માથું નાખવા માટે દિવસમાં છ વાર લલચાવવામાં આવે છે.

મેકનોટન કહે છે: "કહ્યું માને એટલે તેમને સારું ખાવાનું અંદર મળે." આ રીતે 40 દિવસ ગમાણમાં તેમને રાખવામાં આવે તે દરમિયાન ગૅસ ઉત્સર્જનની સાથે પશુએ કેટલો ખોરાક લીધો, કેટલું વજન વધ્યું તેનું સંશોધન પણ થઈ શકે છે.

2021થી એલઆઈસી અને બીજી એક પશુપાલક સહકારીમંડળી સીઆરવી એમ્બ્રિડ સાથે મળીને 800 વાછરડી અને વાછરડા કેટલો મિથેન છોડે છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છે અને કામ હજીય ચાલુ છે.

દૂધ ઉત્પાદન માટે ગાયોનો ઉછેર થાય, પણ તે ઓછામાં ઓછો મિથેન છોડે તે માટેના પ્રયાસોમાં આ અભ્યાસો પ્રથમ પગલું છે. ન્યૂઝીલૅન્ડ ઈચ્છે છે કે થોડા સમય માટે જ રહેતો પણ ઘણું નુકસાન કરતો આ ગૅસ કોઈક રીતે કાબૂમાં લઈ શકાય.

પશુપાલન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂઝીલૅન્ડમાંથી મોટા પ્રમાણમાં મિથેન નીકળે છે, કેમ કે દેશમાં એક કરોડ દુધાળાં પશુઓ અને 2.6 કરોડ ઘેટાં છે. દેશમાં કુલ ઉત્સર્જન થાય છે તેમાંથી અડધોઅડધ કૃષિ ક્ષેત્રનું છે. કુલ ઉત્સર્જનનો 43% હિસ્સો મિથેનનો છે, જે મોટા ભાગે (85%થી વધુ) પશુઓમાંથી નીકળે છે.

કાર્બન ડાયૉક્સાઇડ હવામાં સદીઓ સુધી રહે છે, જ્યારે મિથેન એકાદ દાયકા સુધી જ રહે છે. તેનો અર્થ એ કે મિથેનને કાબૂમાં લઈ શકાય તો હવામાન પર વધારે સારી રીતે નિયંત્રણ કરી શકાય.

2030ની સાલ સુધીમાં મિથેનનું ઉત્સર્જન 30% ટકા જેટલું ઘટાડી શકાય (ગ્લોબલ મિથેન પ્લેજમાં આટલો લક્ષ્યાંક છે) તો 2050 સુધીમાં વૈશ્વિક તાપમાન 0.2 સેલ્સિયસ ઘટાડી શકાય.

ગ્લોબલ મિથેન પ્લેજમાં સહી કરનારા 100થી વધુ દેશોમાં ન્યૂઝીલૅન્ડનો પણ સમાવેશ થાય છે. બીજા દેશો મિથેન ઘટાડવા માટે ક્રૂડના કૂવામાંથી થતું લિકેજ અને કુદરતી પાઇપમાંથી થતા લિકેજને ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા છે, ત્યારે ન્યૂઝીલૅન્ડ દુધાળાં પશુઓની પાચનક્રિયામાં માઇક્રોબ્સને કારણે મિથેન ગેસ વછૂટે છે તેને હવામાં ભળી જતો રોકવા માટે કોશિશ કરી રહ્યો છે.

ન્યૂઝીલૅન્ડને લાગે છે કે પોતે આ ક્ષેત્રમાં કંઈક અનોખું કરી શકે છે અને ક્લાઇમેટને નિયંત્રણમાં રાખવા માટેના લક્ષ્યાંકો પાર પાડવા માટે તેમ કરવું જરૂરી પણ છે.

2019માં આ માટે કાયદો કરીને બે તબક્કામાં લક્ષ્ય હાંસલ કરવા માટે નિર્ધાર કરાયો છે. 2030ના વર્ષ સુધીમાં પશુઓ અને કચરામાંથી ઉત્પન્ન થતો મિથેન ઘડાડવો અને તેને 2017માં હતો તેના કરતાં 10 ટકા ઓછો કરવો તે લક્ષ્ય છે.

2050 સુધીમાં તેને 24–47% જેટલો ઘટાડવાનું બીજા તબક્કામાં નક્કી થયું નથી. વૈશ્વિક ધોરણે સરેરાશ તાપમાનને 1.5 સેલ્સિયસથી વધવા ના દેવા માટેનો લક્ષ્યાંક નક્કી કરાયો છે તેની સાથે જોડીને આ નિર્ધાર કરવામાં આવ્યો છે. પેરિસ કરાર હેઠળ દરેક દેશોએ આ પ્રકારના પ્રયાસો કરવાના છે.

ન્યૂઝીલૅન્ડે 2022માં પોતે કેવી રીતે ગ્રીનહાઉસ ગૅસને કાબૂમાં લેશે અને કુલ ઉત્સર્જનમાં કેવી રીતે ઘટાડો કરશે તેની યોજના રજૂ કરી હતી. તે હેઠળ કૃષિ ક્ષેત્રમાં ટેકનોલૉજીનો ઉપયોગ કરીને ઉત્સર્જન ઘટાડવાની યોજના છે, કેમ કે કૃષિમાંથી મોટા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે. આ માટે વિશ્વમાં પ્રથમ એવી એમિશન પ્રાઇસિંગ યોજના રજૂ કરવામાં આવી હતી.

જોકે તે પછી ઑક્ટોબરમાં ચૂંટણી આવી અને સરકાર બદલાઈ ગઈ તે સાથે આ યોજનાનું બાળમરણ થયું છે અને હવે સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જિન એડિટિંગ ટેકનોલૉજી પર, પરંતુ આ ટેકનોલૉજી હજી એટલી સુલભ બની નથી. દેશના કૃષિ ક્ષેત્રમાં પશુપાલન બહુ અગત્યનો હિસ્સો છે ત્યારે પશુઓમાંથી મિથેન ઉત્સર્જન રોકવા માટેના પ્રયાસો કેવા સાબિત થશે?

ન્યૂઝીલેન્ડ પશુપાલન

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝીલૅન્ડ એગ્રિકલ્ચરલ ગ્રીનહાઉસ ગૅસ રિસર્ચ સેન્ટર (NZAGRC)ના સાયન્સ ઍડવાઇઝર સિનીડ લીહી કહે છે, "આ આઇડિયાથી ઘણા લોકો આકર્ષાયા છે, પરંતુ તે માટે ઘણી બધી પદ્ધતિઓ અને ટેકનોલૉજીની જરૂર પડવાની છે."

આ રિસર્ચ સેન્ટર 2009થી વિવિધ પ્રકારના ઉકેલો માટે કામ કરતું રહ્યું છે. તેની પોતાની રિસર્ચ ટીમ નથી, પરંતુ વ્યૂહાત્મક રીતે વૅક્સિન અથવા મિથેન રોકનારા પદાર્થોની શોધ કરનારા અન્ય કેન્દ્રોને ફંડ આપે છે.

આ સેન્ટર થયું ત્યારથી અત્યાર સુધીમાં 9 કરોડ ન્યૂઝીલૅન્ડ (5.6 કરોડ અમેરિકન) ડૉલર જેટલું ફંડ સંશોધન માટે, માળખાકીય સુવિધાઓ માટે આપવામાં આવ્યું છે.

NZAGRC દ્વારા 2018માં એક રિવ્યૂ કરાયો તેમાં જણાવાયું હતું કે આ દિશામાં સંશોધન "વૈજ્ઞાનિક રીતે પડકારરૂપ" અને "શક્ય અને વ્યવહારુ ઉકેલો પૂરતા પ્રમાણમાં" નથી. હાલમાં પશુપાલન કેન્દ્રમાં કેટલીક વાર ગાયોને દોહવી વગેરે પદ્ધતિઓમાં ફેરફાર કરવામાં આવે તો પણ વધુમાં વધુ 10% ટકા ઉત્સર્જન રોકી શકાય તેમ છે એવું આ રિવ્યૂમાં તારણ નીકળ્યું હતું.

પાંચ વર્ષ પછી આજેય એ સ્થિતિ છે. 2017માં જેટલું ઉત્સર્જન થતું હતું, તે સ્તરથી 10 ટકા ઘટાડો કરવાનો ન્યૂઝીલૅન્ડનો ટાર્ગેટ છે તે 2030માં પૂરો કરવાનો છે, પણ તે ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ લાગે છે એમ લીહી કહે છે.

"2030નો ટાર્ગેટ પૂરો કરવા માટે જરૂરી ટેકનોલૉજી ઉપલબ્ધ થાય તે પછી બહુ ઓછો ટાઇમ બચ્યો હશે." લાંબા ગાળે જોકે ટેકનોલૉજી ઉપલબ્ધ થશે એવી આશા લીહીને છે.

"અમને લાગે છે કે 2030થી 20240ના દાયકા દરમિયાન કંઈક હાંસલ થઈ શકશે અને વિજ્ઞાનમાં થયેલું રોકાણ ત્યાં સુધીમાં ફાયદો કરાવવા લાગ્યું હશે."

તે સમયગાળા પહેલાં મોટા ભાગે ખેડૂતો અને પશુપાલકો વધારે કાર્યદક્ષતાથી કામ કરે, જમીનનો વધારે સારી ઉપયોગ થાય અને બગાડ થાય છે તે ઘટે તેનાથી જ સ્થિતિ થોડી કાબૂમાં આવશે.

ન્યૂઝીલૅન્ડના કુલ ઉત્સર્જનમાં મિથેનનો હિસ્સો 43% જેટલો છે

ન્યૂઝીલેન્ડ પશુપાલન

ઇમેજ સ્રોત, Getty Images

મિથેન ઓછો ઉત્પન્ન થાય તે માટેના ઉકેલો કદાચ સમયસર હાથ લાગે તેવું બની શકે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં એક પદાર્થ ઉપલબ્ધ થયો છે.

ડચ કંપનીએ બોવેઅર નામે પદાર્થ તૈયાર કર્યો છે, જેને આહારમાં ભેળવવાનો હોય છે. પશુઆહારમાં તેને ભેળવવાથી ગાય 30 ટકા જેટલો ઓછો મિથેન છોડે છે.

જોકે તેનો ફાયદો ત્યારે જ થાય જ્યારે ગાયોને અપાતા બધા જ ચારામાં તે ભેળવી શકાય. ન્યૂઝીલૅન્ડમાં ખુલ્લા મેદાનમાં ગાયો ચરતી હોય છે ત્યાં આ કામ મુશ્કેલ છે.

લીહી કહે છે, "અમારી પદ્ધતિમાં ચારામાં અને ઘાસમાં આ પદાર્થને અસરકારક રીતે અને ઓછી ખર્ચાળ રીતે ભેળવવા માટેનો રસ્તો શોધવો પડે તેમ છે."

મિથેન રોકનારી વૅક્સિનનો વિકલ્પ આકર્ષક છે, પણ તે 2030 પહેલાં ઉપલબ્ધ થાય તેમ નથી. લાંબા ગાળે તે બહુ ઉપયોગી થાય તેવી વેક્સિન છે, કેમ કે ચરાણમાં પશુપાલનમાં તે ઉપયોગી થાય તેમ છે. જોકે એક દાયકાથી સંશોધન પછી હજીય વૅક્સિન તૈયાર થઈ શકી નથી.

લીહી કહે છે, "હજી કૉન્સેપ્ટ ચાલે તેવો છે તેની ખાતરી થઈ નથી. જોકે વૅક્સિન ઉપયોગી નહીં જ થાય તેવું પણ કોઈ પ્રયોગમાં નથી દેખાયું એટલે આશા હજીય છે."

ન્યૂઝીલૅન્ડની સંશોધક સંસ્થા એગરિસર્ચના વિજ્ઞાનીઓને ટેસ્ટ ટ્યૂબમાં સારાં પરિણામો મળ્યાં છે, પણ ઘેટાંમાં થયેલી વૅક્સિનેશનની ટ્રાયલ હજી સુધી સફળ થઈ નથી.

મિથેન રોકનારી દવા કે વૅક્સિનના બદલે બીજો એક ઉપાય કદાચ પશુપાલકોના હાથમાં વહેલો આવે તેવું બની શકે છે. ઓછો મિથેન છોડતી હોય તેવી પ્રજાતિની ગાયોની સંખ્યા વધારવાનો એક ઉપાય છે. હાલમાં ન્યૂઝીલૅન્ડનાં કુલ પશુઓમાં આવાં પશુઓનું પ્રમાણ 20 ટકા જેટલું છે.

મેકનોટન કહે છે, "એવરેજ મિથેન છોડનારના અને ઓછો મિથેન છોડનારા વચ્ચે 15થી 20%નો ફરક દેખાય છે. તેથી મને આશા છે."

લીહી પણ સહમત છે, આનાં પરિણામો આશાસ્પદ આવી રહ્યાં છે, પરંતુ આ દિશામાં હજી ઘણું સંશોધન કરવું જરૂરી છે એમ તેઓ ઉમેરે છે.

તેઓ કહે છે, "કેવી રીતે આની અસર થાય છે તેની ખાતરી કરવા માટે હજી ઘણું કરવાનું છે અને બીજું ઓછો મિથેન છોડનારી પ્રજાતિ જ ઉછેરવાથી કોઈ આડઅસર થાય છે કે કેમ તે પણ ચકાસી લેવું પડે, જેમ કે ઓછી ફળદ્રુપતા ઊભી થાય છે કે કેમ."

અમેરિકામાં દુધાળાં પશુઓના અભ્યાસથી ખ્યાલ આવ્યો છે કે ઓછો મિથેન છોડનારી ગાયો કદમાં નાની હશે, પણ તેના આંતરડામાં જુદા પ્રકારના જીવો હશે, પણ તેનાથી દૂધના ઉત્પાદનમાં કે ગુણવત્તામાં બહુ ફરક નહીં પડે.

એ જ રીતે આઇરીશ ગાયોમાં 15 ટકા ઓછો મિથેન છોડે છે અને સમાન ચારો ખાઈને એટલા જ પ્રમાણમાં દૂધ આપે છે તેવું આ અઠવાડિયે જ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

એલ.આઈ.સી. ખાતે પણ આવો જ અભ્યાસ થઈ રહ્યો છે, જેમાં ઓછો મિથેન આપનારા બળદથી પેદા થયેલી વાછરડીઓનો અભ્યાસ થઈ રહ્યો છે. આ વાછરડીઓનો અભ્યાસ થતો રહેશે અને જાણવા કોશિશ થશે કે ઓછા દૂધ ઉત્પાદન જેવી કોઈ સમસ્યા થાય છે કે કેમ.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "સરેરાશ મિથેન છોડનારા અને ઓછો મિથેન છોડનારાં પશુઓ વચ્ચે આપણને 15થી 20% જેટલો તફાવત જોવા મળી રહ્યો છે " – લોર્ના મેકનોટન

2026 સુધીમાં આ પ્રયોગોનો સાર નીકળશે ત્યાર પછી એલ.આઈ.સી. અને તેની સ્પર્ધક સંસ્થા સીઆરવી બળદ માટે એક મિથેન ઇન્ડેક્સ તૈયાર કરશે એમ મેકનોટનને લાગે છે.

તે ઇન્ડેક્સના આધારે ઓછો મિથેન આપનારી પ્રજાતિ પેદા કરનારા બળદથી જ 90 ટકા જેટલી ગાયો કૃત્રિમ વીર્યદાનથી પેદા કરવામાં આવશે. આવા ઇન્ડેક્સના કારણે પશુપાલકો પોતે જ ઓછા મિથેનની જાત આપનારા બળદોને પસંદ કરી શકશે.

ઘેટાંઓમાં આ પ્રયોગનું કેવું પરિણામ આવે છે તેના આધારે દુધાળાં પશુઓમાં તેનો અમલ થશે. ઘેટાં સામાન્ય રીતે વર્ષે 13 કિલો મિથેન છોડે છે, જ્યારે ગાયો 98 કિલો છોડે છે.

એગરિસર્ચના વિજ્ઞાની સુઝાન રોવ કહે છે કે "ઘેટાંના પ્રયોગો કરવા વધારે સહેલા છે અને તે ઓછા સમયગાળામાં પણ થઈ જાય છે."

14 વર્ષ પહેલાં એગરિસર્ચના વિજ્ઞાનીઓ એ દિશામાં વિચારવા લાગ્યા હતા કે શું મિથેન છોડવાની આદત નવી પેઢીમાં ઊતરી શકે ખરી. આ માટે એક હજાર ઘેટાંને એકઠાં કરવામાં આવ્યાં હતાં અને રેસ્પિરેશન ચૅમ્બરમાં તેમને રાખીને 48 કલાકે તે કેટલો મિથેન છોડે છે તેનું માપ લેવાનું શરૂ કર્યું હતું.

48 કલાકનું પ્રમાણ જાણ્યા પછી પ્રયોગોમાં ધીમે ધીમે સુધારા કરીને દર કલાકે કેટલો મિથેન એ જાણવા માટે બહુ ફેરફારો કરવા પડ્યા હતા.

તેની વાત કરતાં રોવ કહે છે, "એક હજાર પ્રાણીઓનો અભ્યાસ કરવામાં ઘણાં વર્ષો લાગ્યાં હતાં." જોકે આ જહેમત પછી ત્રણ બાબતો હાંસલ થઈ હતી - ઓછો મિથેન છોડતાં અને ઊંચાં પ્રમાણમાં ગૅસ છોડતાં ઘેટાંનાં બે જુદાં ટોળાં તૈયાર કરી શકાયાં અને મિથેન માપવા માટેનું એક પોર્ટેબલ યુનિટ પણ તૈયાર કરી શકાયું હતું.

આ બંને જૂથોનાં ઘેટાંને દક્ષિણ ટાપુમાં એક ખેતરમાં રાખવામાં આવ્યાં. વધારે ગૅસ છોડનારાં ઘેટાંનું એવા જ પ્રકારનાં અન્ય ઘેટાં સાથે સંવનન કરાવાયું, જ્યારે ઓછો મિથેન છોડનારી માદા ઘેટા સાથે એવા જ પ્રકારનાં ઘેટાંનું સંવનન કરાવાયું.

આ રીતે પેદા થયેલાં ઘેટાંનો પણ વર્ષો સુધી અભ્યાસ થતો રહ્યો. તેમાં જોવા મળ્યું કે ઓછા મિથેન પેદા કરનારા નર અને માદાનાં ઘેટાંમાં દર વર્ષે મિથેનનું ઉત્સર્જન એકાદ ટકા જેટલું ઘટતું રહ્યું હતું. આ રીતે આજે વધારે ગૅસ છોડનારાં અને ઓછા ગૅસ છોડનારાં ઘેટાં વચ્ચેનો ફરક સરેરાશ 18 ટકા જેટલો થઈ ગયો છે.

બીજું કે આ રીતે પ્રજનન કરાવવાથી એવી કોઈ આડઅસર પણ દેખાઈ નથી. મોટા ભાગે ફેરફારો થયા તે સકારાત્મક રહ્યા છે. રોવ કહે છે, "ઓછો મિથેન છોડનારાં ઘેટાંનાં બચ્ચાંમાં વધારે ઊન પેદા થયું હતું. તેનાં દૂધ અને ચરબીમાં ફેટ્ટી એસિડમાં પણ થોડો ફેરફાર થયો હતો અને તે થોડાં પાતળાં પણ થયાં હતાં."

પોર્ટેબલ મિથેન ચૅમ્બરને કારણે પશુપાલકો પોતાનાં પશુઓમાંથી કયા ઓછો મિથેન છોડે છે તે પણ જાણતા થઈ ગયા છે. કૂલ શિપ કાર્યક્રમ હેઠળ પશુપાલકોને ત્યાં જઈને ચકાસણી કરવામાં આવે છે.

રોવ કહે છે, "અમે સમગ્ર દેશમાં ફરી રહ્યા છીએ અને પશુવાડામાં જઈને ત્યાંનાં ઘેટાંઓની તપાસ કરી રહ્યા છીએ. અમારી યોજના એવી છે કે પશુપાલકો એ જાણી શકે કે ઓછો મિથેન છોડનારાં ઘેટાં કયાં છે. આ જરૂરી છે, કેમ કે તે રીતે એવાં પશુઓ રાખવાનાં જે પર્યાવરણને અનુકૂળ હોય."

આટલાં વર્ષોમાં 30,000 જેટલાં ઘેટાંની ચકાસણી થઈ હોવાનો અંદાજ છે એમ તેઓ કહે છે.

ઘેટાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડે ઓછા મિથેન ઉત્સર્જિન કરતાં ઘેટાંનાં ટોળાંને ઉછેરવાનો માર્ગ શોધી કાઢ્યો છે

આ રીતે અમુક જ પ્રજાતિમાં જ પ્રજનન કરાવવાથી ન્યૂઝીલૅન્ડના મિથેન ઉત્સર્જનમાં કેટલો ફરક પડશે? રોવનો અંદાજ છે કે ઘેટાંમાં દર વર્ષે અડધાથી એક ટકા જેટલું ઉત્સર્જન ઓછું થઈ રહ્યું છે.

તેઓ કહે છે, "વર્ષો વીતવાં સાથે તે અગત્યનું બની જશે અને સારો એવો ઘટાડો થશે. આનો ફાયદો એ છે કે બધાં પશુઓની તપાસના બદલે આ રીતે કામ કરવાથી ઓછા ખર્ચ કામ થાય છે. બીજું કે આવી પ્રજાતિ તૈયાર કરવાથી કાયમી ઉકેલ મળે છે."

જોકે અમુક જ પ્રજાતિના પ્રજનનને કારણે થનારી અસરો જાણવા માટે રાહ જોવી પડશે. પ્રજાતિમાં જિન્સ રાતોરાત બદલાઈ જતા નથી, પણ ધીમે ધીમે પેઢી દર પેઢી અસર દેખાડવા લાગતા હોય છે.

કૅનેડામાં આ વર્ષથી ઓછો મિથેન છોડનારા બળદના વીર્ય બજારમાં વેચાતા થઈ ગયા છે. સિમેક્સ નામની કંપનીએ જિનેટિક્સમાં ફેરફાર કરીને તે તૈયાર કર્યા છે.

કંપની કહે છે કે આના દ્વારા કૃત્રિમ ગર્ભધાનથી ગાયો તૈયાર થશે તે પછી 2050 સુધીમાં કૅનેડામાં દુધાળાં પશુઓના મિથેન ઉત્સર્જનનું પ્રમાણ 20-30 % જેટલું ઘટી જશે.

ન્યૂઝીલૅન્ડમાં આનાથી ઓછો અંદાજ મુકાઈ રહ્યો છે. 2021માં ક્લાઇમેટ ચેન્જ કમિશને એક મૉડલ મૂક્યું હતું તે અનુસાર ઓછો મિથેન છોડનારાં માંસાહાર માટેનાં ઘેટાં અને ગાયોના બીફને કારણે 2050 સુધીમાં મિથેનનું ઉત્સર્જન 4.5–7.5% જેટલું ઘટશે.

દુધાળાં ઢોરને કારણે શું ફરક પડે છે તેના આંકડાં 2030થી મળવાનું શરૂ થશે અને તે રીતે 2050 સુધીમાં મિથેનના ઉત્સર્જનમાં 7.5–13.5% જેટલો ઘટાડો થઈ શકશે.

વૈજ્ઞાનિક પ્રયાસોથી ધીમી ગતિએ ઉત્સર્જન કાબૂમાં આવી રહ્યું છે ત્યારે ગૅસ છોડનારા પશુપાલન પર આર્થિક બોજ આવવાની શક્યતા છે.

ન્યૂઝીલૅન્ડે સૌપ્રથમ 2003માં આવા ફાર્ટ ટૅક્સ તરીકે ઓળખાયેલા ગૅસ પરનો ટૅક્સ નાખવાનું વિચારેલું. તેની સામે બહુ જ વિરોધ થયો હતો. જોકે ફાર્ટ ગૅસ એટલે કે વાછૂટ પરનો વેરો એવું કહેવું અયોગ્ય છે એમ લીહી કહી છે, કેમ કે વાછૂટથી નહીં, પણ વાગોળવા દરમિયાન મોઢામાંથી જ વધારે મિથેન ગૅસ નીકળે છે. 75 ટકા ગૅસ મોઢા અને નાકમાંથી નીકળે છે.

સૂચિત વાછૂટ વેરા દ્વારા સરકારને 84 લાખ ન્યૂઝીલૅન્ડ (49 લાખ અમેરિકન) ડૉલરની આવક થવાની આશા હતી, જેનો ઉપયોગ સંશોધનમાં થવાનો હતો. તેનો ભારે વિરોધ થયો હતો અને વિપક્ષના એક સાંસદ ટ્રેક્ટર લઈને સંસદભવન પર પહોંચી ગયા.

બીજા એક સાંસદ બે ગાયોને લઈને સંસદ પરિસરમાં ચરાવવા લાગ્યા હતા અને તેનું છાણ દરવાજે જ નાખી દીધું હતું.

પ્રદૂષણ ઉત્પન્ન કરનારા ટૅક્સ પણ આવે તે પ્રકારની આવી કોઈ યોજનામાં જોડાવા સામે પશુપાલકોનો ભારે વિરોધ છે. તેના કારણે બીજા ઉદ્યોગોથી અલગ આ સૅક્ટરમાં હજીય કોઈ પ્રદૂષણ કરવા સામે ટૅક્સ આપવા તૈયાર નથી.

ન્યૂઝીલૅન્ડ પશુપાલન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યુઝીલૅન્ડના ક્લાઇમેટ ચેન્જ કમિશને ચેતવણી આપી છે કે દેશ તેના લાંબા ગાળાના મિથેન ઘટાડાનાં લક્ષ્યોને પૂર્ણ કરવા માટે ટ્રેક પર નથી

પશુપાલનને પણ ઉત્સર્જન વેરાની જાળમાં લેવા માટે પ્રચાર કરનારાં જેસિન્ડા આર્ડન સંજોગવશાત્ 2017માં ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન બની ગયાં હતાં.

તે પછી પશુપાલકોનાં જૂથો અને સરકાર વચ્ચે એ પ્રકારની સમજૂતી થઈ હતી અને આ સૅક્ટર માટે અલગ પ્રકારે વેરાને ગણવાનું નક્કી થયું હતું.

માઓરી પ્રજાતિમાં પ્રચલિત એક કહેવત પરથી તે યોજનાનું નામ હે વાકા, એકે નોઆ એવું રખાયું હતું, જેનો અર્થ થાય આપણે સૌ એક સાથે છીએ.

આ વાટાઘાટમાં સલાહસૂચનો આપવાનું કામ ક્લાઇમેટ ચેન્જ કમિશનનું હતું અને તેના તરફથી સૂચન આવ્યું હતું કે "પશુવાડા પ્રમાણે, તેની સ્થિતિની ધ્યાને રાખીને, યોગ્ય રીતે વિચારીને નીતિ નક્કી થવી જોઈએ." એવું થશે તો જ દેશ ઉત્સર્જનના લક્ષ્યાંકોને પાર પાડી શકશે.

વાટાઘાટ પછી ડિસેમ્બર 2022માં આખરી યોજના તૈયાર થઈ હતી, જે અનુસાર મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન ડાયૉક્સાઇડ માટે પાંચ પાંચ વર્ષ માટેના અલગઅલગ વેરા સરકારે નિર્ધારિત કરવાના હતા.

પશુપાલન સંગઠનોના પ્રતિનિધિઓ અને ક્લાઇમેટ ચેન્જ કમિશન તરફથી આ માટે સૂચનો મંગાવવાનાં હતાં. 2025થી આ યોજનાને અમલમાં મૂકવાની હતી, પરંતુ 2023ના મધ્યમાં જ આ યોજના પડી ભાંગી છે.

સત્તામાં જમણેરી-મધ્યમમાર્ગી રાજકીય પક્ષોની સંયુક્ત સરકાર આવી છે. આ સરકાર 2030 સુધીમાં જ પશુપાલન પર કોઈક પ્રકારનો ટૅક્સ નાખશે તેમ લાગે છે.

ઉત્સર્જન કરનારા સૅક્ટર પર કઈ રીતે વેરો નાખવો જોઈએ તે વિષયના જાણકાર અને ન્યૂઝીલૅન્ડના અર્થશાસ્ત્રી સુઝી કેર કહે છે કે "આ રીતે મોડું થઈ રહ્યું છે તેનાથી બહુ નુકસાન થશે, કેમ કે પાછળથી પછી તેમણે ઝડપી ઉકેલનાં પગલાં લેવાં પડશે. ઉતાવળે ઉકેલ લાવવાનું ઈલટાનું મોંઘું પડે, બહુ મુશ્કેલ બને," એમ તેમનું કહેવું છે.

સુઝી કેરના જણાવ્યા અનુસાર પશુપાલન પર વેરો નાખવાને કારણે માત્ર ક્લાઇમેટને ફાયદો થશે એવું નથી, પરંતુ તેનાથી ન્યૂઝીલૅન્ડના પશુપાલકોને પણ ફાયદો થશે કે તેમને ક્લાઇમેટ સુધારણા માટે લીધેલાં પગલાંનું વળતર પણ મળવા લાગે.

તેઓ કહે છે, "વૈશ્વિક રીતે શું કરી શકાય તે પશુપાલકોએ જાણવું જોઈએ અને એ સમજવું જોઈએ કે વધુમાં વધુ ઉત્પાદન કરવા માટેનો વૈશ્વિક પ્રવાહ છે તે સમજવું જોઈએ. માત્ર ઉપાયો કરવાથી નથી ચાલવાનું. વેરાને કારણે તેમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળશે."

સુઝી કેર પૂછે છે કે વેરો નાખવામાં નહીં આવે કેવી રીતે ન્યૂઝીલૅન્ડ મિથેન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્યાંક હાંસલ કરી શકશે? તેઓ કહે છે, "ન્યૂઝીલૅન્ડનો ઇતિહાસ કહે છે કે એવું શક્ય નહીં બને."

2021માં પશુપાલન ક્ષેત્રનું ઉત્સર્જન 1.5% જેટલું ઘટ્યું હતું, પણ તેનું એક કારણ ઘેટાં અને પશુઓની સંખ્યામાં ઘટાડો હતું. દાયકા સુધી ઉત્સર્જન લગભગ એટલું ને એટલું જ રહ્યું હતું અને હવે છેક જરા એવું ઘટ્યું છે. તે કોઈ ટ્રેન્ડ દેખાડી રહ્યું નથી એમ કેર માને છે.

"ઉત્સર્જનનું પ્રમાણે ઘટાડી શકાયું છે, પરંતુ કુલ ઉત્પાદન વધી ગયું છે એટલે સરવાળે કોઈ ફાયદો થયો નથી. કેટલીક જગ્યાએ ઘટાડો થઈ રહ્યો છે, પણ સમગ્ર રીતે ઝડપથી જરૂરી ઘટાડો નથી થઈ રહ્યો."

ક્લાઇમેટ ચેન્જ કમિશને આ વર્ષે ભલામણ જાહેર કરી તેમાં ચેતવણી આપી છે કે ન્યૂઝીલૅન્ડ ઉત્સર્જનને કાબૂમાં લેવાના લક્ષ્યાંકો પાર પાડવાની દિશામાં યોગ્ય રીતે આગળ વધી રહ્યું નથી.

કમિશનના અહેવાલમાં ઉદાહરણ આપીને જણાવાયું છે કે : "હાલની નીતિઓ છે માત્ર તેનાથી જ માત્ર 2030 સુધીમાં મિથેનનું ઉત્સર્જન ઘટાડવાનો લક્ષ્યાંક છે તે હાંસલ થાય તેમ નથી."

2030 સુધીમાં મિથેન ઉત્સર્જનમાં 10% અને 2050 સુધીમાં લાંબા ગાળાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે 2025 સુધીમાં પશુપાલન પર ટૅક્સ નાખવો જરૂરી છે એ વાત પર કમિશન ભાર મૂકી રહ્યું છે.

નવી ટેકનોલૉજી લાવવી, ભૂમિના ઉપયોગમાં વૈવિધ્યકરણ લાવવું, પશુવાડાને વધારે કાર્યદક્ષ બનાવવા વગેરે પ્રયાસો પણ 2030નો લક્ષ્યાંક પાર પાડવા માટે જરૂરી બન્યા છે એમ કમિશનનો અહેવાલ જણાવે છે.

ઓછું મિથેન છોડતી પ્રજાતિ તૈયાર કરવી અને સાથે જ મિથેન ઘટાડનારી દવા અને વૅક્સિન તૈયાર કરવા પણ જરૂરી બન્યાં છે, કે જેથી ન્યૂઝીલૅન્ડ ક્લાઇમેટ લક્ષ્યને હાંસલ કરી શકે.

ક્લાઇમેટ ચેન્જ કમિશનનું આ વિશ્લેષણ ઑક્ટોબર 2023માં તૈયાર થયું હતું, પણ ત્યાર બાદ દેશમાં સરકાર બદલાઈ ગઈ અને નવી નીતિ તૈયાર થઈ છે.

ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયમાં આવેલા નવા પ્રધાને કમિશનની ભલામણને આવકારી હતી અને કહ્યું હતું કે સરકાર પેરિસ કરાર અનુસાર ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે.

આવા નિવેદન પછીય ક્લાઇમેટ અંગેની ઘણી નીતિઓ કાં તો રદ થવાની છે, કાં તો તેમાં વિલંબ થવાનો છે - જેમ કે, પશુપાલન પર ઉત્સર્જનનો વેરો. સરકારની નીતિઓ બદલાઈ છે તેની પર્યાવરણપ્રેમીઓમાં ટીકા થઈ રહી છે. ઉપલબ્ધ ઉપાયોને અજમાવવાના બદલે નવી ટેકનોલૉજી આવશે તેના આધારે કામ થશે તે નીતિની ટીકા થઈ રહી છે. હવે ન્યૂઝીલૅન્ડની સરકાર પર આધાર છે કે તે કમિશનની ભલામણોને માને છે કે નહીં.

પેરિસ કરાર અનુસાર ન્યૂઝીલૅન્ડ ઉત્સર્જનમાં ઘટાડો નહીં કરી શકે તો કાર્બન ક્રૅડિટના લાખો ડૉલર તેણે ચૂકવવા પડશે. પશુઓ મિથેન છોડવાનું ચાલુ રાખશે તો તેનાથી થનારી નુકસાનીનું વળતર પણ ન્યૂઝીલૅન્ડને ચૂકવવું પડશે.

લીહી કહે છે કે સત્તાવાર રીતે લક્ષ્યાંક નક્કી થયો છે તે રીતે મિથેનનું ઉત્સર્જન રોકવું "પડકારજનક" બનવાનું છે. જોકે તેઓ હજીય આશાવાદી છે.

તેઓ આ વિશે વક્તવ્ય આપવા જાય ત્યારે જણાવતા હોય છે કે એક વખતે તેમને લાગતું નહોતું કે પશુઓ મિથેન છોડે છે તેમાં થોડોય ઘટાડો થશે. પણ પણ થઈ શક્યો છે.

તેઓ કહે છે, "ત્યાંથી લઈને આજનું વિચારો તો હવે આપણી પાસે શિપ બ્રિડિંગની વ્યવસ્થા થઈ છે, મિથેન ઘટાડનારી દવાઓ આવી છે, અભ્યાસ થઈ રહ્યો છે. આ બધું જ થઈ રહ્યું છે અને આશા રાખીએ ઘણું વધુ થશે."