વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરાયાં

વીનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટે વર્લ્ડ નંબર વન કુસ્તીબાજને હરાવીને સૌને ચોંકાવ્યાં હતાં

ઑલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ વીનેશ ફોગાટ અંગે એક ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં છે. તેઓ હવે રમી નહીં શકે.

વીનેશને જે કૅટેગરીમાં રમવાનું હતું, એમાં એમનું વજન લગભગ 100 ગ્રામ વધારે રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વીનેશના અયોગ્ય જાહેર થવાથી આ ઇવેન્ટમાં ભારતનું ગોલ્ડ કે સિલ્વર જીતવાનું સપનું અધૂરુ રહી ગયું છે.

પેરિસમાં હાજર સમાચાર સંસ્થા પીટીઆઈના સંવાદદાતા અમનપ્રીતસિંહેના મતે વીનેશ વધારે વજનને લીધે બહાર કરી દેવાયાં છે.

આ પહેલાં તેઓ પેરિસ ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. તેમણે એક જ દિવસમાં સતત ત્રણ મૅચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તેમણે જાપાનનાં નંબર વન કુસ્તીબાજ સહિત ત્રણ ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધ યર પુરસ્કાર માટે નામાંકિત

સેમિફાઇનલમાં વીનેશ ફોગાટનો મુકાબલો ક્યુબાનાં યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સાથે થયો હતો. વીનેશ ફોગાટ શરૂઆતથી જ સંપૂર્ણ શક્તિ સાથે મેદાનમાં આવ્યાં હતાં. તેમણે ક્યુબાનાં કુસ્તીબાજને 5-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

વીનેશ ફોગાટે પેરિસ ઑલિમ્પિકમાં એક જ દિવસમાં ત્રણ ઇવેન્ટ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વીનેશે પ્રથમ પ્રિ-ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં જાપાનનાં યુઈ સુઝાકીને હરાવ્યાં હતાં. તે પછી ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનિયન કુસ્તીબાજ ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યાં હતાં.

જાપાનનાં યુઇ સુઝાકી ચાર વખતનાં વર્લ્ડ ચૅમ્પિયન, ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા અને નંબર વન રૅન્કિંગ ખેલાડી છે.

સુઝાકીની સિદ્ધિઓને જોતાં, કોઈ માત્ર કલ્પના કરી શકે છે કે મહિલાઓની 50 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કૅટેગરીમાં યુઇ સુઝાકી પર વીનેશનો વિજય કેટલો મોટો હતો.

વીનેશ ફોગાટ 'BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ 2022' માટે નામાંકિત થયાં હતાં.

'BBC ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનો હેતુ ભારતીય ખેલાડીઓ અને તેમની સિદ્ધિઓનું સન્માન કરવાનો છે. મહિલા ઍથ્લીટ સામેના પડકારોની ચર્ચા કરવી અને તેમની વાર્તાઓ વિશ્વ સમક્ષ લાવવી.

છેલ્લી 20 સેકન્ડમાં ગેમ બદલાઈ

વીનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅચ જીત્યાં બાદ વીનેશ ફોગાટ ભાવુક થઈ ગયાં હતાં

જાપાની કુસ્તીબાજ યુઇ સુઝાકીને કુસ્તીની દુનિયાનાં મહાન કુસ્તીબાજોમાંનાં એક ગણવામાં આવે છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ વીનેશ ફોગાટને તેમની સામે પડકારરૂપ હોવાનું માનવામાં આવતું હતું.

આ ટુર્નામેન્ટ પહેલાં યુઇ સુઝાકી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યાં હતાં. સુઝાકીએ વીનેશ સામે મૅચના પ્રારંભિક તબક્કામાં પ્રભુત્વ જમાવ્યું હતું અને 2-0ની લીડ મેળવી હતી. આ પછી જ વીનેશે કુસ્તીની દુનિયામાં જે અશક્ય માનવામાં આવતું હતું તે કરી બતાવ્યું.

હાર તરફ આગળ વધી રહેલાં વીનેશે રમતની છેલ્લી 20 સેકન્ડમાં આક્રમકતા બતાવી 3-2થી જીત મેળવી હતી.

જીત બાદ વીનેશ ફોગાટની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા.

આ જીતના એક કલાક કરતાં પણ ઓછા સમયમાં, વીનેશ ક્વાર્ટર ફાઇનલમાં રમ્યાં જ્યાં તેમણે યુક્રેનનાં ઓક્સાના લિવાચને 7-5થી હરાવ્યાં.

આ મૅચમાં વીનેશે 4-0ની પ્રારંભિક લીડ મેળવી હતી. બાદમાં ઓક્સાનાએ પડકાર ફેંક્યો પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

જાતીય સતામણી સામે લડતથી ઑલિમ્પિક સુધી

વીનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વીનેશ ફોગાટે ચાર વખતનાં વર્લ્ડ ચૅમ્પિયન જાપાનનાં યુઈ સુઝાકીને હરાવ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વીનેશ ફોગાટ એ પાંચ મહિલા કુસ્તીબાજોમાંથી એક છે જેમણે આ વર્ષે પેરિસ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું હતું.

જોકે, હવે તેઓ ફાઇનલ મુકાબલા પહેલા અયોગ્ય જાહેર કરાયા છે.

પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેતાં પહેલાં તેમણે ભારતમાં જાતીય સતામણી સામે એક લાંબી લડત આપી હતી.

ગયા વર્ષે ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ રહેલા બૃજભૂષણશરણ સિંહ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા અને કેટલાંક ભારતીય કુસ્તીબાજો સતત તેમની સામે વિરોધ કરી રહ્યા હતા. જોકે બૃજભૂષણશરણ સિંહ આરોપોને ફગાવતા આવ્યા છે.

વર્ષ 2023માં બૃજભૂષણશરણ સિંહ સામે આખું વર્ષ આંદોલન ચાલ્યું હતું. આ દરમિયાન જે દૃશ્યો સામે આવ્યાં એવાં પહેલાં ક્યારેય નહોતાં આવ્યાં.

કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પોતાના સરકારી સન્માન 'ખેલ રત્ન' અને 'અર્જુન પુરસ્કાર' દિલ્હીના ફૂટપાથ પર છોડી દીધાં હતાં. બંને કુસ્તીબાજોએ પોલીસને આ સન્માન વડા પ્રધાનને સોંપવાની વિનંતી કરી હતી

વીનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મેડલ પરત આપી દેશે.

પત્રમાં તેમણે લખ્યું હતું, "આ પુરસ્કારોનો મારા જીવનમાં હવે કોઈ અર્થ નથી રહ્યો."

આની પહેલાં કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને કસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ તેમને મળેલું પદ્મશ્રી સન્માન પરત આપી દીધું હતું.

આ મામલે બૃજભૂષણશરણ સિંહ વિરુદ્ધ આરોપ નક્કી કરી દેવામાં આવ્યા છે. અને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે પોતીની ટિપ્પણીમાં કહ્યું છે કે તેમની વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે.

વીનેશની જીત પર કોણે શું કહ્યું

ફાઇનલમાં અયોગ્ય જાહેર થયાં પહેલાં જ્યારે વીનેશ સેમિફાઇનલમાં પહોંચ્યા ત્યારે કુસ્તીબાજ બજરંગ પુનિયા, તેમના કાકા અને કોચ મહાવીર ફોગાટ સહિત કેટલાય લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

બજરંગ પુનિયાએ ટ્વીટ કર્યું કે, ''વીનેશ ફોગાટ ભારતની એ સિંહણ છે જેમણે આજે બૅક ટુ બૅક મૅચમાં ચાર વખતનાં વર્લ્ડ ચૅમ્પિયન અને હાલનાં ઑલિમ્પિક ચૅમ્પિયનને હરાવ્યાં. ત્યાર બાદ ક્વાર્ટરફાઇનલમાં પૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યાં. પણ એક વાત કહું, આ છોકરી પોતાના દેશમાં લાતોથી કચડવામાં આવી હતી. તેને પોતાના દેશના રસ્તાઓ પર ઘસડીને લઈ જવાઈ હતી. આ છોકરી દુનિયા જીતનારી છે પણ આ દેશના સિસ્ટમથી હારી ગઈ હતી.''

વીનેશનાં બહેન ગીતા ફોગાટે લખ્યું, ''જમાનો ઝૂકે છે, બસ ઝુકાવવાનું ઝનૂન હોવું જોઈએ.''

મહાવીર ફોગાટે કહ્યું કે તેમની ઉપલબ્ધિ પર આખું ગામ ખુશ છે.

મહાવીર ફોગાટે કહ્યું હતું કે , ''2016માં વીનેશ પાસેથી ઑલિમ્પિક મેડલની આશા હતી પરંતુ ઈજાને કારણે એવું ન બની શક્યું. 2020માં પણ આવું થયું અને તેઓ મેડલ ન લાવી શક્યાં. તેમણે પહેલા રાઉન્ડમાં જ જાપાનનાં દમદાર ખેલાડીને હરાવ્યાં. હવે અમને પૂરી આશા છે કે તેઓ ગોલ્ડ મેડલ લઈને આવશે.''

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વિનેશને અભિનંદન પાઠવ્યાં. તેમણે લખ્યું, ''શાબાશ વીનેશ ફોગાટ, હું જાણું છું કે તમારા માટે આ માત્ર ઑલિમ્પિકની મુશ્કેલ મૅચ નથી. તમે દુનિયાનાં નંબર વન ખેલાડીને તો હરાવ્યાં જ, આ મેદાનની અંદર અને બહારના સંઘર્ષોની પણ જીત છે. આજે પૂરી દુનિયા તમારા હાથમાં લહેરાતો તિરંગો જુએ છે. તમે આ દેશનું ગૌરવ હંમેશાં હતાં અને રહેશો."

ઑલિમ્પિક સુધીની તેમની સફર

વીનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવ વર્ષની ઉંમરમાં વીનેશ ફોગાટના પિતાનું અવસાન થયું હતું પણ તેઓ કુસ્તીમાં આગળ વધતાં રહ્યાં

બે વખત ઑલિમ્પિકમાં (રિયો 2016 અને ટોક્યો 2020) ભાગ લઈ ચૂકેલાં વીનેશ ફોગાટ કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, વિશ્વ ચૅમ્પિયનશિપમાં બે બ્રૉન્ઝ મેડલ અને એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીતી ચૂક્યાં છે.

આ સિવાય તેમણે 2019માં વિશ્વ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. અને 2021માં એશિયન ચૅમ્પિયન પણ બન્યાં હતાં.

નવ વર્ષની ઉંમરમાં વીનેશ ફોગાટના પિતાનું અવસાન થયું હતું અને પછી તેઓ એવી રમતમાં આગળ વધતાં ગયાં જેમાં માત્ર પુરુષોનું વર્ચસ્વ માનવામાં આવતું હતું.

અગાઉ તેઓ 2016માં બ્રાઝિલના રિયો ડી જનેરિયો અને 2021માં જાપાનના ટોક્યોમાં થયેલા ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યાં છે.

તેઓ રિયોમાં સારું પ્રદર્શન નહોતાં કરી શક્યાં અને પોતાની કૅટેગરીમાં દસમા ક્રમે રહ્યાં હતાં. જ્યારે ટોક્યોમાં તેમની સફર ક્વાર્ટર ફાઇનલ સુધી હતી અને તેઓ ટુર્નામેન્ટમાં નવમા ક્રમે રહ્યાં હતાં.

રેડ લાઇન