'દિત્વાહ' : શ્રીલંકામાં તબાહી બાદ વાવાઝોડું ભારત તરફ આગળ વધ્યું, દરિયાકાંઠે ત્રાટકશે તો ગુજરાતને અસર થશે?

ઇમેજ સ્રોત, @Indiametdept
ભારતના પાડોશી દેશ શ્રીલંકાના પૂર્વ તટ પાસે ડીપ ડિપ્રેશન સ્વરૂપે શરૂઆત કરી અને બાદમાં ઝડપથી તોફાની ચક્રવાત બનનાર વાવાઝોડું 'દિત્વાહ'એ દેશમાં ભારે તબાહીનાં દૃશ્યો સર્જ્યાં છે.
'દિત્વાહ'ના પ્રકોપમાં અત્યાર સુધી શ્રીલંકામાં 56 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત અને 21 ગુમ છે.
ભારતના હવામાન વિભાગની લૅટેસ્ટ અપડેટ અનુસાર શ્રીલંકામાં ભારે તબાહી બાદ હવે આ વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે વાવાઝોડું 'દિત્વાહ' તામિલનાડુના ઉત્તરી વિસ્તાર, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગે તામિલનાડુના ઉત્તરી ભાગો, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો માટે ઍલર્ટ જાહેર કર્યું છે.
વાવાઝોડું 'દિત્વાહ' ભારતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ભારતના હવામાન વિભાગે જાહેર કરેલા નિવેદન પ્રમાણે, વાવાઝોડું 'દિત્વાહ' પાછલા છ કલાકમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે.
આ વાવાઝોડું શ્રીલંકાના કાંઠા વિસ્તાર અને બંગાળની ખાડીથી થઈને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતું રહેશે અને 30 નવેમ્બરની સવાર સુધી તામિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો પર ત્રાટકશે.
શ્રીલંકામાં સતત પડી રહેલા વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. શ્રીલંકાની સરકારે આ ગાળા દરમિયાન 43,991 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું જણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવારથી અત્યાર સુધી શ્રીલંકાના કાંદી અને મતાલે જિલ્લાઓમાં 40 સેન્ટિમીટર કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે કમ્માથુવા વિસ્તારમાં તો 57.8 સેન્ટિમીટર વરસાદ પડ્યો છે.
ગુજરાત પર કોઈ અસર થશે ખરી?

હિંદ મહાસાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ગુરુવારે વાવાઝોડું 'દિત્વાહ' બની ચૂક્યું છે. આ વાવાઝોડાનું આ નામ યમને આપ્યું છે.
30 નવેમ્બર સુધી આ વાવાઝોડું તામિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશ સુધી આગળ વધવાની સંભાવના છે, જ્યાંથી એ વધુ વળાંક લઈ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધે એવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે.
જોકે, આ દરમિયાન દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ તીવ્ર ગતિએ પવન પણ ફૂંકાશે.
આ સિવાય મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આ વાવાઝોડાને કારણે વરસાદ પડવાની શક્યતા છે.
જોકે, દિત્વાહ વાવાઝોડાને પગલે ગુજરાતમાં કોઈ વધુ અસર થાય એવું શક્યતા હાલ નથી.
જોકે, હાલ રાજસ્થાન ઉપર એક નાનકડું સાયક્લૉનિક સર્કુલેશન બન્યું છે, તેની અસર ગુજરાત પર થઈ રહી છે.
તેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના એકાદ-બે વિસ્તારોમાં વાદળો જોવા મળશે અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં શુક્રવારે અને શનિવારે છૂટાછવાયો વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













