કાકોરી ટ્રેન લૂંટ : એ મહાલૂંટ જેણે ભારતમાં બ્રિટિશ રાજનાં મૂળિયા હચમચાવી નાખ્યાં અને ચંદ્રશેખર આઝાદ સિવાય બધા જ પકડાઈ ગયા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 1925 સુધીમાં આઝાદીની લડાઈ લડતા ક્રાંતિકારીઓની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી. તેઓ એક-એક પૈસા માટે લાચાર હતા.

કોઈની પાસે ઢંગના કપડાં પણ નહોતાં. તેમના માથે ઘણું દેવું ચઢી ગયું હતું.

હવે લોકો પાસેથી જબરજસ્તીથી પૈસા પડાવવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

તેમને વિચાર આવ્યો કે જો લૂંટ જ કરવી હોય તો પછી સરકારી તિજોરી કેમ ન લૂંટવી.

ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલ પોતાની આત્મકથામાં લખે છે કે તેમણે જોયું કે ગાર્ડના ડબ્બામાં રખાતા લોખંડના પટારામાં ટેક્સના રૂપિયા હોય છે.

તેમણે લખ્યું છે, "એક દિવસ મેં લખનૌ સ્ટેશને જોયું કે કુલીઓ ગાર્ડના ડબ્બામાંથી લોખંડનો પટારો ઉતારી રહ્યા હતા. મેં જોયું કે તેના પર સાંકળ કે તાળું કંઈ લગાવ્યું ન હતું. તે જ સમયે મેં નક્કી કર્યું કે હું તેને લૂંટી લઈશ."

પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો

બિસ્મિલે આ કામ માટે નવ ક્રાંતિકારીઓની પસંદગી કરી - રાજેન્દ્ર લાહિરી, રોશન સિંહ, સચીન્દ્ર બક્ષી, અશફાક ઉલ્લા ખાન, મુકુંદી લાલ, મન્મથ નાથ ગુપ્ત, મુરારી શર્મા, બનવારી લાલ અને ચંદ્રશેખર આઝાદ.

સરકારી ખજાનો લૂંટવા માટે બિસ્મિલે કાકોરી પસંદ કર્યું જે લખનૌથી આઠ કિલોમીટરના અંતરે શાહજહાંપુર રેલ્વે રૂટ પર એક નાનું સ્ટેશન હતું.

બધા લોકો પહેલાં તો જાસૂસી કરવા કાકોરી ગયા. 8 ઑગસ્ટ, 1925ના રોજ તેમણે ટ્રેન લૂંટવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો.

રામ પ્રસાદ બિસ્મિલ લખે છે, "અમે લખનૌની છેદીલાલ ધર્મશાળાના અલગ-અલગ રૂમમાં રોકાયા હતા. અગાઉથી નક્કી કરેલા સમયે અમે લખનૌ રેલ્વે સ્ટેશને પહોંચવા લાગ્યા."

"પ્લૅટફૉર્મ પર પ્રવેશતા જ અમે જોયું કે એક ટ્રેન પ્લૅટફૉર્મ પરથી નીકળી રહી છે. અમે પૂછ્યું કે આ કઈ ટ્રેન છે? તો ખબર પડી કે તે 8 ડાઉન ઍક્સપ્રેસ ટ્રેન હતી જેમાં અમે સવાર થવાના હતા. અમે બધાં સ્ટેશને 10 મિનિટ મોડા પહોંચ્યા હતા. અમે નિરાશ થઈને ધર્મશાળા પાછા ફર્યા."

ટ્રેનની સાંકળ ખેંચવાની યોજના બનાવી

બીજા દિવસે બપોરે એટલે કે 9મી ઑગસ્ટે બધા લોકો ફરીથી કાકોરી જવા રવાના થયા. તેમની પાસે ચાર માઉઝર પિસ્તોલ અને રિવોલ્વર હતી. અશફાકે બિસ્મિલને સમજાવવાનો પ્રયત્ન કર્યો, "રામ, ફરી એક વાર વિચારી જો. આ યોગ્ય સમય નથી. ચાલો પાછા જઈએ."

બિસ્મિલે તેમને આકરો ઠપકો આપ્યો, "હવે કોઈ વાત નહીં કરે." અશફાકને જ્યારે લાગ્યું કે તેમના સરદાર પર કોઈ વાતની અસર નથી થવાની, ત્યારે તેમણે એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ બિસ્મિલને ટેકો આપવાનું નક્કી કર્યું.

એવું નક્કી થયું કે દરેક વ્યક્તિ શાહજહાંપુરથી ટ્રેનમાં બેસીને કાકોરી પાસેના એક પૂર્વ નિર્ધારિત સ્થળ સુધી પહોંચશે. ત્યાં ટ્રેનની સાંકળ ખેંચવામાં આવશે અને ગાર્ડની કેબિનમાં પહોંચ્યા બાદ રૂપિયાથી ભરેલો પટારો કબ્જે કરવામાં આવશે.

રામ પ્રસાદ બિસ્મિલ પોતાની આત્મકથામાં લખે છે, "અમે નક્કી કર્યું હતું કે અમે કોઈને શારીરિક નુકસાન નહીં પહોંચાડીએ. હું ટ્રેનમાં જ જાહેરાત કરી દઈશ કે અમે અહીં ગેરકાયદે રીતે એકઠા કરાયેલા સરકારી નાણાં લૂંટવા આવ્યા છીએ."

"એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે અમારામાંથી જે ત્રણ જણને હથિયાર ચલાવતા આવડતું હતું, તેઓ ગાર્ડની કેબિનની નજીક ઊભા રહેશે અને વચ્ચે-વચ્ચે ફાયરિંગ કરશે જેથી કોઈ કેબિનમાં પહોંચવાની હિંમત ન કરે."

નક્કી કરેલી જગ્યાએ ટ્રેનની સાંકળ ખેંચાઈ

ચંદ્રશેખર આઝાદે પૂછ્યું, જો કોઈ કારણોસર સાંકળ ખેંચવા છતાં ટ્રેન ઊભી ન રહે તો શું કરીશું?

આ શક્યતાનો સામનો કરવા બિસ્મિલે ઉપાય સૂચવ્યો, "આપણે ટ્રેનના ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ બંને ડબ્બામાં ચઢીશું. જો એકવાર સાંકળ ખેંચવાથી ટ્રેન ઊભી ન રહે તો બીજી ટીમ પોતાના ડબ્બામાં સાંકળ ખેંચશે જેથી ટ્રેન ઊભી રહી જાય."

નવમી ઑગસ્ટે બધા શાહજહાંપુર સ્ટેશને પહોંચ્યા. આ બધા લોકો અલગ-અલગ દિશામાંથી સ્ટેશને આવ્યા હતા અને એકબીજા સામે જોયું પણ નહોતું. બધાએ સામાન્ય કપડાં પહેર્યાં હતાં અને પોતપોતાનાં હથિયારો કપડાંની અંદર છુપાવી રાખ્યાં હતાં. તેમણે કોચમાં એવી જગ્યા લીધી જે સાંકળની નજીક હોય, જેથી ટ્રેન ઊભી રહેતા જ તેમને નીચે ઊતરવામાં વધુ સમય ન લાગે.

રામ પ્રસાદ બિસ્મિલ પોતાની આત્મકથામાં લખે છે કે, "જેવી ટ્રેનની સીટી વાગી અને સ્ટેશનથી આગળ વધવા લાગી, મેં મારી આંખો બંધ કરી અને ગાયત્રી મંત્રનો જાપ શરૂ કર્યો. કાકોરી સ્ટેશનનું સાઈનબોર્ડ જોતાં જ મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. અચાનક જોરદાર અવાજ આવ્યો. અમે નક્કી કર્યું હતું તે જ જગ્યાએ ટ્રેન ઊભી રહી ગઈ."

એકદમ યોગ્ય જગ્યાએ સાંકળ ખેંચાઈ હતી.

બિસ્મિલ લખે છે, "મેં તરત જ મારી પિસ્તોલ કાઢી અને બૂમ પાડીને કહ્યું, શાંત રહો. ડરવાની કોઈ જરૂર નથી. અમે ફક્ત સરકારના એ રૂપિયા લેવા આવ્યા છીએ જે આપણા છે. તમે તમારી જગ્યાએ બેસી રહેશો તો તમને કોઈ નુકસાન નહીં થાય."

દાગીના ખોવાઈ જવાના બહાને સાંકળ ખેંચી હતી

ટ્રેન ઊભી રહે તે પહેલાં બીજું એક નાટક થયું. અશફાક, રાજેન્દ્ર લાહિરી અને સચિન્દ્ર બક્ષીએ સેકન્ડ ક્લાસની ટિકિટ ખરીદી હતી.

સચિન્દ્રનાથ બક્ષી પોતાના પુસ્તક 'માય રિવોલ્યુશનરી લાઇફ'માં લખે છે, 'મેં હળવેકથી અશફાકને પૂછ્યું, 'મારો ઘરેણાનો ડબ્બો ક્યાં છે?' અશફાકે તરત જ જવાબ આપ્યો, 'અરે, એ તો આપણે કાકોરીમાં ભૂલી આવ્યા.'

અશફાક આટલું બોલ્યા કે તરત બક્ષીએ ટ્રેનની સાંકળ ખેંચી લીધી. રાજેન્દ્ર લહેરીએ પણ બીજી બાજુથી સાંકળ ખેંચી હતી. ત્રણેય ઝડપથી નીચે ઊતર્યા અને કાકોરી તરફ ચાલવા લાગ્યા. થોડે દૂર ચાલ્યા પછી ટ્રેનનો ગાર્ડ દેખાયો. તેણે પૂછ્યું કે સાંકળ કોણે ખેંચી?

પછી તેણે અમને ત્યાં જ ઊભા રહેવાનો ઇશારો કર્યો. તેમણે જવાબ આપ્યો કે ઘરેણાનો ડબ્બો કાકોરીમાં ભૂલાઈ ગયો છે. અમે તેને લેવા જઈ રહ્યા છીએ.

બક્ષી આગળ લખે છે, "ત્યાં સુધીમાં અમારા બધા સાથીદારો ટ્રેનમાંથી નીચે ઊતરીને ત્યાં પહોંચી ગયા હતા. અમે પિસ્તોલથી હવામાં ફાયરિંગ શરૂ કર્યું."

"ત્યારે મેં જોયું કે ગાર્ડ ટ્રેન ચલાવવા માટે લીલી લાઇટ બતાવી રહ્યો હતો. મેં તેની છાતી પર પિસ્તોલ રાખી અને તેના હાથમાંથી બત્તી છીનવી લીધી. તેણે હાથ જોડીને કહ્યું - મને છોડી દો. મેં તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધો."

અશફાકે પટારો તોડવાનું શરૂ કર્યું

અશફાકે ગાર્ડને કહ્યું કે તમે અમને સહકાર આપશો તો તમને કંઈ નહીં થાય.

બિસ્મિલ લખે છે, "અમારા સાથીદારો થોડી થોડી વારે હવામાં ગોળીઓ છોડવા લાગ્યા. રૂપિયાથી ભરેલો લોખંડનો પટારો ખૂબ જ વજનદાર હતો. અમે તેને ઉઠાવીને ભાગી શકીએ તેમ ન હતા. તેથી અશફાક તેને હથોડાથી તોડવા લાગ્યો. ઘણી મહેનત કરવા છતાં તે સફળ ન થયો.

બધા લોકો શ્વાસ રોકીને અશફાક તરફ જોઈ રહ્યા. પછી ત્યાં એક એવી ઘટના બની જેણે ત્યાં હાજર ક્રાંતિકારીઓનું જીવન હંમેશાં માટે બદલી નાખ્યું.

ટ્રેનના પ્રવાસીને ગોળી વાગી

બે ડબ્બા આગળ ટ્રેનનો એક પ્રવાસી અહેમદ અલી તેના ડબ્બામાંથી નીચે ઊતરીને ગાર્ડની કેબિન તરફ જવા લાગ્યો હતો. આ લોકોએ ધાર્યું ન હતું કે કોઈ આવું કરવાની હિંમત પણ કરશે.

હકીકતમાં અહમદ લેડીઝના ડબ્બા તરફ આગળ વધી રહ્યો હતો જ્યાં તેની પત્ની બેઠી હતી. ટ્રેન ઊભી રહી ગઈ હોવાથી તેણે વિચાર્યું કે પત્નીને મળી આવું. ટ્રેનમાં શું થઈ રહ્યું છે તેનો તેને કોઈ ખ્યાલ નહોતો.

બિસ્મિલ લખે છે, "મને તો આખી વાત સમજવામાં બહુ સમય ન લાગ્યો. પરંતુ મારા અન્ય સાથીદારો એટલી ઝડપથી સ્થિતિ સમજી ન શક્યા. મન્મથનાથ બહુ ઉત્સાહી હતા. પણ તેમને હથિયારોનો ઉપયોગ કરવાનો બહુ અનુભવ નહોતો."

"તેમણે તે માણસને કેબિન તરફ આવતો જોયો કે તરત જ તેનું નિશાન લીધું. હું તેને કંઈ કહું તે પહેલાં મન્મથે તેની પિસ્તોલનું ટ્રિગર દબાવી દીધું. અહેમદ અલીને ગોળી વાગી અને તે જમીન પર પડી ગયા"

આ દરમિયાન અશફાક પટારો તોડવામાં વ્યસ્ત હતો, પરંતુ તેને સફળતા મળી રહી ન હતી. અંતે બિસ્મિલે હથોડો ઉપાડ્યો અને પૂરી તાકાતથી પટારાના તાળા પર પ્રહાર કર્યો. તાળું તૂટીને નીચે પડી ગયું. બધા રૂપિયા કાઢીને ચાદરમાં બાંધી દેવાયા, પરંતુ આ દરમિયાન બીજી એક સમસ્યા પેદા થઈ.

દૂરથી એક ટ્રેન આવવાનો અવાજ સંભળાતો હતો. બધાને ડર હતો કે આ દૃશ્ય જોઈને સામેથી આવતી ટ્રેનના ડ્રાઇવરને શંકા ન જાય. જે ટ્રેન લૂંટાતી હતી તેના પ્રવાસીઓ પણ પોતપોતાની જગ્યાએથી આમતેમ થવા લાગ્યા.

તે સમયે કોઈ પણ મુસાફર ટ્રેનમાંથી નીચે ઊતરીને ભાગી શકે તેમ હતો, પરંતુ કોઈએ આવું વિચારવાની હિંમત ન કરી. આ દરમિયાન બિસ્મિલ તેની માઉઝર પિસ્તોલને હવામાં લહેરાવતો હતો.

તેણે બાકીના સાથીઓને તેમનાં હથિયારો છુપાવવાં કહ્યું. તેમણે અશફાકને પોતાનો હથોડો નીચે ફેંકવા કહ્યું. તે ટ્રેન પંજાબ મેલ હતી અને અટક્યા વગર આગળ નીકળી ગઈ.

આખું ઑપરેશન પૂરું કરવામાં અડધો કલાક પણ ન લાગ્યો.

બિસ્મિલ લખે છે, "મને લાગ્યું કે બધાને એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો તેનો અફસોસ હતો. તેની ભૂલ એ હતી કે તે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો. મન્મથ નાથને ખૂબ ગુસ્સો આવ્યો કે તેણે એક નિર્દોષ માણસ પર ગોળીબાર કર્યો હતો. તેની આંખો સૂજીને લાલ થઈ ગઈ હતી. તેઓ રડતા હતા."

બિસ્મિલે આગળ આવીને મન્મથને ગળે લગાડ્યા.

લૂંટની દેશવ્યાપી અસર

આ લૂંટની સમગ્ર ભારતમાં જબરજસ્ત અસર પડી. ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન પર હુમલો સફળ થયો હોવાના સમાચાર ફેલાતાં જ લોકો આ હુમલાનું કારણ પૂછવા લાગ્યા.

બિસ્મિલ લખે છે કે લોકોને જેવી ખબર પડી કે આ હુમલામાં બહુ ઓછા લોકો સામેલ હતા અને તેનો હેતુ માત્ર સરકારી તિજોરીને લૂંટવાનો હતો, ત્યારે તેઓ અમારી હિંમતથી ખૂબ પ્રભાવિત થયા. તેમને એ વાત પણ ગમી કે અમે ટ્રેનમાંથી સરકારી પૈસા સિવાય કંઈ લૂંટ્યું નથી.

બિસ્મિલે લખ્યું છે, "ભારતના મોટાભાગના અખબારોએ અમને દેશના હીરો ગણાવ્યા. આગામી કેટલાક અઠવાડિયાંમાં અમારી સાથે જોડાવા માટે યુવાનોમાં હોડ લાગી. લોકોએ આ ઘટનાને સામાન્ય લૂંટ તરીકે ન લીધી. તે એક એવી ઘટના ગણાઈ જેણે ભારતમાં સ્વતંત્રતા સંગ્રામને મોટા કેનવાસ પર સ્થાપિત કરી દીધો."

સવાર સુધીમાં અખબારોમાં લૂંટના સમાચાર

સ્થળ છોડતા પહેલાં દરેક વ્યક્તિએ બધું બરાબર જોઈ લીધું જેથી ત્યાં કંઈ રહી ન જાય. આટલી મહેનત કર્યા પછી તેમને તે લોખંડની પેટીમાંથી માત્ર પાંચ હજાર રૂપિયા મળ્યા હતા.

ગોમતી નદીના કિનારે થોડા માઈલ ચાલીને તેઓ લખનૌ શહેરમાં પ્રવેશ્યા.

મન્મથનાથ ગુપ્ત પોતાના પુસ્તક ‘ધે લિવ્ડ ડેન્જરસલી’ માં લખે છે, "અમે ચોકની બાજુથી લખનૌમાં પ્રવેશ્યા. આ લખનૌનો રેડ લાઇટ એરિયા હતો જે હંમેશાં જાગતો હતો. ચોકમાં પ્રવેશતા પહેલાં આઝાદે તમામ પૈસા અને હથિયારો બિસ્મિલને આપી દીધાં. આઝાદે સૂચન કર્યું કે આપણે પાર્કની બૅન્ચ પર જ સુઈ જઈએ. આખરે અમે પાર્કમાં જ એક ઝાડ નીચે સુઈ જવાનો પ્રયાસ કર્યો. પરોઢ થતાં જ પક્ષીઓ કિલકિલાટ કરવા લાગ્યા અને અમારી આંખો ખુલી ગઈ."

પાર્કમાંથી બહાર આવતાં જ અખબારના ફેરિયાનો અવાજ સંભળાયો, 'કાકોરીમાં લૂંટ, કાકોરીમાં લૂંટ.' થોડા જ કલાકોમાં આ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા હતા.

છોડી દેવાયેલી ચાદરથી પ્રથમ પુરાવા મળ્યા

તે સમયે બધાને લાગ્યું કે તેમણે ઘટનાના સ્થળે કોઈ પુરાવા છોડ્યા નથી. પરંતુ તેમને ખ્યાલ ન હતો કે ટ્રેનની નજીક અફરાતફરીમાં તેઓ ત્યાં એક ચાદર છોડી આવ્યા હતા. તે ચાદર પર શાહજહાંપુરના એક ધોબીનું નિશાન હતું.

તેનાથી પોલીસને અંદાજ આવ્યો કે લૂંટમાં સામેલ લોકોનો શાહજહાંપુર સાથે કંઈક સંબંધ છે. પોલીસે શાહજહાંપુરમાં તે ધોબીને શોધી કાઢ્યો.

ત્યાંથી તેને ખબર પડી કે આ ચાદર હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)ના સભ્યની છે.

એટલું જ નહીં, આ ક્રાંતિકારીઓના કેટલાક સાથીદારોએ પણ તેમની સાથે દગો કર્યો. રામપ્રસાદ બિસ્મિલ લખે છે, "અમારા દુર્ભાગ્યે અમારી વચ્ચે એક સાપ પણ હતો. સંગઠનમાં હું જેના પર આંધળો ભરોસો કરતો હતો તે વ્યક્તિનો તે ખૂબ જ નજીકનો મિત્ર હતો."

"મને પાછળથી ખબર પડી કે આ વ્યક્તિ માત્ર કાકોરી ટીમની ધરપકડ માટે જ નહીં, પરંતુ સમગ્ર સંગઠનને ખતમ કરવા માટે પણ જવાબદાર હતો."

બિસ્મિલે પોતાની આત્મકથામાં આ વ્યક્તિનું નામ નથી લીધું, પરંતુ પ્રાચી ગર્ગ તેમના પુસ્તક 'કાકોરી ધ ટ્રેન રોબરી ધેટ શૂક ધ બ્રિટિશ રાજ'માં લખે છે, "બનવારીલાલ ભાર્ગવ એચઆરએના સભ્ય હતા. કાકોરી લૂંટમાં પણ તેમની ભૂમિકા હથિયારો સપ્લાય કરવાની હતી. ત્યાર બાદ કેસ ચાલ્યો ત્યારે મૃત્યુદંડની સજાથી બચવા માટે અને સરકાર તરફથી મળેલી આર્થિક સહાયના બદલામાં તે સરકારી સાક્ષી બની ગયા."

ચંદ્રશેખર આઝાદ સિવાયના તમામની ધરપકડ

સરકારે કાકોરી હુમલામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે 5000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી. તમામ રેલવે સ્ટેશનો અને પોલીસ સ્ટેશનો પર આને લગતી જાહેરાતો ચોંટાડી દેવામાં આવી હતી.

કાકોરી ઘટનાના ત્રણ મહિનાની અંદર તેમાં ભાગ લેનારા તમામ લોકોની એક પછી એક ધરપકડ શરૂ થઈ.

આ ઑપરેશનમાં માત્ર 10 લોકો સામેલ હતા, પરંતુ 40થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી.

અશફાક, રોશન સિંહ, રાજેન્દ્ર લાહિરી, બનારસી લાલ અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ માત્ર ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી ન શકી.

સૌથી છેલ્લે રામ પ્રસાદ બિસ્મિલની ધરપકડ થઈ. કાનપુરથી પ્રકાશિત થતા અખબાર ‘પ્રતાપ’ની હેડલાઇન હતી ‘ભારતના નવ રત્નોની ધરપકડ.’

આ અખબારના તંત્રી ગણેશ શંકર વિદ્યાર્થી હતા. આ તમામ સામે માત્ર લૂંટ જ નહીં પરંતુ હત્યાના ગુનામાં પણ કાર્યવાહી કરવામાં આવી.

એપ્રિલ 1927માં આ કેસનો ચુકાદો જાહેર થયો. અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી, રોશન સિંહ અને રામ પ્રસાદ બિસ્મિલને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેની સામે આખા ભારતમાં દેખાવો થયા.

મદન મોહન માલવિય, મોતીલાલ નહેરુ, લાલા લજપત રાય, જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા આ ક્રાંતિકારીઓના સમર્થનમાં બહાર આવ્યા.

સેન્ટ્રલ એસેમ્બલીએ વાઇસરૉયને તેમની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી, પરંતુ તેમણે આ માંગને ફગાવી દીધી.

બિસ્મિલ અને અશફાકને ફાંસી

19 ડિસેમ્બર, 1927ના રોજ રામ પ્રસાદ બિસ્મિલ, રોશન લાલ અને રાજેન્દ્ર લાહિરીને ગોરખપુર જેલમાં ફાંસી આપવામાં આવી. ફાંસીના બે દિવસ પહેલાં જ તેમણે પોતાની આત્મકથા પૂરી કરી હતી.

તે જ દિવસે અશફાકને ફૈઝાબાદની જેલમાં ફાંસી આપવામાં આવી.

મન્મથનાથ ગુપ્તની ઉંમર હજુ 18 વર્ષ ન હતી, તેથી તેમને માત્ર 14 વર્ષની જેલની સજા થઈ.

તેઓ 1937માં મુક્ત થયા. છૂટા થયા પછી તેમણે સરકાર વિરુદ્ધ લખવાનું શરૂ કર્યું.

1939માં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી અને આઝાદીના એક વર્ષ પહેલાં 1946માં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

તેમણે આંદામાનની સેલ્યુલર જેલમાં પણ થોડો સમય વિતાવ્યો હતો. 26 ઑક્ટોબર 2000ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.