You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત શું જાપાનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે?
- લેેખક, જાસ્મિન નિહલાની
- પદ, બીબીસી વિઝુઅલ જર્નાલિઝ્મ ટીમ
થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે એ દાવા મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. આ દાવા નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યને તાજેતરના નિવેદન પર આધારિત હતા.
સુબ્રમણ્યને એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે, "હું આ વાત કરી રહ્યો છું ત્યારે આપણે ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યા છીએ. આપણે 4 ટ્રિલિયન યુએસ ડૉલરની ઇકૉનૉમી બની ચૂક્યા છીએ, આ મારો પોતાનો નહીં પરંતુ આઇએમએફનો ડેટા છે. આજે ભારત અર્થતંત્રની દૃષ્ટિએ જાપાન કરતાં મોટું છે."
જોકે, ઇન્ટરનૅશનલ મૉનેટરી ફંડના લૅટેસ્ટ વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલૂક રિપોર્ટ પર ઝીણવટથી નજર કરાતાં આવું નથી જોવા મળતું.
રિપોર્ટ અનુસાર વર્ષ 2025-26માં ભારત જાપાનને અર્થતંત્ર મામલે પાછળ છોડી શકે છે. આ સમયગાળા દરમિયાન ભારતનો ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 4.187 ટ્રિલિયન અમેરિકન ડૉલર થઈ જશે, જે જાપાનની જીડીપી (4.186 ટ્રિલિયન અમેરિકન ડૉલર) કરતાં થોડો વધુ હશે.
અહીં એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે આઇએમએફ ભારતના આંકડાને એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષ આધારે રજૂ કરે છે. આનો અર્થ એ થાય કે ભારત માટે 2025નો જીડીપી પ્રોજેક્શન એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીના ગાળા માટે હશે. આઇએમએફના ડેટા સામાન્ય રીતે કૅલેન્ડર વર્ષ પર આધારિત હોય છે. જોકે, એ ભારત સહિત 32 અર્થતંત્રોના ડેટા માટે નાણાકીય વર્ષનો ઉપયોગ કરે છે.
જીડીપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્રોનાં કદ અને સ્વાસ્થ્ય જાણવા માટેનું એક ઇકૉનૉમિક સૂચક છે. તેની ગણતરી ઉપભોક્તા ખર્ચ, સરકારી ખર્ચ, રોકાણ અને ચોખ્ખી નિકાસને આધારે કરાય છે. દેશની જીડીપીના આંકડા રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિકલ એજન્સી દ્વારા ભેગા કરવામાં આવે છે.
ચાર્ટમાં દેખાય છે એ મુજબ, 2024માં ભારત અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. આઇએમએફના અનુમાન અનુસાર 2028 બાદ ભારત જર્મનીને પાછળ છોડીને 5.58 ટ્રિલિયન અમેરિકન ડૉલર સાથે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
નીતિ આયોગના એક સભ્ય અરવિંદ વીરમણિએ પીટીઆઇને એક નિવેદનમાં કહ્યું કે ભારત ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનવાની પ્રક્રિયામાં હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીરમણિએ ઉમેર્યું, "હું વિશ્વાસ છે કે એ (ભારતનું જાપાનને પાછળ મૂકવું) વર્ષ 2025ના અંત સુધી બનશે, કારણ કે આપણને આ વાત કહેવા માટે જીડીપીના 12 માસના આંકડા જોઈશે... ત્યાં સુધી, આ વાત એક આગાહી જ રહેશે."
જોકે, બીજી તરફ જીડીપીના આંકડા લોકોનાં જીવનધોરણ અને આ આવક આપણી વસતીમાં કેવી રીતે વહેંચાયેલી છે એ અંગે કશું જણાવતા નથી. પ્રતિ વ્યક્તિ જીડીપી અને ઉત્પાદન કેવી રીતે લોકો વચ્ચે વહેંચાયેલાં છે એ જણાવે છે, આ માપ દેશમાં લોકોના જીવનની ગુણવત્તાનું ઉત્તમ માપ રજૂ કરે છે.
વર્ષ 2024માં ભારત જે 192 દેશોની પ્રતિ વ્યક્તિ જીડીપીના આંકડા ઉપલબ્ધ છે, તેમાં 127મા ક્રમે હતું.
આ સિવાય જ્યારે વિશ્વનાં સૌથી મોટાં દસ અર્થતંત્રોની પ્રતિ વ્યક્તિ જીડીપીની યાદી બનાવાઈ તો તેમાં પણ ભારત અંતિમ ક્રમે હતું.
આ યાદીમાં અમેરિકાનો પ્રતિ વ્યક્તિ જીડીપી 85,812 અમેરિકન ડૉલર સાથે સૌથી વધુ (ખરીદશક્તિના આધારે, સ્થાનિક કિંમતો અને ગુજરાનના ખર્ચ પ્રમાણે એડજસ્ટ કરેલ ) હતો.
બીજી તરફ ભારતનો પ્રતિ વ્યક્તિ જીડીપી 11,228 અમેરિકન ડૉલર સાથે સૌથી નીચેના ક્રમે હતો. ચીન પણ એક ખૂબ જ વધુ વસતી ધરાવતો દેશ છે, પરંતુ તેનો પ્રતિ વ્યક્તિ જીડીપી 27,093 અમેરિકન ડૉલર હતો.
આમ, સૌથી મોટાં અર્થતંત્રો પૈકી એક હોવા છતાં ભારતનું સરેરાશ ઇકૉનૉમિક આઉટપુટ ઓછું રહે છે.
આ સિવાય જીવનધોરણનું માપ કાઢતો વધુ એક સૂચકાંક માનવવિકાસનો સૂચકાંક (એચડીઆઇ) છે.
આ એક સંયુક્ત માપદંડ છે, જે કોઈ પણ દેશના પ્રદર્શન અંગે જાણવા માટે ત્રણ પેટા માપદંડો પર ભાર મૂકે છે. જેમાંથી એક છે કે અપેક્ષિત આયુષ્ય (આરોગ્ય માટે), શાળાકીય વર્ષો (શિક્ષણ માટે) અને પ્રતિ વ્યક્તિ કુલ રાષ્ટ્રીય આવક (જીવનધોરણના માટે).
2023ના એચડીઆઇ સ્કોર પ્રમાણે ભારતનો ક્રમ 193 દેશોમાં 130મો હતો.
1990ની સરખામણીએ ભારતનું પ્રદર્શન આ સૂચકાંકમાં સુધર્યું છે. તેમ છતાં ભારત હજુ મધ્યમ માનવવિકાસની કૅટગરીમાં આવે છે.
ભારતની સરખામણીએ ચીન અને શ્રીલંકા જેવા તેના પાડોશી દેશો આ યાદીમાં અનુક્રમે 78 અને 89 એમ ભારતની ખૂબ આગળ છે. આ દેશોને ઉચ્ચ માનવવિકાસવાળા દેશો તરીકે વર્ગીકૃત કરાયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન