You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગગનયાન: કોણ કોણ જશે અવકાશમાં? શું મળશે? તમામ સવાલના જવાબ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત સરકારે મંગળવારે ગગનયાન મિશન હેઠળ અવકાશમાં ભારતની પહેલી ઉડાન માટે પસંદ કરાયેલા ઍરફોર્સના ચાર પાઇલટનાં નામ જણાવ્યાં છે.
આ મિશન હેઠળ ત્રણ અવકાશયાત્રીઓને 400 કિલોમીટરની કક્ષાએ મોકલાશે અને ત્રણ દિવસ પછી તેઓ પરત આવશે.
ભારતની અવકાશ એજન્સી ઇસરો આ મિશનની તૈયારી માટે સતત પરીક્ષણ કરી રહી છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં થયેલા એક મુખ્ય પરીક્ષણમાં સામે આવ્યું કે રૉકેટમાં ગરબડ થાય તો ચાલકદળ સુરક્ષિત બહાર નીકળી શકે છે.
કોણ છે ચાર પાઇલટ?
ઇસરો મુજબ 2024માં એક ટેસ્ટ ફ્લાઇટ રોબૉટને અવકાશમાં લઈ જશે. આ પછી 2025માં અવકાશયાત્રીઓને લઈ જવાશે.
ઇસરોના તિરુવનંતપુરમસ્થિત કેન્દ્ર પર આયોજિત કાર્યક્રમમાં ચારેય અવકાશયાત્રીઓ વિશે દેશને જણાવાયું.
ભારતીય વાયુસેનાના પસંદગી પામેલા ચારેય અધિકારીઓનાં નામ છે ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન નાયર, ગ્રૂપ રૅપ્ટન અજિત કૃષ્ણન, ગ્રૂપ કૅપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસરોના પ્રમુખ સોમનાથે તેમની વર્દી પર સોનેરી પાંખોની ડિઝાઇનવાળો બૅઝ લગાવતા તેમને ‘ભારતનું સન્માન’ ગણાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ માત્ર ચાર નામ કે ચાર માણસો નથી. 140 કરોડ આકાંક્ષાઓને અવકાશમાં લઈ જનારી શક્તિ છે. 40 વર્ષો પછી કોઈ ભારતીય અવકાશમાં જવાનું છે. આ વખતે સમય પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણો છે અને રૉકેટ પણ આપણું જ છે.”
કેવી રીતે પસંદગી કરાઈ અવકાશયાત્રીઓની?
અધિકારીઓએ જણાવ્યું કે આ અધિકારીઓને મુશ્કેલ શારીરિક અને માનસિક પરીક્ષણોમાંથી પસાર થનારા ઍરફોર્સ પાઇલટના એક મોટા સમૂહમાંથી પસંદ કરાયા છે.
આ અધિકારીઓએ રશિયામાં 13 મહિના સુધી સખત ટ્રેનિંગ કરી છે અને હવે ભારતમાં પણ તે ટ્રેનિંગને યથાવત્ રાખી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન એક વીડિયો જારી કરાયો જેમાં આ અધિકારી જિમમાં પરસેવો પાડવાથી લઈ તરણ પ્રક્રિયા અને યોગ જેવા વ્યાયામ કરતા દેખાય છે.
ઇસરોએ મંગળવારે વ્યોમ મિત્રની પણ એક ઝલક દર્શાવી. વ્યોમ મિત્ર એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ અવકાશનો મિત્ર એવો થાય છે. આ એક રોબૉટ છે જેને આ વર્ષે અવકાશમાં મોકલાશે.
ગગનયાન મિશન અવકાશમાં ભારતની પહેલી માનવીય ઉડાન છે જે માટે ઇસરો કેન્દ્ર પર ઘણી તૈયારીઓ ચાલી રહી છે.
કેટલો ખર્ચ થશે?
આ પરિયોજના પર 90 અબજ રૂપિયાનો કુલ ખર્ચ શથે.
જો ભારત આ યોજનામાં સફળ થશે તો તે અવકાશમાં માણસોને મોકલનારો વિશ્વનો ચોથો દેશ બનશે. આ અગાઉ સોવિયત સંઘ, અમેરિકા અને ચીને અવકાશમાં માણસોને મોકલવામાં સફળતા મેળવી છે.
ગત વર્ષે ભારતે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી સફળતા મેળવી. 2023ના ઑગસ્ટમાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઊતરનારો વિશ્વનો પહેલો દેશ બન્યો.
આના કેટલાક સપ્તાહ પછી ઇસરોએ સૂર્ય તરફ ભારતનું પહેલું ઑબ્ઝર્વેશન મિશન આદિત્ય-એલ-1 મોકલ્યું, જે હાલ કક્ષામાં રહીને સૂર્ય પર નજર રાખી રહ્યું છે.
ભારતે આ તમામ અભિયાનો સાથે આગામી કેટલાક દાયકા માટે બહુ-પ્રતીક્ષિત એલાન કર્યા છે.
ભારતે કહ્યું કે તે 2035 સુધીમાં પહેલું સ્પેસ સ્ટેશન ખોલશે અને 2040 સુધી ચંદ્ર પર પોતાના પ્રથમ અવકાશયાત્રીને મોકલશે.
કોણે કોણે અભિનંદન પાઠવ્યાં?
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ તકે ઍરફોર્સ પાઇલટને અભિનંદન પાઠવ્યાં.
તેમણે તેમના ઍક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, “આપણા પહેલા અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન માટે પસંદગી પામનારા વાયુસેનાના પાઇલટ્સને ખૂબ અભિનંદન.”
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ આ તકને ભારત માટે એક ગૌરવની ક્ષણ ગણાવી છે.
તેમણે ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અભિયાન માટે પસંદ કરાયેલા વાયુસેનાના પાઇલટ સાથે મુલાકાત કરતા દેખાઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ‘પીએમ મોદીના સમર્થન અને સહયોગને કારણે આજે એ શક્ય થઈ શક્યું છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા નિભાવવા તરફ આગળ વધી રહ્યું છે.’
ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંતે આ તકે પીએમ મોદીના ભાષણની વાતોને ફરી યાદ કરતા લખ્યું છે - "આ સમયે સમય પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રૉકેટ પણ આપણું છે."