પાકિસ્તાને ઈરાન પર વળતો હુમલો કર્યો, કહ્યું-'રાષ્ટ્રીય સુરક્ષા અને હિત સાથે કોઈ સમાધાન નહીં'

ઇમેજ સ્રોત, REUTERS
પાકિસ્તાને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંત પર હુમલો કર્યો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઈરાને કરેલા હુમલાનો જવાબ માનવામાં આવે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અધિકૃત નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાને આ ઑપરેશનનું નામ 'માર્ગ બર સરમાચાર' આપ્યું હતું.
સમાચાર ઍજન્સી રૉઇટર્સે પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પાકિસ્તાનના એક સિનિયર ઇન્ટેલિજન્સ અધિકારીએ તેમને આ માહિતી આપી છે.
રૉઇટર્સ અનુસાર, પાકિસ્તાને ઈરાનના એક પ્રાંતમાં બલૂચી ઉગ્રવાદીઓને નિશાન બનાવ્યા છે.
ઈરાનની સમાચાર ઍજન્સી મેહરના જણાવ્યા અનુસાર, ઈરાનના સારાવાનના શમસાર પ્રાંતમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થયા હોવાની માહિતી છે.
સમાચાર ઍજન્સી એએફપી અનુસાર, હુમલાઓમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો રોઇટર્સ અનુસાર, ઈરાની મીડિયાનું કહેવું છે કે અહીં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોના મોત થયા છે અને તેઓ ઈરાની નાગરિક ન હતા.
અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ ઈરાને પાકિસ્તાનના વિસ્તારો પર ઉગ્રવાદી જૂથ જૈશ-અલ-અદલના ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલાઓ કર્યા હતા.
પાકિસ્તાનના દાવા અનુસાર તેમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્યારબાદ પાકિસ્તાને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, ForeignOfficePk/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, 'સરમાચાર' તરીકે ઓળખાતા ઉગ્રવાદીઓ વિશે તેણે ઈરાનને વારંવાર માહિતી અને પુરાવાઓ આપ્યા હતા પરંતુ ઈરાન કોઈ પગલાં ભરી રહ્યું ન હતું."
આથી પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે પાકિસ્તાને આ ઑપરેશન કર્યું છે.
ગઈકાલે ઈરાને કહ્યું હતું કે, તેણે પાકિસ્તાનમાં ઉગ્રવાદી જૂથ જૈશ-અલ-અદલનાં ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.
પરંતુ પાકિસ્તાને આ વાતને નકારતાં તેને એક ‘ગેરકાયદેસર કૃત્ય’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ ‘ગંભીર પરિણામો’ તરફ દોરી જઈ શકે છે.
ખૂબ સખત શબ્દોમાં આપેલા નિવેદનમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઈરાન દ્વારા તેના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની ભારપૂર્વક ટીકા કરી હતી.
પાકિસ્તાને કહ્યું હતું કે આ પ્રકારની ઘટના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેણે એમ પણ ઉમેર્યું હતું કે,"પાકિસ્તાન અને ઈરાન વચ્ચે અનેક પ્રકારની વાટાઘાટો અને સંવાદ ચાલતા હોવા છતાં પણ ઈરાને આ પ્રકારનું પગલું ભર્યું તે નિંદાજનક છે."
પાકિસ્તાને તેહરાન સ્થિત વિદેશ મંત્રાલયના સંબંધિત ઈરાનના ઉચ્ચ અધિકારી સાથે પણ આ વાત કરી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, "આ પાકિસ્તાનની સંપ્રભુતાનું છડેચોક કરવામાં આવેલું ઉલ્લંઘન છે. હવે જો કંઈ પણ થાય તો તેના માટે જવાબદાર ઈરાન રહેશે."
આમ, બંને દેશો વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થતાં પાકિસ્તાન પણ વળતો હુમલો કરશે તેવી આશંકા સેવાતી હતી.
એ પહેલાં ઈરાને સોમવારે 15 જાન્યુઆરીના રોજ ઇરાકના ઉત્તરી પ્રાંત ઇરબિલ પર પણ હુમલો કર્યો હતો. જેની અમેરિકાએ પણ ટીકા કરી હતી.
ઇરાક અને સીરિયા પછી પાકિસ્તાન ત્રીજો દેશ છે જેના પર છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાને હુમલા કર્યા છે.
ઈરાનના આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે પહેલાંથી જ મધ્ય-પૂર્વના દેશોમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ છે. હમાસને ઈરાનનું સમર્થન છે તેમ માનવામાં આવે છે.
મધ્ય-પૂર્વના દેશોમાં સંધર્ષમય પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, ANDLOU
ઈરાને એવી જાહેરાત કરી છે કે તે કોઈ મોટો સંઘર્ષ કે યુદ્ધ કરવા માગતો નથી પરંતુ જે સમૂહો ઇઝરાયલ અને તેના સાથીદેશોની મદદ કરી રહ્યા છે તેના પર હુમલા કરવામાં આવશે અને પેલેસ્ટિનિયન લોકો સાથે એકતા અને તેમને સમર્થન બતાવવાનો આ પ્રયાસ છે.
લેબનોનના હિઝબુલ્લાહ સંગઠને ઇઝરાઇલી દળો સામે સરહદી ગોળીબારો કર્યા છે, શિયા ઉગ્રવાદીઓએ ઇરાક અને સીરિયામાં રહેલા યુ.એસ. સૈન્ય પર ડ્રૉન અને મિસાઇલોથી હુમલા શરૂ કર્યા છે; અને યમનની હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં વહાણો પર હુમલો કર્યો છે.
ઇઝરાયલે હમાસના લેબનોનમાં રહેલા નેતાને મારવા માટે સતત હુમલા કર્યા હતા જેમાં હમાસના નેતા સહિત સીરિયામાં રહેલા રિવૉલ્યુશનરી ગાર્ડ કમાન્ડરનું મૃત્યુ થયું હતું. તો બીજી તરફ ઇરાકી ઉગ્રવાદી નેતાનું અમેરિકાએ કરેલા હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું. અમેરિકાએ યમનમાં હૂતી વિદ્રોહીઓ પર પણ હુમલાઓ કર્યા છે.
જૈશ અલ-અદલ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાને કહ્યું હતું કે તેણે જૈશ-અલ-અદલ નામના જૂથને નિશાન બનાવતા પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તાર પર હુમલા કર્યા હતા.
પાકિસ્તાન અને ઈરાન છુટાછવાયા વસ્તીવાળા પ્રદેશમાં દાયકાઓથી જૈશ-અલ-અદલ સહિતના સશસ્ત્ર ભાગલાવાદી જૂથો સામે લડી રહ્યા છે.
તેમની વચ્ચેની સરહદ કે જે લગભગ 900 કિ.મી. (559 માઇલ) જેટલી લાંબી છે, તેની સુરક્ષા બંને સરકારો માટે લાંબા સમયથી સૌથી મોટી ચિંતા છે.
તેહરાને આ સમૂહને ગયા મહિને સરહદની નજીકના હુમલાઓ માટે પણ જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાઓમાં એક ડઝનથી વધુ ઈરાની પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા.
તે સમયે ઈરાનના ગૃહ પ્રધાન અહમદ વહિદીએ જણાવ્યું હતું કે જવાબદાર ઉગ્રવાદીઓ પાકિસ્તાન તરફથી જ દેશમાં પ્રવેશ્યા હતા.
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના મંત્રાલયના જણાવ્યા અનુસાર, “સિસ્તાન-બલુચિસ્તાનમાં કાર્યરત એવું સુન્ની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ ‘સૌથી સક્રિય અને પ્રભાવશાળી સુન્ની આતંકવાદી જૂથ’ છે."












