એ મહારાણી જેમણે એટલો 'ખર્ચ કર્યો' કે દેશ દેવાળિયો થઈ ગયો અને તેમને જાહેરમાં ફાંસી આપી દેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેબોરા નિકોલસ-લી
- પદ, બીબીસી કલ્ચર
એક સમયે યુરોપનાં સૌથી વધુ ધિક્કારપાત્ર મહિલા મૅરી એન્ટોનેટને અક્કલ વગરનાં ઉદારવાદી, કાવતરાખોર તથા બેફામ ખર્ચ કરનાર તરીકે બદનામ કરાયાં હતાં અને પછી તેમને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી, પરંતુ હકીકત શું હતી? તાજેતરમાં યોજાયેલાં એક મોટાં પ્રદર્શનમાં તેમના જીવન વિશે ફેલાયેલી ભ્રમણાઓની તપાસ કરાઈ હતી.
ઑસ્ટ્રિયાનાં મહારાણી મારિયા થેરેસાએ એપ્રિલ 1770માં તેમનાં 14 વર્ષીય પુત્રી આર્કડચેસ મારિયા એન્ટોનિયોના વર્સેલ્સના મહેલમાં ફ્રાન્સના ભાવિ રાજા લુઈસ સોળમા સાથે લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યારે ચેતવણી આપી હતીઃ "બધાની નજર તમારા પર રહેશે." તેમ છતાં બાદમાં આર્કડચેસ તરીકે જાણીતાં થયેલાં મૅરી એન્ટોનેટ તમામ અડચણો પાર કરી ગયાં હતાં અને અપેક્ષા કરતાં વધારે ક્રૂર સાબિત થયાં હતાં.
ઉદારવાદી અને કાવતરાખોર ઉપરાંત બેફામ ખર્ચ કરનાર વ્યક્તિ તરીકે બદનામ થયેલાં મૅરી એન્ટોનેટની અત્યંત ખર્ચાળ જીવનશૈલીએ તેમના દેશની તિજોરી ખાલી કરી નાખી હતી. આ બધા આરોપોએ ફ્રેન્ચ ક્રાંતિને વેગ આપ્યો હતો અને રાણીને જાહેરમાં ફાંસી જેવી એક દુર્લભ અને આઘાતજનક ઘટના જોવા મળી હતી.
જોકે, આટલાં વર્ષો વીતી ગયાં હોવાં છતાં પણ મૅરી એન્ટોનેટ પ્રત્યેનું આપણું આકર્ષણ ક્યારેય ઓછું થયું નથી, પરંતુ તેમના જીવન બાબતે વધુને વધુ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. મૅરી તિરસ્કાર કરવા લાયક હતાં કે પછી વિરોધાભાસી હિતો વચ્ચે ફસાયેલાં અને જુઠાણાને કારણે જેનો અંત થયો એ વ્યક્તિ હતી?
ફ્રાન્સનાં મહારાણી પ્રત્યે આકર્ષણ અને ધિક્કાર

ઇમેજ સ્રોત, Victoria and Albert Museum, London
મૅરી એન્ટોનેટના જીવન પર આધારિત એક પ્રદર્શન સાઉથ કેન્સિંગ્ટન (લંડન)ના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં 25 સપ્ટેમ્બરથી શરૂ થયું છે.
મૅરી એન્ટોનેટ સ્ટાઇલ નામના એ પ્રદર્શનના ક્યુરેટર ડૉ. સારાહ ગ્રાન્ટ માટે તેઓ 'ઇતિહાસનાં સૌથી ફૅશનેબલ, સૌથી વધુ પરખાયેલાં અને વિવાદાસ્પદ રાણી' છે. પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવનાર, પરંતુ કલંકિત મૅરી એન્ટોનેટના જન્મની 270મી વર્ષગાંઠ નિમિત્તે લંડનમાં તે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવી જ એક દંતકથા મૅરી એન્ટોનેટની "તેમને કેક ખાવા દો" ટિપ્પણી વિશેની છે. તે ફ્રાન્સમાં બ્રેડની વિનાશક અછત સામેનો ઉદ્ધત પ્રતિભાવ છે. યુરોપિયન ફિલોસોફન જીન-જેક્વેસ રૂસોના 1765માં લખાયેલા કન્ફેશનમાં આ ઉક્તિ "એક મહાન રાજકુમારી"ના નામે ટાંકવામાં આવી હતી, પરંતુ એ વખતે મૅરી એન્ટોનેટ માંડ દસ વર્ષનાં હતાં અને ઑસ્ટ્રિયામાં જ હતાં. તેથી તેમણે એવું કશું કહ્યું હોય તે શક્ય નથી.
'ડાયમંડ નેકલેસ અફેર' (1785-6)ના સ્વરૂપમાં વધારે ખોટા સમાચાર પ્રસર્યા હતા. તેમાં 600થી વધુ હીરાનો હાર રાણીએ મંગાવ્યો હોવાનું ખોટી રીતે જણાવવામાં આવ્યું હતું. અદાલતી કાર્યવાહીમાં દોષમુક્ત સાબિત થવા છતાં એ ફેક ન્યૂઝને કારણે રાણી ખર્ચાળ હોવાની ઈમેજ વધારે મજબૂત થઈ હતી. સધરલૅન્ડ નેકલેસ તરીકે ઓળખાતા તે હારની પ્રતિકૃતિ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય વસ્તુઓ ઉમદા ચીજોના ચાહક તરીકેના તેમના વારસાને દર્શાવે છે. દાખલા તરીકે ફ્રેન્ચ રિવાઇવલ (1800-1890)નું ભવ્ય રાચરચીલું, જેમાં મૅરીની સ્ટાઇલનાં તત્ત્વોનું અનુસરણ જોવા મળે છે.
યુવા રાણીની ભવ્ય જીવનશૈલી ભૂખે મરતા ગરીબોના ઘા પર જાણે કે નિશ્ચિત રીતે મીઠું ભભરાવતી હતી. તેમના પતિ નબળા મનના અને નીરસ હતા. પતિને પત્ની મૅરી કરતાં શિકારમાં વધુ રસ હતો અને લગ્નનાં સાત વર્ષ સુધી તેઓ પત્નીનો તબીબી રીતે ઉપભોગ કરી શક્યા ન હતા.
મૅરીને ઉડાઉ પાર્ટીઓ, જુગાર અને ફૅશનમાં રાહત સાંપડી હતી. વિશાળ સ્ટ્રક્ચરલ પેનિયર્સ સાથેના કલ્પનાસભર રીતે શણગારેલા તેમના ડ્રેસ, ઊંચાવાળની હેરસ્ટાઇલની એ સમયે વ્યાપકપણે કૉપી કરવામાં આવી હતી. બાદમાં તેઓ મેડોના તથા રીહાન્ના જેવાં પૉપસ્ટાર્સ અને વિવિયન વેસ્ટવૂડ, ડાયોર તથા મોસ્ચિનો જેવાં ફૅશન ડિઝાઇનરોનાં પ્રેરણા બન્યાં હતાં.
'મૅડમ ડેફિસિટ'

ઇમેજ સ્રોત, I Want Candy LLC and Zoetrope Corp
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, તેમને આપવામાં આવેલું 'મૅડમ ડેફિસિટ' ઉપનામ ગેરવાજબી હતું. તેમણે રાજાના ભાઈઓ કરતાં ઓછો ખર્ચ કર્યો હતો અને તેઓ ફ્રેન્ચ રાજાઓની શ્રેણીમાંના એક હોવા છતાં ફ્રેન્ચ સરકારના ભંડોળ વ્યવસ્થાપનમાં વિદેશી રાણી મૅરી એન્ટોનેટ બલિનો બકરો બન્યાં હતાં.
ડૉ. સારાહ ગ્રાન્ટે બીબીસીને કહ્યું હતું, "મૅરી એન્ટોનેટે કરેલા ખર્ચાને લીધે નહીં, પરંતુ યુદ્ધો માટે કરવામાં આવેલા ખર્ચને લીધે જ ફ્રાન્સ નાદાર થયું હતું. તેમનું વોર્ડરોબ બજેટ આજના લગભગ દસ લાખ ડૉલર જેટલું હતું, પરંતુ ફ્રાન્સે માત્ર અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધ પાછળ જ 11.25 અબજ ડૉલર ખર્ચ્યા હતા."
ખર્ચમાં ઘટાડો કરવાને કારણે તેમના નવા દુશ્મનો બન્યા હતા. ડૉ. સારાહ ગ્રાન્ટના કહેવા મુજબ, "મૅરીએ સિલ્ક પહેરવાનું બંધ કર્યું ત્યારે સિલ્ક ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે લોકોની આજીવિકા પર જોખમ સર્જાયું હતું."
1783માં મૅરીએ વધુ અલગ કેઝ્યુઅલ 'ગ્રામીણ' પોશાકમાં પોતાના પોટ્રેટ સાથે અલગ છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વધુ લોકપ્રિય બન્યો હતો. જોકે, એ ગ્રામીણ પોશાકના સ્થાને કશુંક વધારે વૈભવી અને ફૉર્મલ રજૂ કરવામાં આવ્યું હતું.
ડૉ. સારાહ ગ્રાન્ટના કહેવા મુજબ, "મૅરી એન્ટોનેટ પાસે શાહી ભવ્યતા સર્જવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. આ રીતે રાજાશાહીએ પોતાની સત્તા જાળવી રાખી હતી."
આ પ્રારંભિક મૉડર્ન સેલિબ્રિટીની આસપાસની લોકવાયકાઓ પણ મૅરીએ કરેલી સખાવતની નોંધ લેતી નથી. મૅરી દર વર્ષે તેમનાં કપડાં રિસાયકલ કરતાં હતાં અને તેમના સ્ટાફમાં શૅર કરતાં હતાં. તેમણે અનેક બાળકો દત્તક લીધા હતાં. તેમાં મૂળ સેનેગલની જીન એમિલકરનો પણ સમાવેશ થતો હતો. જીનને મૅરીએ ગુલામીમાંથી મુક્ત કરી હતી.
મેરીએ "તેમના પતિ દ્વારા આપવામાં આવેલી મોંઘી ભેટસોગાદો ઠુકરાવી હતી અને સખાવતી સંસ્થાઓને ઉદારતાથી દાન આપ્યું હતું," એવું મૅરીના સમયગાળા વિશે વ્યાપકપણે લખી ચૂકેલાં લેખિકા મેલાની બરોઝ (ની ક્લેગ)એ બીબીસીને જણાવ્યું હતું.
મેલાની બરોઝના કહેવા મુજબ, "મૅરી એન્ટોનેટને અક્કલ વગરની, મૂર્ખ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં તેઓ ઉત્તમ ઇરાદા ધરાવતી ઉદાર અને દયાળુ વ્યક્તિ હતી."
મહારાણીની સંનિષ્ઠા પર શંકા

ઇમેજ સ્રોત, CC0 Paris Musées Musée Carnavalet - Histoire de Paris
ઑસ્ટ્રિયા સાથેની વર્ષોની દુશ્મનાવટ પછી ફ્રેન્ચ દરબારમાં શાંતિ પ્રસ્તાવ તરીકે રજૂ કરાયેલા મૅરી એન્ટોનેટની વિભાજિત નિષ્ઠાએ તેમને શંકામાં ફસાવી દીધાં હતાં. એક શંકા એવી હતી કે તેમણે દેશનાં લશ્કરી રહસ્યો ઑસ્ટ્રિયા સાથે શૅર કર્યાં હતાં. તેમના વિશેની બધી શંકા પાયાવિહોણી ન હતી. તેમને ફ્રેન્ચ લોકો પ્રત્યે ઉદાસીન માનવામાં આવતાં હતાં. તેમને "L'Autri-chienne" (ઑસ્ટ્રિયન અને કૂતરા માટે કરવામાં આવતો અપમાનજનક શબ્દપ્રયોગ) કહેવામાં આવતા હતાં. તે દર્શાવે છે કે લોકોને તેમના પ્રત્યે કેટલો રોષ હતો.
રાજાથી વિપરીત, રાણી પાસે કોઈ સત્તા ન હતી અને તેઓ પડદા પાછળ રહેવા માટે જ સર્જાયેલાં હતાં. મૅરી એન્ટોનેટને ખૂબ અગ્રણી, ખૂબ જ ઉત્સાહી અને રાજકીય બાબતોમાં દખલ કરવા માટે પોતાની મોહિનીનો ઉપયોગ કરવા માટે ખૂબ જ તત્પર રાણી ગણવામાં આવતાં હતાં. તેઓ મંત્રીઓમાં ગુપ્ત રીતે લોબિંગ કરતાં હતાં અને દેશ દ્વારા કરવામાં આવતા બંધારણીય સુધારાઓનો વિરોધ કરતાં હતાં.
તેમના દુશ્મનો મૅરીને કોઈ પણ રીતે નીચા પાડવા આતુર હતા. બદનક્ષીભરી પત્રિકાઓ વહેતી થઈ હતી. એ પૈકીની કેટલીક અશ્લીલ હતી. તેમાં મૅરી એન્ટોનેટ પર તેમના એકમાત્ર જાણીતા પ્રેમી કાઉન્ટ એક્સેલ વોન ફર્સેન સાથેના સંબંધો, જુગુપ્સાપ્રેરક જાતીય સંબંધ, મહિલાઓ સાથે સજાતીય સંબંધ અને વ્યભિચારનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.
ડૉ. સારાહ ગ્રાન્ટના કહેવા મુજબ, આ બધી ગોસિપ "સ્ત્રીદ્વેષથી પ્રેરિત હતી. મૅરી વિશે ચાલતી રહેલી ઘણી બધી દંતકથાઓ 19મી સદીમાં તેમના વિશે પુરુષોએ જીવનચરિત્રો લખ્યાં ત્યારે ઉદભવી હતી."
મેલાની બરોઝના મતે, રાણી મૅરી એન્ટોનેટ ખરેખર ખૂબ જ વિવેકી હતાં. તેઓ ભાગ્યે જ દારૂ પીતા હતાં. "તેઓ હળવું ફ્લર્ટિંગ કરતાં હતાં અને તેમની નોકરાણીઓ સુધ્ધાં તેમને નગ્ન જુએ તેની સામે તેમને નફરત હતી." તેમ છતાં તેમના વિશેની ભળતી વાતો ચાલુ રહી હતી.
'મેરી એન્ટોનેટ્સ વર્લ્ડઃ ઇન્ટ્રિગ, ઇનફાઇડાલિટી ઍન્ડ ઍડલ્ટરી ઇન વર્સેલ્સ' નામના 2020માં પ્રકાશિત પુસ્તકમાં બિલ બાશોરે એવું અનુમાન કર્યું છે કે યૌનરોગને કારણે મૅરીના ગર્ભાશયમાંથી સતત રક્તસ્રાવ થતો હતો.
બિલ બાશોર એવી દલીલ પણ કરે છે કે મૅરી સાથે "ભાવનાત્મક દુર્વ્યવહાર" કરવામાં આવ્યો હતો. તેઓ "કંટાળેલાં અને ઉપેક્ષિત" હતાં. તેમ છતાં લગ્ન બહાર જીવનનો આનંદ માણવા માટે બિલ બાશોર મૅરી એન્ટોનેટને દોષિત માને છે. સાથે એવું પણ કહે છે કે ઓછામાં ઓછી આ વાત માટે મૅરીને "માફી આપવામાં આવી હતી."
રાણીના જીવનની કરુણતા

ઇમેજ સ્રોત, CC0 Paris Musées / Musée Carnavalet - Histoire de Paris
યુનાઇટેડ કિંગ્ડમની નૉર્થમ્બ્રિયા યુનિવર્સિટીમાં આધુનિક યુરોપિયન ઇતિહાસના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. લૌરા ઓબ્રાયને બીબીસીને કહ્યું હતું, "વાસ્તવમાં મૅરી એન્ટોનેટ એક સમર્પિત માતા હતાં." રાણીને ખુદના ઉછેરથી વિપરીત, પોતાનાં બાળકો સાથે "સૌમ્ય અને લાગણીભર્યો સંબંધ હતો." સંતાનોને સ્તનપાન કરાવ્યું હોય તેવાં અને ગ્રામ્ય પરિવેશમાં માતૃત્વ તથા જીવનને અનુરૂપ હોય એવો પોશાક પહેરનાર પ્રથમ ફ્રેન્ચ રાણી મૅરી એન્ટોનેટ હતાં.
યુરોપનાં સૌથી વધુ ધિક્કારપાત્ર આ રાણી પ્રત્યેનું સતત આકર્ષણ તેમની કથાની ટ્રેજેડી સાથે પણ સંકળાયેલું છે. એક શાહી રાજવંશની આ કન્યાન અશક્ય પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવી હતી.
અંતે શ્વેત વસ્ત્રમાં, વાળ ટૂંકા કાપીને એક ગાડીમાં મોતને હવાલે કરવામાં આવ્યાં હતાં. મૅરી એન્ટોનેટ ક્રાંતિકારીઓ માટે ફ્રાન્સને બદલવા માટે જરૂરી દરેક વસ્તુનું પ્રતીક બની ગયાં હતાં અને 1793માં તેમને ફાંસી આપવાની સાથે પ્રાચીન શાસનના સૌથી ખરાબ સમયમાંથી દેશને શુદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
મૅરી એન્ટોનેટનું મોત વાજબી હોય કે ન હોય, પરંતુ એ મોત તેમના પ્રભાવને ખાળી શક્યું ન હતું. ગિલોટિન પર મસ્તકવધને સૂચવતા ટૂંકા 'પોર્ક્યુપાઇન' હેરકટ્સ અને લોહી જેવા લાલ ચોકર્સનો ટ્રેન્ડ ઊભર્યો હતો. મૅરી એન્ટોનેટ વિશેની વાર્તાઓમાં ભરોસો કરતા લોકો તેમને ધિક્કારતા હતા, પરંતુ મેરીની વ્યાપકપણે, યાદગાર રીતે પ્રશંસા પણ કરવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












