You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં પડતી ગરમી શું ખેડૂતોને નુકસાન કરશે, શિયાળુ પાકની વાવણી ક્યારથી કરવી?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં આ વર્ષે કૃષિ વિભાગે ખેડૂતોને મોડી વાવણી કરવાની સલાહ આપી છે તેનું કારણ છે રાજ્યમાં હાલ પડી રહેલી ગરમી.
સામાન્ય રીતે નવરાત્રી બાદ રાજ્યમાં ઠંડીની શરૂઆત જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે દિવાળી પછી પણ દિવસ દરમિયાન ગરમી જોવા મળે છે.
ઉત્તર ભારતમાં બરફવર્ષા થયા બાદ તે તરફથી આવતા ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવતા હોય છે. આ વર્ષે ઉત્તર ભારતમાં આ સ્થિતિ દેખાતી નથી. ઉત્તર ભારતમાં પણ દિવાળી ટાણે ગરમીનો માહોલ હતો.
ગુજરાતમાં દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાય છે. જેથી દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે.
ઉત્તર ભારતમાં ઠંડી થશે ત્યાર બાદ ગુજરાત રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી શરૂ થઈ જતી હોય છે.
શિયાળામાં થતા રવિ પાકોની વાવણી કે ઊભા પાકો માટે ગરમ તાપમાન અનુકૂળ હોતું નથી. રવિ પાકોને વાવણી સમયે ઠંડુ વાતાવરણ ન હોય તો બીજ ઊગવામાં મુશ્કેલી કે ઊભા પાકોના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
ખેતીવાડી વિભાગે તાપમાન વધુ હોવાને કારણે ખેડૂતોએ પાક વાવણી સમયે સાવચેતી રાખવાની ઍડવાઇઝરી જાહેર કરી છે.
ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે શું ઍડવાઇઝરી જાહેર કરી ?
સરકારના ખેતીવાડી વિભાગે જાહેર કરેલી ઍડવાઇઝરીમાં જણાવ્યા અનુસાર ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વાતાવરણમાં અનેક બદલાવો જોવા મળી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિવાળી પછી શરૂ થતી રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતો રવિ પાકોની વાવણી કરતા હોય છે. પરંતુ ગુજરાતમાં અત્યારે દિવસ દરમિયાન તાપમાન વધુ રહે છે. રવિ પાકનાં બીજને અંકુરિત થવા ગરમ તાપમાન અનુકૂળ હોતું નથી.
સરકારી ઍડવાઇઝરી અનુસાર ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ અગાઉથી ખરીદી લેવું જોઈએ.
રવિ પાકોની વાવણીની અવસ્થામાં બીજના ઊગવા પર અસર ના થાય તે માટે પાકને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારાથી) આપવું જોઈએ.
હાલ રાજ્યમાં પડતી ગરમીને કારણે દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવિ પાકોનું વાવેતર ટાળવા અંગેની સલાહ આપવામાં આવી છે.
ઊભા પાકો અને વાવણીના પાકો પર તાપમાનની શું અસર થાય ?
આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક મનોજ લુનાગરીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "તાપમાનમાં વધારે રહે તો રવિ પાક જેમાં ઊભા પાકો અને વાવણી કરવાના પાકો બન્ને પર અસર જોવા મળે છે."
આ સિઝનમાં ઊભા રહેલા પાક જેવા કે કપાસ, કેળ, તમાકુ, તુવેર, પપૈયા તેમજ શાકભાજી વગેરે પાકો પર ફૂલ આવવાની કે ફળ આવવાની અવસ્થામાં હોય છે. જે પાકો ફળ આવવાના તબક્કામાં હોય તેની ઝડપી વૃદ્ધિ થાય છે. જેથી તે પાકોમાં ફળના દાણા પૂરતા પ્રમાણમાં ભરાતા નથી. આ ઉપરાંત જે પાકો પર ફૂલ આવ્યાં હોય તે અવસ્થામાં હોય તેનાં ફૂલ ખરી જાય. આ બન્ને સ્થિતિને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે.
ઘઉં, ચણા, બટાકા જેવા પાકોની વાવણીની અવસ્થામાં છે. આ પાકોની વાવણી સમયે તાપમાન વધારે હોય તો બીજ મોડા ઊગે છે અથવા તો વાવેલાં બીજ ઓછાં પ્રમાણમાં ઊગે છે.
જેતપુરના ખેડૂત ચેતન ગઢીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ કપરું રહ્યું છે. ચોમાસામાં વધારે વરસાદને કારણે પાક નુકશાન થયું હતું."
"હવે ઠંડી શરૂ ન થવાને કારણે ઊભા પાક અને વાવણીના પાકમાં નુકશાન છે. કપાસના જીંડવા ગરમીને કરાણે ખરી રહ્યા છે. ચોમાસામાં ઉગાડવામાં આવેલી ડુંગડીના લણણીના ટાઇમે ઠંડી શરૂ થઈ જાય. પરંતુ આ વખતે ઠંડી શરૂ ન થવાને કારણે ડુગંળી પિચકાઈ ગઈ છે."
ખેતીના પાકો વાતાવરણ આધારિત હોય છે. પ્રતિકૂળ વાતાવરણની અસર પાકના ઉત્પાદન પર થાય છે. આ વર્ષે દરેક સિઝનમાં વાતાવરણ ખેતી માટે અનુકૂળ રહ્યું નથી. જેથી ખડૂતો નાસીપાસ થઈ ગયા છે.
ઘઉં,ચણા,લસણની વાવણીની સીઝન છે પરંતુ ગરમીના કારણે ખેડૂતોએ હજુ વાવણી શરૂ કરી નથી. ખેડૂતો મૂંઝવણની સ્થિતિમાં છે.
બિયારણની પસંદગી કેવી રીતે કરવી જોઈએ?
દાંતીવાડા કૃષિયુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ગુજરાતમાં શિયાળામાં ઘઉં, ચણા, બટાકા, રાયડો વગેરે પાકોનું વાવેતર કરવામાં આવે છે. શિયાળું પાકોની વાવણીથી લઈને કાપણી સુધીના અલગ અલગ સ્ટેજમાં ઠંડીની જરૂર હોય છે. હજુ ઠંડીની શરૂઆત થઈ નથી."
"એક અઠવાડિયા બાદ પણ ગરમી ઓછી ન થાય તો ખેડૂતો માટે થોડી સાવચેતી રાખવી જરૂરી છે."
તેઓ વધુમાં કહે છે કે, "ખેડૂતોએ નુકશાનથી બચવા પાકની વાવણીના સમય મુજબ બિયારણની જાતિ પસંદ કરવી જોઈએ."
"દરેક પાકના બિયારણની અલગ અલગ જાતો આવે છે. જેમાં વહેલાં ઉગાડવાની બિયારણની જાત , સમયસર ઉગાડવાની બિયારણની જાત અને મોડા ઉગાડવાની બિયારણની જાત આવે છે."
"સામાન્ય રીતે ઘઉં અને ચણાનું વાવેતર 15 નવેમ્બર સુધી થતું હોય છે. એક અઠવાડીયાનો સમય છે. 15 નવેમ્બર સુધી તાપમાન ઘટે અને વાવણી કરવામાં આવે તો સમયસર થતા પાકની જાતની વાવણી કરવી જોઈએ. પરંતુ જો તેના બાદ વાવણી કરવાની થાય તો ખડૂતોએ મોડા થતા બિયારણની જાતની વાવણી કરવી જોઈએ."
"સમયસર થતા પાકની સરખામણીમાં મોડા થતા પાકમાં ઉત્પાદનમાં થોડો ઘટાડો હોય છે. વધારે કંઈ ફરક પડતો નથી. રવિ પાકમાં ઘઉં, બટાકા, ચણાની જે જાત વહેલા ઉગાડવાની આવે છે તે હાલ જે ગરમી છે તે સહન કરી શકે તે પ્રકારની જાત હોય છે. ખેડૂતોને ખેતીસંઘો તેમજ કૃષિયુનિવર્સિટી દ્વારા જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવતી હોય છે."
ગુજરાતમાં સપ્ટેમ્બર અને ત્યાર બાદ પણ વરસાદ પડ્યો છે, તેની ખેતી પર શું અસર થશે એ બાબતે બીબીસ ગુજરાતીએ નિષ્ણાતોને પૂછ્યું.
ડૉ.મનોજ લુનાગરીયા જણાવે છે કે, "ઊભા પાકોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારમાં જમીનમાં ભેજ હોય છે. આ વર્ષે વરસાદ પણ મોડા સુધી આવ્યો છે. જેથી જમીનમાં ભેજનું પ્રમાણ રહેલું છે."
"આ જમીનમાં પિયતની ઓછી જરૂર પડે છે. પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ જેવા વિસ્તારમાં જ્યાં રેતાળ જમીન છે. ત્યા જમીનમાં ભેજ રહેતો નથી."
"આ પ્રકારની જમીનમાં ઊભા પાકમાં હળવું પિયત આપવું જોઈએ. રવિ પાકની વાવણી કરવાની હોય તે સમયે તો દરેક જમીનમાં પિયત અપવાનું જ હોય છે. રાયડાનું વાવેતર ઑક્ટોબર મહિનામાં થાય છે. તે સમયે ગરમ વાતાવરણ હોય છે. જેથી હાલ રાયડાના પાકને વાંધો આવશે નહીં."
પાકોનાં ફૂલ આવવાના સમયે ઠંડી કેટલી જરૂરી?
ડૉ.યોગેશ પવાર જણાવે છે કે, "અત્યારે વાવણીના સમયમાં તો ઠંડી ઓછી પડવાની અસર પાકો પર ઓછી દેખાશે. પરંતુ રવિ પાકોની ફૂલ આવવાની અવસ્થામાં હોય ત્યારે જો તાપમાન વધુ રહે તો પાકના ઉત્પાદન પર અસર થતી હોય છે."
દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, "આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું હોવાને કારણે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકની તેમજ શેરડીના પાકની લણણીની સીઝન ચાલી રહી છે."
"ડાંગરની લણણી બાદ ઘઉં, ચણા, જીરું, અજમો વગેરે પાકોની વાવણી શરૂ કરવામાં આવશે. આ વર્ષે હવામાનને કારણે દરેક સીઝન 15 દિવસ મોડી આવી છે અને મોડા સુધી ચાલી છે. મને લાગે છે કે હવે ઠંડી શરૂ થશે. આ ગરમી ખેડૂતોને હાલ એટલા પ્રમાણમાં નડશે નહીં."
"આ પાકોને ફૂલ આવવાનો સમય થાય ત્યારે જો ઠંડી ઓછી હશે તો તેની અસર ચોક્કસ પાકના ઉત્પાદન પર જોવા મળશે. વરસાદ ઑક્ટોબરના પાછલા દિવસો સુધી આવ્યો હોવાથી જમીનમાં ભેજ છે. જેથી હાલ વાવણી કરવામાં આવશે તો વધારે વાંધો આવશે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન