You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૅશનલ ઍગ્રિકલ્ચર કોડ શું છે અને તેનાથી ખેડૂતોના જીવનમાં શું બદલાશે?
- લેેખક, હરમનદીપસિંહ
- પદ, બીબીસી પત્રકાર
ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)એ રાષ્ટ્રીય કૃષિ સંહિતા (એનએસી) બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.
સરકારના જણાવ્યા મુજબ, એનએસીનો ઉદ્દેશ ખેતી માટે સારી પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટે કૃષિ ગતિવિધિઓ સંબંધી એક માપદંડ નિર્ધારિત કરવાનો છે.
સરકારી સંસ્થા બીઆઈએસ એટલે કે બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ વિવિધ આર્થિક ક્ષેત્રોમાં વિવિધ ઉત્પાદનો માટે માપદંડ નક્કી કરે છે.
પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરોના જણાવ્યા મુજબ, તેણે 27 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય કૃષિ સંહિતા બાબતે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. તેમાં બ્યૂરોએ એનએસી વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કોણ બનાવશે સંહિતા?
બીઆઈએસ ગ્રાહક મામલાઓના વિભાગ હેઠળ કામ કરે છે, જે ગ્રાહક મામલા ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયનો હિસ્સો છે.
આ સંગઠનનું કામ વસ્તુઓ તથા ઉત્પાદનોની ગુણવત્તા તથા વિશ્વસનીયતા જાળવી રાખવા કે નિર્ધારિત કરવા માટે માપદંડ બનાવવાનું છે.
ખેતીમાં મશીનરી તથા ખાતર, જંતુનાશકો વગેરેના ઉપયોગ માટે બીઆઈએસે પહેલેથી જ માપદંડ નક્કી કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંહિતા બનાવવાની જરૂર શું છે?
આજે પણ ખેતીની એવી અનેક પદ્ધતિઓ છે કે જેના માટે કોઈ માપદંડ નથી.
દાખલા તરીકે, ખેડાણ, સુક્ષ્મ સિંચાઈ અને પાણીના ઉપયોગ જેવી ખેતીની પદ્ધતિઓ માટે કોઈ ધોરણો નથી.
તેથી નીતિ નિર્માતાઓ લાંબા સમયથી માપદંડના એક વ્યાપક માળખાની જરૂરિયાત અનુભવી રહ્યા હતા અને હવે બીઆઈએસ દ્વારા તેને કાર્યાન્વિત કરવામાં આવી રહી છે.
આ કોડનો ઉદ્દેશ શું છે?
- તેનો હેતુ અમલ કરી શકાય તેવી એક રાષ્ટ્રીય સંહિતા બનાવવાનો છે, જે ખેતી-આબોહવા, પાકના પ્રકારો, દેશની આર્થિક-સામાજિક વિવિધતા અને ખેતી ખાદ્ય શૃંખલાનાં તમામ પાસાંને ધ્યાનમાં રાખીને ખેત પ્રવૃત્તિને એક ફ્રેમવર્કમાં લાવે.
- નીતિ નિર્માતાઓ, ખેતી વિભાગો અને નિયામકોને તેમની યોજનાઓ, નીતિઓ અથવા નિયમોમાં કોડની જોગવાઈઓના સમાવેશ માટે જરૂરી સંદર્ભ પ્રદાન કરીને ભારતીય કૃષિ સંસ્કૃતિના પ્રમોટર તરીકે કાર્ય કરવું.
- ખેતીમાં અસરકારક નિર્ણય લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા ખેડૂત સમુદાય માટે એક વ્યાપક માર્ગદર્શિકા બનાવવી.
- ભલામણ કરવામાં આવી હોય તેવી ખેતી પદ્ધતિઓ સંબંધી ભારતીય ધોરણોને એકીકૃત કરવાં અને સ્માર્ટ ફાર્મિંગ, સ્થિરતા, ટ્રેસેબિલિટી અને દસ્તાવેજીકરણ જેવાં પાસાંને સમાવિષ્ટ કરવાં.
- કૃષિ વિસ્તરણ સેવાઓ અને નાગરિક સમાજ સંગઠન દ્વારા હાથ ધરવામાં આવતા ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું સમર્થન કરવું.
આ સંહિતાનો અમલ ક્યાં થશે?
આ સંહિતાનો અમલ ખેતીને પ્રત્યેક ક્ષેત્રમાં તમામ ગતિવિધિઓમાં થશે.
આ સંહિતા એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ અને કૃષિ ક્ષેત્રના અધિકારીઓ માટે માર્ગદર્શક તરીકે કામ કરશે. એ ઉપરાંત ભવિષ્યના માપદંડ માટે પણ માર્ગદર્શક બનશે.
આ સંહિતા બે ભાગમાં હશે. પહેલા ભાગમાં તમામ પાક માટે સામાન્ય સિદ્ધાંતો સામેલ હશે, જ્યારે બીજા ભાગમાં ડાંગર, ઘઉં, તેલીબિયાં અને કઠોળના પાક માટે વિશિષ્ટ ધોરણો નક્કી કરવામાં આવશે.
જમીનને વાવેતર માટે યોગ્ય બનાવવાથી માંડીને કાપણી પછીની કામગીરી સુધીની તમામ કામગીરીમાં રાષ્ટ્રીય કૃષિ સંહિતા લાગુ પડશે.
પાકની પસંદગી, ખેડાણ, વાવણી, ફેરરોપણી, સિંચાઈ, ડ્રૅનેજ, માટી સ્વાસ્થ્ય પ્રબંધન, પાક છોડ આરોગ્ય વ્યવસ્થાપન, લણણી, થ્રેશિંગ, પ્રાથમિક પ્રક્રિયા, કાપણી પછીનું વ્યવસ્થાપન અને સ્થિરતા જેવી તમામ બાબતોમાં રેકૉર્ડ જાળવણીનો સમાવેશ થાય છે.
તે રાસાયણિક ખાતરો, જંતુનાશકો તથા હર્બિસાઈડ્સના ઉપયોગ અને પાકના સંગ્રહ માટેનાં ધોરણો પણ નિર્ધારિત કરશે.
આ સંહિતા ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવશે?
ધોરણો નક્કી કરવા માટેની વ્યૂહરચના બીઆઈએસ પહેલેથી જ તૈયાર કરી ચૂકી છે.
આ માટે અનેક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટીઓ અને સંશોધન તથા વિકાસ સંસ્થાઓના પ્રોફેસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પૅનલ ઑક્ટોબર 2025 સુધીમાં કોડનો મુસદ્દો તૈયાર કરશે. એ પછી બીઆઈએસ ખેડૂતોને રાષ્ટ્રીય કૃષિ સંહિતા અને તેનાં ધોરણો વિશેની તાલીમ આપશે.
બીઆઈએસના અધિકારીઓના જણાવ્યા મુજબ, ખેડૂતોને તાલીમ આપવા માટે યુનિવર્સિટીઓમાં તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.
આ માટે નાણાકીય સહાયની જરૂર પડશે તો તેની વ્યવસ્થા બીઆઈએસ કરી આપશે.
સ્ટાન્ડર્ડ ખેતરો કેવાં હશે અને તેનું નિર્માણ ક્યાં કરવામાં આવશે?
રાષ્ટ્રીય કૃષિ સંહિતાનો મુસદ્દો તૈયાર કરવા ઉપરાંત બીઆઈએસ દેશમાં પસંદગીની કૃષિ સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ખેતરો બનાવશે, જ્યાં કૃષિ પ્રથાઓ અને નવી ટેક્નૉલૉજીનું પરીક્ષણ તેમજ અમલ કરવામાં આવશે.
આવાં વિશિષ્ટ ખેતરોના વિકાસ માટે બીઆઈએસ અગ્રણી કૃષિ સંસ્થાઓ સાથે જોડાણ કરશે.
આ માટે બીઆઈએસએ 10 સંસ્થાઓ પસંદ કરી છે. એ સંસ્થાઓને બીઆઈએસ તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે.
ખેડૂતો, વિસ્તરણની પ્રવૃત્તિઓ માટે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત ઉદ્યોગના લોકો આ ખેતરોની મુલાકાત લઈ શકશે તથા તેમાંથી કશુંક શીખી શકશે.
આ સંહિતા વિશેની બીઆઈએસની વર્કશોપ
બીઆઈએસ દ્વારા નોઈડાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટાન્ડર્ડાઇઝેશન ટ્રેનિંગ (એનઆઈટીએસ) ખાતે 27 સપ્ટેમ્બરે આ સંદર્ભે એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અખબારી યાદી માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવી હતી.
તેમાં જણાવ્યા મુજબ, બીઆઈએસના ડાયરેક્ટર જનરલ પ્રમોદકુમાર તિવારીએ તે સમારંભની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રસંગે વક્તવ્ય આપતાં તેમણે જણાવ્યું હતું કે કૃષિ મશીનરી, સાધનો અને ઇનપુટ્સ માટેનાં ધારાધોરણો પહેલેથી જ ઉપલબ્ધ છે.
આ રાષ્ટ્રીય કૃષિ સંહિતા જરૂરી સંદર્ભ આપીને ભારતીય ખેતીમાં ગુણવત્તાયુક્ત સંસ્કૃતિના પ્રચારક તરીકે કામ કરશે અને નીતિ નિર્ધારકો તથા ખેડૂત સમુદાયના માર્ગદર્શક તરીકે પણ કામ કરશે.
સંહિતા બનાવતી વખતે જે મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવશે તેમાં તેનો અભિગમ, માળખું, સંસ્થાકીય સજ્જતા અને પ્રદર્શનોનું મહત્ત્વ સામેલ હશે.
બીઆઈએસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (સ્ટાન્ડર્ડાઇઝેશન) સંજય પંતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કૃષિ સંહિતામાં ખેડૂતો સમૃદ્ધ થાય એ માટે વધુ અનુકૂળ વાતાવરણ સર્જીને ભારતના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની અપાર ક્ષમતા છે.
ખેડૂતો સામે જે પડકારો આવે છે તેનો સામનો કરીને તથા કાર્યક્ષમ તેમજ ટકાઉ કૃષિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીને આ રાષ્ટ્રીય કૃષિ સંહિતા ગ્રામીણ વિસ્તારોમાં લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરી શકે તેમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન