ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનો 'આત્મા પ્રોજેક્ટ' શું છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી

કૃષિ વૈજ્ઞાનિકોએ ખેતીની ઉપજ વધારવા માટે કરેલાં સંશોધનો ખેડૂતો સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઍગ્રિકલ્ચરલ ટૅકનૉલૉજી મૅનેજમેન્ટ એજન્સી (આત્મા) યોજના શરૂ કરવામાં આવી છે.

'આત્મા' યોજના અંતર્ગત ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી ઉત્પાદન વધારવા અંગે તાલીમ આપવામાં આવે છે. વર્ષ 2005માં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે તેમને રાસાયણિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવતી હતી.

પરંતુ વર્ષ 2019 બાદ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જ તેના માધ્યમથી તાલીમ અપાય છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી આરોગ્ય માટે જોખમી રાસાયણિક કેમિકલનો ઉપયોગ ઘટાડી શકાય છે. રાસાયણિક ખેતીમાં વપરાતાં કેમિકલ મનુષ્યના આરોગ્યને જ નહીં પરંતુ જમીનની ફળદ્રુપતાને પણ ઘટાડે છે એવાં સંશોધનો થયેલાં છે.

આત્મા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી પદ્ધતિઓ અને બિયારણને લગતા જે પણ સંશોધનો થાય તથા તે અંગેની માહિતી ખેડૂતો સુધી પહોંચાડીને તેમની ઉપજ વધારવાનો છે.

ગુજરાતમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જોકે, ખેડૂતોનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે અલગ બજાર મળતું નથી.

આત્મા પ્રોજેક્ટ શું છે?

આત્મા પ્રોજેક્ટ અંગે સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી સાથે મળીને તાલીમનું આયોજન કરવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર, સંશોધકો અને વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ પાક અંગે થયેલાં સંશોધનો અને તેના ઉપયોગ અંગે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.

ઍગ્રિકલ્ચરલ ટૅકનૉલૉજી મૅનેજમેન્ટ એજન્સી (આત્મા)એ જિલ્લા કક્ષાએ કાર્યરત 'રજિસ્ટર્ડ સોસાયટી' છે. આ પ્રોજેક્ટ દેશનાં 28 રાજ્યોના 283 જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા 90 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે 10 ટકા ફાળો રાજ્ય સરકાર તરફથી હોય છે.

આણંદ જિલ્લાના આત્મા યોજનાના ડાયરેક્ટર જી. સી. ભાલોડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું હતું, “આત્મા યોજના અંતર્ગત ખેડૂતોને રાસાયણિક ખેતીથી થતાં નુકસાન અને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે સમજ આપવામાં આવે છે.”

તેઓ કહે છે કે, “પ્રાકૃતિક ખેતી માટે નિષ્ણાતો દ્વારા પાંચ આયામો બનાવવામાં આવ્યા છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન , વાફસા(ભેજ) અને જૈવ વિવિધતાનો સમાવેશ થાય છે. આ બનાવવા અને છંટકાવ અંગેની ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. ખેડૂતોના ઘરમાં જ રહેલી વસ્તુઓ જેમકે ગૌમૂત્ર, છાશ, લીમડાના પાન કે સૂંઠ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને પાકમાં આવતી જીવાત રોકી શકાય છે.”

નિષ્ણાતો દ્વારા જમીનનો પ્રકાર, પાણીની ઉપલબ્ધતા, ઋતુચક્ર, નવીન સંશોધનોને ધ્યાને લઈને ચોક્કસ પાક લેવાની ભલામણ કરવામાં આવે છે.

આ અંગે ખેતીવાડી અધિકારી પ્રકાશ હડિયલ કહે છે કે, “રાજ્યમાં ભૌગોલિક સ્થિતિ અને આબોહવા મુજબ અલગ-અલગ પાકોની ખેતી કરાય છે. જેથી ખેડૂતોને તેમના વિસ્તાર અનુસાર તેમની જરૂરિયાત મુજબની તાલીમ આપવામાં આવે છે. કૃષિવૈજ્ઞાનિકો દ્વારા દરેક પાકો અંગે સંશોધન કરીને પાક માટે વાવણી, લણણી કે કાપણી અંગેની ચોક્કસ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. તેના અંગે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે.”

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો ઉદ્દેશ્ય શું છે?

પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને અપાતી તાલીમ અંગે ખેતીવાડી અધિકારી પ્રકાશ હડિયલ કહે છે કે, “રાસાયણિક ખેતીમાં વપરાતાં કેમિકલના અવશેષો અનાજ, શાકભાજી કે ફળોમાં રહી જાય તો તેની આડઅસરથી મનુષ્યનું આરોગ્ય બગાડે છે અને ગંભીર બીમારીઓ નોતરે છે. આ ઉપરાંત પાક કે શાકભાજીમાં જીવાતનો ઉપદ્વવ ઘટાડવા કે નીંદામણ દૂર કરવા માટે વપરાતાં રસાયણો વરસાદના પાણીની સાથે તળાવ, નદી કે દરિયા સુધી પણ જાય છે. જેને કારણે દરિયાઈ જીવોને પણ નુકસાન થાય છે.”

તેઓ વધુમાં કહે છે, “ખેતીમાં વપરાતાં રસાયણોના ઉપયોગથી જમીન કઠણ બની જવાને કારણે વરસાદી પાણી જમીનમાં ઊતરી શકતું નથી. પરંતુ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો જમીન પોચી બને છે. તેના કારણે વરસાદી પાણી જમીનમાં ઊતરી જાય છે, જેથી ભૂગર્ભજળનાં તળ પણ ઊંચાં આવશે. જમીન નરમ બનવાને કારણે જમીન ખેડાણ માટે ટ્રૅક્ટરનો સમય ઘટશે તો ડીઝલ પણ ઓછું વપરાશે.”

કૃષિ અધિકારી હડિયલ ઉમેરે છે, “ધારો કે કોઈ ખેડૂત કપાસની ખેતી કરે તો તેને ક્યારે વાવણી કરવી, પછી ક્યા પ્રાકૃતિક તત્ત્વો ઉમેરવાં, ક્યારે પાણી આપવું, ઇયળ કે જીવાત પડે તે ક્યા પ્રાકૃતિક ઇનપુટથી તેનો નાશ કરી શકાય, કેટલા સમયે લણણી કરવી, એ પછી શું કરવું વગેરે બાબતોનું મૉડલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રકારે દરેક પાક માટે મૉડલ તૈયાર કરવામાં આવ્યું છે, જે અંગે અમે ખેડૂતોને તાલીમ આપીએ છીએ.”

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર વાય. સી. લકુમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, “આત્મા પ્રોજેક્ટના અંર્તગત જમીનના પ્રકાર, કયા પ્રકારની જમીનમાં ક્યા પાક, બાગાયત ખેતી, પશુપાલન, ફૂલની ખેતી, મધમાખી ઉછેર, મશરૂમની ખેતી, મરઘાંઉછેર વગેરે વિષયો અંગે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબની તાલીમ આપવામાં આવે છે.

ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, પણ બજાર નથી

છેલ્લાં પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતાં અરવલ્લી જિલ્લાનાં ખેડૂત કમળાબહેન ડામોર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, “પાંચ વર્ષ પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ છ વર્ષ પહેલાં મારા ગામમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજવામાં આવી હતી. હું આ તાલીમમાં ગઈ હતી. ત્યારબાદ મેં મારા પતિને પ્રાકૃતિક ખેતી કરવા માટે કહ્યું હતું, પરંતુ તેઓ માનતા ન હતા. તેમણે કહ્યું કે તું જ ખેતી કર, જેથી કરીને પાંચ વર્ષ પહેલાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી.”

તેઓ કહે છે કે, “શરૂઆતનાં ત્રણ વર્ષમાં ઉપજ ખૂબ જ ઓછી આવતી હતી, પરંતુ હવે પાકની ઉપજમાં પણ વધારો થયો છે. જમીન પણ પોચી બની છે અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે. મારી પાસે આઠ વીઘા જમીન છે. હું જુવાર, બંટી, બાજરી, ઘઉં વગેરે અનાજ તેમજ શાકભાજીની ખેતી કરું છું.”

કમળાબહેન કહે છે કે, શરૂઆતમાં અમે હાઇબ્રિડ બિયારણથી ખેતી કરતાં હતાં, પરંતુ છેલ્લાં બે વર્ષથી હું દેશી બિયારણથી જ ખેતી કરું છું. તેમજ આસપાસના લોકોને પણ દેશી બિયારણ વેચાણથી આપું છું. હવે મારા પતિ પણ મારી ખેતી પદ્ધતિથી ખુશ છે.”

પ્રકાશ હડિયલના કહેવા અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખ ખેડૂતોમાંથી લગભગ નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પરંતુ પ્રાકૃતિક ખેતીની ઉપજ અંગે સરકાર દ્વારા હજુ બજારો ઊભાં કરવામાં આવ્યાં નથી.

આ અંગે કમળાબહેન કહે છે કે “પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ અમને અમારી ઉપજ માટે ચોક્કસ બજાર મળતું નથી. અત્યારે અમારી ઉપજ અમે અમારા સંપર્કોથી વેચીએ છીએ. જો સરકાર દ્વારા બજાર અંગે વ્યવસ્થા કરવામાં આવશે તો અમારી આવકમાં પણ વધારો થશે.”

પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ અંગેના બજાર વિશે પ્રકાશ હડિયલ જણાવે છે, “ખેડૂતો માટે કૃષિમેળા યોજવામાં આવે છે. આ મેળાઓમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના વેચાણ અને પ્રચારપ્રસાર માટે ભાડાં વગર સ્ટૉલ આપવામાં આવે છે.”

“શાકભાજી માટે દરેક વિસ્તારમાં સરકારી જમીનમાં હંગામી ધોરણે અઠવાડિયામાં એક કે બે દિવસ સુધી વેચાણ કરવા માટે જગ્યા આપવામાં આવે છે. ઘઉં અને કઠોળ જેવા અનાજ તો ખેડૂતોના આસપાસના લોકો જ ખરીદી લે છે. અત્યારે અમારી પ્રાથમિકતા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની અને તે અંગે તાલીમ આપવાની છે.”

તેમનું કહેવું છે કે, “પ્રાકૃતિક ખેતીનું પરિણામ એક જ વર્ષમાં દેખાશે નહી. પરંતુ ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીના ફાયદા દેખાવાના શરૂ થશે.”

ખેડૂત આગેવાન સાગર રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “આત્મા પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવામાં આવ્યા તે સારી વાત છે પરંતુ સરકાર અને આત્મા પ્રોજેક્ટમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તેમની ખેતપેદાશના વેચાણ માટે બજાર આપવામાં નિષ્ફળ નીવડી છે.”

તેઓ કહે છે કે, “ખેડૂતોને તેમની ઑર્ગેનિક પેદાશ પણ સામાન્ય બજારમાં જ વેચવી પડે છે. જેથી તેમની આવકમાં વધારો થતો નથી. સરકારે આ અંગે વિચાર કરવો જોઇએ.”

આત્મા પ્રોજેક્ટની વેબસાઇટ પર પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે

  • જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા અને ફળદ્રુપતા વધતાં ઉત્પાદનમાં વધારો જોવા મળે છે
  • માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર થી ૩૦ એકર જમીનમાં ખેતી શક્ય
  • પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતી કરતાં ઓછી ખર્ચાળ અને વધુ ઉત્પાદન આપનાર
  • ભૂર્ગભજળના તળ ઉપર આવે તેમજ પાણી અને વીજળીની બચત
  • પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.