You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'લોકો ઘરમાં જવાનું ટાળી રહ્યા છે', રાજકોટ જિલ્લામાં ભૂકંપના 12 આંચકા કેમ અનુભવાયા?
"જેતપુરમાં ગઈ કાલ રાતથી ભૂકંપના આંચકા આવવાનું શરૂ થયું છે. સવારથી આઠથી નવ આંચકા આવી ચૂક્યા છે. આથી સમગ્ર જેતપુર શહેર અને આસપાસનાં ગામડાંમાં ખૂબ ભયનો માહોલ પ્રસરી ગયો છે. અહીંના લોકો હાલ બહાર નીકળી ગયા છે અને શક્ય તેટલું ઘરમાં જવાનું ટાળી રહ્યા છે. ડરના માહોલના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા છે."
શુક્રવારે રાજકોટના જેતપુર ખાતે ગુરુવાર રાતથી સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાને કારણે સર્જાયેલી ભય અને અસમંજસની સ્થિતિ વર્ણવતાં એક સ્થાનિક કંઈક આ વાત કરે છે.
નોંધનીય છે કે ગત ગુરુવારથી શુક્રવાર સુધી રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જેતપુર પંથકમાં ભૂકંપના એક બાદ એક 12 આંચકા અનુભવાયા હતા.
રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે મીડિયાના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત તાલુકામાં કુલ 21 આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.4થી 3.8 હતી.
એક બાદ એક ઉપરાઉપરી ભૂકંપના આંચકા અનુભવાતાં આ સમાચાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યા હતા.
ગાંધીનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજિકલ રિસર્ચ (આઇએસઆર)ની વેબસાઇટ મુજબ ગુરુવારે રાત્રે 8.43 વાગ્યે રાજકોટમાં 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
ગુરુવારથી શુક્રવાર સુધી રાજકોટના પંથકમાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6થી 3.8 સુધી હતી. તેમજ તમામ આંચકાનું એપિસેન્ટર ઉપલેટાથી પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં 27-30 કિમી દૂર નોંધાયું હતું.
ભૂકંપ બાદ શું તૈયારી કરાઈ?
આઇએસઆરની વેબસાઇટ પર મૂકેલી માહિતી મુજબ ગુરુવાર રાતથી શરૂ કરીને શુક્રવાર વહેલી સવારથી જ બપોરના 12 વાગ્યા પહેલાં જ 11 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે વહેલી 6.19 વાગ્યે 3.8ની તીવ્રતાનો સૌથી તીવ્ર આંચકો અનુભવાયો હતો. જે બાદ થોડી જ મિનિટોમાં એટલે કે 6.56 વાગ્યે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના સતત આંચકા નોંધાતા જેતપુર શહેરના મામલતદાર એડી બાખલકીયાએ આપાતકાલીન બેઠક બોલાવી હતી. બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર, શિક્ષણ સંસ્થાન વગેરે કચેરીના અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.
ભૂકંપના આંચકાને પગલે બેઠકમાં શાળામાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, શિક્ષકો અને તલાટી મંત્રી તેમજ આરોગ્ય સ્ટાફને હાજર રહેવા સૂચના અપાઈ હતી.
જેતપુરના મામલતદાર એડી બાખલકીયાએ જણાવ્યું હતું કે, "ભૂકંપને પગલે ત્રણેય ચીફ ઑફિસર કાર્યાલય, મામલદાર ઑફિસ અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતાને ખોટો ભય કે અફવા ન ફેલાવવાની અને તેનાથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ."
તેમણે લોકોને સલામતીનાં પગલાં અંગે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, "જો કોઈ આફ્ટરશૉક આવે તો શક્ય હોય તો સુરક્ષિત જગ્યાએ ખાસ કરીને ખુલ્લી જગ્યાએ કામચલાઉપણે આશ્રય લેવો. કોઈ માહિતી મળે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરે."
ધ હિંદુના એક અહેવાલ પ્રમાણે રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી. સલામતીના પગલા તરીકે, જિલ્લા વહીવટી તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં જૂની-પુરાણી ઇમારતોની ઓળખ કરી છે અને તેમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું, "અમે જૂની ઇમારતોની ઓળખ બાદ શિક્ષકો, તલાટી અને સરપંચો સાથે વાત કરી છે. જૂની ઇમારતોમાં આવેલી આંગણવાડી, સ્કૂલોમાં એક દિવસની રજા જાહેર કરી દેવાઈ છે."
એક પછી એક ભૂંકપના આંચકા કેટલી ચિંતાની વાત?
ગાંધીનગરસ્થિત એસઆઇઆરના નિવૃત્ત ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરા હાલ રુરકીસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ખાતે ભૂકંપ વિજ્ઞાન ભૂ-ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે કાર્યરત્ છે.
તેઓ ગુરુવારથી માંડીને શુક્રવાર સુધી રાજકોટમાં ઉપરાઉપરી અનુભવાયેલા ભૂકંપના આંચકાને 'સામાન્ય' ગણાવે છે. તેઓ સૌરાષ્ટ્રને 'એકસામટા ભૂકંપના આંચકાના જોખમવાળા' વિસ્તાર તરીકે વર્ણવે છે.
ચોપરા કહે છે, "એકસામટા ભૂકંપના આંચકાની ઍક્ટિવિટી એ કચ્છમાં અનુભવાતી ભૂકંપીય ઍક્ટિવિટી કરતાં જુદી હોય છે. કારણે આવી ઍક્ટિવિટીમાં કોઈ મુખ્ય આંચકો નથી હોતો. સામેની બાજુએ કચ્છ અને ભૂકંપના જોખમવાળાં ક્ષેત્રોમાં મુખ્ય આંચકો અને પાછળના આંચકા જેવી ઍક્ટિવિટી જોવા મળે છે."
તેઓ એકસામટા ભૂકંપના આંચકાની ઍક્ટિવિટી અંગે વધુ સમજાવતાં કહે છે કે, "આવી ઍક્ટિવિટીમાં ઓછી તીવ્રતાના ભૂકંપના સેંકડો આંચકા અનુભવાય છે. પરંતુ આ ઍક્ટિવિટીમાં કોઈ મુખ્ય આંચકો નથી હોતો."
તેઓ સૌરાષ્ટ્રમાં આવા આંચકાનાં સંભવિત કારણો અંગે ખુલાસો કરતાં કહે છે કે, "સૌરાષ્ટ્રમાં અમે નોંધ્યું છે કે આવા આંચકા મોટા ભાગે પ્રવાહી આધારિત હોય છે."
"આનો અર્થ એ છે કે ડૅમમાં પાણીના લોડિંગ, તીવ્ર વરસાદી પ્રવૃત્તિ, અતિવૃષ્ટિ, ભૂગર્ભ જળ બહાર કાઢવાની પ્રવૃત્તિ, ભૂગર્ભ જળસપાટીમાં અચાનક થયેલી વધઘટ સહિતનાં પરિબળો ખડકો પર વધારાનું દબાણ સર્જે છે. સૌરાષ્ટ્ર પહેલાંથી જ ચિંતાજનક રીતે દબાણવાળું ક્ષેત્ર છે. તેથી નૃવંશશાસ્ત્રને લગતી કે હવામાનને લગતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિને કારણે આ દબાણમાં વધારો થાય તો તેના કારણે ભૂકંપના એકસામટા નાના નાના આંચકા આવવાની શરૂઆત થઈ શકે છે."
તેઓ કહે છે કે, "સૌરાષ્ટ્રમાં આ પ્રકારે નાના નાના ભૂકંપના સંખ્યાબંધ આંચકા આવે એ વાત સામાન્ય છે. ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે. આવી ઍક્ટિવિટી દરમિયાન થોડા સમયમાં સેંકડો આંચકા પણ આવી શકે છે."
"સૌરાષ્ટ્રમાં આપણે પહેલેથી તલાલા પંથકમાં દર વર્ષે આ સમયે આ પ્રવૃત્તિ અનુભવી રહ્યા છીએ.તેમજ કેટલીક વાર જામનગર, અમરેલી અને પોરબંદરનાં કેટલાંક ક્ષેત્રોમાં ઓછી તીવ્રતાના ભૂકંપોની હારમાળાની પ્રવૃત્તિ જોવા મળે છે."
પ્રો. સુમેર ચોપરા સૌરાષ્ટ્રમાં અનુભવાતાં નાના નાના ભૂંકપના આંચકાની હારમાળા પાછળનાં સંભવિત કારણો અંગે ધ્યાન દોરતાં કહે છે, "20મી સદીની શરૂઆત પહેલાંનાં થોડાં વર્ષો અને તેની શરૂઆતનાં થોડાં વર્ષો દરમિયાન સૌરાષ્ટ્રમાં આખા સિઝનનો વરસાદ ઘણા દિવસો દરમિયાન પડતો હતો. જોકે, આ પૅટર્નમાં હવે બદલાવ જોવા મળે છે. હવે કેટલીક વાર આ ક્ષેત્રમાં ખૂબ ઓછા દિવસોમાં તીવ્ર વરસાદ નોંધાય છે."
"આના કારણે સૌરાષ્ટ્રના જે બંધો એક મહિના કે બે મહિનાના સળંગ વરસાદ બાદ ભરાતા હતા, એ હવે એક-બે દિવસના વરસાદમાં જ ભરાઈ જાય છે. આ બધાં કારકો સ્થાનિક દબાણનાં ક્ષેત્રોને અસર કરશે. જેના કારણે આવા નાના નાના ભૂકંપના આંચકાઓની હારમાળા સર્જાઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન