વિમાન અકસ્માત : 'મોર, હરણ, ગાય રનવે પર દેખાય છે', પ્લેનની જાળવણી સામે કેવા સવાલો થયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇશાદ્રિતા લાહિરી
- પદ, બીબીસી સંવાદદાતા
26 જૂન 2025ના રોજ ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન)એ એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઈ સહિત દેશનાં ઘણાં હવાઈ મથકોનું ઑડિટ કરાયું છે.
આ ઑડિટ 12 જૂને અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ બાદ શરૂ થયું હતું.
નિવેદનમાં કોઈ ઍરલાઇન કંપની કે હવાઈ મથકનું નામ તો નથી લેવાયું, પરંતુ તેમાં ભારતનાં હવાઈ મથકો પર ઘણી મોટી બેદરકારીઓ અને સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની વાત કરાઈ છે.
અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ એવિએશન સેક્ટરમાં નિરીક્ષણ અને તપાસનો વ્યાપ વધ્યો છે.
અમુક દિવસ પહેલાં ડીજીસીએએ ઍર ઇન્ડિયા વિરુદ્ધ એવું કહીને કાર્યવાહી કરી હતી કે કંપની ઉડાણ સમય અને કૅબિન ક્રૂના ડ્યૂટીના કલાકો સાથે સંકળાયેલા નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહી છે.
આ સબબ ડીજીસીએએ ઍર ઇન્ડિયાને ત્રણ અધિકારીઓને બરખાસ્ત કરવા પણ કહ્યું હતું.
એ બાદ ઍર ઇન્ડિયાએ પણ એક નિવેદન જાહેર કર્યું અને જણાવ્યું કે હવે ઍર ઇન્ડિયાની દેખરેખ સીધા કંપનીના ચીફ ઑપરેટિંગ ઑફિસર એટલે કે સીઓઓના હાથમાં હશે.
આઇઓસીસી એટલે કે ઇન્ટિગ્રેટેડ ઑપરેશન્સ કંટ્રોલ સેન્ટર કોઈ પણ ઍરલાઇન કંપનીનો એ મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે સુરક્ષિત, કોઈ પણ જાતની રુકાવટ વગર ઉડાણોના સંચાલનને સુનિશ્ચિત કરે છે. ઍરલાઇન કંપનીના આ કેન્દ્ર પર સંચાલન સાથે સંકળાયેલાં તમામ પાસાંનું રિયલ ટાઇમ પ્લાનિંગ, તેની દેખરેખ અને વ્યવસ્થાની જવાબદારી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઍરલાઇનના પરિચાલન વિભાગ અતંર્ગત આવે છે જે ઉડાણો, પાઇલટો અને કૅબિન ક્રૂ સાથે સંકળાયેલા મામલાની દેખરેખ કરે છે તેમાં તેમના ડ્યૂટી રોસ્ટર પણ સામેલ છે.
ડીજીસીએની હાલની કાર્યવાહી બાદ આવેલા તેમના આ રિપોર્ટને સમજવા માટે બીબીસીએ ઘણા પ્રોફેશનલ પાઇલટો અને એવિએશન ઍક્સપર્ટ સાથે વાત કરી છે.
વિમાનની જાળવણી અંગે ડીજીસીએના નિવેદનમાં શું છે?

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
ડીજીસીએએ કહ્યું કે ઑડિટમાં ઉડાણ સાથે સંકળાયેલી જરૂરી વસ્તુઓની તપાસ કરાઈ. તેમાં ફ્લાઇટ ઑપરેશન, સુરક્ષા, કૉમ્યુનિકેશન સિસ્ટમ અને ઉડાણ પહેલાં પાઇલટની મેડિકલ તપાસ જેવાં પાસાં સામેલ હતાં.
રનવેની આછી પડી ગયેલી લાઇનથી માંડીને ત્રણ વર્ષ સુધી ડેટા અપડેટ ન કરવા જેવી ઘણી ગરબડો વિશે ડીજીસીએને ખબર પડી.
ડીજીસીએએ કહ્યું કે એક વાર ઘસાયેલાં ટાયરોને કારણે એક વિમાનને ઉડાણ પહેલાં ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું.
રિપોર્ટમાં એવા મામલાની નોંધાયેલા છે, જેમાં પહેલાંથી જણાવાયેલી ગરબડો વિમાનમાં વારંવાર જોવા મળી, જે નબળી દેખરેખ અને સુધારાની કમી બતાવે છે.
ડીજીસીએએ કહ્યું, "જાળવણી દરમિયાન એએમએમ (ઍરક્રાફ્ટ મેન્ટનન્સ મૅન્યુઅલ) અનુસાર એએમઇ (ઍરક્રાફ્ટ મેન્ટનન્સ એન્જિનિયર)એ જરૂરી સુરક્ષા સાવધાનીઓનું ધ્યાન નથી રાખ્યું. અમુક જગ્યાઓએ એએમઇ ખરાબી ઠીક કરવાની પ્રક્રિયામાં સામેલ નહોતા. વિમાનપ્રણાલીમાં મળેલી ખરાબીના રિપોર્ટ લૉગબુકમાં નોંધાયા નહોતા."
'મોર, હરણ, ગાય રનવે પર ફરતાં દેખાય છે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ ડીજીસીએનો રિપોર્ટ ત્રણ પાઇલટ સાથે શૅર કર્યો, જેઓ અલગ-અલગ કૉમર્શિયલ ઍરલાઇનો માટે વિમાન ઉડાડે છે.
તમામ પાઇલટ જેમાં કામ કરે છે એ ઍરલાઇનની મીડિયા પૉલિસીથી બંધાયેલા છે, તેથી તેમણે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરી.
એક પાઇલટે કહ્યું કે સમયસર ઉડાણ પૂરી કરવાના દબાણ અને ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમના કારણે એએમઇ સાથે તકનીકી મામલામાં યોગ્ય રીતે કામ લેવું મુશ્કેલ બની જાય છે.
તેમણે કહ્યું, "જો અંતિમ સમયે એએમઇને કોઈ ગરબડ મળી આવે છે, તો એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે વિમાન ઉડાણ માટે સુરક્ષિત છે કે નહીં."
પાઇલટે જણાવ્યું કે ટર્નઅરાઉન્ડ ટાઇમ ખૂબ ઓછો હોવાને કારણે મેન્ટનન્સ માટે પૂરતો સમય નથી મળતો, તેથી એએમઇ અંતિમ સમયમાં એએમએમના નિયમોને લાગુ કરે છે.
મૅન્યુઅલ એવું જણાવે છે કે કયાં કયાં ઉપકરણ કે પાર્ટ્સ વગર પણ વિમાન ઉડાણ ભરી શકે છે, જેનાથી ઉડાણ ભરવા પર અસર ન પડે.
બીબીસીને તેમણે કહ્યું, "જો કોઈ જટિલ સિસ્ટમ ખરાબ થઈ જાય છે, તો અમારે એ સમજવું પડે છે કે આનાં પરિણામ શું હોઈ શકે છે. જેમ કે, જો બૅકઅપ સિસ્ટમ પણ નિષ્ફળ થઈ જાય તો શું થશે? આ એ વાત પર આધાર રાખે છે કે ઍરફીલ્ડ અને મોસમ કેવાં છે. સમયનું દબાણ અમારા માટે સ્થિતિ વધુ વિકટ બનાવી દે છે. અમે દરેક વસ્તુ પર ધ્યાન નથી આપી શકતા."
અન્ય એક પાઇલટે રનવે પર આછી સેન્ટ્રલ લાઇન અંગે રિપોર્ટમાં વ્યક્ત કરાયેલ ચિંતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે પોતાનાં દસ વર્ષના અનુભવમાં તેમણે રનવે સાથે સંકળાયેલી બીજી ઘણી સમસ્યાઓ જોઈ છે, ખાસ કરીને ટિયર-2 શહેરોમાં.
પાઇલટે કહ્યું, "અમે આ બધું વર્ષોથી જાણીએ છીએ. રનવેની સેન્ટ્રલ લાઇનની લાઇટો ઠીક નથી હોતી. જ્યારે અમે રનવેથી બહાર નીકળીએ છીએ, તો ઘાસ અને ઝાડના કારણે નિશાન નથી દેખાતાં, ઘાસ સમયસર નથી કાપવામાં આવતું."
તેમણે આગળ કહ્યું, "હું એવા ઍરપૉર્ટ પર ગયો છું, જ્યાં રનવે પર ખાડા હતા, ત્યાં પ્રાણીઓ ફરી રહ્યાં હતાં, ક્યારેક મોર, ક્યારેક હરણ તો ક્યારેક ગાય."
ત્રીજા પાઇલટે પાઇલટો અને કૅબિન ક્રૂને આરામ માટે મળતા ઓછા સમય બાબતે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ક્યારેક ક્યારેક તેમને એક જ દિવસમાં પાંચ સેક્ટર માટે ઉડાણ ભરવા કહેવામાં આવે છે. એક સેક્ટરનો અર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાની ઉડાણ. વાપસીની ઉડાણ બીજું સેક્ટર ગણાય છે.
તેમણે કહ્યું, "વિચારો તમે સાંજ ચાર વાગ્યે ઉડાણ ભરી છે, પરંતુ બની શકે કે તમારો પાઇલટ અને કૅબિન ક્રૂ સવારના ચાર વાગ્યાથી ડ્યૂટી પર છે. તમે વિચારો છો કે ક્રૂના મોઢે સ્મિત કેમ નથી, પરંતુ બની શકે કે તેઓ ખૂબ થાકેલા હોય."
નિયમિતપણે તપાસ થવી જોઈએ : નિષ્ણાત

ઇમેજ સ્રોત, Getty Images
એવિએશન ઍક્સપર્ટ્સનું કહેવું છે કે ડીજીસીએએ નિયમિતપણે તપાસ કરવી જોઈએ.
દરેક ઍરપૉર્ટની આસપાસ એક ઑબ્સ્ટ્રક્શન લિમિટ (અવરોધ સીમા) હોય છે. આ સીમામાં કોઈ પણ પ્રકારનું નિર્માણ અને અન્ય કાર્ય માટે પરવાનગી નથી હોતી.
આ હવાઈ મથકો અને નેવિગેશન ફેસિલિટીઝની આસપાસનું ક્ષેત્ર હોય છે. વિમાનોના કોઈ પણ જાતના અવરોધ વગર સંચાલનને સુનિશ્ચિત કરવા માટે આ ક્ષેત્રને સાફ રાખવું જોઈએ, જેથી વિમાન યોગ્ય રીતે ટેક-ઑફ અને લૅન્ડ કરી શકે.
ડીજીસીએના નિવેદનમાં કહેવાયું હતું કે કેટલાંક હવાઈ મથકોમાં પાછલાં ત્રણ વર્ષથી આ સીમાનો ડેટા અપડેટ નથી કરાયો. હવાઈ મથકોની આસપાસ ઘણી નવી ઇમારતો બન્યા છતાં કોઈ સર્વે નથી કરાયો.
એવિએશન નિષ્ણાત સંજય લાજર કહે છે કે, "આ એક દિવસમાં ન થઈ શકે, તપાસ નિયમિતપણે થવી જોઈએ. એક અઠવાડિયામાં હવાઈ મથકની બાજુમાં એક ઇમારત બની ગઈ? ત્યાં સુધી ડીજીસીએ ક્યાં હતી?"
પૂર્વ પાઇલટ અને એવિએશન નિષ્ણાત કૅપ્ટન એમઆર વાડિયા પ્રમાણે રનવેની આસપાસની ઇમારતો અંગે પાઇલટ ઘણા લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે.
રનવે વિશે તેમણે કહ્યું, "રનવેની સેન્ટ્રલ લાઇન સ્પષ્ટ હોવી જોઈએ, ખાસ કરીને જ્યારે જમ્બો જેટ જેવાં મોટાં વિમાન ઉડાણ ભરી રહ્યાં હોય ત્યારે. આ રેખા માર્ગદર્શક હોય છે, જે કાયદા પ્રમાણેની હોવી જોઈએ."
વધુ એક પૂર્વ પાઇલટ મોહન રંગનાથને કહ્યું કે રિપોર્ટમાં રનવેનાં આછાં નિશાન અને ઘસાયેલાં ટાયરો કરતાં પણ વધુ ગંભીર ખામીઓ છે.
ડીજીસીએએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કેટલાંક વિમાનોના પાઇલટોને એવા સિમ્યુલેટરમાં તાલીમ અપાઈ રહી હતી, જે એ વિમાનનું છે જ નહીં, જે સામાન્ય રીતે એ પાઇટલ ઉડાડે છે.
આ વાત અંગે વાડિયા કહે છે કે, "વિમાનના પ્રકાર પ્રમાણેના સિમ્યુલેટરનો ઉપયોગ સૌથી ગંભીર ચૂક છે. આનો અર્થ છે કે એ સિમ્યુલેટર પર કરાયેલાં તમામ સેશન્સ અમાન્ય મનાશે. તમે એ સિમ્યુલેટર પર ના તો ટ્રેનિંગ આપી શકો, ના કુશળતાની તપાસ કરી શકો. તેથી દરેક પાઇલટ જેણે એ સિમ્યુલેટર પર સેશન કર્યું છે, તેનું લાઇસન્સ ટેકનિકલી અમાન્ય છે."
અમદાવાદમાં એઆઇ-171 વિમાન ક્રૅશ થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના અમદાવાદમાં 12 જૂનના રોજ ઍર ઇન્ડિયાનું લડન જઈ રહેલું એઆઇ-171 વિમાન ક્રૅશ થઈ ગયું હતું.
આ વિમાને 242 લોકો સાથે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી લંડન માટે ઉડાણ ભરી હતી.
પરંતુ ટેક-ઑફના અમુક સેકન્ડ બાદ જ આ વિમાન ક્રૅશ થઈ ગયું હતું. આ વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો.
બીજી તરફ, વિમાન બીજે મેડિકલ કૉલેજની ડૉક્ટર્સ મેસ અને હૉસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાતાં ત્યાં પણ ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ સમગ્ર વિશ્વમાં છેલ્લા દાયકાઓમાં થયેલો સૌથી મોટો વિમાન અકસ્માત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












