ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, હવામાન વિભાગે શું આગાહી કરી?

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડેમ પૂર હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ જારી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે.

રાજ્યના હવામાન વિભાગના બુલેટિન મુજબ સમગ્ર ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તેની સક્રિયતા વધી છે.

સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર અને અમરેલીમાં છૂટાછવાયાં સ્થળો પર અત્યંત ભારે વરસાદ પડ્યો છે. અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ અને મોરબીમાં કેટલાંક સ્થળે અતિભારે વરસાદ નોંધાયો છે.

જ્યારે અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, મોરબી, જૂનાગઢ, દ્વારકા અને પોરબંદરમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદથી ડૅમોમાં નવાં નીર આવ્યાં

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડેમ પૂર હવામાન

ઇમેજ સ્રોત, Alpesh Dabhi

ઇમેજ કૅપ્શન, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડૅમ ઓવરફ્લો થતા 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ અમુક જિલ્લામાં અતિભારે વરસાદ પડવાથી રાજ્યના 34 ડૅમને ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ફ્લડ મૅનેજમૅન્ટ માટે આ ડૅમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોટા ડૅમોમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ, સુરેન્દ્રનગરનો ધોળીધજા, લીમડીના ભોગાવો-2 ડૅમ વગરેનો સમાવેશ થાય છે.

રાજકોટ ઇરિગેશન સર્કલનાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર પ્રેક્ષા ગોસ્વામીએ બીબીસીને જણાવ્યું કે, "આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થવાથી સૌરાષ્ટ્રના નાના મોટા 141 ડૅમમાંથી 9 ડૅમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. ગુજરાતમાં જળાશયોની કુલ ક્ષમતા સામે 44 ટકા પાણી અત્યારથી ભરાઈ ગયું છે."

ગુજરાત સરકારના નર્મદા અને જળસંસાધન વિભાગના ડેટા પ્રમાણે હાલની સ્થિતિમાં નર્મદા પરનો સરદાર સરોવર ડૅમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે. કચ્છના ડૅમો સરેરાશ 28 ટકા ભરાયા છે જ્યારે ઉત્તર ગુજરાતના ડૅમોમાં 28 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, સૌરાષ્ટ્રના ડૅમ 46 ટકા ભરાયા છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડેમ પૂર હવામાન

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 18 જૂન, બુધવારે અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટીછવાઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

18 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી તથા સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડેમ પૂર હવામાન

ઇમેજ સ્રોત, ALPESH DABHI

ઇમેજ કૅપ્શન, ભાવનગર જિલ્લામાં બચાવ કામગીરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યમાં આજે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને બાકીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

19 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટીછવાઈ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

19મીએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ભરૂચ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

20મી જૂને ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે 21મી જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટીછવાઈ જગ્યા પર ભારે વરસાદ પડવાની આગાહી છે.

22 જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડેમ પૂર હવામાન

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, 19 જૂન માટે વરસાદની આગાહી

હવામાન ખાતાના બુલેટિન પ્રમાણે અમદાવાદમાં 18 જૂને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન ગાજવીજ પણ થશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ લોકોની રેસ્ક્યૂ કામગીરી કરવી પડી છે. ભાવનગર જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ 49 લોકોને બચાવાયા છે.

ઉમરાળાના ગોલરામામાંથી 20 લોકોને તળાજા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. વલ્લભીપુરના ચમારડીમાંથી 14ને બચાવવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી વરસાદ ચોમાસું ડેમ પૂર હવામાન

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, હળવદના ઘનશ્યામપુર નજીક વિદ્યાર્થીઓને ધમસમતા પાણીમાં નાળું પાર કરવું પડ્યું હતું

રાજકોટમાં 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે અને બુધવારે પણ વરસાદી વાતાવરણ છે.

મોરબીના રાજપર ગામ નજીક મંગળવારે એક કાર કોઝવે પરથી પસાર થતા તણાઈ હતી જેમાં ફસાઈ ગયેલા લોકોને ક્રેનની મદદથી ઉગારવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના મોટા મઢાદ ગામે નદીનાં પાણી ગામમાં ઘૂસ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે.

દક્ષિણ પશ્ચિમ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, મહારાષ્ટ્રમાં વિદર્ભ તથા મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે. ચોમાસાએ હવે ઓડિશા, ઝારખંડ, ગંગા પ્રદેશના પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોને પણ આવરી લીધા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન