'મારી સાથે વેશ્યા જેવું વર્તન કરવામાં આવ્યું', હૈદરાબાદમાં આયોજિત મિસ વર્લ્ડનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, MISSWORLD.COM
ચાલુ વર્ષે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ખાતે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિવાદમાં સપડાઈ ગઈ છે.
સ્પર્ધામાંથી બહાર નીકળી ગયેલાં મિસ ઇંગ્લૅન્ડ 2025 વિજેતા મિલા મૅગીએ આ સ્પર્ધાના આયોજન ઉપર ગંભીર આરોપો મૂક્યાં છે. તેમણે એક બ્રિટીશ અખબાર સાથે ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "એમણે (આયોજકો) મને એવો અહેસાસ કરાવ્યો જાણે કે હું વેશ્યા હોઉં."
મિલા મૅગી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. સાતમી મેના રોજ હૈદરાબાદ આવ્યાં હતાં અને તા. 16મી મેના રોજ પરત ફરી ગયાં હતાં.
મિલા મૅગીના નિવેદનને કારણે તેલંગણાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
સરકારે તપાસના આદેશ આપ્યા

ઇમેજ સ્રોત, MISSWORLD.COM
મિસ વર્લ્ડ સ્પર્ધા તથા તેની વ્યવસ્થા ઉપર મૂકવામાં આવેલા આરોપોને તેલંગાણા સરકારે ગંભીરતાથી લીધા છે અને તપાસના આદેશ આપ્યા છે.
સરકારે વરિષ્ઠ આઈ.પી.એસ. (ઇન્ડિયન પોલીસ ઑફિસર) શીખા ગોયલ, આઈ.પી.એસ. રમા મહેશ્વરી તથા સાયબરાબાદનાં ડી.સી.પી. (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) સાઈશ્રીનાં નેતૃત્વમાં તપાસ હાથ ધરી છે.
શું મિસ વર્લ્ડ સ્પર્ધા દરમિયાન કોઈ અયોગ્ય આચરણ થયું હતું કે તેમને કોઈ અસુવિધા થઈ હતી કે કેમ, તેના વિશે તપાસ તેઓ કરશે તથા મિલા મૅગીના આરોપોની સત્યતા પણ તપાસવાનો પ્રયાસ કરશે.
આ માટે સ્પર્ધામાં ભાગ લેનારાં અન્ય સ્પર્ધકો સાથે પણ સવાલ-જવાબ થઈ રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના ટેબ્લૉઇડ 'ધ સન'ને આપેલાં ઇન્ટર્વ્યૂમાં મિલા મૅગીએ સ્પર્ધાના આયોજન અંગે ગંભીર સવાલ ઉઠાવ્યાં હતાં.
મિલા મૅગીએ કહ્યું, "હું ત્યાં પરિવર્તનની ઓળખ બનવા ગઈ હતી, પરંતુ ત્યાં જઈને મને એવું લાગ્યું કે મને એક રમકડાંની જેમ બેસાડી દેવાઈ છે. ત્યાં રહેવું મારી નૈતિકતાની વિરુદ્ધ હતું. આયોજકોની નજરમાં અમે માત્ર મનોરંજનનું સાધન હતાં."
"હું જાણે વેશ્યા હોઉં એવો અહેસાસ તેમણે મને કરાવ્યો. મને ધનવાન સ્પૉન્સર્સની સામે ફેરવવામાં આવી. એ પછી મને લાગ્યું કે મારે કોઈ નિર્ણય લેવો જ પડશે."
મૅગીનાં નિવેદનો બાદ આયોજકોની ભૂમિકા તથા સ્પર્ધામાં પ્રવર્તમાન વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે.
"મિસ વર્લ્ડ જેવી સ્પર્ધાઓની હવે જરૂર નથી રહી"

ઇમેજ સ્રોત, TELANGANA I&PR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિલા મૅગીએ કહ્યું, "હવે મિસ વર્લ્ડ જેવી સ્પર્ધાઓનો સમય પૂરો થઈ ગયો છે. દુનિયાને બદલવા કે પોતાનો અવાજ ઉઠાવતાં પહેલાં આ તાજ કોઈ કામનો નથી. તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે સવારના નાસ્તાથી માંડીને દિવસભર બૉલ ગાઉન પહેરીને ફર્યાંં કરો."
'ધ સન'ના રિપોર્ટ મુજબ, જ્યારે મિલા મૅગીને 'આભારદર્શન'ના નામે કેટલાક પુરુષોને ઍન્ટર્ટેઇન કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે તેઓ ખૂબ જ અસહજ અને નારાજ થઈ ગયાં.
મિલા મૅગીએ કહ્યું, "દરેક ટેબલ ઉપર ચારથી છ મહેમાનો સાથે બે છોકરીઓને બેસાડવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે અમારે આખી સાંજ તેમની સાથે બેસવાનું છે અને તેમનું મનોરંજન કરવાનું છે. આ વાત મને ખૂબ જ ખોટી લાગી."
"હું ત્યાં લોકોનું મનોરંજન કરવા માટે નહોતી ગઈ. મિસ વર્લ્ડ જેવી સ્પર્ધાની કોઈ કિંમત હોવી જોઈએ, પરંતુ આયોજન હજુ પણ જૂના જમાનાની જેમ થાય છે. આઉટડેટેડ છે. તેમણે મને એવો અહેસાસ કરાવ્યો, જાણે કે હું વેશ્યા હોઉં."
મિલા મૅગીએ વધુમાં કહ્યું, " જેના માટે હું સમાજસેવા કરી રહી છું એ મુદ્દે ત્યાં હું વાત કરવા માગતી હતી, પરંતુ ત્યાં બેઠેલા પુરુષો બિનજરૂરી તથા સંબંધિત ન હોય તેવી વાતો કરી રહ્યા હતા. તે મને અસહજ કરી દેનારો અનુભવ હતો. મને લાગતું ન હતું કે આવું થશે. તેમણે અમને સમાન રીતે નહીં, પરંતુ બાળકની જેમ જોયા."
'ધ સન'ના રિપોર્ટ મુજબ, મિલા મૅગીએ તેમનાં માતાને ફોન ઉપર જણાવ્યું હતું કે 'અહીં મારું શોષણ થઈ રહ્યું છે' અને મિલાએ પોતાની સમસ્યા પણ જણાવી હતી.
તેલંગાણાના વિરોધપક્ષ બી.આર.એસ.એ (ભારત રાષ્ટ્ર સમિતિ) સમગ્ર વિવાદ અંગે કડક પ્રતિક્રિયા આપી છે.
બી.આર.એસ.એ 'ધ સન'ના રિપોર્ટને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર શૅર કર્યો અને લખ્યું, "તેલંગાણાની જનતાના રૂ. 250 કરોડ ખર્ચીને, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલંગાણા તથા હૈદરાબાદની છાપને બટ્ટો લગાડનારી કૉંગ્રેસ સરકાર તથા રેવંત શું જવાબ આપશે?"
મિસ વર્લ્ડના આયોજકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, TELANGANA I&PR
મિલા મૅગીના આરોપો અંગે મિસ વર્લ્ડના આયોજકોએ પ્રતિક્રિયા આપી છે અને તેમનાં કથનને ખોટા ગણાવ્યાં છે.
સતાવાર નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "મિસ ઇંગ્લૅન્ડ 2025નાં વિજેતા મિલા મૅગીએ આ મહિને વિનંતી કરી હતી કે તેમનાં માતાની તબિયત સારી નથી, એટલે તેમને સ્પર્ધામાંથી હઠવું પડશે અને તાત્કાલિક ઇંગ્લૅન્ડ પરત ફરવાનું છે."
"તેમની પરિસ્થિતિને જોતાં મિસ વર્લ્ડ સંસ્થાનાં ચૅરપર્સન તથા સી.ઈ.ઓ. (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર) જૂલિયા મૉર્લેએ તેઓ ઇંગ્લૅન્ડ પરત ફરી શકે તે માટે વ્યવસ્થા કરી આપી. એ પછી તેમનાં સ્થાને શાર્લેટ ગ્રાન્ટ આ સ્પર્ધામાં ભાગ લેવાં માટે બુધવારે હૈદરાબાદ પહોંચ્યાં હતાં"
નિવેદનમાં આગળ જણાવ્યા પ્રમાણે, "કમનસીબે, અમને માહિતી મળી છે કે બ્રિટનનાં કેટલાંક મીડિયા આઉટલેટ્સે ભારતમાં તેમના અનુભવો અંગે અહેવાલ છાપ્યાં છે, પરંતુ તેમની વાસ્તવિક સ્થિતિ અને આ રિપોર્ટોની વચ્ચે કોઈ તાલમેળ નથી. તેમની ટિપ્પણીઓ અને અહીંના તેમના અનુભવ વચ્ચે કોઈ સંબંધ નથી."
"અમે તેમનો હૈદરાબાદમાં રેકૉર્ડ થયેલો વીડિયો કોઈપણ પ્રકારના ઍડિટિંગ વગર રજૂ કરી રહ્યાં છીએ, જેમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યાં છે કે અહીં બધું સારું છે તથા તેમણે આયોજકોનો આભાર પણ માન્યો હતો. તેમણે (મિલા મૅગીએ) ભારતમાં જે નિવેદનો આપ્યાં તથા ત્યાં જે અહેવાલો છપાયા તેમની વચ્ચે કોઈ સમાનતા નથી."
નિવેદનમાં છેવટે કહેવાયું છે, "વાસ્તવમાં મિસ વર્લ્ડ સંગઠન 'બ્યૂટી વિથ પર્પઝ' જેવાં મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. અમે મીડિયા સંસ્થાઓને આગ્રહ કરીએ છીએ કે આવા ગેરમાર્ગે દોરનારા સમાચાર છાપતાં પહેલાં પત્રકારત્વના મૂળસિદ્ધાંતોનું પાલન કરે."
આ નિવેદન સંગઠનનાં ચૅરપર્સન જૂલિયા મૉર્લેના નામથી બહાર પાડવામાં આવ્યું છે, સાથે જ એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં મિલા મૅગી "અહીં બધું સારું છે" એમ કહેતાં જણાય છે.
આયોજકોના કહેવા પ્રમાણે, મિલા મૅગી માત્ર એક જ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં, જે હૈદરાબાદના ચોમહલ્લા પૅલેસ ખાતે યોજાયેલો સરકારી ભોજનસમારંભ હતો. એ કાર્યક્રમની વીડિયો ક્લિપ પણ સાર્વજનિક કરવામાં આવી છે.
એ વીડિયોમાં જોઈ શકાય છે કે મિલા મૅગી જે ટેબલ ઉપર બેઠાં હતાં, તેની બંને બાજુએ મહિલાઓ બેઠી હતી. એ ટેબલ ઉપર માત્ર એક જ પુરુષ નજરે પડે છે.
ઉલ્લેખનીય છે કે મિલા મૅગીનું સ્થાન લેનારાં શાર્લે ગ્રાન્ટ મિસ ઇંગ્લૅન્ડ સ્પર્ધામાં રનર-અપ હતાં અને હવે તેઓ ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












