કૃણાલ પંડ્યા : આ ગુજરાતી ખેલાડી બન્યા IPL ફાઇનલના અસલી મૅચ ટર્નર, બૉલિંગના આ ડ્રીમ સ્પેલે પલટી નાખી RCBની બાજી

ઇમેજ સ્રોત, Getty Images
કૃણાલ પંડ્યાએ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને આઈપીએલ 2025 ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ડાબા હાથના આ સ્પિનરે પંજાબ કિંગ્સની સામે ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને બે વિકેટો ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનને માટે કૃણાલ પંડ્યાને પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરવામાં આવ્યા હતા.
આ સાથે જ કૃણાલ પંડ્યાએ પોતાના નામે વધુ એક રેકૉર્ડ નોંધાવ્યો છે. તેઓ આઈપીએલની બે ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બનનારા પહેલા ખેલાડી બન્યા છે.
ઑલરાઉન્ડર મનાતા કૃણાલ પંડ્યાને આરસીબીએ આઈપીએલ-2025 માટેની હરાજીમાં 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ડાબા હાથે સ્પિન કરી શકતા કૃણાલે આઈપીએલ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સની સામે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પંજાબ કિંગ્સના પ્રમુખ બૅટ્સમૅન પ્રભસિમરનસિંહ અને જૉશ ઇંગ્લિશને પોતાનો શિકાર બનાવ્યા હતા.
કૃણાલ પંડ્યાએ 2017માં પણ પ્લેયર ઑફ ધ મૅચ પુરસ્કાર જીત્યો હતો અને હવે 2025માં પણ તેઓ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા છે. આમ આઈપીએલની બે ફાઇનલમાં બે વખત પ્લેયર ઑફ ધ મૅચ બનીને તેમણે ઇતિહાસ રચ્યો છે.
જોકે, જ્યારે 2017માં તેમણે પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો ત્યારે તેઓ મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ભાગ હતા અને હવે તેઓ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુનો હિસ્સો છે.
2017માં આઈપીએલની ફાઇનલમાં કૃણાલે રાઇઝિંગ સુપરજાયન્ટ્સ સામે 38 બૉલમાં ત્રણ ચોક્કા અને બે છક્કાની મદદથી 47 રન બનાવ્યા હતા અને તેને કારણે મુંબઈ 20 ઓવરમાં 129 રન બનાવી શક્યું હતું. આ ફાઇનલમાં મુંબઈએ મૅચ જીતીને આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
IPLની ફાઇનલમાં કેવું રહ્યું કૃણાલ પંડ્યાનું પ્રદર્શન?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
8 વર્ષ બાદ કૃણાલ પંડ્યાએ આઈપીએલની ફાઇનલમાં પોતાની બૉલિંગથી કમાલ કરી દેખાડી. કરકસર બૉલિંગ કરીને તેમણે પંજાબની ટીમને 6 રને હરાવી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા. જ્યારે કે પંજાબની ટીમ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શકી.
મૅચ બાદ કૃણાલ પંડ્યાએ કહ્યું, "જ્યારે અમે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે લાગ્યું કે જેટલી ધીમી બૉલ નાખીશું એટલો ફાયદો થશે. આ પ્રારૂપમાં તમને આવું કરવાની હિમ્મત પણ જોઈએ. મેં ખુદમાં વિશ્વાસ જાગૃત કર્યો. વિચાર્યું કે પોતાની બૉલિંગની ગતિમાં પરિવર્તન કરીશ અને ધીમો બૉલ નાખીશ."
તેમણે આગળ કહ્યું, "મારી આ સૌથી મોટી તાકત છે કે સ્થિતિ પ્રમાણે શું કરવું. અને તેમાંથી શીખું. મને ખબર હતી કે ફાઇનલમાં વિકેટ લેવા માટે બહાદુર બનવું જરૂરી છે. તેથી લાગે છે કે ધીમી બૉલ નાખીને હું આમ કરી શક્યો. જો તમે ઝડપથી બૉલ નાખશો તો તેઓ શૉટ રમશે કારણકે પીચ શાનદાર હતી. પરંતુ જો તમે ગતિમાં પરિવર્તન કરો છો તો બૅટ્સમૅનોને તકલીફ થશે."
જોકે, કૃણાલ પંડ્યા બેટિંગમાં એટલો કમાલ ન દેખાડી શક્યા જેટલો તેમણે બૉલિંગમાં દેખાડ્યો.
કૃણાલ પંડ્યાના નાના ભાઈ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું, "આંખમાં આસું છે, તારા પર ગર્વ છે ભાઈ."
કૃણાલ પંડ્યાની કૅરિયર કેવી રહી?

ઇમેજ સ્રોત, Getty Images
કૃણાલે અત્યારસુધી 142 મુકાબલામાં ભાગ લીધો છે. તેમણે 132 ઇનિંગ્સમાં 32.09ની સરેરાશથી તથા 7.46ની ઇકૉનૉમી રેટથી 93 વિકેટો પોતાના નામે કરી છે.
તેમણે તેમની કૅરિયરમાં એક વખત ચાર વિકેટો ઝડપી છે. આ ખેલાડીએ 118 ઇનિંગ્સમાં 22.22ની સરેરાશથી અને 132.42ની સ્ટ્રાઇક રેટથી 1,756 રન પણ બનાવ્યા છે. તેમણે કુલ બે અર્ધસદી ફટકારી છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 86 રહ્યો છે.
આઈપીએલ 2025માં કૃણાલે 15 મૅચ રમી છે અને તેની 15 ઇનિંગ્સમાં 22.29ની સરેરાશથી અને 8.23ની ઇકૉનૉમી રેટથી 17 વિકેટો ઝડપી છે.
તેમણે એક વખત ચાર વિકેટ પણ ઝડપી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/45 હતું.
બેટિંગમાં તેમણે સાત ઇનિંગ્સમાં 18.16ની સરેરાશથી અને 126.76ની સ્ટ્રાઇક રેટથી 109 રન બનાવ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 73 રન રહ્યો. તેમણે એક અર્ધસદી ફટકારી.
તેમણે ભારત માટે ટી-20 માટે નવેમ્બર 2018માં ડૅબ્યૂ કર્યું હતું. ડૅબ્યૂ પર જ તેમણે અર્ધસદી ફટકારી હતી. આ પહેલાં તેઓ આઈપીએલ લખનઉમાં કૅપ્ટન પણ રહી ચૂક્યા છે.
કોણ છે કૃણાલ પંડ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
2016માં મુંબઈ ઇન્ડિયન્સે કૃણાલ પંડ્યાને 2 કરોડમાં ખરીદ્યા હતા. એપ્રિલ, 2016માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમણે ગુજરાત લાયન્સ સામેની મૅચમાં આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું.
તેઓ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાના મોટા ભાઈ થાય છે.
તેમનો જન્મ 24મી માર્ચ, 1991માં અમદાવાદમાં થયો હતો.
તેમણે અત્યાર સુધી ટીમ ઇન્ડિયા તરફથી 5 વન-ડે મૅચ રમી છે અને તેમાં કુલ 130 રન બનાવ્યા છે. એક વખત તેમણે 58નો સ્કોર બનાવ્યો છે જે તેમનું વન-ડે કૅરિયરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ઉપરાંત તેમણે બે વિકેટો પણ ઝડપી છે.
ભારત તરફથી તેમણે કુલ 19 ટી-20 રમી છે. જેમાં તેમણે કુલ 124 રન બનાવ્યા છે. 26 રન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ ઉપરાંત ટી-20માં તેમણે 15 વિકેટો પણ ઝડપી છે.
તેમણે ડિસેમ્બર, 2017માં પંખુડી શર્મા સાથે લગ્ન કર્યાં છે અને તેમનાં બે દીકરા છે.
કેવી હતી બંને ટીમોની ઇનિંગ?

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે આઈપીએલ 2025ની ફાઇનલ મૅચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં આરસીબીએ છ રને પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો.
શ્રેયસ અય્યરે ટૉસ જીતીને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને બૅટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 20 ઓવરના અંતે નવ વિકેટના ભોગે બૅંગ્લુરુની ટીમે 190 રન બનાવ્યા હતા.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અનકૅપ્ડ ખેલાડીઓ સાથે પંજાબ કિંગ્સે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ છેલ્લો મૅચ તેમના માટેનો હતો.
જવાબમાં દાવ લેવા ઉતરેલી શ્રેયસ અય્યરની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 184 રન કર્યા હતા. એક સમયે મૅચ આરસીબીની તરફેણમાં એકતરફી જણાતી હતી, પરંતુ છેલ્લે-છેલ્લે પંજાબના બૅટ્સમૅનોએ આક્રમક બૅટિંગ કરી હતી, જેના કારણે હારજીત વચ્ચે બહુ પાતળું અંતર રહેવા પામ્યું હતું.
વિરાટ કોહલીએ કહ્યું હતું, 'મને લાગતું ન હતું કે ક્યારેય આવો દિવસ આવશે, આજે આઈપીએલ જીતીને હું ખૂબ જ ભાવૂક છું.'
આરસીબીએ 17 વર્ષમાં પ્રથમ વખત આઈપીએલની ટુર્નામેન્ટ જીતી છે.
18 નંબરની જર્સી પહેરીને રમતા વિરાટ કોહલીને આઈપીએલની અઢારમી ટુર્નામેન્ટમાં ટ્રૉફીની ભેટ આપવાનું રજત પાટીદાર ઍન્ડ કંપનીનું સપનું સાકાર થયું હતું.
આરસીબીના ફિલ સૉલ્ટ (નવ બૉલમાં 16 રન), કૅપ્ટન રજત પાટીદાર (16 બૉલમાં 26 રન), મયંક અગ્રવાલ (18 બૉલમાં 24 રન), લિવિંગસ્ટોન (15 બૉલમાં 25 રન), જીતેશ શર્માએ (10 બૉલમાં 24 રન), રોમારિયો શૅફર્ડે (નવ બૉલમાં 17 રન) બનાવ્યા હતા. આ સિવાયના ખેલાડીઓ નોંધપાત્ર ફાળો નહોતા આપી શક્યા.
આમ આરસીબીના દરેક અગ્રણી બૅટ્સમૅને 100થી વધુની સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરી હતી, જોકે, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીની રહી હતી. તેમણે 35 બૉલમાં 43 રન બનાવ્યા હતા. છતાં ધીમી બૅટિંગને કારણે તેમની ભારે ટીકા થઈ હતી.
જોકે, મૅચ પૂર્ણ થતાં સુધીમાં આ આક્રોશ શાંત થઈ ગયો હતો અને તેમની પ્રશંસા ટ્રેન્ડ થવા લાગી હતી.
અર્શદીપસિંહે વધુ એક વખત બૉલિંગનો ભાર પોતાના ખભ્ભે લીધો હતો અને ચાર ઓવરમાં 40 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
યુજવેન્દ્રસિંહ વધુ એક વખત અસરકારક પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે ચાર ઓવરમાં 37 રન આપીને મયંક અગ્રવાલ સ્વરૂપે એકમાત્ર સફળતા મેળવી હતી.
પંજાબ કિંગ્સના બૉલર કાયલ જેમિસને રૉયલ ચૅલૅન્જર્સના ફિલ સૉલ્ટ, રજત પાટીદાર અને લિઆમ લિવિંગસ્ટૉનની વિકેટ લીધી હતી. કાયલ જેમિસને ચાર ઑવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જેમિસને ત્રણ ઑવરમાં માત્ર 25 રન આપ્યા હતા, જ્યારે છેલ્લી ઑવરમાં 23 રન આપ્યા હતા.
અઝમતુલ્લાહ (35 રન) તથા વિજયકુમારે (30) પોત-પોતાના સ્પેલ દરમિયાન એક-એક સફળતા મેળવી હતી.
જવાબમાં દાવ લેવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે 10 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 81 રન બનાવ્યા હતા.
કૅપ્ટન શ્રેયસ અય્યર માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ઓપનર પ્રિયાંશ આર્ય તથા પ્રભસિમરનસિંહે અનુક્રમે 24 અને 26 રનનો ફાળો આપ્યો હતો. જોકે, તેમનો સ્ટ્રાઇક રેટ ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલ મૅચને અનુરૂપ ન હતો.
જોકે, મૅચનો ટર્નિંગ પૉઇન્ટ કદાચ ઇંગ્લિસની વિકેટ સ્વરૂપે હતો. સ્પીનર કૃણાલ પંડ્યાએ 100ની ઝડપે બૉલ નાખીને આઉટ કર્યા હતા. જૉશે 23 બૉલમાં 39 રન બનાવીને અણિના સમયે ટીમને સ્થિરતા આપી હતી.
પંજાબની ટીમના કૅપ્ટન અય્યરે કહ્યું હતું, "કૃણાલની બૉલિંગને કારણે મૅચ બદલાઈ ગઈ હતી."
કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને બે વિકેટ લીધી હતી, આમ તેઓ ખૂબ જ કિફાયતી સાબિત થયા હતા.
કૃણાલ પંડ્યાના પ્રદર્શન અંગે રજત પાટીદારે કહ્યું હતું, 'જ્યારે દબાણ આવે ત્યારે હું 'કેપી' તરફ નજર દોડાવું છું.'
શશાંકસિંહે 30 બૉલમાં 61 રન બનાવીને લગભગ એકતરફી બની ગયેલી મૅચમાં પ્રાણ ફૂંક્યા હતા. તેઓ છેવટ સુધી અણનમ રહ્યા હતા.
ભુવનેશ્વર કુમાર (38 રન, બે વિકેટ), યશ દયાલ (18 રન, ત્રણ વિકેટ), હૈઝલવૂડ (54 રન, એક વિકેટ) લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












