‘માથાનો દુખાવો એટલો તીવ્ર થતો કે મારે દીવાલે માથું પછાડવું પડતું’

ઇમેજ સ્રોત, BBC/Getty Images
- લેેખક, ઍન્જિ બ્રાઉન
- પદ, બીબીસી ઍડિનબર્ગ
પાછલાં 17 વર્ષથી ડૅરેન ફ્રેન્કિશને માથામાં એટલો તીવ્ર દુખાવો થતો કે તેઓ ચીસો પાડતા અને દીવાલ સાથે માથું પછાડતા.
સ્કોટલૅન્ડના ઍડિનબર્ગમાં રહેતા 53 વર્ષીય ડૅરેનને માથાનો તીવ્ર દુખાવો થતો. તેમને માથા પર કોઈ બેઝબૉલનું બેટ મારતું હોય કે આંખમાં છરી ભોંકતું હોય તેવું લાગતું હતું.
તેમની જે પરિસ્થિતિ હતી તે મેડિકલ સાયન્સની ભાષામાં ‘ક્લસ્ટર હેડએક’ તરીકે ઓળખાય છે. આ પરિસ્થિતિ માણસને અસર કરનારી સૌથી પીડાદાયક પરિસ્થિતિઓમાંની એક ગણાય છે.
વ્યવસાયે બાગાયતી ઇજનેર એવા ડૅરેન બીબીસી સ્કોટલૅન્ડ સાથે વાત કરતાં કહે છે કે, “મહામારી દરમિયાન મારે સમયાંતરે હૉસ્પિટલ જવું પડતું હતું. મને એવો વિચાર આવતો કે રસ્તે જતી બસ સામે કૂદી જાઉં. મને એ સમયે ખબર પડી કે લોકો આને સ્યુસાઇડ હેડએક (આત્મઘાતને પ્રેરતો માથાનો દુખાવો) કેમ કહે છે.”
“મને હંમેશાં એવો ડર રહેતો કે આ પછીનો હુમલો ક્યારે આવશે. મને ખૂબ ડર લાગતો. દરેક પળે એ વિચાર કે ફરી માથાનો દુખાવો ઊપડશે, એ મારા માટે માનસિક ત્રાસ બની ગયો હતો.”
'ક્યારેક તો 12-12 કલાક સુધી સતત માથાનો દુખાવો રહેતો'

ડૅરેનને જે હુમલા આવતા હતા, તેમાં સામાન્ય રીતે તેને 15 મિનિટથી માંડીને ત્રણ કલાક સુધી માથાનો દુખાવો થતો. ક્યારેક આવા હુમલા દિવસમાં સાતથી આઠ વખત આવતા. તેઓ 12-12 કલાક લાંબા હુમલા પણ વેઠી ચૂક્યા છે.
પહેલાં આંખની ઉપરના ભાગે ડાબે લમણે તેમને દુખાવો ઊપડતો અને આ રીતે આ હુમલાની શરૂઆત થતી.
તેઓ કહે છે, “મારી ડાબી આંખ લાલ થઈ જતી, તેમાંથી પાણી ટપકવા લાગતું. મારું નાક બંધ થઈ જતું અને માથામાં તીવ્ર દુખાવો થવા લાગતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“હું આ હુમલાને માત્ર એક ભયાવહ અનુભવો તરીકે જ વર્ણવી શકું. તમને એવું લાગે કે જાણે કોઈ તમને બેઝબૉલના બૅટ વડે ફટકારતું હોય અને આંખમાં છરી ભોંકાઈ રહી હોય.”
“અમુક વખત તો હું ખૂબ જ બેચેન બની જતો હતો અને ક્યારેક શારીરિક રીતે બીમાર પણ પડી જતો. મારા ઓશીકામાં માથું રાખીને ચીસો પાડતો. મારું માથું દીવાલ અથવા કોઈ પણ સખત વસ્તુ સાથે અથડાવતો. સામાન્યપણે હું સંપૂર્ણ અંધારા ઓરડામાં જ ફરું છું, કારણ કે હું કોઈ પ્રકાશ સહન કરી શકતો નથી.”
ક્યારેક ડૅરેન ઘરની બહાર નીકળે છે, પરંતુ ત્યારે પણ તેઓ ડાબી આંખ પર કપડું બાંધે છે, કારણ કે તેમની આંખમાંથી ખૂબ પાણી નીકળવા લાગે છે.
તેઓ મોટા ભાગે ભીડવાળી જગ્યાએ જતા નથી અને પોતાની સાથે એક મોટું કાર્ડ રાખે છે, જેમાં એક સંદેશો લખેલો હોય છે. જો કોઈ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે તો તેઓ આ કાર્ડ બતાવી દે છે.
તેમાં લખ્યું હોય છે કે, “હું કોઈની સાથે વાત કરી શકતો નથી, મને ઍટેક આવી રહ્યો છે.”
ડૅરેન કહે છે કે આ હુમલાની તીવ્રતા ખૂબ જ વધી ગઈ છે અને તે લાંબા સમય સુધી ચાલી રહ્યા છે.
ગત વર્ષે મે મહિનામાં, તેમણે હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં બે રાત પસાર કરવી પડી હતી. ત્યારે તેમને બે હુમલા આવ્યા હતા, જે 12-12 કલાક લાંબા ચાલ્યા હતા.
તેઓ કહે છે, “આ હુમલા અસહ્ય અને અત્યાર સુધીમાં મેં ભોગવેલા સૌથી દર્દનાક હતા.”
ક્લસ્ટર હૅડએક શું છે?

આનો સમાવેશ જવલ્લે જોવા મળતી બીમારીઓમાં થાય છે અને તે દર હજારે એક વ્યક્તિમાં જોવા મળે છે.
હુમલાની તીવ્રતા અને સંખ્યા દરેકમાં અલગ અલગ જોવા મળે છે. દરેક હુમલો 15 મિનિટથી માંડીને કલાકો સુધી ચાલે છે.
યુકે સેન્ટર ફૉર બ્રેઇન રિસર્ચનાં મૅનેજર કૅટી માર્ટિન કહે છે, “આ સ્થિતિ માથાના દુખાવા કરતાં ઘણી જટીલ છે.”
તેઓ સમજાવે છે, “જે પ્રમાણે ડૅરેન કહે છે કે ક્લસ્ટર ઍટેકથી થતો દુખાવો અસહ્ય હોય છે. તેના કારણે લોકો ચીસો પાડે છે અને આ દર્દ અટકાવવા દીવાલો સાથે માથાં પછાડે છે.”
સામાન્ય રીતે આ બીમારીથી ગ્રસ્ત લોકોની ઉંમર 30 વર્ષ કરતાં વધુ હોય છે. મહિલાઓની સરખામણીએ પુરુષોમાં આ બીમારી વધુ જોવા મળે છે.
આ બીમારીથી અનેક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની પરિસ્થિતિ પણ ઊભી થાય છે અને તેનાથી લોકોની જીવનશૈલી પર પણ અસર પડે છે.
ક્લસ્ટર હૅડએકને કારણે ડિપ્રેશનનું રિસ્ક પણ ત્રણ ગણું વધી જાય છે. આ બીમારીનો કોઈ ઇલાજ નથી.
આ દુખાવાની સ્થિતિ માટે શું સારવાર કરાય છે?

ડૅરેનને પહેલી વાર 2007માં આ પ્રકારનો હુમલો આવ્યો હતો, ત્યારે તેઓ 37 વર્ષના હતા.
“હું ત્યારે પ્રાગમાં મારા પરિવાર સાથે વૅકેશન પર હતો. મને ત્યારે માથામાં સખત દુખાવો થવા લાગ્યો. મને એવું લાગ્યું કે મને બ્રેઇન ટ્યુમર જેવી કોઈ ગંભીર બીમારી હોઈ શકે છે.”
ડૅરેન બે બાળકોના પિતા પણ છે.
તેમને અત્યાર સુધીમાં સ્ટિરોઇડ્સ, લિથિયમ, હૃદયની બીમારી સંબંધિત દવા અને આંચકીની દવા આપવામાં આવી છે.
“મને આંચકીની બીમારી નથી, પરંતુ ડૉક્ટરો તમામ પ્રકારના પ્રયત્નો છતાં કંઈ ફેર નથી પડી રહ્યો. મારી પાસે એક ઇન્જેક્શન છે, જેનો હું હુમલો આવતાં તરત જ ઉપયોગ કરું છું. ક્યારેક મને તેનાથી રાહત થાય છે.”
સ્થાનિક સ્તરે આપવામાં આવતા ઍનેસ્થેટિક ટૂંકા ગાળા માટે દુખાવો દૂર કરે છે, સ્ટિરોઇડ્સ બળતરા ઘટાડે છે અને એક વર્ષ સુધી હુમલા ઘટાડી શકે છે.
ડૅરેને ઘરે ઓક્સિજન ટ્યૂબ પણ રાખી છે, જેનો ઉપયોગ હુમલાઓને સ્થિર કરવામાં તેઓ કરે છે. તેમણે અલગ પ્રકારના ડાયટ અનુસરવાનું શરૂ પણ કર્યું હતું. તેમણે ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાનું પણ છોડી દીધું હતું, પરંતુ તેમને હજુ પણ હુમલા આવે છે.
તેઓ કહે છે, “હવે કદાચ મારા માથામાં એક નર્વ હૅડ બ્લોકર દાખલ કરવામાં આવશે.”
"હું આમ કરવાનું જોખમ લેવા તૈયાર છું કારણ કે આ માથાનો દુખાવો મારા જીવન પર ગંભીર અસર પાડી રહ્યો છે. તેનાથી બધું ખરાબ થઈ રહ્યું છે અને જ્યારે હુમલા આવે છે ત્યારે હું કંઈ જ કરી શકતો નથી."
"તેના કારણે જ મારા છૂટાછેડા થઈ ગયા. આ સ્થિતિ મને ખરેખર હવે બહુ અસહ્ય લાગે છે, કારણ કે મારાં બાળકો મારી ચીસો સાંભળીને જ મોટાં થયાં છે."
એવા પુરાવા છે કે ‘ક્લસ્ટર હૅડએક’ એ મેનિન્જાઇટિસ(મગજમાં અને કરોડરજ્જુમાં ઇન્ફેક્શનને કારણે થતી બીમારી) ને કારણે થઈ શકે છે. આ રોગ ડૅરેમ જ્યારે બે વર્ષના હતા ત્યારે તેમજ અને 12 વર્ષની ઉંમરે થયો હતો.
હજુ તો તેમણે આ સમસ્યા સાથે જ જીવવું પડશે એવું લાગે છે.
"દુખાવો ગમે ત્યારે થાય છે, તેના પર મારું કોઈ નિયંત્રણ નથી અને જ્યારે તે થાય છે ત્યારે જાણે કે તમે ભાંગી પડો છો.”












