શક્તિસિંહ ગોહિલ : ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ સામેના પડકારો કેટલાં અઘરા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દર્શન દેસાઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
જો તમને ગુજરાતમાં જ્ઞાતિવ્યવસ્થાનાં પરિમાણોનો થોડો ઘણો ખ્યાલ ન હોય અને તમે શક્તિસિંહ ગોહિલને મળો તો તેમની સાથે વાત કરીને તમને ભાગ્યે જ એવું લાગે કે તેઓ ગુજરાતના કોઈ રાજવી પરિવારના સભ્યને મળી રહ્યા છો.
શક્તિસિંહ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજવી પરિવારોના રાજપૂતોમાં સામાન્ય રીતે જ જોવા મળતી આક્રમતા નથી ધરાવતા અને તેમનામાં ઘમંડની ઝલક પણ જોવા ન મળે. મળો તો તેઓ મૃદુભાષી અને સ્પષ્ટવક્તા લાગે. તેઓ વિવિધ સમસ્યાઓ વિશેની સમજણ અને સંવેદના ધરાવે છે. તેમનું વ્યક્તિત્વ નમ્ર અને સાલસ છે.
એમ કહેવું ખોટું નહીં હોય કે કોઈ ચોક્કસ વિધાનસભા કે લોકસભા મતદારોનો સમૂહ ધરાવતી હાલ તેમની પોતાની કોઈ ચોક્કસ બેઠક નથી. તેમણે જે ભાવનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચાર વખત જીત મેળવી અને 31 વર્ષની ઉંમરે સૌથી નાની વયના મંત્રી બન્યા હતા તે બેઠક 2012માં ચૂંટણીપંચે જાહેર કરેલા વિધાનસભા બેઠકોના પુનઃસીમાંકન પ્રક્રિયામાં રદ થઈ ગઈ. ત્યારપછીની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેમાં પરાજિત થયા. જોકે તેમણે ત્યારબાદ થયેલી પેટા-ચૂંટણીમાં કચ્છ જિલ્લાના અબડાસા બેઠક પરથી વિજય મેળવ્યો.
હવે સવાલ એ થાય કે શક્તિસિંહ હરિશ્ચંદ્રજી ગોહિલને ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ કેમ બનાવવામાં આવ્યા? એ પણ એવા રાજ્યનાં જ્યાં પ્રદેશ કૉંગ્રેસના એકમ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 17 બેઠકો પરના વિજયમાં જ સમેટાઈ ગયા બાદ ખરા અર્થમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહ્યું હોય.

નવા પ્રમુખની નિમણૂક પાછળનાં સંભવિત કારણો

ઇમેજ સ્રોત, Getty Images
શક્તિસિંહ એક સારા સંગઠક અને સ્પષ્ટ વક્તા માનવામાં આવે છે તથા કૉંગ્રેસના બિહાર, દિલ્હીના પ્રભારી રહેવા ઉપરાંત રાજ્યસભાના સભ્ય અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા જેવી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. જોકે તેમની સફળતાનો દારોમદાર, વિરોધપક્ષોની એકતા અને ભાજપ વિરુદ્ધ મોટા મોરચા માટેનું જોડાણ રચવાનો પ્રયાસ કરી રહેલું કૉંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) સાથે કેવી રીતે પનારો પાડે છે, તેના પર પણ રહેલો છે.
જ્યારે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ (જીપીસીસી)ના પ્રમુખપદે નિમણૂક કરીને રાજ્યમાં પક્ષનું સુકાન તેમના હાથમાં સોંપ્યું છે. તેની પાછળ કારણ એ છે કે ગુજરાતના અન્ય તમામ અગ્રણી નેતાઓને આ પદ સોંપાઈ ચૂક્યું અને અને તેમને કસોટીની એરણે મૂકવામાં આવ્યા અને એ તમામની ખૂબીઓ અને ખામીઓ ખુલ્લી પડી ચૂકી છે. બીજું કારણ એ છે કે શક્તિસિંહ પર પોતાના વ્યાવસાયિક હિતોની જાળવણી કરવા માટે સરકારી કૉન્ટ્રેક્ટ પરની નિર્ભરતા કે અન્ય નેતાઓની જેમ વ્યક્તિગત ફસામણીના વિવાદોનું ભારણ નથી.
63 વર્ષીય ગોહિલ આઝાદી પૂર્વેના રાજાશાહીના સમયકાળના ભાવનગરના લીમડાના રજવાડાનાં રાજવી પરિવારમાંથી આવે છે. પ્રમુખપદ માટે તેમની પસંદગી પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 48 ધારાસભ્યો મોકલતા સૌરાષ્ટ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
અને જો આ નિમણૂકને કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વએ કરેલા એક પ્રયોગાત્મક પગલાં તરીકે જોઈએ (જે સારો સાબિત થશે કે નહીં તેની ચર્ચા થઈ શકે) તો શક્તિસિંહની નિમણૂક જ્ઞાતિ આધારિત નહીં પણ વ્યક્તિ આધારિત હોય તેમ જોવા મળે છે. કારણકે, ગુજરાતની કુલ વસતીમાં રાજપૂતોનું પ્રમાણ લગભગ પાંચ ટકા જેટલું જ છે. અને જ્ઞાતિની દૃષ્ટિએ શક્તિસિંહ ગોહિલની ઓળખ રાજપૂત જ્ઞાતિના નેતા તરીકેની નથી. એમની છબી એવા નેતા તરીકેની પણ નથી જેના વ્યક્તિત્વનો પ્રભાવ સમગ્ર ગુજરાતમાં વ્યાપક હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શક્તિસિંહને પોતાના અંગત હેતુઓ આધારિત નિર્ણયો માટે પક્ષના માળખાનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેઓ સ્વચ્છ છબી ધરાવે છે.
તેમની સામે ચૂંટણી સમયે પક્ષના ઉમેદવારોની પસંદગી કરતી વખતે કોઈપણ પ્રકારનું વળતર લઈને ટિકિટો આપવાનો આરોપ નથી થયો. તેઓ જૂથવાદમાં વહેંચાયેલા પક્ષમાં કોઈ ચોક્કસ જૂથનું પ્રતિનિધત્વ કરતા હોય તેવા આક્ષેપો પણ હજી સુધી તેમની સામે નથી થયા.
આ ઉપરાંત તેમની પસંદગીની તરફેણમાં જાય તેવા મુદ્દા એ છે કે તેઓ અભ્યાસુ રાજકારણી છે, કારણ કે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરી ચૂકેલા સક્ષમ વકીલ રહી ચૂક્યા છે. તેમના આ વ્યવસાયે જ તેમની ઝીણું કાંતવાની ક્ષમતા, ઊંડાણપૂર્વકનો અભ્યાસ, વિચારોની સ્પષ્ટતા અને તર્કબદ્ધ દલીલ કરવાનાં કૌશલ્યોમાં યોગદાન આપ્યું છે.
એક મંત્રી તરીકે 90ના દાયકામાં તેમણે નાણાં, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, નર્મદા અને સામાન્ય વહીવટ જેવા વિભાગો સંભાળ્યા હોવા ઉપરાંત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને પક્ષના મુખ્ય દંડક જેવા પદો પર પણ કામગીરી કરી છે. જેને કારણે તેઓ ગુજરાતનાં મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની ઊંડી સમજ ધરાવે છે.

શક્તિસિંહ સામેના પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે શક્તિસિંહ ગુજરાત કૉંગ્રેસમાંથી બિનઉપયોગી અને અપ્રસ્તુત બની ચૂકેલા જૂનાં જોગીઓને ખસેડીને પક્ષમાં મહત્ત્વના સ્થાનો પર યુવાન અને નવા ચહેરાને પ્રોત્સાહન અને જવાબદારી આપવામાં સફળ નહીં થઈ શકે તો તેમની રાજકીય અને વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતી પૃષ્ઠભૂમિ પક્ષને મદદરૂપ નહીં બની શકે.
ગત વર્ષે ભારતીય જનતા પક્ષ છોડીને કૉંગ્રેસમાં જોડાયેલા વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ, શક્તિસિંહની નિમણૂક વિશે કહે છે, "કૉંગ્રેસમાં પ્રતિભાવાન યુવાનોની કોઈ ખોટ નથી અને મને વિશ્વાસ છે કે શક્તિસિંહ તેમને પ્રોત્સાહન આપશે. તેઓ એક સારા વકીલ છે અને તેમને કોઈ ઇગો નથી.
"જેમની સાથે પનારો પાડવો મુશ્કેલ હોય તેવા લોકો પરિસ્થિતિને હૅન્ડલ કરવાની કુનેહ અને મુત્સદ્દીપણું તેઓ ધરાવે છે. આ પદ માટે તેમની પસંદગી સારી છે."
જોકે, શક્તિસિંહ માટે આ બધું લાગે છે એટલું સરળ નહીં હોય. ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર વિદ્યુત જોષી કહે છે, "કૉંગ્રેસ પક્ષના પ્રભાવ અને સત્તા ગુમાવી ચૂકેલાં આંતરિક જૂથો કોઈપણ આશાસ્પદ નેતા ખાસ કરીને યુવાન નેતાઓ માટે આડખીલીરૂપ બનીને પક્ષમાં તેમનો વિકાસ રૂંધવામાં અથવા તેમને હાંસિયામાં મૂકી દેવાની વૃત્તિ ધરાવે છે."
તેમણે કહ્યું, "આ એ જ કારણ છે જેના લીધે પક્ષ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને બીજા અન્ય યુવાન નેતાઓને પક્ષ છોડતાં ન રોકી શકી. જો આ તેમને યોગ્ય રીતે હૅન્ડલ કરવામાં આવ્યા હોત તો હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ મેવાણી (વડગામથી કૉંગ્રેસના ધારાસભ્ય) એક મજબૂત સંયોજન બની શક્યા હોત."
તેમણે કહ્યું કે, "પ્રમુખપદ માટે શક્તિસિંહની પસંદગી નિશંકપણે યોગ્ય છે, ખાસ કરીને “મર્યાદિત વિકલ્પોમાં તેઓ અન્યો કરતાં બહેતર છે." પરંતુ વિદ્યુત જોષીને તેમની અસરકારકતા મુદ્દે કંઈપણ કહેવા કરતાં થોડી રાહ જોવાનું વધુ પસંદ છે, કારણ કે તેઓ જોવા માગે છે કે શક્તિસિંહ, "પક્ષના કામ બગાડી મૂકે તેવા નેતાઓને નાથી શકશે કે નહીં."
ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ પાસે કામનો કોઈ તોટો નથી. તેમણે પક્ષનાં તાલુકા અને જિલ્લા કક્ષાનાં એકમોને પુનર્જિવિત અને પુનર્ગઠિત કરવાનાં છે, અને પક્ષના રાજ્ય કક્ષાના માળખામાં પણ મોટી વાઢકાપ કરવી પડશે.
કૉંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણીઓમાં પોતાનો દેખાવ સુધારવાનો આ પડકાર એટલો મોટો થઈ ગયો છે, કારણ કે અહીં ચૂંટણી ભાજપ લડે છે અને લોકો મ્યુનિસિપાલિટીથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત આપે છે, પક્ષને નહીં.
એ યાદ રાખવું જરૂરી છે કે છેલ્લી બે લોકસભા એટલે કે વર્ષ 2014 અને 2019માં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મળ્યો છે.
આ જીત એટલી વ્યાપક હતી કે વિજયી બેઠકો પરનો મતોનો ઓછામાં ઓછો તફાવત 1.25 લાખ મતો અને વધુમાં વધુ તફાવત 6.9 લાખ મતોનો હતો.
સૌથી વધુ મતોના તફાવતથી ભાજપના વર્તમાન પ્રમુખ સી આર પાટીલ વિજેતા બન્યા હતા.
ભાજપના 15 જેટલા ઉમેદવારો એ ચૂંટણીઓમાં સરેરાશ 3.5 લાખ મતોના તફાવતથી જીત્યા હતા.
વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીઓ છેલ્લી બે લોકસભા ચૂંટણીઓ કરતાં વધુ મુશ્કેલ એટલા માટે બનશે કારણ કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદ માટેની સતત ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડશે અને તમામ મુખ્ય વિરોધપક્ષો ભાજપ વિરુદ્ધ એકઠા થવામાં તેમનું તમામ જોર લગાવી દેશે.
મોદીના પક્ષ માટે દરેક બેઠક પર જીત મેળવવી એ મહત્ત્વનું બની રહેશે, કૉંગ્રેસ માટે જ્યાં જીત મેળવવી અશક્ય છે તેવા ગુજરાતમાં જેટલું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એ જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલા આ પક્ષ માટે બોનસ જેવું હશે.

ઇમેજ સ્રોત, Getty Images
અહીં એ બાબતની નોંધ લેવી જરૂરી છે કે કૉંગ્રેસના ઉમેદવારોએ વર્ષ 2022ના ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં 44 બેઠકો પર પોતાની ડિપોઝિટ ગુમાવી હતી અને લગભગ એ તમામ બેઠકો પર આપના ઉમેદવારોએ કૉંગ્રેસના ઉમેદવારો કરતાં વઘુ મતો મેળવીને ભાજપના વિજયી ઉમેદવારો બાદ બીજા ક્રમે રહ્યા હતા.
એ ચૂંટણીમાં આપને માત્ર પાંચ બેઠકો જ મળી છે, પરંતુ તેને 13 ટકા મતો મળ્યા હતા અને કુલ મતોમાં કૉંગ્રેસનો હિસ્સો જે 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં 41.4 ટકા હતો તે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં ઘટીને 27.3 ટકા પર આવી ગયો હતો. જ્યારે આ જ સમયગાળા માટે ભાજપનો કુલ મતોમાં હિસ્સો 2017માં 49.05 ટકાથી વધીને 2022માં 52.2 ટકા થઈ ગયો હતો.
વર્ષ 2022ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળેલું ચોંકાવનારું તથ્ય એ પણ છે કે 33 જેટલી બેઠકો પર કૉંગ્રેસ અને આપના ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા ભાજપના વિજયી બનેલા ઉમેદવારને મળેલાં કુલ મતો કરતાં વધારે હતી. આ બેઠકોમાં જે 44 બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી તેનો સમાવેશ નથી થતો.
આ આંકડાઓને ધ્યાનમાં લઈએ તો શક્તિસિંહ ગોહિલ સામે ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષને ફરીથી ઊભો કરવાનો પડકાર હિમાલય જેટલો મોટો છે. જોકે, જયનારાયણ વ્યાસ આશાવાદી છે. તેઓ કહે છે, "આ પડકાર પહોંચી જ ન વળાય એટલો મોટો નથી. આ એજ કૉંગ્રેસ પક્ષ છે અને એજ કાર્યકરો છે, જેમણે વર્ષ 2017માં લોકો સમક્ષ યોગ્ય મુદ્દાઓની રજૂઆત કરીને સરકારમાં રહેલી ખામીઓને ઊજાગર કરીને ભાજપને લગભગ ઘૂંટણીયે પાડી દીધો હતો."
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ 99 બેઠકો સાથે વિજયી બન્યો હતો એમ કહેવા કરતાં 182 બેઠકોના વિધાનસભાગૃહમાં સાદી બહુમતી માટે જરૂરી 92 કરતાં સાત બેઠકો વધુ મેળવીને એ ચૂંટણીઓ હારી જતા બચ્યો હતો એમ કહેવું ખોટું નહી હોય.
વ્યાસ ખોટા નથી, આમ છતાં કૉંગ્રેસ પક્ષ માટે બોલવા કરતાં કરી દેખાડવું વધુ અઘરું છે. કારણકે આ એજ કૉંગ્રેસ પાર્ટી છે, જેણે વર્ષ 2017ના પરિણામો આપેલી તકને ત્યારબાદ વેડફી નાખી હતી અને આ વાતનો નરી આંખે જોઈ શકાય તેવો પુરાવો વર્ષ 2022ની ચૂંટણીનાં પરિણામો છે.
નોંધ : અહેવાલમાં પ્રગટ કરાયેલા વિચારો લેખકના અંગત છે.














