રાહુલ ગાંધીને અમેરિકાના પ્રવાસથી શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એક વાર ભારતીય મૂળનાં અમેરિકન વૈજ્ઞાનિક સ્વાતિ મોહન સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભારતીય મૂળના અમેરિકનો જે રીતે દેશ પર છવાઈ રહ્યા એ વાત પ્રશંસનીય છે.
તેમણે કહ્યું હતું – તમે, મારાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને મારાં ભાષણો લખનારા વિનય રેડ્ડી, તમે બધા પ્રશંસાને પાત્ર છો.
આ વાત અમેરિકન ડાયસ્પોરાના વધતા જતા પ્રભાવ સ્વરૂપે જોવામાં આવી.
કદાચ આ કારણને ધ્યાને લઈને જ રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાની ટીમમાં ભારતીય ડાયસ્પોરાના 130 લોકોની નિમણૂક કરી છે.
ત્યાં ભારતીય અમેરિકનો બીજો સૌથી મોટો પ્રવાસી સમૂહ છે.
અમેરિકન વસતિગણતરી બ્યૂરો તરફથી વર્ષ 2018માં થયેલ અમેરિકન સામુદાયિક સર્વેક્ષણ (એસીએસ)ના આંકડા અનુસાર અમેરિકામાં ભારતીય મૂળના 42 લાખ લોકો રહે છે. આ પૈકીના મોટા ભાગના લોકો (38 ટકા) અમેરિકન નાગરિકો છે.
ભારતીય પ્રવાસીની વસતિનું પ્રમાણ અમેરિકાની વસતિના એક ટકા જેટલું છે, પરંતુ ઇન્કમટૅક્સની ભરપાઈ બાબતે તેમનો ફાળો કુલ વસૂલાતના છ ટકાનો છે.
કુલ્લે આઈટી, શિક્ષણ અને ફાઇનાન્સના ક્ષેત્રમાં ભારતીય સમુદાયની સફળતા અન્ય અમેરિકન સમુદાયો માટે એક ઉદાહરણ સમાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મૂળના લોકોની અમેરિકન સમાજ અને અમેરિકાના રાજકારણમાં વધતી જતી પ્રતિષ્ઠા અને મહત્ત્વનો અંદાજ અમેરિકાના પ્રવાસે જનારા ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાનોને પણ હતો.
પરંતુ એ વાતને પણ નકારી ન શકાય કે આમના મહત્ત્વનો સૌપ્રથમ અંદાજ અને ભારત અને પોતાના હિતમાં તેમનો ઉપયોગ કરવાની શરૂઆત સૌપ્રથમ નરેન્દ્ર મોદીએ કરી હતી, તેઓ મે, 2014માં વડા પ્રધાન બન્યા તે બાદ સપ્ટેમ્બર માસમાં અમેરિકાના સરકારી પ્રવાસે ગયા હતા.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ બ્રિટન અને સિંગાપુર જેવા દેશોમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરી ચૂક્યા છે.
તેમણે ગયા અઠવાડિયે અમેરિકાનો પોતાનો છ દિવસનો પ્રવાસ પૂરો કર્યો અને તેમની આ યાત્રાએ ભારતીય સમુદાયના જે લોકોની એ ફરિયાદનો પણ નિવડો લાવ્યો હતો કે તેમને મળવા વડા પ્રધાન મોદી સિવાય ભારતના અન્ય નેતા નથી આવતા.

રાહુલ ગાંધીને આ પ્રવાસથી શું હાંસલ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવે એવા પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે રાહુલ ગાંધીને આ પ્રવાસથી શો લાભ થયો?
કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અખિલેશ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે, “વિશ્વે તેમને ખૂબ રસ સાથે સાંભળ્યા અને તેઓ વિશ્વમાં ખૂબ સારો પ્રભાવ પાડીને આવ્યા છે.”
રાહુલ ગાંધી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ તેઓ અમેરિકા પહોંચ્યા હતા.
અખિલેશ પ્રતાપસિંહ આગળ જણાવે છે કે, “આજની તારીખે રાહુલ ગાંધી આધિકારિકપણે કોઈ પદ પર નથી. ના સંગઠનમાં, ના સરકારમાં અને ના ગૃહમાં. પરંતુ વિશ્વમાં તેમનું એક સ્થાન છે, તેમનો એક અવાજ છે, એક વિઝન છે જે વિશ્વ જાણવા માગે છે.”
તેમણે કહ્યું કે આ બાબતની ના ભારતમાં ઉપેક્ષા કરી શકાય ન વૈશ્વિક સ્તરે. કોઈ એવો નેતા છે ખરો, જે સત્તાથી દૂર જતા રહે અને તેમને આટલા રસથી સાંભળવામાં આવે? ભાજપની જ વાત કરીએ તો, કોઈ પૂર્વ વડા પ્રધાનને કોઈ પૂછે છે ખરું?
રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ એવા સમયે થયો છે, જ્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સફળતાથી પાર્ટીનું મનોબળ વધ્યું છે અને પાર્ટી આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં અત્યારથી જોતરાઈ ગઈ છે.

તો શું ચૂંટણીમાં આ વાતનો લાભ તેમને મળી શકશે?
દક્ષિણપંથી રાજકીય, વિદેશનીતિ વિશેષજ્ઞ અને ભાજપના સભ્ય ડૉ. સુવ્રોકમલ દત્તા જણાવે છે કે, “જો ટૂંકમાં રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસનું વિશ્લેષણ કરાય તો એવું લાગે છે કે અમેરિકામાં ભારતવિરોધી અને પાકિસ્તાન સમર્થક દર્શકો સામે અમુક સસ્તા રાજકીય આધારહીન સ્ટન્ટ સિવાય તેમને રાજકીય દૃષ્ટિએ કશું હાંસલ નથી થયું.”
પરંતુ અખિલેશ પ્રતાપસિંહ પ્રમાણે અમેરિકાના પ્રવાસ મારફતે રાહુલ ગાંધીની વાતો અને તેમના વિચાર સમગ્ર વિશ્વમાં પ્રસર્યાં છે અને તેમનો આ પ્રવાસ કામિયાબ રહ્યો છે.
તેઓ કહે છે કે, “વિશ્વના દરેક ક્ષેત્રના લોકો રાહુલ ગાંધીને સાંભળવા અને તેમનો મત જાણવા ઇચ્છે છે. તેમને સાંભળ્યા બાદ દરેક ક્ષેત્રમાં તેમની ગહન જાણકારી હોવાનું લોકોને લાગે છે. રાહુલ ગાંધીને સાંભળ્યા બાદ આ લોકો પણ એ વાતનો સ્વીકાર કરે છે કે આ વ્યક્તિમાં દેશ અને વિશ્વને નવી દિશામાં લઈ જવાની ક્ષમતા છે.”
પરંતુ સત્તાધારી ભાજપની નજરમાં રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસથી તેમને કોઈ લાભ નથી થયો.
ડૉ. દત્તા જણાવે છે કે, “પશ્ચિમ સાથે રાહુલનું રોમૅન્સ તેમને કોઈ સુંદર રોમૅન્ટિક કહાણી નથી આપતું, બલકે જ્યારે પણ તેઓ આવા પ્રવાસ પરથી ભારત પરત ફરે છે ત્યારે તેમણે ટીકાનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતવિરોધી નારા તેમના માટે કોઈ આશીર્વાદ સમાન નહોતા.”
વૉશિંગટનમાં રહેલા વરિષ્ઠ પત્રકાર અજિત સાહી જણાવે છે કે ભારતીય વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો તાજેતરનો અમેરિકા ફ્રવાસ બે મામલાને લઈને સફળ રહ્યો.
તેઓ જણાવે છે કે, “પ્રથમ વાત એ કે નવ વર્ષમાં પ્રથમ વાર તેઓ વૉશિંગટન ડીસીમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય વધુ એક અવાજને નીતિનિર્માતાઓ સામે લાવવામાં સફળ રહ્યા. બીજી વાત એ કે પાછલાં નવ વર્ષમાં પ્રથમ વખત આ મુલાકાતથી એ હજારો ભારતીયોને એક તક આપી શકાઈ જેઓ મોદીના રાજકારણથી પોતાની જાતને અલગ મૂકે છે, આ લોકો જુદાં જુદાં શહેરોમાં મોટા સમૂહોમાં એકઠા થાય છે અને તેમની એકતા અને શક્તિનું પ્રદર્શન કરે છે.”
પરંતુ તેમનું એવું પણ માનવું છે કે એવું નથી કે બાઇડન પ્રશાસન મોદીથી વિમુખ થઈ જશે.
અજિત સાહી જણાવે છે કે, “નિશ્ચિતપણે કોઈ એવો દાવો નથી કરી રહ્યું કે અમેરિકન સરકાર મોદીથી વિમુખ થવા જઈ રહી છે.”
તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીના એક પ્રવાસથી અમેરિકા જે રીતે ભારત કે નરેન્દ્ર મોદી સાથે ડિલ કરે છે, એ વલણ નથી બદલાવાનું.
ન્યૂયૉર્કમાં વરિષ્ઠ પત્રકાર સલીમ રિઝવી પ્રમાણે રાહુલ ગાંધીના પ્રવાસનો અસલ હેતુ આગામી લોકસભા ચૂંટણી માટે સમર્થન હાંસલ કરવાનું હતું.
તેઓ જણાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાહુલ ગાંધી પણ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતે અને તેમની પાર્ટી તેમને મુખ્ય વિપક્ષના નેતા તરીકે સ્થાપિત કરવા ઇચ્છે છે.
રિઝવી જણાવે છે કે, “ઘણા ભારતીય અમેરિકનો અને એનઆરઆઇ ચૂંટણી દરમિયાન ભારતમાં રહેનારા પોતાના પરિવારોના સંપર્કમાં રહે છે. તેમને પ્રભાવિત કરે છે, પોતાની પસંદના નેતા માટે કૅમ્પેન પણ કરે છે, તેથી આ પ્રયત્નોને સમર્થન મેળવવા માટેના પ્રયાસ તરીકે જોવા જોઈએ.”

અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા આટલો મહત્ત્વપૂર્ણ કેમ?
ભારતીય ડાયસ્પોરાના લોકો બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં સફળ છે પરંતુ એ કહેવું ખોટું નહીં હોય કે ભારતીય નેતા અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન વધુ કરે છે.
આવું એટલા માટે કે એ પૈકી ઘણાના સંબંધી ભારતમાં રહે છે અને ચૂંટણી દરમિયાન જાતે સ્વદેશ પરત ફરીને જે-તે પાર્ટી માટે કામ પણ કરે છે.
પરંતુ આનાથી પણ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારતીય ડાયસ્પોરા મારફતે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની સરકાર સુધી તેમની પહોંચ સરળ થઈ જાય છે. આ પ્રકારનો લાભ કોઈ અન્ય દેશની સરકારના નસીબમાં નથી.
અમેરિકામાં ‘ઇન્ડિસ્પોરા’ નામની એક સંસ્થા છે, જેનું કામ ભારતીય મૂળના લોકો સાથે તાલમેલ વધારવાનું છે.
આની એક યાદી અનુસાર, 40 કરતાં વધુ ભારતીય-અમેરિકનો સમગ્ર અમેરિકામાં વિભિન્ન કાર્યાલયો માટે પસંદ થયા છે.
ચાર પ્રતિનિધિ સભામાં છે – ડૉ. અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલ.
આ યાદીમાં ચાર મેયર પણ સામેલ છે. આ સિવાય, ઉદ્યોગ અને વેપારજગતમાં પણ ભારતીય મૂળના લોકો છવાયેલા છે.
ગૂગલના ચીફ ભારતીય-અમેરિકન સુંદર પિચાઈ અને માઇક્રોસૉફ્ટના સત્ય નડેલા સાથે બે ડઝન કરતાં વધુ ભારતીય-અમેરિકન અમેરિકન કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે.
ટેક્સસના હ્યૂસ્ટનનાં ફાતિમા અજીજ ડૉક્ટર છે. પરંતુ મોકળાશના સમયે તેઓ ભારતીય સમુદાયમાં સોશિયલ વર્ક કરે છે.
તેમનું કહેવું છે કે અમેરિકન પ્રશાસન સુધી કોઈ સરકારની તેના પ્રવાસીઓ મારફતે પહોંચ હોય તો, એ સરકારના ઘણાં કામ સરળતાથી થઈ જાય છે.
તેઓ કહે છે કે, “તમે વૉશિંગટન ડીસી જઈને જુઓ, સમગ્ર વિશ્વના નેતા આવે છે અને બધા ઇચ્છે છે કે વ્હાઇટ હાઉશની ઓવલ ઑફિસ (રાષ્ટ્રપતિની ઑફિસ) સુધી તેમની પહોંચ હોય. દરેક પ્રકારનાં કામ માટે સમગ્ર વિશ્વની સરકારો અહીં લૉબી કરાવે છે. ભારત પણ આવું કરે છે પરંતુ ભારતીય મૂળના ડઝનો લોકો બાઇડન પ્રશાસનમાં કામ કરતા હોઈ તેમનું કામ ઘણું સરળ થઈ જાય છે.”
નરેન્દ્ર મોદીને આ વાત વર્ષ 2014 પહેલાંથી સમજાઈ ચૂકી હતી, આ એ સમય હતો જ્યારે ત્યાંની સરકારે અમેરિકાના પ્રવાસ મામલે તેમના પર પ્રતિબંધ લાદ્યો હતો અને પ્રવાસીઓની મદદ વડે આ પ્રતિબંધ હઠાવવામાં સરળતાનો અનુભવ થયો હતો.
રાહુલ ગાંધી અને દેશના અન્ય નેતા પણ આ સમુદાયના મહત્ત્વને ખૂબ સારી રીતે સમજે છે.

પ્રવાસી ભારતીયોમાં મોદીનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બેસીને જોતાં અને ભારતીય મીડિયા પર નજર નાખવામાં આવે તો એવું લાગે છે કે અમેરિકામાં ભારતીય મૂળના તમામ લોકો મોદી સમર્થક છે. પરંતુ શું આ વાત સત્ય છે?
લંડનમાં વરિષ્ઠ પત્રકાર પ્રસૂન સોનવલકર કહે છે કે પ્રવાસી ભારતીયોમાં મોદીને વ્યાપક સમર્થન હાંસલ છે, જે આરએસએસ સાથે સંકળાયેલાં સંગઠનો દ્વારા વર્ષો અને દાયકાઓ સુધી વિદેશોમાં કરાયેલાં કામોનું પણ પરિણામ છે.
પરંતુ ન્યૂયૉર્કમાં ભારતીય મૂળના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાત યોગેશ શર્મા જણાવે છે કે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા વિચારોના આધારે વિભાજિત છે.
તેઓ કહે છે કે, “વિચારધારાઓ આધારે ભારતીય ડાયસ્પોરાને ઘણી શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે : પ્રવાસી ભારતીયોમાં એક વર્ગ દક્ષિણપંથી છે અને તેઓ પાછલી સરકારની લઘુમતીના તુષ્ટિકરણની નીતિથી પરેશાન છે અને આ લોકો જ્યાં સુધી કૉંગ્રેસ ન્યૂટ્રલ ગ્રાઉન્ડ પર ન આવી જાય કે દેશમાં ચાલી રહેલા ધર્માંતરણની ટીકા ન કરે ત્યાં સુધી ભાજપનું સમર્થન કરશે. આવું થાય એ માટે કૉંગ્રેસ બે કરતાં વધુ બાળકોની નીતિ માટે લઘુમતીની ટીકા સમાન નાગરિક કાયદાનું સમર્થન કરવું પણ આવશ્યક છે.”
તેઓ આગળ કહે છે – બીજી શ્રેણીમાં પ્રવાસી ભારતીયોનો એ વર્ગ છે, જેઓ ઑપરેશન બ્લૂ સ્ટાર (કૉંગ્રેસ સમયે વર્ષ 1984માં થયેલ સૈન્ય અભિયાન)ના કારણે રાહુલનું સમર્થન નથી કરતો. આ વર્ગ કાં તો મોદી કાં તો કેજરીવાલનું સમર્થન કરે છે.
યોગેશ શર્મા ત્રીજી શ્રેણીના લોકો વિશે જણાવતાં કહે છે કે આ લોકો બહુસાંસ્કૃતિક અને એકમેક સાથે જોડાયેલ વિશ્વમાં જીવે છે અને એવું માને છે કે તેમણે શાંતિપૂર્ણ રીતે આગળ વધવાની જરૂરિયાત છે.
તેઓ કહે છે કે, “તેઓ સમજે છે કે ભારતની બહારનું વિશ્વ લોકોને મહાત્મા ગાંધીના નામે ઓળખે છે અને આ લોકો મોદી, ભાજપ અને તેના આઇટી સેલ મારફતે ફેલાવાયેલા જૂઠાણાથી પરેશાન થઈ ચૂક્યા છે. આ લોકો મોદીના માર્કેટિંગના નાટકથી હેરાન થઈ ચૂક્યા છે. આ વર્ગ રાહુલ વધુ ‘ભારત જોડો યાત્રા’ કરે એવી ઇચ્છા ધરાવે છે. આ લોકો નિશ્ચિતપણે માને છે કે રાહુલમાં ક્ષમતા છે પરંતુ તેમણે સપાટી પર કામ કરવાની અને ભારતીય લોકો સાથે વધુ સંપર્ક વિકસિત કરવાની જરૂરિયાત છે જેથી તેઓ તેમના નેતા બની શકે.”
વરિષ્ઠ પત્રકાર પ્રસૂન સોનવલકર જણાવે છે કે ઘણી વાર ચૂંટણી દરમિયાન, પ્રવાસી ભારતીયોનો સમૂહ દેશ પરત ફરે છે અને પોતાની પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કરે છે.
જેઓ દેશ પરત ફરીને પ્રચાર નથી કરી શકતા, તેઓ ફોન કૉલ અને બીજાં સંચાર માધ્યમો થકી પોતાના પરિવારો અને મિત્રો સાથે વાત કરીને પ્રચાર કરે છે. હવે તો વિદેશમાં રહેતા ભારતીયો પણ વોટ માટે રજિસ્ટ્રેશન કરી શકે છે અને દેશ આવીને મત પણ આપી શકે છે તેથી તેમને પણ વોટ બૅન્ક ગણવામાં આવે છે.
પ્રસૂન સોનવલકર જણાવે છે કે, “ભારતીય ડાયસ્પોરા હંમેશાં મહત્ત્વપૂર્ણ રહ્યો છે. ખાસ કરીને વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક સંબંધો સંદર્ભે. મીડિયા અને સૂચના તકનીક હવે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, જેના કારણે ભારતીય મૂળના લોકોને વૈશ્વિક ઓળખ મળી છે. ભારતીયોએ બીજા દેશોના સાર્વજનિક જીવનમાં પોતાની ભાગીદારીમાં વધારો કર્યો છે. ભારતીય ડાયસ્પોરા માટે હવે ભારતમાં બની રહેલી ઘટનાઓ ખાસ કરીને રાજકીય ઘટનાઓ અંગે જાણવું, તેને ફૉલો કરવું અને એ અંગે પ્રતિક્રિયા આપવું એ સરળ છે.”
હવે 21 જૂનના રોજ વડા પ્રધાન મોદી પણ અમેરિકાના પ્રવાસ માટે નીકળશે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.
તેમની પાછલી સભાઓમાં હજારોની જનમેદની ઊમટી પડી હતી. ડાયસ્પોરા જોશથી ભરપૂર હતો, લોકો ‘મોદી, મોદી’ના નારા પોકારી રહ્યા હતા. આ વખતે પણ કંઈક આવું જ થવાની આશા છે.
આ સિવાય 21 જૂનના રોજ યોગ દિવસમાં પણ નરેન્દ્ર મોદી હોંશભેર ભાગ લેશે.

મોદીના પ્રવાસ બાદ રાહુલના પ્રવાસની વાતનું મહત્ત્વ ઘટશે?
યોગેશ શર્મા કહે છે કે મોદીની સભાઓમાં ગુજરાતીઓની ભારે ભીડ હોય છે અને મોદીને તેમનું પૂરું સમર્થન હાંસલ છે.
તેઓ કહે છે કે, “રાહુલની સભાઓ કૉન્ફરન્સ હૉલ અને વિશ્વવિદ્યાલયો સુધી જ સીમિત હતી. આ બધું મોદીની વિપરીત છે., જેઓ સ્ટેડિયમમાં ભીડને એકઠી કરવાનું પસંદ કરે છે અને ગુજરાતી સમુદાયના લોકો પોતાના સાથી ગુજરાતીના સમર્થન માટે ભારે સંખ્યામાં ઊમટી પડે છે.”
યોગેશ આગળ જણાવે છે કે, “તેથી સપાટી પરથી જોતાં એવું લાગી શકે કે મોદી રાહુલ ગાંધીના પ્રવાસ પર ભારે પડી રહ્યા છે. સાથે જ, રાહુલના કોઈ પણ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ કે કોઈ વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના કોઈ નેતા સાથે નહોતા. એવું લાગી શકે કે મોદી સરસાઈ હાંસલ કરી રહ્યા છે, પરંતુ સપાટી પરની પરિસ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે. દક્ષિણપંથીઓ સિવાય, પ્રવાસી ભારતીયોનો એક વર્ગ મોદી કે તેમની માર્કેટિંગ વ્યૂહરચના અને ભાષણોથી પ્રભાવિત નથી.”
ફાતિમા અજીજ કૉંગ્રેસનાં સમર્થક છે, પરંતુ તેઓ કહે છે કે તેઓ રિયલિસ્ટિક પણ છે.
તેમને લાગે છે કે રાહુલ ગાંધીના પ્રવાસને કદાચ લોકો ઘણા દિવસ સુધી યાદ નહીં રાખે, કારણ કે 21 અને 22 જૂનના રોજ નરેન્દ્ર મોદી અમેરિકામાં છવાયેલા રહેશે.
તેઓ કહે છે કે આ મોદીની સરકારી યાત્રા છે અને સમગ્ર અમેરિકન મીડિયા એ બતાવશે. ભારતીય મીડિયામાં પણ ખૂબ જ શોરબકોર હશે અને લોકોને એ દૃશ્યો વધુ યાદ રહેશે.














