You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વધુ મીઠું ખાવાથી હાઇ બ્લડપ્રેશર થાય, ઓછું ખાવાથી મૃત્યુ પણ થઈ શકે, કેટલું મીઠું ખાવું જોઈએ
પાકશાસ્ત્રમાં મીઠાને સબરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાથી ન કેવળ રસોઈમાં સ્વાદ વધી જાય છે, પરંતુ માનવજીવન માટે પણ તે જરૂરી છે.
મીઠામાં રહેલું સોડિયમ શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. તે શરીરના કોષોને પોષકતત્ત્વો શોષવામાં પણ મદદ કરે છે.
બીબીસી વર્લ્ડ સર્વિસના 'ધ ફૂડ ચેઇન' કાર્યક્રમમાં માનવશરીરમાં મીઠાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા કેટલું નમક શરીર માટે હાનિકારક નીવડી શકે છે, તેના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
મીઠું કેટલું મહત્ત્વપૂર્ણ છે?
અમેરિકાની રગટર્સ યુનિવર્સિટી ખાતે ન્યૂટ્રિશનલ સાયન્સિસના પ્રોફેસર પૉલ બ્રૅસલિનના કહેવા પ્રમાણે, "જીવન માટે મીઠું જરૂરી છે."
"શરીરના સક્રિય કોષો માટે મીઠું વિશેષરૂપે મહત્ત્વપૂર્ણ છે. જેમાં ન્યૂરૉન્સ, મગજ, કરોડરજ્જૂ તથા તમામ માસપેશીઓનો સમાવેશ થાય છે. તે ચામડી તથા હાડકાંનો પણ અભિન્ન ભાગ છે."
પ્રો. બ્રૅસલીનના મતે, "જો આપણે યોગ્ય પ્રમાણમાં સોડિયમનું સેવન ન કરીએ, તો મૃત્યુ પણ થઈ શકે છે."
સોડિયમના અભાવે 'હૅપોનૅટ્રૅમિયા' થઈ શકે છે. જેના કારણે ભ્રમ, ઊલટી, ચીડિયો સ્વભાવ તથા કૉમા જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના (ડબ્લ્યૂએચઓ) જણાવ્યાનુસાર, નિયમિત રીતે પાંચ ગ્રામ મીઠાનું સેવન કરી શકાય, જે એક ચમચી જેટલું હોય છે. તેમાં બે ગ્રામ જેટલું સોડિયમ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વૈશ્વિકસ્તરે લોકો સરેરાશ 11 ગ્રામ મીઠાનું સેવન કરે છે. જેના કારણે હૃદયરોગ, ગૅસ્ટ્રિક કૅન્સર, ઑસ્ટિયોપોરોસિસ, મેદસ્વીતા તથા કિડનીને લગતી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
ડબલ્યુએચઓનું અનુમાન છે કે વધારે પડતાં મીઠાનું સેવન કરવાથી દર વર્ષે લગભગ 18 લાખ 90 હજાર લોકો મૃત્યુ પામે છે.
સૌથી વધુ મીઠું કોણ ખાય છે?
અનેક દેશોમાં પ્રૉસેસ્ડ ફૂડમાં રહેલાં મીઠાને કારણે તેનું સેવન વધી જાય છે. આ સિવાય તેના માટેનાં ઐતિહાસિક કારણો પણ જવાબદાર હોઈ શકે છે.
કઝાખસ્તાનના લોકો દૈનિક સરેરરાશ 17 ગ્રામ મીઠાનું સેવન કરે છે, જે આદર્શ કરતાં લગભગ ત્રણ ગણું વધારે છે.
મરિયમ કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં રહે છે, તેમનાં કહેવા પ્રમાણે, "આ આદત વારસાગત છે. અમારા પૂર્વજો સ્તેપીના વિસ્તારોમાં ફરતા. મોટા જથ્થામાં માંસ લઈને ફરવું પડતું. આ માંસને જાળવી રાખવા માટે નમકનો ઉપયોગ થતો."
"પરિવારો દ્વારા શિયાળા દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તે માટે મીઠાનો સંગ્રહ કરવામાં આવતો. તેઓ ગાય, ઘેટાં-બકરાં એટલે સુધી કે ઘોડા પણ સંગ્રહી રાખતા."
મરિયમનાં દીકરીને આઠ વર્ષ પહેલાં આરોગ્યસંબંધિત સમસ્યા થઈ. મરિયમને તબીબે સલાહ આપી કે તેઓ ખાવામાં મીઠા, ખાંડ અને ચરબીનો ઉપયોગ ઘટાડે. પરિવારે તરત જ ખાવામાં મીઠું ઘટાડી દીધું.
મરિયમ કહે છે, "બીજા દિવસે અમે અમારો ડાયટવાળો ખોરાક શરૂ કર્યો, તો તેનો સ્વાદ ખૂબ જ વિચિત્ર લાગ્યો. એવું લાગ્યું જાણે કે અમે ખોરાક ખાધો તો ખરો, પરંતુ તેનો સ્વાદ પરખાતો ન હતો."
જોકે, આ સમસ્યા લાંબો સમય ચાલી નહીં. મરિયમ તથા તેમના પરિવારને મીઠા વગરનાં ભોજનની ટેવ પડી ગઈ.
શરીર ઉપર નમકની શું અસર થાય?
આપણાં જીભ અને ગળામાં સૉફ્ટ પૅલેટ હોય છે. જ્યારે આપણે મીઠું ખાઈએ છીએ, ત્યારે તેને અનુભવી શકાય છે.
પ્રો. બ્રૅસ્લિનના કહેવા પ્રમાણે, "મીઠાને કારણે આપણાં શરીર તથા મગજને ઊર્જા મળે છે."
"સોડિયમને કારણે મીઠું દાણેદાર બને છે. આ સોડિયમ આપણી લાળ સાથે મળીને સ્વાદકોષોમાં પ્રવેશે છે અને તેને સક્રિય કરી દે છે. તે નાનો અમથો ઇલેક્ટ્રિકલ સ્પાર્ક ઉત્પન્ન કરે છે."
તેમના મતે મીઠું આપણાં વિચારો, સંવેદનાઓને ઉત્પ્રેરિત કરનાર ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને સંચારિત કરે છે. આમ આપણું શરીર અને મગજ ઉત્તેજિત થઈ જાય છે.
કેટલું મીઠું લઈ શકાય?
કોઈપણ વ્યક્તિ માટે મીઠાનું કેટલું સ્તર યોગ્ય છે, એ તેની આનુવાંશિક સંરચના ઉપર પણ આધાર રાખે છે.
વિશ્વભરમાં એક અબજ કરતાં વધુ લોકો હાઇ બ્લડપ્રેશરથી પીડિત છે. મીઠાનું સેવન ઘટાડવાથી તેને અટકાવવા તથા ઇલાજમાં મદદ મળી શકે છે.
ઑસ્ટ્રેલિયામાં ન્યૂ કૅસલ યુનિવર્સિટી ખાતે પોષણ અને આહાર વિજ્ઞાનના પ્રોફેસર ક્લેયર કૉલિન્સના કહેવા પ્રમાણે, "જ્યારે શરીરમાં મીઠું બહુ વધુ હોય, તો આપણું શરીર તેને પાતળું કરવા લાગે છે. આપણું શરીર પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે વધારાના તરલ પદાર્થોને ચારેય તરફ પંપ કરવા માટે બ્લડપ્રેશર વધી જાય છે."
તેનાં પરિણામો સંભવિતરૂપે વિનાશકારી હોય છે.
પ્રો. કૉલિન્સના કહેવા પ્રમાણે, "જો તમારા રક્તકોષોમાં કોઈપણ પ્રકારની નબળાઈ આવી ગઈ હોય, જેમ કે, મગજ. તો તે ફાટી શકે છે અને સ્ટ્રૉક માટેનું કારણ બની શકે છે."
બ્રિટનમાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મીઠાનો વપરાશ ઘટ્યો છે અને તે દૈનિક લગભગ આઠ ગ્રામ ઉપર આવી ગયું છે. છતાં દૈનિક છ ગ્રામ કરતાં વધુ છે.
ખાદ્યનિર્માતાઓને મીઠાનું સ્તર ઘટાડવા માટે મજબૂર કરે તેવા નિયમો ઘડવામાં આવ્યા છે. તેનાથી પણ મદદ મળશે એવું માનવામાં આવે છે.
જુદા-જુદા દેશોમાં મીઠાના સેવનનું નિર્ધારિત પ્રમાણ અલગ-અલગ હોય છે. શરીરમાં મીઠું પૂરતા પ્રમાણમાં છે કે નહીં, તેની માહિતી યુરિન ટેસ્ટ દ્વારા મળી શકે છે.
ખાદ્ય ડાયરી અથવા ઍપ દ્વારા મીઠાના સેવન વિશેનો અંદાજ મેળવી શકાય છે. જે-તે ખાદ્યસામગ્રીમાં રહેલા સોડિયમના પ્રમાણને ધ્યાને લઈને તે અંદાજ મેળવે છે.
કૉલિન્સના કહેવા પ્રમાણે, કોઈપણ રીતે મીઠાના વપરાશ વિશે ચોક્કસ અનુમાન મેળવી શકાય નહીં, છતાં જે કોઈ રીત અપનાવવામાં આવે, તે ચોક્કસથી મદદરૂપ થઈ શકે છે.
કેવી રીતે મીઠાનો વપરાશ ઘટાડવો?
ભોજનમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું સહેલું નથી. કઝાખસ્તાનમાં બેશબર્મક રાષ્ટ્રીય વ્યંજન છે. જેમાં પાસ્તાની સાથે બાફેલું માંસ પીરસવામાં આવે છે. અસ્તાનાસ્થિત મરિયમ આ વ્યંજનમાં મીઠાનો વપરાશ ઘટાડવા માટે પ્રયાસરત છે.
તેમનાં વૃદ્ધ માતા-પિતા મીઠા સાથે જોડાયેલાં જોખમોને જાણવા છતાં તેને છોડવા પ્રત્યે ઉદાસીન છે.
પ્રો. કૉલિન્સનું સૂચન છે કે જેમાં સૌથી ઓછું મીઠું હોય એવાં બ્રૅડ, પાસ્તા કે અન્ય ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ.
"જો તમે જાતે ભોજન બનાવી રહ્યા હો, તો તેમાં મીઠાના બદલે મસાલા અને તેજાના વાપરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન