દિલ્હીમાં ગઠબંધન નથી છતાં 'આપ' ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસને સાથે રાખી ભાજપ સામે કેમ લડવા માગે છે

આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, ઇસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહીલ, ગુજરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, ગુજરાત, ગુજરાતી, ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે?
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાંની સાથેજ દિલ્હીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન તોડનાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જાહેરાત કરી કે જો કૉંગ્રેસ તૈયાર હોય તો તેમની પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમની સાથે ગઠબંધન કરવા તૈયાર છે.

એટલું જ નહીં આમ આદમી પાર્ટીએ તો દાવો કર્યો કે તેમણે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન પણ કરી લીધું છે તથા રાજ્યમાં વિવિધ જગ્યાએ વાતચીત ચાલુ છે.

કૉંગ્રેસે આપની આ વાતનો જવાબ તો નથી આપ્યો પરંતુ રાજકીય પંડિતોનું માનવું છે કે જો આપ અને કૉંગ્રેસ મળીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી લડે તો મતોનું વિભાજન થતું અટકે.

કેટલાક જાણકારોનું પણ કહેવું છે કે સુરત સિવાય આપ ક્યાંય મજબૂત દેખાતી નથી તેથી તેણે આ ચૂંટણીમાં કૉંગ્રેસના 'હાથ'નો સાથ માગ્યો છે.

વૉટ્સઍપ

ગુજરાતમાં ગઠબંધન થશે?

આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, ઇસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહીલ, ગુજરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, ગુજરાત, ગુજરાતી, ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી થયું

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડ્યાં હતાં. જેને કારણે મતોનું વિભાજન થયું હતું અને પરિણામે કૉંગ્રેસ માત્ર 17 બેઠકો જ જીતી શકી હતી, આપે પાંચ બેઠકો જીતી હતી.

લોકસભામાં બંને પાર્ટીએ ગઠબંધન કર્યું પરંતુ તેનો મોટો ફાયદો કૉંગ્રેસને થયો નહોતો.

હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપે અને કૉંગ્રેસે ગઠબંધન તોડીને આમને-સામને ચૂંટણી લડવાનું ઍલાન કર્યું છે. બંને પાર્ટીના નેતાઓ એકબીજા સામે ગંભીર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

એક તરફ દિલ્હીમાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટી જવા પામ્યું છે પરંતુ અહીં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ નિવેદન આપતાં કહ્યું કે 'તેઓ ભાજપને હરાવવા ગુજરાતમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છે.'

ઈસુદાન ગઢવીએ એક પ્રેસનોટ મારફતે મીડિયાને જણાવ્યું કે 'તેમની પાર્ટીએ માંગરોળ નગરપાલિકામાં કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. અને તેના માટે તેમણે કૉંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.'

ઈસુદાન ગઢવી આ પ્રેસનોટમાં જણાવે છે, "અન્ય કેટલીક જગ્યાએ પણ ગઠબંધન માટે પ્રસ્તાવો મળ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ બેઠકોની વહેંચણીને લઈને અસમંજસ છે."

જોકે, ઈસુદાન ગઢવીના આ પ્રેસ નિવેદન મામલે કૉંગ્રેસે કોઈ ફોડ પાડ્યો નથી.

કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હેમાંગ વસાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને માંગરોળ નગરપાલિકામાં આ પ્રકારનું કોઈ ગઠબંધન થયું હોય તેની જાણ નથી.

શું કહે છે વિવિધ રાજકીય પક્ષો?

આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, ઇસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહીલ, ગુજરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, ગુજરાત, ગુજરાતી, ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે 66 નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતો સહિત જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીની જાહેરાત કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમ આદમી પાર્ટીના પ્રવક્તા કૈલાશ ગઢવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે કૉંગ્રેસને સામેથી કહ્યું છે કે મતોનું વિભાજન ન થાય તે માટે અને ભાજપને હરાવવા માટે કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવું જોઈએ."

કૈલાશ ગઢવીએ દિલ્હીની ચૂંટણીમાં ગઠબંધન તૂટ્યા બાદ તેમના હાઇકમાન્ડે સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડવા માટે ગઠબંધન કરવાની મૌખિક મંજૂરી આપી હોવાની વાત પણ કરી.

તેમણે કહ્યું, "મોવડીમંડળનો આદેશ આવ્યા પછી ઔપચારિક જાહેરાત કરાશે. પરંતુ હાલ અમે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ગઠબંધન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે."

તેમનું કહેવું હતું કે જો આ ગઠબંધન થાય તો વર્ષ 2027ની જે વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં પણ બંને પાર્ટી વચ્ચે તાલમેલ બનેલો રહે.

કૉંગ્રેસ તરફથી આ મામલે વધારે ફોડ પાડવામાં નથી આવ્યો. પરંતુ તેના પ્રવક્તાનું કહેવું છે કે આપ લોકસભાની ચૂંટણી પછી અલગ રસ્તે જાય છે તેવામાં કૉંગ્રેસ અને તેના મતદાતાઓ માટે મૂંઝવણ પેદા થાય છે.

કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હેમાંગ વસાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે પાર્ટીના હાઇકમાન્ડને કહ્યું છે કે જો ગઠબંધન કરવું હોય તો કાયમી કરો. ચૂંટણી માટે જ ગઠબંધન કરીને પછી અલગ થઈ જવાનું હોય તો કૉંગ્રેસના મતદાતાઓ મૂંઝવણમાં મૂકાય છે."

તેમનું કહેવું હતું, "2024ની લોકસભાની ચૂંટણી પછી આપનો રસ્તો બદલાઈ ગયો છે. બંને સાથે લડે તો ફાયદો ચોક્કસ થાય, પણ ગઠબંધન કાયમી ન હોય તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને નુકસાન થઈ શકે છે."

ભાજપનું શું કહેવું છે?

ભાજપનું આ મામલે કહેવું છે કે ભૂતકાળમાં પણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધનના પ્રયોગો કર્યા છે પરંતુ તે સફળ થયા નથી.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ તેમની વચ્ચે ગઠબંધન થાય તો તેઓ સફળ નહીં થાય.

ડૉ. યજ્ઞેશ દવેએ જણાવ્યું, "પહેલા તો પ્રજાના આશિર્વાદ અમારી સાથે છે. ગુજરાતની પ્રજાએ અમને હંમેશા આવકારો આપ્યો છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે જો ગઠબંધન થશે તો પણ તેમને પ્રજા જાકારો આપશે, કારણકે પ્રજા તેમને ઓળખે છે."

"ભૂતકાળમાં પણ આ બંને પાર્ટીએ ગઠબંધન કર્યું છે પરંતુ તેઓ સફળ થયા નથી. ભાજપ જ હરહંમેશની માફક આ ચૂંટણીમાં પણ જીતશે તેવો અમને દૃઢ વિશ્વાસ છે."

શું કહે રાજકીય વિશ્લેષકો?

આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, ઇસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહીલ, ગુજરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, ગુજરાત, ગુજરાતી, ચૂંટણી, બીબીસી ગુજરાતી

જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "2021માં મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે 2022ની વિધાનસભાની ચૂંટણી, આપના અલગ લડવાને કારણે કૉંગ્રેસના પરંપરાગત વોટનું વિભાજન જરૂરથી થયું છે. કેટલીક બેઠકો એવી છે કે આપ અને કૉંગ્રેસના મતોનો સરવાળો કરીએ તો તે બેઠક ભાજપના હાથમાંથી જાય તેમ હતી."

કૌશિક મહેતા કહે છે કે ગઠબંધનથી મતોનું વિભાજન જરૂરથી રોકી શકાય. તેમનું એવું પણ કહેવું હતું કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરત ખાતે આપને ફાયદો થયો પછી 2022ની વિધાનસભાની બેઠકમાં પણ આપને કારણે કૉંગ્રેસને ઘણું નુકસાન વેઠવું પડ્યું.

કૌશિક મહેતાના મત પ્રમાણે, "2022ની વિધાનસભાની ચૂંટણી પછી આપનું સંગઠન નિષ્ક્રિય જેવું રહ્યું છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી છે એટલે આપના નેતાઓ સક્રિય થયા છે."

"સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેમનું સંગઠન નબળું પડ્યું છે. તેથી દિલ્હીમાં કૉંગ્રેસના હાથ સાથે હાથ ન મિલાવનાર આપ હવે ગુજરાતમાં ગઠબંધનની વાત કરે છે."

કૉશિક મહેતા કહે છે કે દેખાડા પૂરતું ગઠબંધન તેમને ફાયદો ન કરાવી શકે.

કૌશિક મહેતા આ વિશે કહે છે, "લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ગઠબંધન થયું હતું. કૉંગ્રેસે આપને ભાવનગર અને ભરૂચની બેઠક આપી હતી. પરંતુ અહીં આપના ઉમેદવારને ટેકો આપવામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને મતદાતાઓ મૂંઝવણ અનુભવતા હતા. સુરતની બેઠક પર જ્યાં આપ થોડું મજબૂત મનાતું હતું તે બેઠક કૉંગ્રેસને ફાળવવામાં આવી અને તે બેઠક પર તો ભાજપે ચૂંટણી પહેલાં જ જીત મેળવી લીધી."

"સુરત સિવાય બાકીની 25 બેઠકો પર આપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કોઈ તાલમેલ નહોતો. જે બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ગઠબંધનની જરૂર આપને વધારે છે. કારણકે આપનું સંગઠન હવે વિખેરાઈ ગયું છે."

આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, ઇસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહીલ, ગુજરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, ગુજરાત, ગુજરાતી, ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કૌશિક મહેતા કહે છે કે જો બંને વચ્ચે ગઠબંધન થાય તો આ ગઠબંધન કૉંગ્રેસને નહીં પરંતુ આપને વધારે ફાયદાકારક રહેશે.

કૌશિક મહેતા કહે છે, "હજુ ગામડાંઓમાં કૉંગ્રેસનો બેઝ છે. ત્યારે મતોનું વિભાજન આટકાવવા માટે કૉંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન જરૂરી છે. પરંતુ લાગે છે કે તેનાથી કૉંગ્રેસને ટૂંકાગાળાનો જરૂર ફાયદો થશે જ્યારે કે લાંબા ગાળે નુકસાન જશે. આ ગઠબંધનથી કૉંગ્રેસને ફાયદો નહીં થાય માત્ર આપને જ થશે."

જાણીતા રાજકીય વિશ્લેષક પ્રફુલ ત્રિવેદીએ પણ આ જ વાત કરતાં કહ્યું, "કૉંગ્રેસ ભલે વેરવિખેર હોય પરંતુ ગામડાંમાં તેમની વોટબૅન્કની પકડ મજબૂત છે."

તેઓ કહે છે કે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટશૅર વર્ષ 2029ની સરખામણીએ વર્ષ 2024માં 1.34% ઘટ્યો છે.

તેમના મત પ્રમાણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે આપનું પ્રદર્શન સૌરાષ્ટ્રમાં સારૂં રહ્યું હતું.

તેઓ કહે છે, "સુરતમાં વરાછામાં તેમનું મજબૂત સંગઠન હતું. સૌરાષ્ટ્રમાં વર્ષ 2022માં સારૂં પ્રદર્શન હતું. પરંતુ ચૂંટણી પછી તેમનું સંગઠન વેરવિખેર છે. આપ પાસે હાલ કોઈ અન્ય વિકલ્પ નથી."

પ્રફુલ ત્રિવેદીના મત પ્રમાણે આપ પાસે યોગ્ય નેતાઓનો પણ અભાવ છે.

આ વિશે વાત કરતાં તેઓ કહે છે, "આપ પાસે પોસ્ટરબૉય જેવા નેતાઓ છે. જે ગંભીર સમસ્યાને વાચા આપવામાં સક્ષમ સાબિત થયા નથી. એક સમયે તેઓ જે આક્રામકતા બતાવતા હતા તે જોઈને લોકો તેમનાથી આકર્ષાયા હતા. પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા તેઓ ધીરે-ધીરે દૂર થતા જાય છે. લોકોનો આપના નેતાઓ પ્રત્યેનો ભરોસો ઘટ્યો છે."

"આ ગઠબંધનથી ભલે કૉંગ્રેસને માટે મતવિભાજન થતું અટકે પરંતુ તેને કારણે તેને લાંબાગાળાનું નુકસાન જશે. કારણકે તેનાથી માત્ર આપને ફાયદો થશે, કૉંગ્રેસને નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.