ઈરાને જણાવ્યું કે ઇઝરાયલની ઍરસ્ટ્રાઇક કયા વિસ્તારોમાં થઈ અને તેને કેટલું નુકસાન થયું

ઇઝરાયલી સેના(આઈડીએફ)એ કહ્યું છે કે ઈરાની સૈન્ય ઠેકાણાં પર ઍરસ્ટ્રાઇક કર્યા બાદ તેમનાં વિમાનો સુરક્ષિત પરત આવી ગયાં છે.

આઈડીએફે આ પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું, "સેનાએ ઈરાનના ઘણા વિસ્તારોમાં પોતાના સટીક હુમલાને પૂર્ણ કર્યા છે. હવે અમારાં વિમાનો સુરક્ષિત ઘરે પરત ફર્યાં છે."

આ પહેલાં ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તે 'ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર સટીક હુમલાઓ કરી રહી છે. ઈરાનના સરકારી મીડિયાએ પણ જણાવ્યું છે કે રાજધાની તહેરાનમાં ઘણા મોટા વિસ્ફોટોનો અવાજો સંભળાયા છે.

ઇઝરાયલી સેના ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સ(IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક વીડિયો મારફતે કહ્યું છે કે તેણે ઈરાનનાં લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો છે.

તેમણે કહ્યું, "દરેક સંપ્રભુ રાષ્ટ્રની માફક તેમના રાષ્ટ્રની પણ પ્રતિક્રિયા આપવાની ફરજ છે. ઈરાનનું શાસન અને તેમના સહયોગીઓ સાત ઑક્ટોબર, 2023થી ઇઝરાયલ પર સતત હુમલાઓ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, “અમે અમારા રાષ્ટ્ર અને તેના લોકોની સુરક્ષા માટે જે કરવું પડે તે કરીશું.”

હગારીએ કહ્યું, "અમારી સંરક્ષણ ક્ષમતા પૂર્ણ રીતે સક્રિય છે."

હાલ એ અસ્પષ્ટ છે કે ઈરાનમાં કઈ જગ્યા પર હુમલાઓ થયા છે.

ઈરાનના સરકારી ટીવીના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે તેની રાજધાની તહેરાનમાં કેટલીક જગ્યાએ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.

હુમલાને પગલે ઈરાન અને ઇરાકે તેની ઍરસ્પેસ બંધ કરી હતી તેને ફરી ખોલવાનો નિર્ણય લીધો હતો અને સ્થાનિક સમય અનુસાર સવારે નવ કલાકે તેની તમામ વિમાનસેવાઓ શરૂ કરી દીધી હતી.

ઈરાને શું કહ્યું?

પોતાના પર થયેલા હુમલા પર ખુદ ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલે તેના પર હુમલો કર્યો છે.

ઈરાનની ઍરફોર્સે કહ્યું કે તેની રાજધાની તહેરાન, ખુજેસ્તાન અને ઇલામ પ્રાંતોમાં સૈન્ય ઠેકાણાં પર હુમલાઓ થયા છે.

ઈરાનની ઍરફોર્સે એમ પણ કહ્યું કે તેણે ઇઝરાયલના હુમલાને પડકાર્યો હતો પરંતુ છતાં કેટલીક જગ્યાઓ પર તેમને નુકસાન થયું છે.

ઇઝરાયલે કહ્યું છે કે તેણે ઈરાનની મિસાઇલ બનાવવાની જગ્યાઓ પર હુમલો કર્યો હતો. તેનો દાવો હતો કે ગુપ્ત જાણકારીના આધારે તેણે આ હુમલો કર્યો હતો.

ઇઝરાયલે ઈરાનની જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો તથા ઈરાની સૈન્ય ઉપકરણોને પણ આ હુમલામાં નિશાન બનાવ્યાં

ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે રાજધાની તહેરાનમાં મોટા ધડાકાનો અવાજ સંભળાયો હતો.

સમાચાર એજન્સી રૉયટર્સે ઈરાની સરકારી ટીવીના હવાલે ખબર આપી છે કે ઈરાનના એક ગુપ્તચર અધિકારીએ કહ્યું કે ઈરાનના ઍર ડિફેન્સ સિસ્ટમના સક્રિય થવાને કારણે આ પ્રકારનો અવાજ સંભળાઈ શકે છે.

બીજી તરફ ઇરાકે તેનાં તમામ ઍરપૉર્ટનો ટ્રાફિક સસ્પેન્ડ કરી દીધો છે. ઇરાકના ટ્રાન્સપૉર્ટ મંત્રીએ કહ્યું કે દેશની ઍરસ્પેસમાં હાલ સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે તેને કારણે ઍરપૉર્ટ પરનો તમામ ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ત્યાં અમેરિકાએ કહ્યું છે કે તેને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાની જાણકારી છે.

અમેરિકામાં બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસ સાથે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ કહ્યું, "અમે સમજીએ છીએ કે ઇઝરાયલ ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કરી રહ્યું છે. જે 1લી ઑક્ટોબરના રોજ ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા બૅલિસ્ટીક મિસાઇલ હુમલાઓના જવાબમાં કરાયેલી આત્મરક્ષાની કાર્યવાહી છે."

જવાબી કાર્યવાહીની આશંકા હતી જ

બીબીસીના મધ્ય-પૂર્વ ક્ષેત્રના સંપાદક સેબેસ્ટિયન અશરના જણાવ્યા પ્રમાણે એક મહિના પહેલાં ઈરાન તરફથી જે ઇઝરાયલ પર મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો હતો તેનો આ જવાબ છે. ઈરાને આ પહેલાં ઇઝરાયલ પર 200 મિસાઇલો વડે હુમલો કર્યો હતો.

ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સની નજીક મનાતા એક વ્યક્તિએ સમાચાર એજન્સીને કહ્યું છે કે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તહેરાનમાં કેટલાંક સૈન્ય ઠેકાણાં પર હુમલાઓ થયા છે.

જોકે આ હુમલાઓ કેટલા મોટા સ્તરે છે અને ક્યાં કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી.

સીરિયાની એક સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે ઇઝરાયલની સેનાએ સીરિયાના મધ્ય તથા દક્ષિણ વિસ્તારમાં કેટલાંક ઠેકાણાં પર હુમલો કર્યો છે.

ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂની ઑફિસની એક તસવીર જાહેર કરવામાં આવી છે. જેમાં તેઓ આ હુમલા દરમિયાન સૈન્ય મુખ્યાલયના ઑપરેશન ઑફિસ પર ઉપસ્થિત હોવાનું દેખાડાયું છે.

એક અમેરિકન અધિકારીએ કહ્યું કે ઇઝરાયલે ઈરાનમાં ઊર્જા કે પરમાણુ સંયંત્રો પર હુમલો કર્યો નથી.

બાઇડન પ્રશાસને ઇઝરાયલને કહ્યું કે તે આ ઠેકાણાં પર હુમલો ન કરે.

હવે ઈરાની નેતૃત્વે એ નિર્ણય કરવાનો છે કે તે ઇઝરાયલ પર આ હુમલાને જવાબ આપશે કે નહીં.

અમેરિકાએ શું કહ્યું?

અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેન્ટાગોનનું કહેવું છે કે ઇઝરાયલના ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં અમેરિકાનો કોઈ હાથ નથી.

ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. પેન્ટાગોને કહ્યું છે કે ઇઝરાયલે પહેલાં જ અમને હુમલાની સૂચના આપી દીધી હતી.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ અનુસાર આ હુમલા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસને જાણકારી આપી દેવામાં આવી છે. તેઓ બંને આ ઘટના પર નજર રાખી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.