મોદી-ટ્રમ્પ મુલાકાત : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા લાવવા વિશે નરેન્દ્ર મોદી શું બોલ્યા?

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, અમેરિકા, વિદેશનીતિ, ચીન, ઇમિગ્રેશન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વ્હાઇટ હાઉસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વિપક્ષીય બેઠક કરી છે.

આ બેઠક પછી બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ પણ કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગત્યની જાહેરાત કરતાં કહ્યું હતું કે, "મેં અને વડા પ્રધાન મોદીએ 'કટ્ટર ઇસ્લામિક આતંકવાદ' અંગે ચર્ચા કરી છે અને અમે 2008ના મુંબઈ હુમલાના આરોપી ભારતને સોંપવા સહમત થયા છીએ."

ટ્રમ્પ અહીં 2008ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની વાત કરી રહ્યા હતા.

મુલાકાત પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, "અમે માનીએ છીએ કે ભારત અને અમેરિકાનો સાથે અને સહયોગ એ એક વધુ સારા વિશ્વને બનાવી શકે છે. ભારત અને અમેરિકાની ભાગીદારી લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યો અને વ્યવસ્થાઓને સશક્ત બનાવે છે. ઇન્ડો-પેસિફિકમાં ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને વધારવા માટે અમે મળીને કામ કરીશું."

ટ્રમ્પના નવા કાર્યકાળમાં પહેલી મુલાકાત

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, અમેરિકા, વિદેશનીતિ, ચીન, ઇમિગ્રેશન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યા પછી બંને દેશોના વડાની આ પહેલી સત્તાવાર મુલાકાત હતી.

મોદી અને ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં જ મુલાકાત થઈ હતી.

આ મુલાકાત દરમિયાન ટ્રમ્પના વહીવટી વિભાગના મુખ્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક, સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયો, સેક્રેટરી ઑફ ઇન્ટિરિયર ડગ બર્ગમ, ઍનર્જી સેક્રેટરી ક્રિસ વેઇટ અને હાવર્ડ લુટનિક પણ હાજર હતા.

મુલાકાત પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે મોદીને મળવું એ ગૌરવની વાત છે અને અમે વેપાર મામલે વાતચીત કરીશું.

મોદીએ ટ્રમ્પને કહ્યું હતું કે, "હું તમને વ્હાઇટ હાઉસમાં પુનરાગમન કરતાં જોઈને આનંદ અનુભવું છું. હું દૃઢપણે માનું છું કે ટ્રમ્પ સાથે અમે પહેલી ટર્મ કરતાં ડબલ ગતિથી કામ કરીશું."

ટ્રમ્પે ચીન અંગે શું કહ્યું?

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, અમેરિકા, વિદેશનીતિ, ચીન, ઇમિગ્રેશન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વાતચીત દરમિયાન બંને દેશોના નેતાઓએ સતત એકબીજાનાં વખાણ કર્યાં હતાં.

ટ્રમ્પે મોદી વિશે કહ્યું હતું કે, "તેઓ ખરેખર સારું કામ કરી રહ્યા છે. બધા તેમના વિશે વાત કરી છે. તેઓ ખરેખર મહાન નેતા છે."

ચીનને કેવી રીતે હરાવશો એવા એક રિપોર્ટરે પૂછેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, "જેમને અમે હરાવવા ઇચ્છીશું તેને હરાવી દઈશું, પરંતુ અમે અત્યારે કોઈને હરાવવા માગતા નથી."

એક પત્રકારે તેમને યુએસએઈડ અંગે પણ સવાલ પૂછ્યો હતો કે શું યુએસએઇડની મદદથી ભારત અને અમેરિકામાં ચૂંટણી પ્રભાવિત કરવામાં આવી રહી છે?

તેમની જો બાઇડન સામે થયેલી હારને ટાંકતા ટ્રમ્પે કહ્યું હતું કે, "2020માં ઘણી ખરાબ ઘટનાઓ બની છે. પણ 2024ની ચૂંટણીમાં ગોટાળો કરવો એ ખૂબ મોટી વાત હતી. કદાચ તેનો(યુએસએઈડ) હાથ હોઈ શકે છે અને હું માનું છું કે તેમણે પ્રયત્નો કર્યા હોઈ શકે છે."

જોકે, તેમણે આ મુદ્દે કોઈ પુરાવા આપ્યા ન હતા.

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો વિશે મોદી શું બોલ્યા?

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, અમેરિકા, વિદેશનીતિ, ચીન, ઇમિગ્રેશન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વ્હાઇટ હાઉસમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લેવાની વાત પણ કરી છે.

તેમણે કહ્યું, "આ મુદ્દા પર અમારો અભિપ્રાય સમાન છે અને તે અભિપ્રાય એ છે કે જો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈ પણ ભારતીયની ચકાસણી પુરવાર થાય તો અમે તેમને ભારત પરત લઈ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ."

તેમણે કહ્યું હતું કે, "કેટલાક ઇમિગ્રન્ટ્સને માનવતસ્કરી કરતાં લોકો દ્વારા પણ લાવવામાં આવે છે અને તેમને એ પણ ખબર નથી હોતી કે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે."

મોદીએ કહ્યું હતું કે, "આ ખૂબ જ સામાન્ય પરિવારનાં બાળકો છે. તેમને મોટાં સપનાં બતાવવામાં આવે છે અને તેમને મોટાં વચનો આપવામાં આવે છે. આસાનીથી તેમનો શિકાર બની જતાં આવા યુવાનોને બચાવવા માટે માનવતસ્કરી પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આવા યુવાનોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવવા માટે 'મૂર્ખ' બનાવવામાં આવે છે."

અહીં ઉલ્લેખનીય છે કે જ્યારથી ટ્રમ્પે રાષ્ટ્રપતિપદ સંભાળ્યું છે ત્યારથી અમેરિકાએ તેનાં લશ્કરી વિમાનોમાં દસ્તાવેજો વિના રહેતા ભારતીયોને ભારત પરત મોકલ્યા છે.

આ પ્રક્રિયામાં પરત મોકલવામાં આવી રહેલા ભારતીયો સાથે થઈ રહેલા કથિત દુર્વ્યવહાર અંગે વિપક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા હતા.

ગત અઠવાડિયે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, "ભારતીય સંસદ એ સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે મળીને કામ કરી રહી છે કે ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયામાં દુર્વ્યવહાર ન થાય."

અદાણી મામલે પૂછાયેલા સવાલનો મોદીએ શું જવાબ આપ્યો?

નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, અમેરિકા, વિદેશનીતિ, ચીન, ઇમિગ્રેશન, ગૌતમ અદાણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અદાણી સમૂહના માલિક અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે આરોપો ઘડવાની વાત અંગે પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, શું તમે ટ્રમ્પ સાથે ગૌતમ અદાણી કેસ પર ચર્ચા કરી હતી અને શું તમે ટ્રમ્પને આ મામલે પગલાં લેવા કહ્યું હતું?

આ સવાલ પૂછાયો તે સમયે પીએમ મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ હાજર હતા.

તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "ભારત એક લોકશાહી દેશ છે. આપણા મૂલ્યો અને સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમના છે."

"અમે સમગ્ર વિશ્વને એક સંપૂર્ણ પરિવાર તરીકે માનીએ છીએ અને હું દરેક ભારતીયને પોતાના માનું છું. આવી વ્યક્તિગત બાબતો માટે બે દેશોના વડાઓ મળતા નથી, બેસતા નથી કે વાત પણ કરતા નથી."

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકામાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત આઠ લોકો સામે છેતરપિંડીના આરોપો ઘડવામાં આવ્યા હતા.

વેપારને લઈને ટ્રમ્પે ફરીથી પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો

વીડિયો કૅપ્શન, US Deportation : ગુજરાતીઓ દેશ કેમ છોડી રહ્યા છે?

બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીતમાં વેપાર બાબતની ચર્ચા મુખ્ય રહી હતી.

જોકે, ટ્રમ્પે ભારતથી આયાત થતા સામાન પર સમાન ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની વાત કરી હતી, જ્યારે મોદીએ બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો શરૂ કરવાની વાત કરી હતી.

ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે, "ભારત અમારા પર જે પણ ટેરિફ લાદશે, અમે તેના પર ટેરિફ લગાવીશું."

આયાત કર અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "અમારા સાથીઓ એ અમારા દુશ્મનો કરતાં પણ વધુ ખરાબ છે."

ટ્રમ્પે કહ્યું હતું કે, "ભારત અમેરિકા પાસેથી વધુ તેલ અને ગૅસ ખરીદશે."

હાલમાં ભારત રશિયા, ઇરાક અને સાઉદી અરેબિયા પાસેથી અંદાજે 90 અબજ ડૉલરની પેટ્રોલિયમ પેદાશો અને ગૅસ ખરીદે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.