અમદાવાદ પ્લેન ક્રૅશ: મોટી દુર્ઘટનાઓમાં નાનાં બાળકોનાં ડીએનએ સૅમ્પલ કેવી રીતે લેવાય છે અને તેમાં કેવી મુશ્કેલીઓ પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયું તેમાં ઓછામાં ઓછા 270 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત સરકાર તરફથી જાહેર પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે "વિમાન દુર્ઘટનામાં સિવિલ હૉસ્પિટલ તંત્ર દ્વારા દરેક મૃતદેહ, નશ્વર અવશેષો અને વસ્તુઓની યુનિક આઇડેન્ટિફિકેશન નંબરથી ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી હતી."
"અમુક નાના નશ્વર અવશેષો હોવા છતાં, તમામનું પોસ્ટમૉર્ટમ અને ડીએનએ સૅમ્પલિંગ નિયત ધારાધોરણો મુજબ કરવામાં આવ્યું છે."
સરકારના જણાવ્યા પ્રમાણે કુલ 231 ડીએનએ સૅમ્પલો મૅચ થયાં હતાં અને 210 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડીએનએ સૅમ્પલ મૅચ થયા ન હોય પરંતુ પહેલાથી જ ઓળખ થઈ હોય તેવા 11 મૃતહેહો પણ સોંપવામાં આવ્યા હતા.
જ્યારે મૃતદેહ ખૂબ જ દાઝી ગયા હોય, તેમનો ચહેરો ઓળખી શકાય તેમ ન હોય, જમીનમાં દાટી દેવાયેલા મૃતદેહને લાંબા સમય પછી બહાર કાઢવામાં આવે અને તેની ઓળખવિધિ થઈ શકે તેમ ન હોય, તેવા સંજોગોમાં ડીએનએ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે, જેથી કરીને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય.
ડીએનએ ટેસ્ટનો ઉપયોગ વ્યક્તિની આનુવંશિકતા અને ચોક્કસ ઓળખ મેળવવા માટે કરવામાં આવતો હોય છે.
જો સમગ્ર દેહને આગની અસર ન થઈ હોય, તો શરીરનો જે ભાગ સાબૂત હોય, ત્યાંથી ડીએનએના નમૂના લેવા માટે પ્રયાસ કરવામાં આવે છે.
ડીએનએનાં સૅમ્પલ મેળવવા માટે ફોરેન્સિક કિટ પણ આવે છે. વિદેશમાં આ પ્રકારની કિટ્સ ધંધાદારી રીતે ઉપલબ્ધ હોય છે, જેની મદદથી વ્યક્તિ પોતે પ્રાથમિક તારણ મેળવી શકે છે.
પરંતુ, ડીએનએ સૅમ્પલ મૅચ કરવામાં ઘણી વાર લાગી હતી, નિષ્ણાતોનું કહેવું હતું કે બાળકોનાં સૅમ્પલ મેળવવામાં અને તેને મૅચ કરવામાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ત્યારે બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે પ્લેન ક્રૅશ જેવી મોટી દુર્ઘટનામાં નાનાં બાળકોનાં ડીએનએ સૅમ્પલ કેવી રીતે લેવામાં આવે છે અને તેમાં કેટલી મુશ્કેલીઓ પડે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્લેન ક્રૅશ જેવી દુર્ઘટનાઓમાં મૃતદેહો દાઝી ગયા હોય તેવા સંજોગોમાં મૃતદેહોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવે છે.
દુર્ઘટનામાં નાનાં બાળકો પણ ભોગ બન્યા હોય ત્યારે તેમના અવશેષો મેળવીને ડીએનએ મૅચ કરવા માટેની પ્રક્રીયા થોડી અઘરી હોય છે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે સૅમ્પલ લીધાં બાદ નાનાં બાળકો કે પુખ્ત એમ દરેક માટે ડીએનએ મૅચ કરવાની પ્રક્રીયા સરખી જ હોય છે.
સામાન્ય સંજોગોમાં એક પ્રોફાઇલ સાથે અન્ય એક પ્રોફાઇલ મૅચ કરવામાં આવે છે. પરંતુ પ્લેન ક્રૅશ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મૃતદેહો હતા તેથી તેમનાં ડીએનએ મૅચ કરવા માટે નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા સૉફ્ટવૅર ડેવલપ કરવામાં આવ્યું છે.
નિષ્ણાતોના કહેવા અનુસાર નવજાતના દાઝી જવાને કારણે કોષો ડૅમેજ થઈ ગયા હોય તેવા કિસ્સામાં દાંતનાં સૅમ્પલ લઈ શકાય છે. નવજાતના દાંત બહાર દેખાતા નથી. પરંતુ તેમનાં જડબામાંથી પણ દાંત (દાઢ)નાં સૅમ્પલ લઈ શકાય છે અને તેનું ડીએનએ પરીક્ષણ કરી શકાય છે.
નિષ્ણાતો કહેવું છે કે દાઝી જવાના કિસ્સામાં મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મૅચ માટે દાંત અને હાડકાંનાં સૅમ્પલ મહત્ત્વનાં સાબિત થાય છે.
બાળકોનાં ડીએનએ સૅમ્પલ લેવામાં પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
વિમાન દુર્ઘટનામાં કેટલાં બાળકોનાં મોત થયાનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ ડીએનએ ટેસ્ટ કરવા માટે જે મૃતદેહમાંથી સૅમ્પલ લેવામાં આવે છે તે ફોરેન્સિક નિષ્ણાત તેમજ ડેન્ટિસ્ટ દ્વારા લેવામાં આવે છે.
ગાંધીનગર GMERC કૉલેજના ફોરેન્સિક મેડિસીન વિભાગના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. ધર્મેશ સિલાજિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "આ દુર્ઘટનામાં દાંઢ, હાડકાં તેમજ જે મૃતદેહોમાંથી નાજુક કોષોનાં સૅમ્પલ મળ્યાં હતાં તે લીધાં હતાં. જે મૃતદેહમાં વાળ દાઝી ગયા ન હતા તેમાંથી મૂળમાંથી ખેંચીને વાળનાં સૅમ્પલ લીધાં હતાં. દાઝી જવાના કિસ્સાઓમાં દાંત અને હાડકાંનાં સૅમ્પલ મહત્ત્વનાં હોય છે."
તેઓ વધુમાં જણાવે છે કે "નાનાં બાળકોમાં જે ઓછાં દાઝી ગયાં હતાં તેમાંથી નાજુક કોષો મળે છે. વધારે દાઝી જવાના કિસ્સામાં હાડકાં અને દાંતનાં સૅમ્પલ મળે છે."
અમદાવાદ ગર્વમેન્ટ ડેન્ટલ કૉલેજના ફોરેન્સિક ઑડોન્ટોલૉજિસ્ટ ડૉ. જયશંકર પિલ્લઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટએ ગોલ્ડન સ્ટાન્ડર્ડ છે. ડેન્ટિસ્ટીની મદદથી તેમાં સમય બચાવી શકાય છે."
"દાંતનાં સૅમ્પલથી ઉંમર અને જેન્ડર જાણી શકાય છે. જો દુધીયા દાંત હોય તો બાળકની ઉંમર 3થી 6 વર્ષ હોય. સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર 21 થી 25 વર્ષ સુધી થાય ત્યાં સુધી દાંતનો વિકાસ થતો હોય છે. 25 વર્ષ બાદ દાંતનું પ્રતિગામી પરિવર્તન થવા લાગે છે. દાંત જોઈને તેના પરથી વ્યક્તિની ઉંમર નક્કી કરી શકાય છે."
દરેક વ્યક્તિનાં ડીએનએ યુનિક હોય છે

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ઍક્સલન્સના ડીએનએ વિેભાગના કો-ઑર્ડીનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મલય શુક્લએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "પ્લેન ક્રૅશ જેવી દુર્ઘટનામાં મૃતદેહો ગંભીર રીતે દાઝેલા હોય છે. જેમાં દાઝી જવાને કારણે કોષો બર્ન ફૉર્મમાં હોય છે.આવા સંજોગોમાં દાંત (છેલ્લી દાઢ) મહત્ત્વના સાબિત થાય છે. દાંતનું પડ આપણા શરીરનું સૌથી મજબૂત અંગ છે."
ડૉ. મલય જણાવે છે કે "સામાન્ય રીતે ડૂબી ગયા હોય કે અન્ય કોઈ રીતે મોત થયું હોય તેવા કિસ્સામાં કોષો લાંબા સમય સુધી મળી રહેતા હોય છે. પરંતુ દાઝી જવાના કિસ્સામાં ડીએનએ પ્રોફાઇલીંગ કરવું થોડું મુશ્કેલ છે. જોકે, અત્યારે મૉડર્ન ટૅક્નૉલૉજીમાં તે અશક્ય નથી."
"થોડી વધારે મહેનત કરવી પડે તેવું બની શકે છે. ક્યારેક સૅમ્પલ મૅચ ન થાય કે સમસ્યા ન આવે તો અમારે ત્રણ થી ચાર વાર પણ સૅમ્પલ મૅચ કરવા પડી શકે છે. અમે સૅમ્પલ મૅચ થાય ત્યાં સુધી અલગ-અલગ માર્કરથી પ્રયત્ન કરીએ છીએ."
મલય શુક્લ વધુમાં કહે છે કે "ડીએનએ સૅમ્પલ લીધાં બાદ બાળક હોય કે પુખ્ત હોય દરેકના ટેસ્ટીંગમાં સરખો જ સમય હોય છે. સૅમ્પલ લેવામાં કોઈ ચૂક રહી જાય તો તકલીફ થઈ શકે છે. પ્લેન ક્રૅશની ઘટનામાં સૅમ્પલ લેનારા ફોરેન્સિક ડૉક્ટરો દ્વારા ધ્યાનપૂર્વક સૅમ્પલ લેવામાં આવ્યાં છે."
બીજે મેડિકલ કૉલેજના ફોરેન્સિક વિભાગના વડાપદ પરથી નિવૃત્ત ડૉ. આર. એન. ટંડને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે " ડીએનએની પૅટર્ન બારકોડ જેવી હોય છે. દરેક વ્યક્તિની ડીએનએ પૅટર્ન અલગ હોય છે."
"મહત્ત્વની વાત એ છે કે દરેક વ્યક્તિનાં ડીએનએ પણ યુનિક જ હોય છે. સંતાનનાં ડીએનએ તેનાં માતા તરફના 50 ટકા અને પિતા તરફના 50 ટકા મળતાં આવતાં હોય છે. વ્યક્તિનાં ડીએનએ તેનાં માતાપિતા કે ભાઈબહેનથી 50 ટકા મળતાં આવે છે. જો દાદા-દાદી નાના-નાની કે કાકા કે ફોઈનો ડીએનએ મૅચ કરવાનો હોય તો તે મૅચ ચોક્કસ થઈ જાય છે. પરંતુ ડીએનએ મૅચની ટકાવારી ઘટતી જાય છે."
તેઓ કહે છે કે "ડીએનએ ટેસ્ટ જોઈને કહી શકાય કે તેઓ તેમના સંબંધી છે કે નહીં?"
ડીએનએ મૅચ કરવામાં સૉફ્ટવૅર કેવી રીતે મદદરૂપ થયું?

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સ્કુલ ઑફ ફોરેન્સિક સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિશાલ મેવાડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સામાન્ય સંજોગોમાં 1 પ્રોફાઇલ સાથે અન્ય એક પ્રોફાઇલ મૅચ કરવામાં આવતો હતો. પરંતુ જ્યારે વધારે મૃતદેહો હતા અને ઓછા સમયમાં ચોકસાઈ સાથે મૃતદેહો સોંપવા જરૂરી હતા. તેથી આવા સંજોગોમાં અમારી ટીમ દ્વારા એક સૉફ્ટવૅર ડેવલપ કરવામાં આવ્યું છે."
ડેવલપ કરવામાં આવેલા સૉફ્ટવૅરની વિશેષતા અંગે વાત કરતાં ડૉ. વિશાલ મેવાડા જણાવે છે કે "આ સૉફ્ટવૅરમાં એક પ્રોફાઇલ સાથે મલ્ટીપલ પ્રોફાઇલ મૅચીંગ અને મલ્ટીપલ પ્રોફાઇલ સાથે મલ્ટીપલ પ્રોફાઇલ મૅચ થાય છે. આ સિવાય જો કોઈ અલગ-અલગ લીધેલાં સૅમ્પલનાં ડીએનએ સરખાં હોય તો તે પણ મૅચ થઈ જાય."
"આ ઉપરાંત કોઈ એક પરિવારના લોકોના મૃતદેહ છે અને તેમાં પણ તેમને મૅચ કરીને અલગ તારવી શકાય છે. જેથી એક-એક પ્રોફાઇલ મૅચ કરવાનો સમય બચી ગયો હતો. જોકે, અમે સૉફ્ટવૅરમાં મૅચ થયેલ પ્રોફાઇલને મૅન્યુઅલી ત્રણ વખત ચેક કરતા હતા. જેથી કોઈ ભૂલ ન રહી જાય."
ડૉ. આર. એન. ટંડન કહે છે કે આપણા શરીરની કોશિકાઓમાં ન્યૂક્લિયરની અંદર ડીએનએ હોય છે. જે સ્ટેબલ હોય છે. ડીએનએ જલદી નાશ પામતાં નથી. ડીએનએ લીધાં બાદ તેને યોગ્ય રીતે સાફ કરવામાં આવે છે ત્યારબાદ તેને મશીનમાં મૂકવામાં આવે છે જ્યાં બારકોડ જેવી એક પૅટર્ન બને છે
ડૉ. મલયે ડીએનએ પ્રક્રીયા અંગે વાત કરતાં જણાવ્યું કે "સૌપ્રથમ સૅમ્પલમાંથી ડીએનએ ઍકસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. ડીએનએ ઍક્સ્ટ્રેકશન બાયૉલૉજિકલ સૅમ્પલમાંથી ડીએનએ કાઢવામાં આવે છે. સૅમ્પલની ગુણવત્તા પ્રમાણે સૅમ્પલમાંથી ડીએનએ કાઢવામાં આવે છે."
"જો સૅમ્પલની ગુણવત્તા સારી હોય તો 4 થી 5 કલાક થાય છે અને સૅમ્પલની ગુણવત્તા ખરાબ હોય તો વધારે સમય લાગી શકે છે. ત્યારબાદ પીસીઆર એટલે કે પૉલિસમરસ ચેઇન રીઍક્શન કે જેમાં 3થી 4 કલાક થાય છે. સિકવન્સીસમાં પૅટર્ન બને છે જેમાં 8થી 10 કલાક થાય છે. કેટલાક કિસ્સામાં આ પ્રક્રિયા ફરી પણ કરવી પડે છે. ત્યારબાદ સ્વજનનાં ડીએનએ સાથે મૅચ કરવામાં કરવામાં આવે છે."
નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ના સ્કૂલ ઑફ ઍક્સલન્સના ડીએનએ વિભાગના વડા ડૉ. ભાર્ગવ પટેલ કહે છે કે સામાન્ય સંજોગોમાં ડીએનએ ટેસ્ટની પ્રક્રિયામાં 26 થી 28 કલાક થાય છે. આ ઘટનામાં વધારે સંખ્યામાં ડીએનએ ટેસ્ટ કરવાના હતા. અમારી ટીમ રાત-દિવસ મહેનત કરે છે."
ડીએનએ મૅચમાં દાંત કેવી કેવી રીતે મદદરૂપ બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. જયશંકર પિલ્લઈએ જણાવ્યું કે "દાંતએ શરીરનું ખુબ જ મહત્ત્વનું અંગ છે આગ જેવી ઘટનાઓમાં 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ડીએનએ મળી શકે છે. જોકે, 300 સેલ્સિયસ તાપમાન હોય ત્યાં સુધી કોષ મળવાની સંભાવના વધારે હોય છે."
તેઓ વધુમાં કહે છે કે "આગ લાગવાના કિસ્સાઓમાં આગને કારણે મૃતદેહના દાંતનો કલર બદલાઈ જાય છે. દાંતના કલરને આધારે આગ કેટલી લાગી હતી કેટલા ડિગ્રી હતી તે જાણી શકાય છે. આગની ઘટનાઓમાં ડીએનએ ટેસ્ટ માટે મૃતદેહના પાછળના દાંતનાં સૅમ્પલ લેવાંમાં આવે છે. આગળના દાંતનાં ડીએનએ ડીગ્રેડ થઈ જવાની શક્યતા રહે છે."
"ડેન્ટિસ્ટ્રીને કારણે સેગ્રિગેટ કરવામાં સરળતા રહે છે. જેમ કે કેટલાક લોકોના દાંતની વચ્ચે જગ્યા હોય છે. સાઇટ પરથી ચાર એવાં સૅમ્પલ મળ્યાં છે જેમાંથી દાંતની વચ્ચે જગ્યા હોય તો આવા કિસ્સામાં પરિવારના લોકો સાથે વાત કરીને કે લોકોના ફોટો પરથી તેમની ઓળખ કરી શકાય છે. બાદમાં તેનાં ડીએનએ મૅચ કરીને તેમની ઓળખ સાબિત કરી શકાય છે."
"આ ઉપરાંત જેમ કે દુધીયા દાંત છે તો બાળક હશે અને તેની ઉંમર ત્રણ થઈ 6 વર્ષની હશે. તો આ અકસ્માતમાં કેટલાં બાળકોની ઉંમર 3 થી 6 વર્ષ હતી. તે રીતે અલગ તારવી શકાય. ડેન્ટિસ્ટ્રીની મદદથી આવા અકસ્માતમાં મૃતદેહોની ઓળખમાં સમય બચાવી શકાય છે."
"દરેક વ્યક્તિની દાંતની રચના અને બાંધણી અલગ હોય છે. જેથી જો કોઈ વ્યક્તિએ દાંતની ટ્રીટમેન્ટ કરાવેલી હોય તો તેમના પરિવાર પાસેથી માહિતી મેળવી તેમના ડૉક્ટરનો સંપર્ક કરીને તેમની દાંત અને જડબાની માહિતી મેળવી શકાય છે. જે પણ વ્યક્તિના મૃતદેહ ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ.જયશંકર પીલ્લઈએ જણાવ્યું કે "દુર્ઘટના કે કુદરતી હોનારતમાં સૅમ્પલ લેવા માટે પીડિતોની ઓળખ માટે ઇન્ટરપોલ પ્રોટોકૉલ ફૉલો કરીએ છીએ. આપણો દેશ પણ તેનો સભ્ય છે."
ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન ગાઇડલાઇન અનુસાર ચાર ફેઝ હોય છે.
ફેઝ 1-ડિઝાસ્ટર સાઇટ પર જવું અને ત્યાંથી પુરાવા ભેગા કરવા.
ફેઝ 2- પોસ્ટમૉર્ટમ અથવા પીએમ ડેટા ફિંગરપ્રિન્ટ, જડબા કે દાંત , ડીએનએ પ્રોફાઇલ આ ઉપરાંત પીડિતના શરીર પર ટેટૂ કે કોઈ સર્જરી કે અન્ય કોઈ નિશાન હોય તો તે મેળવવા.
ફેઝ 3- ઍન્ટી-મૉર્ટમ ડેટા કે જેમાં પરિવારના લોકો પાસેથી જાણકારી લેવી જેમાં મૃતકની કોઈ જગ્યા પર દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તે ડૉક્ટરનો સંપર્ક કરીને તેની પાસેથી જાણકારી લેવી. ફિંગરપ્રિન્ટ કે અન્ય કોઈ વિગતો મેળવવી.
રિકન્સાઇલેશન – જેમાં ઍન્ટી-મૉર્ટમ અને પોસ્ટમૉર્ટમના ડેટાની સરખામણી કરવામાં આવે છે. ફિંગરપ્રિન્ટ, ડીએનએ, ઑડેન્ટોલૉજી ડેટા વગેરે મૅચ કરવામાં આવે છે.
ગાઇડલાઇન મુજબ ઍન્ટી-મૉર્ટમ અને પોસ્ટમૉર્ટમનો ડેટા 100 ટકા મૅચ થતો હોવો ખુબ જ જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












