તાત્યા ટોપે : અંગ્રેજોએ જેમના નામે અનેકને ફાંસી આપી દીધી એ લડવૈયાની કહાણી

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાત્યા ટોપે પકડાયા તે ઘટનાનું એક રેખાચિત્ર
    • લેેખક, ઓમકાર કરંબેલકર
    • પદ, બીબીસી મરાઠી

ઈ.સ. 1863ની આ વાત છે.

તત્કાલીન મેજર જનરલ જીએસપી લૉરેન્સે ભારત સરકારના સચિવને લખેલું, "આપણા ચાલીસ હજાર સૈનિકો અસલી તાત્યા ટોપે અને તેમના પાંચ હજાર સૈનિકોને પકડવા માટે સંપૂર્ણ તૈયાર છે."

તાત્યા ટોપે સાથેના યુદ્ધ અને તેમનું મૃત્યુ થયાનાં લગભગ ચાર વર્ષ પછી પણ બ્રિટિશરોને વિશ્વાસ નહોતો કે તાત્યા ટોપેનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

તાત્યા ટોપેના મૃત્યુ અંગે એ જમાનામાં એવી કિવદંતીઓ પ્રચલિત હશે; કેમ કે, કેટલાક લોકો એવું માનતા હતા કે તાત્યા ટોપેને મારી નહોતા શકાતા.

આજે ભલે આ વાતની પુષ્ટિ થઈ શકતી ન હોય, પરંતુ અંગ્રેજ મેજર જનરલના પત્રથી એ તો સ્પષ્ટ થઈ જ રહ્યું છે કે તાત્યા ટોપે બ્રિટિશ સામ્રાજ્ય માટે મુશ્કેલીનું કારણ બની ગયા હતા.

1857ના સ્વાતંત્ર્યસંગ્રામને વર્ષો વીત્યાં છે, પરંતુ હજુ પણ તાત્યા ટોપેના મૃત્યુ બાબતે ઘણા બધા પ્રશ્નો છે અને એ કારણે જ તેમના મૃત્યુની ઘટનામાં લોકોનો રસ જળવાઈ રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે, 1857થી બ્રિટિશ શાસનના વિરોધનો જે સિલસિલો શરૂ થયો, તેના કારણે જ 90 વર્ષ પછી ભારત અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયું.

જોકે, 1857-58માં ભારતમાં જે કંઈ બન્યું, તેનું અલગ-અલગ દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ થતું રહ્યું છે.

કેટલાક લોકો માને છે કે, તે સ્વતંત્રતાની લડાઈ હતી; કેટલાક લોકોનું માનવું છે કે, તે અંગ્રેજોના જાગીરદારોની પોતપોતાનાં હિતોની લડાઈ હતી — શું તેઓ સંપૂર્ણ સ્વતંત્રતા ઇચ્છતા હતા, શું તેઓ વિદેશી શાસનમાંથી મુક્ત થવા માગતા હતા? આ સવાલોના જવાબ શોધવાની ઘણા ભારતીય અને વિદેશી લેખકોએ કોશિશ કરી છે.

તાત્યા ટોપે કોણ હતા?

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARAG TOPE

ઇમેજ કૅપ્શન, યેવલામાં તાત્યા ટોપેનું ઘર

તાત્યા ટોપેનું સાચું નામ રામચંદ્ર પાંડુરંગ ટોપે હતું. મહારાષ્ટ્રનું યેવલા તેમનું પૈતૃક ગામ હતું. તેમના પિતા પાંડુરંગ ભણેલાગણેલા વ્યક્તિ હતા, જેમને વેદ અને ઉપનિષદ મોઢે હતાં.

આ કારણે બાજીરાવ-દ્વિતીયએ તેમને પુણે બોલાવ્યા હતા. બાજીરાવ-દ્વિતીય જ્યારે પુણેથી નીકળીને ઉત્તર ભારતમાં કાનપુરની નજીક બિઠુરમાં આવેલા ત્યારે પુણેથી ઘણા પરિવારો તેમની સાથે ત્યાં ગયા હતા. તેમાં પાંડુરંગ પરિવાર પણ સામેલ હતો. પાંડુરંગ પોતાનાં પત્ની, બાળકો રામચંદ્ર અને ગંગાધરની સાથે બિઠુર આવી ગયા હતા. બિઠુરમાં તાત્યા ટોપે પેશવા નાનાસાહેબ અને મોરોપંત તાંબેના સંપર્કમાં આવ્યા હતા.

ત્યાર પછી તેઓ ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈના સંપર્કમાં આવ્યા. તાત્યા ટોપે ઉંમરમાં આ બધાંથી મોટા હતા.

1857નો વિપ્લવ

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ONKAR KARAMBELKAR

ઇમેજ કૅપ્શન, ઝાંસીનો કિલ્લો

1857માં નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, અવધના નવાબ અને મુઘલ શાસકોએ બુંદેલખંડમાં બ્રિટિશ શાસકો સામે બળવો કરી નાખ્યો હતો.

તેની અસર દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ થઈ હતી.

ઘણા બ્રિટિશ અને ભારતીય ઇતિહાસકારો એવું માને છે કે, ગ્વાલિયરના શિંદે શાસક આ વિદ્રોહમાં સામેલ નહોતા થયા, પરંતુ, કેટલાક ભારતીય ઇતિહાસકારો અનુસાર, ગ્વાલિયરના શાસક પણ આ બળવામાં સામેલ થયા હતા.

કહેવાય છે કે, બાયજાબાઈ શિંદેએ વિદ્રોહની તૈયારી કરી હતી. ઘણા શાસક યુદ્ધમાં એકબીજાની મદદ કરી રહ્યા હતા.

તાત્યા ટોપેની ભૂમિકા શી હતી?

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, D. B. PARASNIS, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બાયજાબાઈ શિંદે અને ગ્વાલિયરનો કિલ્લો

તાત્યા ટોપે પેશવાની સેવામાં હતા. તેમને સૈન્ય નેતૃત્વનો કશો અનુભવ નહોતો, પરંતુ તેમણે પ્રયત્ન કરીને તે પણ હાંસિલ કરી લીધો હતો.

1857 પછી અંતિમ પળ સુધી તેઓ સતત યુદ્ધમાં જ રહ્યા અથવા તો મુસાફરી કરતા રહ્યા.

તાત્યા ટોપેના વંશજ અને તાત્યા ટોપે પરના 'ઑપરેશન રેડ લોટસ' પુસ્તકના લેખક પરાગ ટોપે અનુસાર, બાયજાબાઈ શિંદે આ બળવાના મુખ્ય પ્રેરણાસ્રોત હતાં.

તાત્યા ટોપેને ઘણી બધી ભૂમિકામાં જોઈ શકાય છે : તેઓ નાનાસાહેબના મિત્ર, દીવાન, પ્રધાનમંત્રી અને સેનાના પ્રમુખ જેવાં પદો પર રહ્યા હતા.

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARAG TOPE

ઇમેજ કૅપ્શન, યેવલામાં તાત્યા ટોપેનું ઘર

1857ના સ્વાધીનતા સંગ્રામના શરૂઆતના દિવસોમાં તાત્યા ટોપેની યોજના ઘણી સફળ રહી.

દિલ્હીમાં 1857ના વિદ્રોહ પછી લખનઉ, ઝાંસી અને ગ્વાલિયર જેવાં સામ્રાજ્યો 1858માં સ્વતંત્ર થઈ ગયાં હતાં. જોકે, બાદમાં ઝાંસીનાં રાણીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

આ ઉપરાંત, દિલ્હી, કાનપુર, આઝમગઢ, વારાણસી, અલાહાબાદ, ફૈઝાબાદ, બારાબંકી અને ગોંડા જેવા વિસ્તારો પણ અંગ્રેજોથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા હતા.

તાત્યા ટોપેએ નાનાસાહેબની સેનાનું સંપૂર્ણ સંચાલન કર્યું હતું. આ વાતને સાબિત કરનારાં ઘણાં પ્રમાણ ઉપલબ્ધ છે.

તેમાં સૈનિકોની નિયુક્તિ, તેમનું વેતન, વહીવટ અને તેમની યોજનાઓ – આ બધું તાત્યા ટોપે જ જોતા હતા.

તાત્યા ટોપે શીઘ્ર નિર્ણયશક્તિ માટે જાણીતા હતા અને આ કારણે જ તેમને ખૂબ માનસન્માનથી જોવામાં આવતા હતા.

નાનાસાહેબના એમના મુખ્ય સચિવ મોહમ્મદ ઇસાક અને તાત્યા ટોપે સાથેના પત્રવ્યવહારમાંથી આ બાબત સ્પષ્ટ થાય છે.

ઝાંસીને આઝાદ કરાવવાની લડાઈ

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ONKAR KARAMBELKAR/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઝાંસીનો કિલ્લો અને ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ

બ્રિટિશ સૈનિકોએ જ્યારે ઝાંસી પર કબજો કર્યો, ત્યારે તેમણે ઝાંસીને ચારે તરફથી ઘેરી લીધું હતું. એવા સમયે ઝાંસીને બચાવવું જરૂરી હતું; એટલે, પેશવાઓએ તાત્યા ટોપેને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી.

તાત્યાના જીવનની આ અગત્યની ઘટના હતી. તાત્યા ટોપે પોતાના સૈન્ય સાથે કાનપુરની નજીક કાલ્પીથી ખૂબ ઝડપથી ઝાંસીની તરફ આગળ વધ્યા.

વિષ્ણુભટ ગોડસેએ પોતાના યાત્રા-વૃત્તાંત 'માઝા પ્રવાસ'માં લખ્યું છે કે, આ યુદ્ધમાં તાત્યા ટોપેની સેના ખૂબ બહાદુરીથી લડી, પરંતુ તાત્યા એ યુદ્ધ જીતી ન શક્યા.

તેમનાં શસ્ત્રો પર પણ બ્રિટિશરોએ કબજો કરી લીધો, પરંતુ આ યુદ્ધથી ઝાંસીના લોકો ખૂબ ઉત્સાહિત થઈ ગયા હતા.

ઝાંસી–કાલ્પી–ગ્વાલિયર

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે પેશવા ઝાંસી ઉપર કબજો કરવામાં સફળ ન થઈ શક્યા, ત્યારે રાણી લક્ષ્મીબાઈ પાસે ઝાંસી છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

એ લોકો બ્રિટિશ સેનાને થાપ આપીને કાલ્પી તરફ આગળ વધ્યાં હતાં.

કાલ્પીમાં પણ ઝાંસીનાં રાણી અને તાત્યા ટોપેની બ્રિટિશ સૈનિકો સાથે અથડામણ થઈ હતી, પરંતુ તેમને કશી સફળતા ન મળી.

ત્યાર પછી તેમની સેના ગ્વાલિયર તરફ આગળ વધી. જ્યારે ગ્વાલિયરની સેના હારી ગઈ ત્યારે ગ્વાલિયરના રાજાએ ધૌલપુરના માર્ગે આગરા જઈને શરણ લીધું.

ગ્વાલિયરની બધી શાહી સંપત્તિ પર કબજો કરીને તાત્યાએ તેમાંથી સૈનિકોને વેતન આપ્યું અને ત્યાર પછી ગ્વાલિયરને અંગ્રેજોથી સુરક્ષિત કરવાનું કામ શરૂ કર્યું હતું.

જ્યારે બ્રિટિશ સૈનિકોને ખબર પડી કે પેશવા, ઝાંસીનાં રાણી અને તાત્યા ટોપે ગ્વાલિયરમાં છે, ત્યારે તેઓ ગ્વાલિયર તરફ આગળ વધ્યા.

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1857ના વિદ્રોહી અને બ્રિટિશ સેનાના બળવાખોર સૈનિકો વચ્ચે લખનઉની લડાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

17 જૂન, 1858માં બ્રિટિશ સૈનિકો ગ્વાલિયરની નજીક પહોંચી ગયા. અહીં ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સાથે સીધા યુદ્ધમાં લડ્યાં અને વીરગતિ પામ્યાં.

રાણી લક્ષ્મીબાઈના મૃત્યુના સમાચાર મળ્યા બાદ યુદ્ધના મેદાનનું દૃશ્ય બદલાઈ ગયું. ગ્વાલિયર પર પેશવાઓની જીત ક્ષણિક સાબિત થઈ.

નાનાસાહેબના ભત્રીજા રાવસાહેબ, તાત્યા ટોપે અને બાંદાના નવાબ અલી બહાદુર – બધા ગ્વાલિયરમાંથી ગુમ થઈ ગયા.

તેની પહેલાં, 10 જૂને રાણી લક્ષ્મીબાઈ અને અલી બહાદુરને પકડવા માટે બ્રિટિશ સેનાએ દસ દસ હજાર રૂપિયાનાં ઇનામની જાહેરાત કરી હતી.

રાણી લક્ષ્મીબાઈના મૃત્યુ પછી તાત્યા ટોપે અને રાવસાહેબને પકડવા માટે પણ દસ દસ હજાર રૂપિયાનાં ઇનામની ઘોષણા કરી દેવામાં આવી.

રાવસાહેબે આત્મસમર્પણની તૈયારી બતાવી, પરંતુ બ્રિટિશ અધિકારીઓએ, અંગ્રેજો વિરુદ્ધના ષડ્‌યંત્રમાં તેઓ સામેલ હોવાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પરિસ્થિતિમાં તેમણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરી દીધો. અલી બહાદુરે બ્રિટિશરો સામે આત્મસમર્પણ કરી દીધું. તો, તેમને પેન્શન સાથે ઇન્દૌર મોકલી દેવામાં આવ્યા.

પરંતુ તાત્યા ટોપે અને રાવસાહેબે લડત ચાલુ રાખી.

ગ્વાલિયર પછી તાત્યા ટોપે ક્યાં ગયા?

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARAG TOPE/RUPA PUBLICATIONS

ઇમેજ કૅપ્શન, પરાગ ટોપે, 'ઑપરેશન રેડ લોટસ' પુસ્તકના લેખક

તાત્યા ટોપે ગુજરાતમાં પણ રહ્યા હતા એના ઉલ્લેખો ગુજરાતના ઇતિહાસમાં મળે છે.

ગ્વાલિયરથી નીકળ્યા પછી તાત્યા ટોપે ચાલાકીથી બચતા રહ્યા. એવું લાગતું હતું કે તેઓ પહેલાં રાજપૂતાના ગયા, પછી માળવા અને થોડા સમય માટે ગુજરાતમાં પણ રહ્યા હતા.

ગ્વાલિયરથી નીકળ્યા પછી તેઓ મથુરા ગયા અને ત્યાંથી રાજસ્થાન પહોંચ્યા. પછી પશ્ચિમ બાજુ ગયા અને ત્યાંથી દક્ષિણની તરફ.

આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાની મુસાફરીની દિશા બદલતા રહેતા હતા. ટોંક જિલ્લાના સવાઈ માધોપુર ગયા પછી તેઓ પશ્ચિમમાં બૂંદી જિલ્લામાં ગયા હતા.

ત્યાંથી ભીલવાડા, ગંગાપુર ગયા. ત્યાંથી પાછા ફરતાં તેઓ મધ્ય પ્રદેશ ઝાલરાપાટન પહોંચ્યા. તેઓ ઘણા દિવસો સુધી સતત મુસાફરી કરતા રહ્યા.

આ સમય દરમિયાન તાત્યા ટોપે અને રાવસાહેબ આદિવાસી લોકોની વચ્ચે પણ રહ્યા. એ દરમિયાન તેઓ સતત એવા પ્રયાસ કરતા રહ્યા કે બ્રિટિશરો સામેની લડાઈ બંધ ના થાય.

પ્રતિભા રાનડેએ પોતાના પુસ્તક 'ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ'માં રાવસાહેબ અને તાત્યા ટોપેના અંતિમ દિવસોનો ઉલ્લેખ કર્યો છે.

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્વાલિયર

રાવસાહેબ જમ્મુ નજીક હતા ત્યારે ભીમરાવ નામના એક માણસે બ્રિટિશરોને તેમની માહિતી આપી દીધી અને તેમની ધરપકડ કરવામાં આવી.

તેમની સામે કાનપુરમાં કેસ ચાલ્યો. એક પણ આરોપ સાબિત ન થઈ શક્યો, તેમ છતાં તેમને બિઠુરમાં પેશવાઓના મહેલની સામે 20 ઑગસ્ટ, 1862એ ફાંસી આપી દેવામાં આવી.

બીજી તરફ, તાત્યા ટોપે જ્યારે ગ્વાલિયરની નજીક શિવપુરીનાં જંગલમાં હતા, ત્યારે તેમની મુલાકાત નરવરના રાજા માનસિંહ સાથે થઈ હતી. માનસિંહે બ્રિટિશરોને તેમની માહિતી આપી દીધી હતી.

7 એપ્રિલ, 1859એ તાત્યા ટોપેને શિવપુરી લાવવામાં આવ્યા હતા. તેમને સિપરી નામના ગામમાં લાવવામાં આવ્યા અને દસ દિવસ પછી 18 એપ્રિલે તેમને ફાંસી આપી દેવામાં આવી.

પ્રતિભા રાનડેએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, જે પથ્થર પર તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી તેના પર અંગ્રેજોએ લખાવ્યું, "અહીં 18 એપ્રિલ, 1859એ કુખ્યાત તાત્યા ટોપેને ફાંસી આપવામાં આવી".

પરંતુ અંગ્રેજ અધિકારી ઑટ્રમ સહિત ઘણા લોકો એવું માનતા હતા કે જે માણસને ફાંસી આપવામાં આવી તે તાત્યા ટોપે નથી. એવું પણ કહેવાયું કે જેને ફાંસી આપી દેવાઈ તે વડોદરાના ભાઉ તાંબેકર છે. હકીકતમાં, તાત્યા ટોપેના નામે ઘણા લોકોને ફાંસી આપી દેવાઈ હતી.

તાત્યા ટોપેના વંશજ શું કહે છે?

તાત્યા ટોપે, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતીય ઇતિહાસ, અંગ્રેજોનું શાસન, ગુજરાતનો ઇતિહાસ, આદિવાસી આંદોલન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARAG TOPE

ઇમેજ કૅપ્શન, તાત્યા ટોપેના વંશજ

તાત્યા ટોપેના વંશજ તેમના મૃત્યુ વિશે શું કહે છે? – આ સવાલના જવાબમાં પરાગ ટોપે પોતાના અભ્યાસના આધારે દાવો કરે છે કે, તાત્યા ટોપેનું મૃત્યુ યુદ્ધ દરમિયાન થયું હતું અને બ્રિટિશ સૈનિકો સાથેની તેમની અથડામણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે છિપાબરોદમાં થઈ હતી.

પોતાના પુસ્તક 'ઑપરેશન રેડ લોટસ'માં પરાગ ટોપેએ મેજર પેજેટનો આધાર ટાંકીને તાત્યા ટોપેના અંતિમ યુદ્ધ વિશે લખ્યું છે. એ રિપોર્ટ અનુસાર, પેજેટે લખ્યું છે કે, શ્વેત અરબી ઘોડા પર સવાર તાત્યા ટોપેનું મૃત્યુ લડાઈમાં થયું હતું અને તેમના માણસો મૃતદેહ લઈ જવામાં સફળ રહ્યા હતા.

પરંતુ તેમના મૃત્યુ બાબતે બ્રિટિશ સૈનિકો ઘણા મહિનાઓ સુધી સાશંક રહ્યા. પરાગ ટોપે અનુસાર, તાત્યા ટોપેના સાથી રામસિંહ, રાવસિંહ અને જિલ જંગ એવી અફવા સતત ફેલાવતા રહ્યા હતા કે તાત્યા ટોપે જીવતા છે.

કેટલાક લોકોનું માનવું છે કે તાત્યા ટોપેને ફાંસી આપી દેવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકો એવું માને છે કે તાત્યા ટોપે સાધુવેશે બિઠુર, યેવલા અને વડોદરામાં ફરતા રહ્યા. સત્ય જે કંઈ હોય તે, પરંતુ 1857થી 1859 વચ્ચે તાત્યા ટોપેએ પોતાની અસામાન્ય બહાદુરીથી અંગ્રેજોને હંફાવી દીધા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.