કાળો વરસાદ એટલે શું અને તેની સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ શકે?

    • લેેખક, લુઇઝ એન્ટોનિયો અરૂઝો
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝીલ

બ્રાઝિલના 44 વર્ષીય પશુપાલક ટિયાગો ક્લુગે ગયા રવિવારે એક પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો.

તેમણે કાળા વરસાદની ઘટના વિશે ચેતવણી સાંભળીને દક્ષિણ બ્રાઝિલના શહેર પેલોટાસમાં પોતાના ઘરની પાછળના ફળિયામાં એક ચોખ્ખી સફેદ ડોલ રાખી દીધી.

ક્લુગે કહ્યું, "મેં દીવાલ અને છતથી દૂર એક જગ્યા પસંદ કરી જેથી કરીને ડોલમાં એકઠું થયેલું પાણી છત કે દીવાલનાં સંપર્કમાં ન આવે અને સીધું આકાશમાંથી ડોલમાં પડે."

તેમને બીજા દિવસે જોયું કે ડોલમાં એકઠાં થયેલાં વરસાદી પાણીનો રંગ અસામાન્ય ઘેરો હતો.

તેમણે બીબીસી બ્રાઝિલને જણાવ્યું, "મેં પહેલાં આ પ્રકારે ક્યારેય જોયું નથી. આ ખૂબ જ દુ:ખદ છે."

દક્ષિણ બ્રાઝિલ ઉપરાંત ઉત્તર ઉરૂગ્વે અને દક્ષિણ પેરાગ્વેમાં પણ કથિત કાળો વરસાદ જોવા મળ્યો હતો.

રહેવાસીઓએ એકઠાં કરેલાં ઘેરા રંગનાં પાણીની તસવીરો સોશિયલ મીડિયા નેટવર્ક પર શૅર કરવામાં આવી.

આર્જેન્ટિના અને ઉરૂગ્વેથી આવતી ઠંડી હવા જ્યારે બ્રાઝિલ અને બૉલીવિયાનાં જંગલોમાં મોટાપાયે લાગેલી આગના ધુમાડા સાથે મળે છે ત્યારે આવનારા દિવસોમાં વધારે કાળો વરસાદ પડી શકે છે.

સ્થાનિક હવામાન એજન્સી મેટસુલ પ્રમાણે, બ્રાઝિલની એકદમ દક્ષિણે આવેલા રિયો ગ્રાંડે ડો સુલ રાજ્યમાં આ ગુરુવારે ધુમાડાની સૌથી વધારે સાંદ્રતા નોંધાઈ હતી.

કાળો વરસાદ એટલે શું?

મેટસુલના હવામાનશાસ્ત્રી ઍસ્ટેએલ સિયાસે સમજાવ્યું કે કાળો વરસાદ ધુમાડાને કારણે ઊડતી મૅશ સાથે પાણીના મિશ્રણનું પરિણામ છે.

સિયાસે કહ્યું, "આ મૅશ અશ્મીભૂત ઈંધણ, કાર્બનિક પદાર્થો અને અન્ય ઑર્ગેનિક વસ્તુના સળગવાથી ઉત્પન્ન થાય છે."

"જ્યારે સંપૂર્ણ દહન થતું નથી ત્યારે નૅનોકણ ધુમાડા થકી વાતાવરણમાં પહોંચે છે."

હવામાનશાસ્ત્રી જણાવે છે કે સમુદ્ર તટથી એક હજાર 500 મીટર ઉપર હવાની દિશા નક્કી કરે છે કે આ ધુમાડો ક્યાં પહોંચશે.

"હવા જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ ચાલે છે ત્યારે ધુમાડો આર્જેન્ટિના, ઉરૂગ્વે અને દક્ષિણ બ્રાઝિલ તરફ જાય છે, જે આ બુધવારે થયું."

તેમણે ઉમેર્યું, "આ કાળા કાર્બન નૅનોકણો વાદળના ભેજ સાથે ભળીને એક ન્યુક્લી તરીકે કામ કરે છે જેની આસપાસ વરસાદનાં ટીપાં રચાય છે."

"વરસાદ વધવાની સાથે જ વાતાવરણમાંથી આ ધુમાડા અને કાળા કાર્બનને સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. કાળો વરસાદ તેનું જ પરિણામ છે."

કાળો વરસાદ સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે?

મેટસુલના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે આ ચોક્કસપણે દૂષિત વરસાદ છે, પરંતુ જરૂરી નથી કે આ વરસાદ ઝેરીલો જ હોય.

સિયાસે કહ્યું, “તે કાળા કાર્બનનું વહન કરે છે તેથી આ વરસાદને કારણે સપાટીઓને ગંદી કરી શકે છે.”

ફેડરલ યુનિવર્સિટી ઑફ પેલોટાસ (યૂએફપીઈએલ)માં વૉટર એન્જિનયરિંગના પ્રોફેસર ગિલ્બર્ટો કૉલારેસે કહ્યું, “રહેવાસીઓનાં સ્વાસ્થ્યને નુકસાનથી બચાવવા માટે જળ પ્રદુષણને ચોક્કસપણે માપવું જોઇએ.”

તેમણે કહ્યું, “કાળા વરસાદને કારણે થોડુંક નુકસાન થઈ શકે છે. જોકે, એવું માનવામાં આવે છે કે આ ધુમાડો કાર્બનિક પદાર્થો એટલે કે જંગલ અને ઘાસ સળગવાથી ઉત્પન્ન થયો હતો.”

પ્રોફેસરે ઉમેર્યું, “જો આ પદાર્થો ઉપરાંત વરસાદમાં ઝેરીલો ઔદ્યોગીક કચરો પણ સામેલ હોય તો તે ઍસિડ વરસાદમાં ફેરવાય જશે. જે ખૂબ જ જોખમી છે.”

જોકે, રિસર્ચરે જણાવ્યું કે કોઇપણ વરસાદી પાણી એકદમ સ્વચ્છ હોતું નથી. વરસાદી પાણીનો ઉપયોગ તેને યોગ્ય રીતે ગાળીને પછી કરી શકાય છે.

ગિલ્બર્ટોએ કહ્યું, “અમે નથી માનતા કે હાલમાં જે થઈ રહ્યું છે તેની અસર જે શહેરી વિસ્તારોમાં પીવાનાં પાણીના ટ્રીટમેન્ટ નેટવર્ક છે તે શહેરના રહેવાસીઓને થશે.”

નિષ્ણાતોએ કહ્યું કે કાળા વરસાદથી ગભરાવાની કોઈ જરૂર નથી.

કૉલારેસે કહ્યું,“અમે એકદમ કડક ન રહી શકીએ કારણ કે લોકોને પાણીની જરૂર છે. આપણે જવબદારીપૂર્વક ગભરામણને ઓછી કરવી જોઇએ.”

“આ વર્ષે મે મહિનામાં આવેલાં પૂરમાં પણ આપણે તેનો અનુભવ કર્યો. લોકો આ સ્થિતિમાંથી પસાર થશે અને આપણે સાવચેતીપૂર્વક તેનો ઉકેલ લાવવો પડશે.”

જળવાયુ પરિવર્તન

કૉલારેસે કહ્યું કે કાળો વરસાદ સ્પષ્ટપણે ઓછો નુકસાનકારક છે. જોકે, આ ઘટના દર્શાવે છે કે જળવાયુ પરિવર્તન લોકો માટે અત્યંત સંવેદનશીલ છે.

તેમણે કહ્યું, “રિયો ગ્રાંડે ડો સુલ રાજ્યની રાજધાની પોર્ટો એલેગ્રેમાં અધિકારીઓએ વિનંતી કરી છે કે રવિવાર સુધી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ક્લાસરૂમની બહાર પ્રવૃતીઓ ન કરાવે. આ એવી હકીકત છે જેની સાથે જ આપણે જીવવું પડશે.”

ઑગસ્ટના મધ્યમાં સેન્ટ્રલ બ્રાઝિલમાં આગની જ્વાળાઓની અસર રિયો ગ્રાંડે ડો સુલ પર પણ જોવા મળી હતી.

“ઓછી ઊંચાઇના જૅટ” તરીકે ઓળાખાતા પવન આ નૅનોકણોને સાથે લઈ જાય છે જે આર્જેન્ટિના અને ઉરૂગ્વે સુધી પણ પહોંચ્યા.

સૂર્ય થોડાક દિવસ સુધી ધુમ્મસને કારણે પોતાની સંંપૂર્ણ તીવ્રતા સાથે ન ચમક્યો જેને કારણે કથિત લાલ સૂરજ જોવા મળ્યો.

પોર્ટો એલેગ્રે અને રિયો ગ્રાંડો ડો સુલની બીજી નગરપાલિકાઓમાં ધુમાડો, ઠંડી હવા અને ભેજ સાથે મળીને શિયાળાના અંતે અસામાન્ય ગરમી ઉત્પન્ન કરે છે અને તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

પોર્ટો એલેગ્રેમાં ખરાબ ધુમાડાને કારણે કોવિડના અંત પછી દુર્લભ એવા માસ્કનો ઉપયોગ હાલમાં ફરીથી જોવા મળી રહ્યો છે.

સ્થાનિક સરકારે શાળાઓ ઉપરાંત લોકોને ખુલ્લી જગ્યા પર ન જવાની સૂચના આપી છે. આ ઉપરાંત લોકોને દરવાજા અને બારીઓ બંધ રાખવાની સલાહ આપી છે અને શ્વાસ સંબંધી તકલીફો ધરાવતા લોકોને ડૉક્ટરની મદદ પણ જેવી જોઇએ.

રિયો ગ્રાંડો ડો સુલમાં હવાની ખરાબ ગુણવતાને કારણે સ્વિસ કંપની આઇક્યુએરે મંગળવારે પોર્ટો એલેગ્રેને સાઉ પાઉલો પછી વિશ્વના બીજા સૌથી પ્રદૂષિત મહાનગર તરીકે વર્ગીકૃત કર્યું. આ વર્ગીકરણ ઉપગ્રહની તસવીરો પર આધારિત છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.