ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટી20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં વરસાદ પડે તો શું થશે?

ટી20 વિશ્વકપ,ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સેમિફાઇનલ

ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કહેવાય છે. તેનું કારણ એ છે કે તેમાં કંઈ પણ થઈ શકે છે. એવું પણ થઈ શકે છે કે અંડરડૉગ ગણાતી ટીમ કોઈ વિશ્વવિજેતા ટીમને હરાવી દે.

ક્રિકેટના ટી20 વર્લ્ડકપ 2024માં આવું જ કંઈ થયું છે. નબળી ગણાતી અફઘાનિસ્તાનની ટીમે પહેલા વનડે વર્લ્ડકપની ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા અને ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમને હરાવીને ટી20 વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં ઍન્ટ્રી મેળવી લીધી છે.

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024માં ધૂમ મચાવી છે. ટીમે આ ટુર્નામૅન્ટમાં અત્યાર સુધી એક પણ મૅચ હારી નથી. ટીમે ગ્રૂપ સ્ટેજ અને પછી સુપર-8માં તમામ મૅચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

જોકે તેણે સુપર-8માં પોતાના ગ્રૂપ-1માં ટૉપ પર રહીને સેમિફાઇનલમાં ઍન્ટ્રી મેળવી છે.

27 જૂને અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે પહેલી સેમિફાઇનલ મૅચ બ્રાયન લારા સ્ટેડિયમમાં ત્રિનિદાદમાં રમાશે.

ભારતની ટીમ તેની સેમિફાઇનલનો મુકાબલો 27 જૂને ઇંગ્લૅન્ડ સામે રમશે. આ મૅચ ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે.

પણ આ મૅચ માટે ખરાબ સમાચાર એ છે કે આ મૅચ પર વરસાદનું જોખમ મંડરાઈ રહ્યું છે.

જો વરસાદ આવે તો સેમિફાઇનલનું શું થશે? જો ભારત અને ઇંગ્લૅન્ડની મૅચ વરસાદમાં ધોવાઈ જશે તો શું થશે? શું આ મૅચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે? જો મૅચ રદ થાય તો ભારત અને ઇંગ્લૅન્ડની ટીમમાંથી કોણ ફાઇનલમાં જશે?

મૅચ દરમિયાન વરસાદ આવે તો શું થશે?

ટી20 વિશ્વકપ

આ વર્લ્ડકપમાં એક સસ્પેન્સ છે. અને તે એ છે કે બીજી સેમિફાઇનલ મૅચ માટે આઈસીસીએ કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જ્યારે પહેલા સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

એટલે કે બીજી સેમિફાઇનલની મૅચ દરમિયાન વરસાદ આવે તો તે મૅચ માટે રિઝર્વ ડે રાખવાને બદલે 4 કલાક અને 10 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે, જેથી મૅચને તે જ દિવસે પૂર્ણ કરી શકાય.

WhatsApp

જો મૅચ રદ કરી પડે તો શું?

ટી20 વિશ્વકપ

27 જૂને મૅચના દિવસે ગુયાનામાં વરસાદની આશંકા છે. એવામાં ભારતીય ટીમની સેમિફાઇનલની મૅચ વરસાદમાં ધોવાઈ શકે છે. આવી સ્થિતિમાં પહેલા કોશિશ થશે કે આ મૅચને 4 કલાક 10 મિનિટના વધારાના સમયમાં પૂર્ણ કરવામાં આવે. પરંતુ જો આ મૅચ પૂર્ણ ન થાય તો પોતાના ગ્રૂપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમને ફાયદો થશે. એટલે કે તે સીધી ફાઇનલમાં ઍન્ટ્રી મેળવશે. એટલે કે ફાયદો ભારતને થશે.

ભારતીય ટીમે સુપર-8ના પોતાના ગ્રૂપ-1માં ટૉપ પર રહીને સેમિફાઇનલમાં ઍન્ટ્રી મેળવી છે.

એટલે કે આ મૅચ રદ થાય તો ફાયદો ભારતની ટીમને થશે. જ્યારે પોતાના ગ્રૂપ-2માં બીજા નંબર પર રહેલી ઇંગ્લૅન્ડની ટીમ બહાર થઈ જશે.