સુરત : સાત વરસની બાળકીની દીક્ષા મોકૂફ રાખવાનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
સુરતની ફેમિલી કોર્ટમાં 22 ડિસેમ્બરે એક સાત વરસની બાળકીની દીક્ષાને મોકૂફ રાખવાનો મામલે સુનાવણી થઈ હતી.
બાળકીના પિતાના પક્ષે ઉપસ્થિત રહેલાં મહિલા વકીલે કહ્યું હતું, "નામદાર કોર્ટે સામાવાળા પાસે આઠ તારીખ સુધીના કોઈ કાર્યક્રમ નહીં કરવા અને દીક્ષા કરવામાં નહીં આવે, તેવી ઍફિડેવિટ માગેલી છે."
દીકરીનાં માતાએ કોર્ટની બહાર મીડિયાને કહ્યું કે "હાલમાં દીકરીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે."
માતા 8મી ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનારા એક સામૂહિક દીક્ષા મહોત્સવમાં તેમની દીકરીને દીક્ષા અપાવવા માગતાં હતાં.
મીડિયા સાથે વાત કરતા દીકરીના પિતાએ જણાવ્યું કે, "તેમનાં પત્ની દીકરીને દીક્ષા અપાવવા માટે કેટલાક સમયથી પ્રયત્ન કરતાં હતાં, પરંતુ મેં ક્યારેય આ બાબતે સમર્થન કર્યું નથી."
વકીલના જણાવ્યા પ્રમાણે, સ્ટે માટે કોર્ટે બીજી તારીખ આપી છે.
કોર્ટમાં શું થયું અને દીકરીનાં માતાપિતાનું શું કહેવું છે એ જાણીએ આ રિપોર્ટમાં.
બાળકીનાં માતાના વકીલે શું સ્પષ્ટતા કરી?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
બાળકીનાં માતાના વકીલ કેતન રેશમવાલાએ કહ્યું છે કે, "ગઈકાલે દીક્ષા સંબંધે કોર્ટમાં કેટલીક ભ્રામક ચર્ચાઓ કરવામાં આવી એ બાબતે સાચી માહિતી આપવા અમે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી છે. અમને ફેમિલી કોર્ટની નોટિસની બજવણી થતાં અમે કોર્ટ સમક્ષ રજૂ થયા અને અમે સ્વેચ્છાએ સોગંધનામું જાહેર કર્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું કે, "સોગંધનામા પર અમે એવી હકીકત જાહેર કરી છે કે જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષાનો કાર્યક્રમ મોકૂફ કરી દીધો છે, અમે દીક્ષાનો કોઈ કાર્યક્રમનું આયોજન નથી કરવાના. નામદાર કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકૉર્ડ પર લેવામાં આવી અને મેટર એડજર્ન કરવામાં આવી છે. અરજી હેઠળ કોર્ટે કોઈ હુકમ કરેલો નથી, પણ ભ્રામક અને ખોટા સમાચારો પ્રકાશિત થયા છે, કોર્ટે દીક્ષા પર સ્ટે આપ્યો છે એ ખોટું છે."
તેમણે જણાવ્યું કે કોર્ટે મનાહી હુકમ આપવામાં નથી આવ્યો. આ મામલો હવે 2 જાન્યુઆરી 2026ના રોજ મુલતવી રાખવામાં આવ્યો છે. વધુ સુનાવણી માટે આ મામલો મુલતવી રાખવામાં આવ્યો છે."
તેમણે કહ્યું કે "વકીલ તરીકે હું માનું છું કે સ્વેચ્છાએ આ એફિડેવિટ જાહેર કરવામાં આવી હતી તેથી બાળકીના પિતાની અરજી બિનઅસરકારક છે."
ત્યારે બાળકીનાં માતાએ મીડિયાને જણાવ્યું કે, "પિતાની સહમતી હશે ત્યારે જ દીક્ષા અપાવવામાં આવશે. અમે જ એફિડેવિટ આપી છે."
મારી દીકરી હજુ નાની છે - દીકરીના પિતા
કોર્ટની બહાર દીકરીના પિતાએ સમગ્ર મામલે મીડિયાને વાત કરી હતી અને તેમનું કહેવું હતું કે "અમને અંધારામાં રાખીને આ બધું કરાયું હતું."
દીકરીના પિતાએ કહ્યું કે "મારે અત્યારે દીકરીને દીક્ષા અપાવવાની કોઈ ઇચ્છા નથી. મારે એને ભણાવવી છે. એ અઢાર વરસની થાય, એની ઇચ્છા હશે તો દીક્ષા અપાવશું."
દીકરીની ઇચ્છા અંગે મીડિયાએ પૂછતા પિતાએ કહ્યું કે "એને (દીકરી)ને ત્યાં પણ ગમે છે અને ઘરે (સંસાર) આવે તો ત્યાં પણ ગમે છે."
તેમણે કહ્યું કે "દીક્ષાના મુહૂર્તમાં અમે કોઈ ગયા નહોતા. અમારી પરિવારની હાજરી વિના સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું હતું."
દીકરીના પિતાએ "અમે પરિવાર સાથે મહારાજસાહેબને ના પાડવા ગયા હતા. તેમ છતાં તેમણે કહ્યું કે દીક્ષા તો થશે જ. નિયમ એવો હોય છે કે માતાપિતાની મંજૂરી હોય તો દીક્ષા આપી શકાય."
એમનાં પત્ની દીકરીને દીક્ષા અપાવવા કેમ માગે છે, એ સવાલ કરતા તેમણે કહ્યું કે "એમને નાની ઉંમરે જ દીકરીને દીક્ષા અપાવવી છે. નાની ઉંમરમાં દીકરી દીક્ષા લે તો એમનું નામ રોશન થાય."
દીકરીનાં માતાએ શું કહ્યું?
અગાઉ દીકરીનાં માતાએ મીડિયા સમક્ષ કહ્યું કે "બધું નક્કી થઈ ગયા પછી તેમણે ના પાડી છે, જે દુખદ છે. તેમણે અમને પૂછ્યા વિના કોર્ટનો સહારો લીધો છે. હકીકતમાં આ મામલે કોર્ટમાં જવાની કોઈ જરૂર ન હતી. નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી."
તેમણે વધુમાં કહ્યું કે "મારા શ્રાવક 20 તારીખે પરિવાર સાથે દીક્ષા માટે મહારાજસાહેબ પાસે દીક્ષાની ના પાડવા આવ્યા હતા. ત્યારે મહારાજસાહેબે કહ્યું કે તમે દીક્ષા માટે ઇચ્છા અને વિનંતી કર્યાં હતાં, એટલે મેં દીક્ષા માટે અનુમતિ આપી હતી. હવે જો તમારી સંમતિ નથી, તો હાલ અમારે દીક્ષા આપવાની થતી નથી. આથી દીકરીના દિલમાં દીક્ષાની ભાવના અને યોગ્યતા હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવાનના માર્ગદર્શનથી દીકરીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે."
તેમણે કહ્યું કે તેમના જણાવ્યા પ્રમાણે ઍફિડેવિટ પણ કોર્ટમાં રજૂ કરી દીધી છે.
દીકરીના પિતાનાં વકીલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પિતાનાં વકીલ સ્વાતિ મહેતાએ કહ્યું, "મારા અસીલ પર ખૂબ જ ગંભીર રીતે બદનામીનો ભય અને પૈસા આપીને પણ દીક્ષા કરાવવામાં આવે તેવું મોટાં માથાંનું દબાણ હતું, પણ મારા અસીલ આ બાબતોનો ઇનકાર કર્યો હોઈ નામદાર કોર્ટમાં આજે સુનાવણી થતા, કોર્ટે સામેના પક્ષ પાસે ઍફિડેવિટ માગી છે કે આઠ તારીખ સુધીના તમામ પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવે અને આ દીક્ષા ન કરવા કહ્યું છે."
મહિલા વકીલે કહ્યું કે એક લેટર સમાજમાં ફેરવવામાં આવ્યો હતો એમાં દર્શાવાયું હતું કે 'પિતા દીક્ષા માટે સહાનુભૂતિ આપે છે અને તૈયાર છે.'
જોકે વકીલે કહ્યું કે "પત્નીએ છૂટાછેડા આપવાની ધમકી આપી હતી, આથી પિતા મજબૂર થઈને ખાલી મહારાજસાહેબને મળવા ગયા હતા. મળવા માટેની ભૂમિકા ઉપજાવી કાઢવામાં આવી હતી. સમાધાનની કોઈ ભૂમિકા હતી જ નહીં."
વકીલ સ્વાતિ મહેતાએ કહ્યું, "દીકરીનાં માતા એકલાં જ દીક્ષાનું મુહૂર્ત લેવા નીકળી ગયાં હતાં. તેમણે બચાવના ભાગરૂપે એક લેટર સમાજ ફેરવ્યો હતો, જે અમે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો."
બીબીસીએ સામેના પક્ષના વકીલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. આ અંગે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ થશે.
જૈન ધર્મમાં દીક્ષા

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
જૈન ધર્મમાં જ્યારે દીક્ષા લેવામાં આવે ત્યારે ઊંટ, ઘોડા તથા બળદગાડા સાથેની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો જોડાય છે.
અગાઉ 2023માં સુરતની એક વેપારીની આઠ વરસની દીકરીએ દીક્ષા લીધી હતી, ત્યારે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો.
જ્યારે નાનાં બાળકો સંસારનો 'ત્યાગ' કરે ત્યારે એ ચર્ચાનો વિષય બનતા હોય છે.
બીબીસી સંવાદદાતા ગીતા પાંડે સાથે વાત કરતાં મુંબઈસ્થિત બાળસુરક્ષા સલાહકાર પ્રોફેસર નીલિમા મહેતાએ અગાઉ કહ્યું હતું કે "દીક્ષા પછી બાળકે પ્રચંડ મુશ્કેલી તથા અભાવનો સામનો કરવો પડે છે. જૈન સાધ્વી તરીકેનું જીવન ખૂબ જ કઠોર હોય છે."
તો મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ધર્મ ભણાવતા ડૉ. બિપિન દોશીએ કહ્યું હતું કે "આધ્યાત્મિક જગતમાં કાયદાકીય સિદ્ધાંતો લાગુ કરી શકાય નહીં. કેટલાક લોકો કહે છે કે બાળક આવા નિર્ણય લેવા માટે પૂરતું પરિપકવ હોતું નથી, પરંતુ પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા ધરાવતાં બાળકો પણ હોય છે, તેઓ નાની વયે પુખ્ત લોકો કરતાં ઘણું વધારે હાંસલ કરી શકે છે. એવી જ રીતે, એવાં બાળકો પણ છે, જેઓ આધ્યાત્મિક ઝુકાવ ધરાવે છે. આવાં બાળકો સાધુ બને તેમાં શું ખોટું છે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












