બૅંગ્લુરુ ભાગદોડ : સરકાર, પોલીસ કે કર્ણાટક ક્રિકેટ સંઘ કોણ છે જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બૅંગ્લુરુથી, બીબીસી હિન્દી માટે
સરકાર, પોલીસ અને ક્રિકેટ પ્રશાસન સાથે સંકળાયેલાં પાવર સેન્ટર્સની નિષ્ફળતાને કારણે ક્રિકેટના કોઈ સમારોહમાં થયેલી સૌથી ખરાબ ભાગદોડનું બૅંગ્લુરુ શહેર સાક્ષી બન્યું છે.
આ ઘટનાએ તંત્ર અને તેના નિર્ણયો પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે, પણ આ બધા સવાલોના જવાબ હજુ અટકળો અને તથ્યો વચ્ચે જ અટવાયેલા છે.
આઇપીએલ ટૂર્નામેન્ટમાં 18 વર્ષ બાદ રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી)ની જીતની ખુશી ભારતની આઇટી રાજધાની બૅંગ્લુરુમાં ગાંડપણની હદ સુધી હતી.
મંગળવાર અને બુધવારે રાતે ફટાકડા ફોડીને આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની પોલીસ રાતના ત્રણ કલાક સુધી ખડેપગે તહેનાત હતી.
પણ આરસીબીના ઑફિશિયલ એક્સ હૅન્ડલ પર સવારે 7.01 કલાકે જાહેરાત કરવામાં આવી કે વિકટ્રી પરેડ વિધાનસભાથી સ્ટેડિયમ સુધી કાઢવામાં આવશે. એવી પણ ઘોષણા કરવામાં આવી કે એમના પૉર્ટલથી ફ્રી પાસ ડાઉનલોડ કરી શકાય એમ છે.
બપોરે 3.14 કલાક આસપાસ આરસીબી હૅન્ડલથી રોડ શોની જાહેરાત કરવામાં આવી હતી અને લોકોને પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
વિજય પરેડ યોજવાની મંજૂરી કોણે આપી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
આરસીબીને રાત્રે 1.45 થી સવારે સાત વાગ્યા સુધી વિજય પરેડ યોજવાની પરવાનગી કઈ ઑથૉરિટીએ આપી એ પ્રશ્નનો જવાબ હજુ મળ્યો નથી.
કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી એસટી રમેશે બીબીસીને જણાવ્યું, "છેલ્લી ઓવર સુધી અમને ખબર નહોતી કે ટ્રૉફી કોણ જીતશે. ટીમ 4 જૂને બૅંગલુરુ જવા રવાના થઈ હતી. આ સંજોગોમાં, શું શહેર પોલીસ માટે વ્યવસ્થા કરવાનો સમય હતો? એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે આ સરળ કાર્ય નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વ્યવસ્થા દરમિયાન, એ જોવાનું હોય છે કે કોણ ક્યાંથી આવશે અને કોણ ક્યાંથી જશે અને તે સમય દરમિયાન ભીડને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે.
તે જ સમયે, એ સુનિશ્ચિત કરવું પડે કે આ દરમિયાન કોઈ ગુનો ન થાય. આવી સ્થિતિમાં, જ્યારે મોટી ભીડ એકઠી થાય છે, ત્યારે એવાં તત્ત્વો પર નજર રાખવી જરૂરી છે જે મહિલાઓ સાથે ગેરવર્તન કરી શકે છે. કેટલાં સુરક્ષા દળો તહેનાત કરવાં તે અંગે પણ ચર્ચા કરવામાં આવે છે અને આ અંગે નિર્ણય લેવામાં આવે છે.
રમેશ કહે છે, "કાયદો અને વ્યવસ્થાનો પણ મુદ્દો છે. તો શું પોલીસ પાસે આ યોજના બનાવવા માટે સમય હતો? આટલા ઓછા સમયમાં પોલીસ દળને એકત્ર કરવાનો અર્થ એ છે કે તમારે પડોશી જિલ્લાઓમાંથી પણ પોલીસ દળ એકત્ર કરવું પડી શકે છે. શું શહેર પોલીસ પાસે આ બધું કરવા માટે સમય હતો? કોઈને કંઈ ખબર નથી."
બૅંગ્લુરુ શહેર પોલીસે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે સન્માનસમારોહ સાંજે પાંચ વાગ્યે સ્ટેડિયમમાં યોજાશે. આ સાથે, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર બપોરે 3.28 વાગ્યે ટ્રાફિક પ્રતિબંધોની જાહેરાત કરતી એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી. તે રોડ શો હશે કે ખુલ્લી બસ પરેડ હશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આ સમય દરમિયાન, પોલીસ તરફથી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એવી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી કે આરસીબીને વિધાનસભાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી વિજય પરેડ યોજવાની પરવાનગી આપવામાં આવી નથી.
...તો કદાચ દુર્ઘટના ટાળી શકાઈ હોત

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે બપોરના સમયે ગૃહમંત્રી પરમેશ્વરાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં સિટી પોલીસને એ જણાવતા કોણે રોકી હતી કે આટલા ઓછા સમયમાં વિકટ્રી પરેડ આયોજિત થઈ શકે નહીં? આ સવાલ અત્યારે ચોમેર ચર્ચાઈ રહ્યો છે.
રમેશે કહ્યું, "આદર્શ સ્થિતિ એ છે કે પોલીસે સત્તાધારીઓને એ જણાવવાની જરૂર હતી કે આ સંભવ નથી. અધિકારીઓએ કર્ણાટક રાજય ક્રિકેટ સંઘ અને આરસીબી સાથે સમન્વય સાધવાની જરૂર હતી. બે દાયકા પહેલાંની વાત જૂદી હતી, પરંતુ આજે આખા દેશમાં, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મુખ્ય મંત્રી કે ગૃહમંત્રીને આ કામ નહીં થઈ શકે એવું સ્પષ્ટ કહેવું શક્ય નથી."
રમેશની માફક એક અન્ય પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, "આ એક રાજકીય નિર્ણય હતો. સમારોહને પરવાનગી આપવાનો પોલીસનો નિર્ણય ન હતો. ખરેખર તો આ સમારોહને થોડા દિવસો પછી આયોજિત કરવાની જરૂર હતી કે જ્યારે ક્રિકેટ ફેન્સ પરથી જીતનો નશો ઊતરી ગયો હોય. આ કારણે ભીડ પણ ઓછી થાત અને માહોલને નિયંત્રિત કરી શકાત."
જોકે ગૃહમંત્રી પરમેશ્વરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું આયોજન કેએસસીએ અને આરસીબીએ આયોજિત કર્યો હતો. સરકારે આ સમારોહમાં માત્ર ભાગ લીધો હતો.
એક કૉંગ્રેસ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, "જો સરકાર માત્ર સમારોહમાં સામેલ થઈ રહી હતી તો સવાલ એ પણ ઊઠે છે કે ઉપમુખ્ય મંત્રી ડીકે શિવકુમારને એચએએલ ઍરપૉર્ટ જઈને ટીમની આગેવાની લેવાની શું જરૂરિયાત હતી?"
આ ભાગદોડના સાક્ષી રહેલા લોકોએ જણાવ્યું કે, સ્ટેડિયમના દરવાજા પર અફરાતફરી માત્ર અંદર પ્રવેશ કરવાને લીધે સર્જાઈ હતી. કારણ કે મફત પાસને આરસીબીના પૉર્ટલથી મેળવી શકાતો હતો.
સ્ટેડિયમના કર્મચારી કોઈને પણ અંદર જવાની પરવાનગી આપતા ન હતા, કારણકે પહેલેથી જ 32 હજાર સીટો ભરાઈ ગઈ હતી આ દરમિયાન ભાગદોડમાં 11 લોકોનાં મોત થયાં હતાં.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ પોતાના એક્સ હૅન્ડલ પરથી જાહેરાત કરી કે તેઓ ભાગદોડમાં માર્યા ગયેલા પરિવારજનોને દસ-દસ લાખ રૂપિયા આપશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












