પૃથ્વી પર આ ચાર ઍસ્ટરૉઇડ ટકરાશે, વૈજ્ઞાનિકો કેમ તેના પર નજર રાખીને બેઠા છે?

વૈજ્ઞાનિકો, લઘુગ્રહ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, SPL

ઇમેજ કૅપ્શન, દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર આ લઘુગ્રહ પર છે.

કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ નિહાળતી વખતે અથવા કોઈ ઍસ્ટરૉઇડ એટલે કે ક્ષુદ્રગ્રહ પૃથ્વી સાથે અથડાશે, એવા સમાચાર આવે ત્યારે જ તમે ઍસ્ટરૉઇડ વિશે વિચારતા હો તે શક્ય છે, પરંતુ વૈશ્વિક સ્તરે ઘણી સંસ્થાઓ અને વેધશાળાઓ આવા ઍસ્ટરૉઇડ્સ પર નજર રાખતી હોય છે. તેનાં ઘણાં કારણો હોય છે.

ઍસ્ટરૉઇડ લગભગ 4.6 અબજ વર્ષ પહેલાં આપણા સૌરમંડળની રચનામાંથી બચેલા ખડકાળ પદાર્થો છે. દસ લાખથી વધુ જાણીતા ઍસ્ટરૉઇડ્સ છે અને એ પૈકીના મોટાભાગના મંગળ અને ગુરુની વચ્ચે સૂર્યની પરિક્રમા કરતા મુખ્ય ઍસ્ટરૉઇડ બેલ્ટમાં આવેલા છે.

યુનાઇટેડ કિંગડમની ધ ઓપન યુનિવર્સિટીમાં પ્લેનેટરી ઍન્ડ સ્પેસ સાયન્સનાં પ્રોફેસર એમેરિટા મોનિકા ગ્રેડી સમજાવે છે કે કેટલાક ઍસ્ટરૉઇડ પૃથ્વીની નજીક આવે છે અને જીવનની ઉત્પત્તિને સમજવામાં આપણને મદદ કરે છે.

મોનિકા ગ્રેડી કહે છે, "એ પૈકીના કેટલાક ઍસ્ટરૉઇડ્સમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો છે, જે જીવનના નિર્માણનો હિસ્સો હોઈ શકે છે. એક ધારણા એવી છે કે પૃથ્વી પર જીવન ચાલી રહ્યું છે તેનું એકમાત્ર કારણ ઍસ્ટરૉઇડ્સ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલા જીવન માટેના ઘટકો છે."

મોટાભાગના ઍસ્ટરૉઇડ્સ હાનિકારક હોતા નથી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જ્યા વિના પસાર થઈ જાય છે, પરંતુ તેમના પર ધ્યાન આપવું જરૂરી હોય છે.

યુનાઇટેડ કિંગડમની ઍડિનબર્ગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઍસ્ટ્રોનૉમી રિસર્ચનાં ફેલો અગાટા રોઝેક કહે છે, "પૃથ્વી નજીક આવતા પદાર્થોમાં ઘણી રસપ્રદ બાબતો હોય છે. તેમની ભ્રમણકક્ષા સુપરિચિત ન હોય ત્યાં સુધી તેમના પર ચાંપતી નજર રાખવામાં આવે છે. ક્યારેક તેની અસરની આગાહી માટે તેના પર નજર રાખવામાં આવે છે. અમે પૃથ્વીથી દૂર અસામાન્ય રચનાવાળા પદાર્થો શોધતા હોઈએ છીએ."

કદની બાબતમાં ઍસ્ટરૉઇડ્સ ઓછી ચિંતાજનક બાબત છે.

રોઝેક સમજાવે છે, "ઍસ્ટરૉઇડ ક્યાં છે અને ક્યાં જઈ રહ્યો છે, તે અમે બરાબર જાણીએ છીએ. તેની ગતિને નિયંત્રિત કરતી બાબતોની અમને સારી સમજ છે અને તેને વધુ સારી રીતે સમજવા માટે અમે અસામાન્ય કિસ્સાઓનો અભ્યાસ કરીએ છીએ."

"નાના અને અજાણ્યા ઍસ્ટરૉઇડ્સની ભ્રમણકક્ષા વિશે જાણકારી ન હોય ત્યાં સુધી તે ચિંતાનો વિષય બનવાની શક્યતા વધુ હોય છે."

વિજ્ઞાનીઓના કહેવા મુજબ, હાલ ત્રણ મુખ્ય ઍસ્ટરૉઇડ્સ પર નજર રાખવામાં આવી રહી છે. વધુ એક ઍસ્ટરૉઇડ એટલો મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ તેના અભ્યાસ માટે મિશન શરૂ કર્યું છે.

1. અપોફિસ: ફૂટબૉલનાં ત્રણ મેદાન જેટલો

નાસા, એપોફિસ, એસ્ટરોઇડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, નાસાએ કહ્યું કે એપોફિસ એસ્ટરોઇડથી પૃથ્વી પર કોઈ મોટો ખતરો નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અરાજકતા અને વિનાશના ઇજિપ્શિયન દેવતાના નામ પરથી આ ઍસ્ટરૉઇડનું નામ રાખવામાં આવ્યું છે. તેને 2004માં શોધી કાઢવામાં આવ્યો હતો.

તે પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ઓછી જણાય છે, પરંતુ નાસાએ જાહેરાત કરી હતી કે "અપોફિસ ઓછાંમાં ઓછો 100 વર્ષ સુધી પૃથ્વીને નુકસાન કરે તેવી કોઈ શક્યતા નથી, એવી અમને ખાતરી છે."

રોઝેક કહે છે, "અમે હાલ જાણીએ છીએ કે તે 2029ની 13 એપ્રિલના રોજ પૃથ્વી પાસેથી સુરક્ષિત રીતે પસાર થશે."

"શોધ થઈ ત્યારથી અપોફિસનું જમીન પરથી વ્યાપક અવલોકન કરવામાં આવી રહ્યું છે. તે બહુ નજીકથી પસાર થશે. આપણા જીઓસ્ટેશનરી સૅટેલાઇટ્સ નજીક છે એટલા નજીકથી પસાર થશે. અમને લાગે છે કે પૃથ્વીની નિકટતા ઍસ્ટરૉઇડને ખેંચી શકે છે અને તેનો આકાર બદલી શકે છે."

નાસાના જણાવ્યા મુજબ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પણ એક ખેંચાણ પેદા કરશે, જે અપોફિસની સૂર્યની આસપાસની ભ્રમણકક્ષામાં ફેરફાર કરશે અને તે ઍસ્ટરૉઇડ પર કેટલાંક નાનાં ભૂસ્ખલનનું કારણ પણ બની શકે છે.

તેનો સરેરાશ વ્યાસ 340 મીટર એટલે કે ફૂટબૉલનાં ત્રણ મેદાન જેવડો છે. તે પૃથ્વીની સપાટીથી લગભગ 32,000 કિલોમીટર દૂરથી પસાર થશે. નરી આંખે જોઈ શકાય એટલો નજીકથી પસાર થશે.

2. 2024 YR4: શું ચંદ્ર સાથે ટકરાઈ શકે છે?

નાસા, સાયકી, એસ્ટરોઈડ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ATLAS

ઇમેજ કૅપ્શન, નાસા સાયકી નામના ઍસ્ટરૉઇડનો અભ્યાસ કરવા માટે લાખો ડૉલરનું રોકાણ કરી રહ્યું છે

નાસાના અંદાજ મુજબ, 53-67 મીટરના કદનો, લગભગ 15 માળની ઇમારત જેવડો આ ઍસ્ટરૉઇડ 2024માં શોધી કાઢવામાં આવ્યો હતો. તે 2032માં પૃથ્વી સાથે અથડાવાની પાતળી શક્યતા હોવાનું જાણવા મળ્યું ત્યારે તે વિશ્વભરમાં સમાચારોમાં ચમક્યો હતો.

તેના પૃથ્વી પર અથડાવાની શક્યતા બહુ ઓછી હોવાનો અંદાજ સંશોધકોએ માંડ્યો હતો, પરંતુ પછીથી નાસાએ તે શક્યતાને નકારી કાઢી હતી.

ગ્રેડી કહે છે, "પૃથ્વી સાથે અથડાવાની દિશામાં આગળ વધતા ઍસ્ટરૉઇડના નિરીક્ષણમાંના સૌથી મોટા પડકારો પૈકીનો એક, તેના પૃથ્વી સાથે અથડાવાની શક્યતા કેટલી છે તે નક્કી કરવાનો હોય છે."

"એ ભ્રમણકક્ષાને, ચોક્કસ માર્ગને જાણવા માટે અમારે સતત અવલોકન કરવું પડે છે."

2024 YR4 ચંદ્ર સાથે અથડાય તેવી હજુ પણ 3.8 ટકા શક્યતા છે, પરંતુ નાસા ઉમેરે છે કે અથડામણ થાય તો પણ તેનાથી આપણી નેચરલ સૅટેલાઇટ ભ્રમણકક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં.

3. ડિડીમોસ અને ડિર્મોર્ફોસ

ડિમોફોર્સ, નાસા, અવકાશયાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA/Johns Hopkins APL/Steve Gribben

ઇમેજ કૅપ્શન, ડિમોર્ફોસની નજીક આવતા નાસા અવકાશયાનની ગ્રાફિક છબી

ગ્રીકમાં ડિડીમોસનો અર્થ જોડિયા થાય છે. તે એક ઍસ્ટરૉઇડ છે અને ડિમોર્ફોસ એક નાનો ચંદ્ર છે, જે તેની ભ્રમણકક્ષામાં વિહાર કરે છે.

આ બંનેમાંથી એકેયને પૃથ્વી માટે ખતરો માનવામાં આવતા નથી, પરંતુ તેઓ પૃથ્વીની નજીકથી પસાર જરૂર થાય છે.

આ બન્ને ઍસ્ટરૉઇડ્સ 2022માં નાસાના ડબલ ઍસ્ટરૉઇડ રીડિયરેક્શન ટેસ્ક (ડીએઆરટી)નું ટાર્ગેટ હતા. નાસાએ ડિમોર્ફોસનો નાશ કરવા ડીએઆરટી મિશન લૉન્ચ કર્યું હતું, પરંતુ તેનો નાશ કરવાની પ્રક્રિયામાં ડીએઆરટીનો પોતાનો જ નાશ થયો હતો. તેનો હેતુ એ ચકાસવાનો હતો કે પૃથ્વીને નુકસાન કરી શકે તેવા અવકાશી ખડકોને તેના માર્ગમાં જ સલામત રીતે હટાવી શકાય કે નહીં.

ડિમોર્ફોસ અને ડિડીમોસ બન્નેની પસંદગી કાળજીપૂર્વક કરવામાં આવી હતી. ધ્યાનમાં આવ્યા તે પહેલાં એ બન્નેમાંથી કોઈ પણ પૃથ્વીના માર્ગમાં આવવાની શક્યતા ન હતી અને તેમની ભ્રમણકક્ષા સંબંધે નાના ફેરફારથી કોઈ જોખમ વધવાની શક્યતા પણ ન હતી.

રોઝેક કહે છે, "એ મિશનથી ચંદ્ર ડિમોર્ફોસ પર અસર થઈ હતી. ગ્રહ સંરક્ષણના પ્રથમ વ્યવહારુ પરીક્ષણમાં ડિડીમોસની આસપાસની તેની ભ્રમણકક્ષા બદલાઈ ગઈ હતી."

"તે ફેરફાર મુખ્યત્વે પૃથ્વી-આધારિત અવલોકનોના ઉપયોગ વડે નોંધવામાં આવ્યો હતો. આગામી વર્ષના હેરા મિશનની શરૂઆત પહેલાં, અમે અથડામણ પછીની ઘટનાઓની તપાસ કરવાનું ચાલુ રાખ્યું છે."

4. સાઈકી: પૃથ્વીના મુખ્ય ભાગને ઉકેલવાની ચાવી

સાઈકી, વૈજ્ઞાનિકો, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, સાઈકીની સંરચનાએ વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે

નાસાએ જેને "મુખ્ય ઍસ્ટરૉઇડ બેલ્ટમાંના સૌથી રસપ્રદ પદાર્થો પૈકીના એક" તરીકે જેને વર્ણવ્યો છે તે સાયકી 1852માં મળી આવ્યો હતો. તેનું નામ આત્માની ગ્રીક દેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

સાયકી આપણાથી ખૂબ દૂર છે. તે ગુરુ અને મંગળની વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે તથા તે ધાતુ તેમજ ખડકનો બનેલો હોવાનું માનવામાં આવે છે.

વિજ્ઞાનીઓ માને છે કે મોટાભાગની ધાતુ ગ્રહોની નિર્માણ સામગ્રી, પ્લેનેટસિમલમાંથી આવે છે. તેનો અભ્યાસ કરવાથી પૃથ્વીના મુખ્ય ભાગ અને અન્ય ગ્રહોના મુખ્ય હિસ્સાની રચના કેવી રીતે થઈ તે શોધી શકાય છે.

તેનો નકશો બનાવવા અને અભ્યાસ કરવા માટે નાસાએ 2023માં એક મિશન શરૂ કર્યું હતું.

નવી શોધો

વેરા રૂબિન ટેલિસ્કોપ, ટ્રિફિડ, લગૂન નેબ્યુલા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NSF-DOE Vera C. Rubin Observatory

ઇમેજ કૅપ્શન, વેરા રુબિન ટેલિસ્કોપ દ્વારા બહાર પાડવામાં આવેલી પહેલી તસવીરમાં ટ્રિફિડ અને લગૂન નેબ્યુલાને જોઈ શકાય છે.

વેરા રુબિન ઑબ્ઝર્વેટરી આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેના નવા ટેલિસ્કોપે માત્ર 10 કલાકમાં, પૃથ્વીની નજીક 2,000થી વધુ નવા ઍસ્ટકૉઇડ્સ અને સાત અવકાશી પદાર્થ શોધી કાઢ્યા છે.

દર વર્ષે જમીન પર અને અવકાશમાં અન્ય તમામ વેધશાળાઓ દ્વારા આશરે 20,000 ઍસ્ટરૉઇડ્સ શોધવામાં આવે છે.

પ્રોફેસર ગ્રેડી કહે છે, "તમે રાતના આકાશનો તાગ પામવા ઇચ્છતા હો તો તમારી પાસે ખરેખર વિશાળ દૃશ્ય ક્ષેત્ર હોવું જરૂરી છે અને વેરા રુબિન ઑબ્ઝર્વેટરીના ટેલિસ્કોપમાં તે વાઇડ ફિલ્ડ વ્યૂ છે."

ઑબ્ઝર્વેટરી જણાવે છે કે પ્રોજેક્ટના થોડા પ્રારંભિક વર્ષોમાં તેને લાખો નવા ઍસ્ટરૉઇડ્સ શોધવાની આશા છે. તેનાથી વિજ્ઞાનીઓને નિરીક્ષણ કરવા માટે વધુ ઍસ્ટરૉઇડ્સ મળશે અને આપણા સૌરમંડળ વિશે વધુ સકેતો મળશે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન