વર્ષો સુધી ઘરેલુ હિંસાનો ભોગ બનેલાં દીપિકા તેમાંથી બહાર કેવી રીતે આવ્યાં?

ઇમેજ સ્રોત, VISAGE
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કોઈ સંબંધમાં પ્રેમની જગ્યા હિંસા લઈ લે તો તેમાંથી બહાર નીકળવામાં મહિલાને કોણ રોકતું હોય છે? મહિલા શા માટે સહન કરે છે, નજરઅંદાજ કરે છે, માફ કરે છે અને તે ચક્રવ્યૂહમાં ફસાયેલી રહે છે?
દિલ્હીમાં રહેતાં મહારાષ્ટ્રનાં શ્રદ્ધા વાલકરના કિસ્સામાં પણ આવા સવાલ ઊઠ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, શ્રદ્ધા ઘરેલુ હિંસાનો સામનો કરતાં રહ્યાં હતાં અને આખરે એક દિવસ તેમનાં લિવ-ઇન પાર્ટનરે તેમની હત્યા કરીને તેમનાં દેહનાં 35 ટુકડા કરીને જુદાં-જુદાં ઠેકાણે ફેંકી દીધાં હતાં.
ભણેલી-ગણેલી, સશક્ત, મુક્ત વિચારોવાળી મહિલાઓ પણ આવા સંબંધમાં શા માટે ફસાયેલી રહેતી હોય છે, જેમાં આદર ન કરવામાં આવે ત્યારે મારપીટ થતી હોય?
દીપિકા (નામ બદલ્યું છે) તેમના પતિથી અલગ થયાં તેને સાત વર્ષ થઈ ગયાં છે. પહેલીવાર થપ્પડ મારવામાં આવી ત્યારે થયેલા ફ્રેક્ચર બાદ એ સંબંધને તોડી નાખવામાં આટલો લાંબો સમય કેમ થયો? આખરે તેમની મદદ કોણે કરી? સંબંધમાંથી બહાર નીકળ્યાં પછી શું થયું હતું? આ બધા સવાલ મેં તેમને પૂછ્યા ત્યારે તેમણે હૈયું ખોલીને મને તેમની કહાણી કહી હતી.
(ચેતવણીઃ આ આપવીતીમાં માનસિક તથા શારીરિક હિંસાનું વર્ણન છે, જે તમને પરેશાન કરી શકે છે)
તેમણે મને મારી નાખી હોત, પરંતુ મારું નસીબ સારું હતું કે એ પહેલાં જ હું સંબંધ તોડીને બહાર આવી ગઈ.
આપણો ઉછેર જ એવી રીતે કરવામાં આવે છે કે આપણે લગ્નમાં, પ્રેમમાં અને તે બંધનમાં ભરોસો કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે બધું ઠીક થઈ જશે, આપણામાં સહનશક્તિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મારા કિસ્સામાં પણ શરૂઆત આવી રીતે જ થઈ હતી.
મારા પતિએ મને પહેલીવાર થપ્પડ મારી ત્યારે મેં મારી જાતને સમજાવી હતી કે તેઓ તણાવમાં છે. આ તો બસ ગુસ્સો છે. તે શાંત થઈ જશે.
અમારાં લગ્નને બે વર્ષ થયાં હતાં અને એક કસુવાવડ બાદ મેં દીકરીને જન્મ આપ્યો હતો.
હું ગર્ભવતી હતી ત્યારે કૉમ્પ્લિકેશન્શને કારણે ચાર મહિના પથારીવશ રહેવું પડ્યું હતું. હું મારી મમ્મીનાં ઘરે ચાલી ગઈ હતી, જે તેમને ગમ્યું ન હતું.
અમારી દીકરીનો જન્મ સાડા સાત મહિને જ થઈ ગયો ત્યારે તણાવમાં વધારો થયો હતો. દીકરીનું વજન જન્મ સમયે માત્ર દોઢ કિલો હતું.
હૉસ્પિટલમાં ઑપરેશન થિયેટરમાંથી રૂમમાં આવીને હું હજુ સભાન થઈ ત્યાં જ તેઓ બરાડવા લાગ્યા હતા, સામાન ફેંકવા લાગ્યા હતા. તેમને શાંત કરવા માટે નર્સોને બોલાવવી પડી હતી.
તેઓ મારાં માતા-પિતાથી ચીડાવા લાગ્યા હતા. તેથી હું મારાં માતા-પિતાથી દૂર થઈ ગઈ હતી. એમ વિચાર્યું હતું કે મારી જિંદગીમાં કાં તો મારા પતિ રહી શકશે અથવા મારાં માતા-પિતા.
ગુસ્સામાં મારા પતિએ ઘર છોડી દીધું હતું. મેં તેમને વિનવ્યા હતા કે ઘરે પાછા આવી જાઓ, કારણ કે આપણી નાનકડી દીકરીને પિતાની જરૂર છે.
તેઓ એ શરતે ઘરે પાછા ફર્યા હતા કે તેઓ ઘરમાં હશે ત્યારે મારા પરિવારની કોઈ વ્યક્તિ ઘરમાં આવશે નહીં. તેઓ મારા પર સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છતા હતા.

એ પહેલી થપ્પડ

ઇમેજ સ્રોત, Getty Images
મારા પતિ રાક્ષસ બની ગયા હોય એવું લાગતું હતું. મારા પરિવારને મનમાં આવે તેવું કહેતા હતા, તેમનું અપમાન કરતા હતા.
આમ કરવું તેને ‘મૌખિક દુર્વ્યવહાર’ કહેવાય, પરંતુ હું એ બાબતે કશું જાણતી ન હતી. 2005નું વર્ષ હતું. એ બાબતે મોકળાશથી વાત થતી ન હતી.
આખરે એક દિવસે એ વાતોએ હિંસાનું સ્વરૂપ લીધું હતું અને તેમણે ગુસ્સામાં મને પહેલીવાર થપ્પડ મારી હતી.
પછી તરત જ મારા પગમાં પડીને માફી માગવા લાગ્યા હતા. કહેતા હતા કે તેઓ તેમના હાથ કાપી નાખશે. પછી મારા માટે ફૂલ લાવ્યા હતા.
મેં પણ વિચાર્યું હતું કે આ તો બસ એક થપ્પડ હતી, ક્ષણિક ગુસ્સો હતો. ફરીથી આવું નહીં થાય. મેં તેમને માફ કરી દીધા હતા અને અમે સાઇકૉલૉજિસ્ટ પાસે ગયા હતા.
પહેલાં સાઇકૉલૉજિસ્ટે ગુસ્સો ઓછો કરવાની દવા આપી હતી, જે મારા પતિએ ત્રણ દિવસ લીધી હતી અને પછી લેવાનું બંધ કરી દીધું હતું.
બીજા સાઇકૉલૉજિસ્ટ પાસે ગયા તો તેમણે સલાહ આપી હતી કે “તમે તમારા પતિની દરેક વાતમાં સહમત થશો ત્યારે જ તણાવ ઘટશે.”
જોકે, એ કોઈ નિરાકરણ ન હતું, કારણ કે જે દિવસે મેં મારા પતિ સાથે સહમત ન થઈ ત્યારે તેમણે મને ફરી થપ્પડ મારી હતી.

- 'તેમણે મને મારી નાખી હોત, પરંતુ મારું નસીબ સારું હતું કે એ પહેલાં જ હું સંબંધ તોડીને બહાર આવી ગઈ'
- 'મારા પતિ રાક્ષસ બની ગયા હોય એવું લાગતું હતું. મારા પરિવારને મનમાં આવે તેવું કહેતા હતા, તેમનું અપમાન કરતા હતા'
- 'પતિએ મારા પર હાથ ઉપાડ્યો ત્યારે મારો બે વર્ષનો દીકરો મારા ખોળામાં બેઠો હતો'
- 'ફ્રેક્ચર પછી બીજી વખત ઘર છોડ્યા પછી પણ હું એ આશાએ પાછી ફરી કે મારા લગ્નને બચાવવા હું આ છેલ્લી તક આપીશ'
- કોઈ સંબંધમાં પ્રેમની જગ્યા હિંસા લઈ લે તો તેમાંથી બહાર નીકળવામાં મહિલાને કોણ રોકતું હોય છે?


થપ્પડનાં નિશાન

ઇમેજ સ્રોત, Science Photo Library
એ દરમિયાન હું બીજી વખત ગર્ભવતી થઈ હતી. બીજી વખતે દીકરાનો જન્મ થયો હતો, પણ ઝઘડા યથાવત રહ્યા હતા. એ વખતે પતિએ મને થપ્પડ મારી ત્યારે તેનું નિશાન રહી ગયું હતું.
મેં તે વાત મારાં માતા-પિતાથી છૂપાવી હતી અને હું જ્યાં ભણાવતી હતી એ સ્કૂલમાં બીજું કશુંક જણાવ્યું હતું.
બે સંતાન સાથે ઘર છોડવાનું શક્ય છે એની મને ખાતરી ન હતી.
એ ચક્ર ચાલતું રહ્યું. તેઓ મને મારતા, માફી માગતા, તણાવને દોષી ગણાવતા, મને દોષી ગણાવતા, ખુદનો જીવ લઈ લેશે એવું કહેતા અને ઓરડામાં પૂરાઈ જતા.
એ પછી અમે વધુ એક કાઉન્સેલર પાસે ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે “આવું બધાં લગ્નમાં થતું હોય છે. આ ઘરેલુ હિંસા નથી, કારણ કે તેઓ તેમને રોજ મારતા નથી. ઘર જાઓ અને સંબંધ બહેતર બનાવવા માટે મહેનત કરો.”
મેં ત્રણ વખત કાઉન્સેલરની સલાહ લીધી હતી, પણ મારું નસીબ એટલું ખરાબ હતું કે એ ત્રણમાંથી કોઈએ મને સાચો માર્ગ દેખાડ્યો નહીં અને હું તેમની ખોટી સલાહને અનુસરતી રહી હતી.
મારપીટ ચાલતી રહી હતી. એ પછી પતિએ મારા પર હાથ ઉપાડ્યો ત્યારે મારો બે વર્ષનો દીકરો મારા ખોળામાં બેઠો હતો. તેને બચાવવાના પ્રયાસમાં હું પડી ગઈ હતી અને માથા પર ઈજા થઈ હતી.
આખરે મેં ઘર છોડી દીધું હતું અને બાળકો સાથે એક બેડરૂમવાળા ફ્લૅટમાં રહેવા ચાલી ગઈ હતી. આર્થિક રીતે હું પગભર હતી એટલે એ પગલું લઈ શકી હતી, પણ પૂરા મનથી નહીં.
મેં મારાં માતા-પિતાને ત્યારે પણ હિંસા બાબતે કશું જણાવ્યું ન હતું. અમારી વચ્ચે થતા ઝઘડા બાબતે જ જણાવ્યું હતું. હું એવું માનતી હતી કે અમારી વચ્ચે જે થઈ રહ્યું હતું એ મારાં માતા-પિતા જાણે છે એ વાતની ખબર મારા પતિને પડશે તો મને મારાં માતા-પિતાથી વધુ દૂર કરી દેશે, નારાજ થશે અને વધારે મારપીટ કરશે.
લગ્નની શક્તિમાં ત્યારે મને બહુ વિશ્વાસ હતો. હું એ સમજતી ન હતી કે અમારાં લગ્નમાં પ્રેમ નહીં, પરંતુ ભય જ બચ્યો હતો.
કોઈ સંબંધમાં એક વ્યક્તિ તમારા પર હાથ ઊઠાવે એનો અર્થ એ કે તેણે તમારી ઇજ્જત કરવાનું છોડી દીધું છે. પહેલી થપ્પડ મારવામાં આવી ત્યારે જ હાથ પકડી લેવો જોઈતો હતો, પરંતુ આપણે સંબંધ નિભાવતા રહીએ છીએ, કારણ કે આપણે એ જ શીખ્યા છીએ.
હું ખુદને દોષી ઠરાવતી હતી, મારા નિર્ણય બાબતે શંકા કરતી હતી. હું માનતી હતી કે હું બધું ઠીક કરી નાખીશ.
મને માર મારીને મારા પતિ રડતા, પછી માફી માગતા, સુધરી જવાના વાયદા કરતા. એ બધું લગ્નજીવન બચી જવાની આશા વારંવાર બંધાવતું હતું. ભવિષ્ય બાબતે ગંભીર વિચારણા કરતા, વિશ્લેષણ કરતા રોકતું હતું. એવી આશામાં હું ત્રણ મહિના બાદ ફરી ઘરે પાછી ફરી હતી.

ઘર છોડ્યું, પરંતુ પાછી ફરી

ઇમેજ સ્રોત, Getty Images
થોડાક સમય પછી મારો દીકરો ત્રણ વર્ષનો થયો એ પછી એક દિવસ ફરી ઝઘડો થયો હતો અને એ વખતે મારા પતિએ મારું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું અને મને માર માર્યો હતો.
મારા ઘૂંટણમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. તેથી હું ડૉક્ટર પાસે ગઈ અને પ્લાસ્ટર કરાવ્યું. પાછી આવી ત્યારે હું ડ્રામા કરી રહી છું, એમ કહીને તેમણે ફરી મારપીટ કરી હતી.
હું ભયભીત થઈ ગઈ હતી. આખરે હિંમત એકઠી કરીને મારાં માતા-પિતાને જણાવ્યું હતું અને પોલીસ સ્ટેશને ગઈ હતી.
હું ફરીથી અલગ રહેવા લાગી હતી. મારા સંતાનો માટે એ બહુ મુશ્કેલ સમય હતો. તેઓ બન્ને તરફ ખેંચાતાં હતાં.
મારા પતિનાં બહેન તથા પિતા વારંવાર ફોન કરીને કહેતાં હતાં કે હું પાછી ઘરે જઈશ તો મારા પતિ સુધરી જશે.
તે મારાં બીજાં લગ્ન હતાં. હું એ સંબંધને ટકાવી રાખવા ઇચ્છતી હતી.
પહેલાં લવ મૅરેજ કર્યાં હતાં. એ વખતે હું માત્ર 20 વર્ષની હતી. યોગ્ય પાર્ટનરને પસંદ કરવાની સમજ ન હતી. એક જ વર્ષમાં મેં છૂટાછેડા લઈ લીધા હતા.
એ પછી 16 વર્ષ સુધી મેં લગ્ન બાબતે વિચાર્યું જ ન હતું. હું બહુ ખુશ હતી. આત્મનિર્ભર હતી. શિક્ષિકા તરીકેની નોકરી મને પસંદ હતી અને હું આઝાદ જીવન જીવી રહી હતી.
માતા-પિતાના દબાણને કારણે ડેટિંગ વેબસાઈટ પર પ્રોફાઇલ બનાવી. તેમાં મારી મુલાકાત મારા ભાવિ પતિ સાથે થઈ હતી. તેઓ મારી બહુ સંભાળ રાખતા હતા. મારા માટે તેમનું શહેર છોડીને મારા શહેરમાં આવવા તૈયાર હતા. લગ્ન કરવા તલપાપડ હતા.
પહેલી મુલાકાતના સાત જ મહિનામાં અમારાં લગ્ન થઈ ગયાં હતાં. બન્નેની ઉંમર વધારે હતી તેથી અમે જલદી બાળકને જન્મ આપવા ઉત્સુક હતાં. હું ગર્ભવતી થઈ, પરંતુ બે જ મહિનામાં કસુવાવડ થઈ ગઈ.
એ દિવસો યાદ કરું છું ત્યારે સમજાય છે કે મારા પતિનું વર્તન ત્યારથી બદલાવાનું શરૂ થયું હતું. તેઓ નારાજ રહેતા હતા. કોઈને મારી પાસે આવવા દેતા ન હતા. મારી મમ્મીને પણ નહીં. એ વખતે બધાએ કહ્યું હતું કે “હમણાં જ લગ્ન થયાં છે. આવું થાય.”
તેઓ મને ત્યારે મારતા ન હતા. સામાન ફેંકતા હતા. કપ તોડી નાખ્યો હતો. પ્લેટ ફેંકીને તોડી નાખી હતી. ઘરમાં કાયમ તણાવ રહેતો હતો. એ પણ એક પ્રકારની હિંસા જ હતી. તેમણે મને થપ્પડ મારી એ જ વખતે મને સમજાયું હતું.
હવે પાછળ ફરીને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે સમાજની નજરમાં આબરૂ તથા લગ્નજીવનને ખંડિત થતું રોકવા જેવા કેટલાં કારણો મને રોકતા રહ્યાં હતાં. હું મારી જાતને સંભાળવાને બદલે તેમના બદલવાની રાહ જોતી રહી હતી.
ફ્રેક્ચર પછી બીજી વખત ઘર છોડ્યા પછી પણ હું એ આશાએ જ પાછી ફરી હતી. એ વખતે નક્કી કરેલું કે મારા લગ્નને બચાવવા હું આ છેલ્લી તક આપીશ.

તેમણે મારાં માતા-પિતાને માર્યાં

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ એક વર્ષ સુધી બધું સારી રીતે ચાલ્યું હતું, પરંતુ એ પછી મારા પતિની નોકરી છૂટી ગઈ હતી અને એમના પિતાનું પણ અવસાન થયું હતું.
તેમના જીવનમાં તણાવ વધ્યો એટલે તેમણે મારી મારપીટ ફરી શરૂ કરી હતી અને તેમાં વધારો થયો હતો. તેઓ દર અઠવાડિયે એક-બે વખત મને મારતા હતા.
તેમના પિતાના મૃત્યુ પછીનો સમય એટલો નાજુક હતો કે હું તેમને છોડી પણ શકતી ન હતી કે મારપીટ ફરી શરૂ થઈ ગઈ છે તે કોઈને જણાવી પણ શકતી ન હતી.
એક રાતે ગુસ્સે થઈને તેઓ ઘરની ચીજો મારા પર ફેંકવા લાગ્યા હતા. બોટલ, ખુરશી જે હાથમાં આવ્યું તે. પછી મારું ગળું દબાવીને મારી હત્યા કરવાની ધમકી આપી હતી.
એ બધું મારાં પાંચ અને સાત વર્ષના સંતાનોની નજર સામે થઈ રહ્યું હતું. ઘરનો દરવાજો પણ ઉઘાડો હતો. પાડોશીઓ બધું જોતા હતા અને ઘરે આવેલા મારા ભાઈ પણ.
એ રાતે હું પોલીસ સ્ટેશન જવાની હિંમત કરી શકી ન હતી. હું બહુ ડરી ગઈ હતી. મારાં નાનાં સંતાનો માટે એ બધું બહુ ડરામણું હતું.
બે દિવસ પછી હું મારાં સંતાનોને લઈને પિતા સાથે કારમાં બેઠી ત્યારે મારા પતિએ કારની આગળ કૂદીને અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પછી જે થયું તે સહન કરવું શક્ય ન હતું.
તેમણે મારા 78 વર્ષના પિતાને માર માર્યો હતો. પપ્પાના નાક તથા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
હું તેમને લઈને હૉસ્પિટલે ભાગી પછી પોલીસ સ્ટેશને ગઈ. તેમણે બધી હદ પાર કરી નાખી હતી અને બધી આશા ભાંગી પડી હતી.
2012માં, પહેલી થપ્પડનાં સાત વર્ષ પછી અમે અલગ થઈ ગયાં.
છૂટાછેડા મળવામાં ચાર વર્ષ થયાં હતાં અને સંતાનોની કસ્ટડી માટે મારે અમારા ફ્લૅટનો મારો અડધો હિસ્સો તેમને આપવો પડ્યો હતો.
લગ્ન ખતમ થઈ ગયાં, પણ હિંસા અટકી નહીં.

છૂટાછેડા પછીની હિંસા

ઇમેજ સ્રોત, Science Photo Library
મારા વકીલના ખોટા સૂચનને માનીને મેં મારા પતિ પર ઘરેલુ હિંસાનો કેસ કર્યો ન હતો અને એ કારણે છૂટાછેડા પછી પણ સપ્તાહમાં બે વખત સંતાનોને મળવાનો અધિકાર તેમને મળ્યો હતો.
હું પોલીસ સ્ટેશને ગઈ અને જણાવ્યું કે મને મારા તથા મારાં સંતાનોની સલામતીનો ડર છે, પણ પોલીસે મને એમ કહ્યું હતું કે તમારાં સંતાન, તમારા પતિના સંતાન પણ છે, પછી ડર શેનો?
જોકે, મારો ડર ખોટો ન હતો.
થોડા સમય પછી મારી દીકરીએ મને જણાવ્યું હતું કે પપ્પા તેને મળવા આવે છે ત્યારે ખોટી રીતે સ્પર્શ કરે છે. બાથરૂમમાં ઘૂસી જાય છે, કપડામાં હાથ નાખે છે. એ વખતે મારી દીકરી સાત વર્ષની હતી.
હું ભાંગી પડી હતી. મારી દીકરીને તેના સગા પિતાથી સલામત રાખવાની નોબત આવી હતી.
મેં હિંમત કરીને પૉકસો કાયદા હેઠળ મારા પતિ સામે ફરિયાદ નોંધાવી ત્યારે મારા પતિએ મને બેજવાબદાર માતા ગણાવીને સામા ત્રણ કેસ કર્યા હતા.
પુરાવાના અભાવે કોર્ટે મારા પતિને મારી દીકરીની ફરિયાદ સંબંધે દોષી ગણ્યા ન હતા. તેમને છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમની દીકરી સાથેનો તેમનો સંબંધ એ દિવસે જ ખતમ થઈ ગયો હતો.
તેમણે મારી સામે કરેલા ત્રણેય કેસ તેઓ હારી ગયા હતા. કશું પૂરવાર થયું નહીં.
એ પછી મેં વકીલ બદલી નાખ્યા. બીજા વકીલે મને સલાહ આપી હતી કે મારે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવો જોઈએ.
મેં કેસ જરૂર કર્યો હોત, પરંતુ એ સમયે જિંદગીએ મને સૌથી જોરદાર આંચકો આપ્યો હતો. મારો દીકરો સ્કૂલમાં પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. એ સમયે તે માત્ર દસ વર્ષનો હતો.
એવું લાગતું હતું કે જાણે શરીરમાંથી લડવાની બધી તાકાત ખતમ થઈ ગઈ હોય.
હું બહુ લડી હતી અને હવે થંભી જવા ઇચ્છતી હતી.
એ દરમિયાન હું એક નવા કાઉન્સેલરને મળી હતી. તેમણે મને સૌથી પહેલાં મારી જાતનું ધ્યાન રાખવા અને તેને ધ્યાનમાં રાખીને જ બધા નિર્ણય કરવા પ્રેરિત કરી હતી. હું સંપૂર્ણપણે તૈયાર થઈ જાઉં ત્યારે જ સાચો નિર્ણય કરું.
હવે દીકરી મોટી થઈ ગઈ છે અને કહે છે કે હવે તે લડશે. તે પુખ્ત વયની થશે ત્યારે તેમનાં પર આચરવામાં આવેલી જાતીય હિંસા માટે તેના પિતા સામે લડશે. ન્યાય મેળવશે.
મારી વાત કરું તો મેં બધાને માફ કરી દીધા છે. મારે જેટલું લડવું હતું તેટલું લડી લીધું. હવે મને સંતોષ છે. જિંદગી બહુ નાની છે અને હું તેને ક્રોધ તથા નફરતમાં વેડફવા ઇચ્છતી નથી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે મેં મારી જાતને માફ કરી દીધી છે. હિંસક સંબંધમાંથી બહાર નીકળવા અને મારાં સંતાનોને તે વાતાવરણમાંથી બહાર કાઢવામાં સમય લીધો તે માટેની શરમ અને ગ્લાનિમાંથી બહાર નીકળી ગઈ છું.
હું નસીબદાર છું કે મારો જીવ ન ગયો. સમય લાગ્યો, ઉઝરડા પડ્યા, પણ હવે હું અને મારી દીકરી આઝાદ છીએ.

તમે કોઈ પ્રકારના હિંસાનો સામનો કરતા હો તો રાષ્ટ્રીય મહિલા પંચની હેલ્પલાઈન +91 7827170170 પર ફોન કરી શકો છો.
હિંસાના કિસ્સામાં તમે +91 8793088814 પર કો કરીને અક્સ ક્રાઈસિસ લાઈન પાસેથી પણ મદદ માગી શકો છો.















