નેપાળમાં સરકાર સામે યુવાનો રસ્તા પર ઊતર્યા, વધુ એક મંત્રીનું રાજીનામું, દેશમાં શું ચાલી રહ્યું છે?

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા પછી દેશમાં તેનો ભારે વિરોધ થયો છે અને હિંસા ફાટી નીકળી છે. અત્યાર સુધીમાં વિરોધપ્રદર્શનોમાં 19 લોકોનાં મોત થયાં છે.

દરમિયાન સરકારના બે મંત્રીએ રાજીનામાં આપી દીધાં છે અને સરકાર સામે આરોપો લગાવ્યા છે. રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં અનિશ્ચિત મુદત માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

વિરોધના પગલે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે.

નેપાળ કૅબિનેટના પ્રવક્તા અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનૉલૉજી મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે મંગળવારે રૉઇટર્સને આ માહિતી આપી હતી.

ગુરુંગે રૉઇટર્સને જણાવ્યું હતું કે નેપાળ સરકારે ગયા અઠવાડિયે લાદવામાં આવેલ સોશિયલ મીડિયા પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.

વિરોધપ્રદર્શન દરમિયાન કેટલાય લોકોનાં મોત બાદ વિવાદો વચ્ચે ઘેરાયેલા ગૃહમંત્રી રમેશ લેખકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તેવી જ રીતે કૃષિ અને પશુધન મંત્રી અને નેપાળ કૉંગ્રેસના નેતા રામનાથ અધિકારીએ જેન જી વિરોધપ્રદર્શન દરમિયાન બળપ્રયોગ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને રાજીનામું આપ્યું છે.

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રમેશ લેખકે સોમવાર રાત્રે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જોકે, બેઠકમાં હાજર બે મંત્રીએ બીબીસી નેપાળી સેવા સાથે વાતચીતમાં જણાવ્યું કે વડા પ્રધાને હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.

મોટા ભાગના ઘાયલોને ન્યૂ બાણેશ્વરસ્થિત સિવિલ સર્વન્ટ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

કાઠમંડુથી સ્થાનિક પત્રકાર નરેશ ગવાલીએ ફોન પર બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાને જણાવ્યું હતું કે, "ઓછામાં ઓછા 150 ઘાયલોને વિવિધ હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "ઘણી જગ્યાએ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, સેના પણ રસ્તાઓ પર છે, ભારે અથડામણો થઈ છે. આમ છતાં વિરોધીઓ પાછા હઠ્યા નથી અને મૃત્યુના અહેવાલો પછી પણ વિરોધપ્રદર્શન ચાલુ છે."

પોતાને 'જેન ઝી' – એટલે કે નવી પેઢીના લોકો તરીકે દર્શાવનાર વિરોધપ્રદર્શન કરી રહેલા લોકો સિસ્ટમમાં પ્રવર્તતા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે.

કેપી ઓલીએ બોલાવી સર્વપક્ષીય બેઠક

કેપી ઓલી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેપાળના વડા પ્રધાન કેપી ઓલીએ આજે સાંજે છ કલાકે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે

નેપાળના વડા પ્રધાન કેપી ઓલીએ આજે સાંજે છ કલાકે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

બપોરે અપીલ કરતા ઓલીએ કહ્યું કે, "તેઓ સોમવારે રાજધાની સહિત દેશભરના વિવિધ ભાગમાં થયેલાં વિરોધપ્રદર્શનથી દુખી છે.''

ઓલીએ કહ્યું કે, "સંબંધિત પક્ષો સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે અને એમને શાંતિપૂર્ણ રીતે વાતચીતના માધ્યમથી સમાધાન કાઢવાનો આગ્રહ છે."

ઓલીએ કહ્યુ, "હું બધાં જ ભાઈઓ અને બહેનોને વિનમ્રતાપૂર્વક અનુરોધ કરું છું કે આ કઠીન પરિસ્થિતિમાં સંયમ જાળવે."

વિરોધ દરમિયાન નેપાળ કૅબિનેટના ઘણા મંત્રીઓએ પોતાનાં પદ પરથી રાજીનામું આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ત્રણ વરિષ્ઠ મંત્રી રાજીનામાં આપી ચૂક્યા છે.

થોડા સમય પહેલા, વોટર સપ્લાય મિનિસ્ટર પ્રદીપ યાદવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે પહેલાં ગૃહમંત્રી અને કૃષિ અને પશુપાલન મંત્રીએ રાજીનામું આપી દીધું છે.

આ સિવાય અન્ય સાંસદોએ પણ રાજીનામાં આપ્યાં છે.

નેપાળમાં વધુ એક મંત્રીનું રાજીનામું, સરકાર પર આરોપ લગાવ્યા હતા

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Ramnath Adhikari/FB

ઇમેજ કૅપ્શન, નેપાળ કૉંગ્રેસના નેતા રામનાથ અધિકારીએ રાજીનામું આપી દીધું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેપાળમાં વિરોધપ્રદર્શન દરમિયાન 19 લોકોનાં મોત નીપજ્યાં છે ત્યારે સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે.

કૃષિ અને પશુધન મંત્રી અને નેપાળ કૉંગ્રેસના નેતા રામનાથ અધિકારીએ વિરોધપ્રદર્શન દરમિયાન બળપ્રયોગ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

તેમણે બીબીસી ન્યૂઝ નેપાળ સર્વિસને જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાહેરાત કરી, કારણ કે તેઓ વડા પ્રધાનને મળી શક્યા નથી.

તેમણે ફેસબુક પર લખ્યું કે મને આ જાણીને નવાઈ લાગી કે લોકતંત્રમાં સવાલ પૂછવાનો અને શાંતિપૂર્વક વિરોધ કરવાનો નાગરિકોને સ્વભાવિક અધિકાર છે. આવું સ્વીકારવાના બદલે આપણે વ્યાપક દમન, હત્યાઓ બળપ્રયોગવાળા આપખુદ શાસન તરફ આગળ વધી રહ્યા છીએ.

તેમણે લખ્યું કે, "જે પેઢીએ દેશનું નિર્માણ કરવામાં સહયોગ આપવો જોઈતો હતો, તેની સાથે યુદ્ધ જેવો વ્યવહાર કેમ કરવામાં આવે છે? આ સવાલોના જવાબ શોધ્યા વગર સત્તા પર રહેવું મારા માટે સ્વીકાર્ય નથી."

તેમણે લખ્યું કે "મારો અંતરાત્મા મને ચેતવણી આપે છે કે નાનાં બાળકોની હત્યા અને અત્યાચાર પછી સરકારમાં મારી સેવા ચાલુ રાખવી એ મારી નૈતિકતા અને મારી પાર્ટી દ્વારા અપાયેલા શિક્ષણની વિરુદ્ધ છે. હું મારી સત્તાવાર જવાબદારીઓ સાથે વળગી રહેવા બદલ મારી જાતને દોષિત અનુભવું છું."

અગાઉ દેશના ગૃહમંત્રી રમેશ લેખકે સોમવારે રાજીનામું આપ્યું હતું.

બીજી તરફ નેપાળ કૉંગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાના ગૃહ જિલ્લામાં ફરીથી પ્રદર્શનો શરૂ થયાં છે.

કાઠમંડુના અનેક વિસ્તારોમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યૂ

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિરોધપ્રદર્શન કરનારાઓને અંકુશમાં રાખવા સરકાર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે

નેપાળમાં સોમવારે થયેલાં હિંસક પ્રદર્શનો પછી કાઠમંડુના ત્રણ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં અનિશ્ચિત મુદત માટે કર્ફ્યૂ જાહેર થયો છે.

આ ઉપરાંત ઇટાહારી અને સુનસરીમાં પણ અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

વહીવટીતંત્ર મુજબ કાઠમંડુ મેટ્રોપૉલિટન સિટી રિંગ રોડ ક્ષેત્રમાં સવારના 8.30 વાગ્યાથી કર્ફ્યૂ અમલમાં રહેશે. ઇટાહારીમાં સોમવારે બે પ્રદર્શનકારીઓનાં મોત થયાં હતાં.

અહીં શહેરના કેટલાક ભાગોમાં સભાઓ, જુલૂસ, પ્રદર્શન,બેઠકો અને ઘેરાબંધી પર રોક લગાવવામાં આવી છે અને અનિશ્ચિત મુદત માટે કર્ફ્યૂની ઘોષણા કરવામાં આવી છે.

યુવાનોનો વિરોધ, રસ્તાઓ પર સેના

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે સવારે હજારો વિરોધીઓ કાઠમંડુના સિંહ દરબારમાં એકઠા થયા હતા અને પછી ન્યૂ બાણેશ્વરમાં આવેલા સંસદભવન તરફ કૂચ કરી હતી.

બીબીસી સંવાદદાતા કેશવ કોઈરાલાના જણાવ્યા અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓ બેરિકેડ પાર કરીને સંસદભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અથડામણ થઈ હતી અને પોલીસે બળપ્રયોગ કર્યો.

રાષ્ટ્રપતિ ભવન, શીતલ નિવાસ, નારાયણ દરબાર મ્યુઝિયમ, વડા પ્રધાન નિવાસસ્થાન અને સંસદ ભવનની આસપાસ રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

નેપાળ સેનાના પ્રવક્તા અને સહાયક જનરલ રાજારામ બસનેતના જણાવ્યા મુજબ, "વિરોધપ્રદર્શન કરી રહેલા લોકો બેકાબૂ બની ગયા છે અને પ્રતિબંધક આદેશોનો ભંગ કરી રહ્યા છે."

કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત પછી તરત જ, નેપાળ સેનાના સૈનિકોને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યા હતા.

રાજારામ બસનેતે જણાવ્યું હતું કે, "લેખિત આદેશ મળ્યા પછી, શાંતિ જાળવવા માટે એક નાની લશ્કરી ટુકડી મોકલવામાં આવી છે."

અધિકારીઓનું કહેવું છે કે પ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોએ સંસદભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હિંસાના અહેવાલો છે અને ઘણા ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

નેપાળથી આવી રહેલી તસવીરો અને વીડિયોમાં હજારો પ્રદર્શનકર્તાઓ જોવા મળે છે. વિરોધપ્રદર્શનમાં ભાગ લેનાર એક વિદ્યાર્થીએ એક બેનર પકડ્યું હતું જેના પર લખ્યું હતું, "ભૂકંપની કોઈ જરૂર નથી, નેપાળ દરરોજ ભ્રષ્ટાચારથી હચમચી રહ્યું છે."

યુવાનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. થોડા મહિના પહેલાં, નેપાળમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવા માટે એક આંદોલન થયું હતું. તે દરમિયાન પણ, વિરોધીઓએ સિસ્ટમમાં પ્રવર્તતા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

દેશમાં વિરોધ કેમ થયો?

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

નેપાળ સરકારે ગયા અઠવાડિયે 26 પ્લૅટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઍપ જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓને દેશના કાયદાનું પાલન કરવા, સ્થાનિક ઑફિસો ખોલવા અને ફરિયાદ માટે અધિકારીઓની નિમણૂક કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

ચીનની સોશિયલ મીડિયા કંપની ટિકટૉકે સમયસર આ શરતોનું પાલન કર્યું, તેથી ટિકટૉક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહીં.

નેપાળના લોકો મોટી સંખ્યામાં વિદેશમાં રહે છે. મૅસેજિંગ ઍપ્સ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ, વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને તેમના પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પછી પ્રદર્શન માટે હાકલ

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર પ્રતિબંધ બાદ યુવાનોએ વિરોધપ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

નેપાળમાં હાલમાં ટિકટોક ચાલી રહ્યું છે. આયોજકોએ ટિકટોક પર ઘણા વીડિયો શૅર કર્યા હતા અને યુવાનોને વિરોધપ્રદર્શનમાં જોડાવા અપીલ કરી.

ટિકટોક પર 'નેપો બેબી' ટ્રેન્ડ પણ શરૂ થયો હતો, જેમાં રાજકારણીઓનાં બાળકોના વૈભવી જીવનના ફોટા અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આમાં, પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે રાજકારણીઓ તેમનાં બાળકોને ફાયદો કરાવી રહ્યા છે પરંતુ દેશ માટે કામ નથી કરી રહ્યા.

ઘણા વીડિયોમાં નેપાળના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોના મુશ્કેલ જીવન અને નેતાઓના આરામદાયક જીવનની તુલના પણ કરવામાં આવી હતી.

ગયા ગુરુવારે નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારથી, યુવાનો તેની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે.

દેશભરમાં પોલીસની દેખરેખ

નેપાળ, જેન ઝી આંદોલન, હિંસક પ્રદર્શનો, આંદોલનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળ પોલીસ માત્ર કાઠમંડુમાં જ નહીં પરંતુ દેશના ઘણા ભાગોમાં પણ દેખરેખ રાખી રહી છે.

પોલીસ પ્રવક્તા બિનોદ ઘિમિરેના જણાવ્યા અનુસાર, સોમવાર સવારથી જ કાઠમંડુ અને અનેક મોટા શહેરોમાં દેખાવો ચાલી રહ્યા છે.

ઘિમિરેએ બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું હતું કે, "માત્ર કાઠમંડુમાં જ નહીં પરંતુ અન્ય ઘણાં શહેરોમાં પણ વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. પોલીસ દળો તેમના પર નજર રાખી રહ્યાં છે. શાંતિવ્યવસ્થા જાળવી રાખવા માટે અને દરેક પરિબળનું ધ્યાન રાખવા માટે પોલીસ દળોને તહેનાત કરવામાં આવ્યાં છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન